લેખ:- ભારત દેશને એક પત્ર.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
વ્હાલા ભારત દેશ,
કેમ છે? શું? મજામાં નથી? મને ખબર જ હતી. તારો આ જ જવાબ હશે. અને શું કામ નહીં હોય! અત્યારે જે બધું ચાલી રહ્યું છે દેશમાં તે જોતાં તુ મજામાં નહીં હોય એ સ્વાભાવિક છે.
નથી દેશની દીકરીઓ સલામત, કે નથી એકલા રહેતાં વૃદ્ધો સલામત. જ્યાં જુઓ ત્યાં લોકો હડતાલ પર હોય છે. ડૉક્ટર પોતાની માંગણીઓ પૂરી ન થતાં પોતાનું કર્તવ્ય ભૂલી જઈને હડતાલ પર ઉતરી જાય છે, ભલે દર્દીઓ મૃત્યુ પામે. આ જોઈને કદાચ તુ પોતે પણ દુઃખ અનુભવતો જ હશે, એમ વિચારીને કે ધન્વંતરિ અને ચરકનાં દેશમાં આવું?
શિક્ષકો પોતાનું કર્તવ્ય ભૂલીને શિક્ષણને ધંધો બનાવી રહ્યાં છે. જ્યાં જુઓ ત્યાં ટ્યુશનની હાટડીઓ ખુલી ગઈ છે. પોતાની પડતર માંગને લઈને હડતાલ પર ઊતરે છે, શિક્ષણ કાર્યથી દૂર રહે છે. બાળકોનાં ભાવિ સાથે એમને કોઈ લેવાદેવા નથી. આ જોઈને પણ તને દુઃખ થતું જ હશે. જે દેશમાં ગુરુ ભગવાન કરતાં પણ પહેલા પૂજાતો હોય ત્યાં આ ભ્રષ્ટાચાર તને દુઃખ પહોંચાડે જ. આટલું ઓછું હોય તેમ શિક્ષકોએ ભણાવવા સિવાય પણ ઘણાં બધાં કાર્યો કરવા પડે છે. ઉપરાંત, ઘણાં તો એવાં હોય છે જેમને ભણાવવામાં સ્હેજે રસ નથી, પણ શિક્ષક બની ગયા છે. બીજી બાજુ ઘણાં એવા પણ શિક્ષકો છે જેમને માત્ર પોતાનાં વિદ્યાર્થીઓની પ્રગતિ કેવી રીતે થાય એ જ દેખાય છે અને સતત પોતાને આને માટે નવી પદ્ધતિઓથી સજ્જ કરતાં રહે છે.
દેશની દીકરીઓ કે સ્ત્રીઓ મોડી રાત્રે બહાર નીકળી શકતી નથી. તેઓ પોતાની જાતને અસલામત સમજે છે, અને શું કામ ન સમજે? એક પણ દિવસ બળાત્કારનાં સમાચાર વગરનો નથી જતો. અરે! બહારનાં પુરુષો તો છોડો, હવે તો ઘરનાં પુરુષો જ લાજ લૂંટી જાય છે. પિતરાઈ ભાઈ બહેનનાં સંબંધને પણ ગ્રહણ લાગ્યું છે. પિતરાઈ ભાઈ પણ પોતાની બહેનની લાજ લૂંટતા નાનમ નથી અનુભવતો. તો તને જ્યારે અમે બધાં ભારત માતા કહીએ છીએ તો સહજ રીતે આવી ઘટનાઓ તને વિચલિત કરતી જ હશે.
સરકારનાં અણઘડ કાયદાઓને લીધે દેશનું યુવાધન દેશની બહાર જઈ રહ્યું છે. એ તને નહીં ગમે - સમજી શકાય છે. જે દેશમાં મહાન દેશભક્તો થઈ ગયા હોય એ દેશમાં જ દેશનાં યુવાઓ દેશમાં રહેવા તૈયાર ન રહેતાં હોય તો દુઃખ તો થાય જ ને! દેશનાં સાંસ્કૃતિક નૃત્યો શીખવાને બદલે નાનાં બાળકોને પશ્ચિમી સંસ્કૃતિનાં નૃત્યો શીખવાનું વધારે ગમે છે.
મોંઘવારીએ માઝા મૂકી છે. કેટલાંય બાળકો અને પરિવારો ભૂખ્યાં સૂઈ જાય છે. એક ટંકનું ખાવાનું મેળવતાં એમને ફાંફાં પડી જાય છે. કેટલીક સામાજિક સંસ્થાઓ છે, જે ભૂખ્યાને ભોજન આપે છે પણ એમને પણ મોંઘવારી તો નડે જ છે. કેટલાંય માતા પિતા પોતાનાં બાળકોને યોગ્ય શિક્ષણ અપાવી શકતાં નથી, તો કેટલાંય એવાં માતા પિતા છે જેઓ બાળકને ભણાવી શકે એવી આર્થિક સ્થિતિ હોવાં છતાં સરખી રીતે ભણાવવાને બદલે એમને વધારે પડતી સુખ સગવડો આપી પાંગળા બનાવી દે છે. આવા બાળકો પોતાની જાત માટે જ માતા પિતા પર આધાર રાખતાં હોય તો તારા માટે તો શું કરી શકશે? દાનવીર કર્ણના દેશમાં આવી હાલત! ખરેખર દેશ તરીકે તને આ બાબત નહીં જ ગમે!
દેશનાં વીર સપૂતો માત્ર જરૂરિયાત સમયે જ યાદ આવે છે. કેટલાંય વીર શહીદો વિશે તો લોકો જાણતાં પણ નથી. આવા સમયે તને ગુલામીમાંથી આઝાદ કરાવનારને ભૂલી જવાય એ યોગ્ય નથી જ! તને અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદી મળી જ ગઈ, પરંતુ એનાથી ય મોટાં બંધનમાં તુ બંધાઈ ગયો હોય એવું તને અનુભવાતું હશે!
દેશનાં નેતાઓ દેશનું સુસંચાલન કરવાને બદલે, એકબીજાને મદદ કરવાને બદલે માત્ર અને માત્ર એકબીજાની ભૂલો અને સત્તા પક્ષે ન કરેલ કાર્યો ગણવાનું જ કામ કરે છે. શું દેશ માટે કંઈક કરવા પોતાની પાસે સત્તા હોવી જરૂરી છે? 'મારો દેશ' - એવી ભાવના જાગે તો કોઈ સત્તા મળે એવી રાહ જોવાની જરૂર પડતી નથી. આથી જ કદાચ તુ હ્રદયભગ્ન સ્થિતિમાં હશે!
બસ, તારી આ જ સ્થિતી જોઈને મને પણ દુઃખ થાય છે. તારી જેમ હું પણ લાચાર છું.
લિખિતંગ,
તારી આ સ્થિતી જોઈને દુઃખી થનાર,
તારી જ એક ભક્ત,
સ્નેહલ જાની.