પેલા 'Heart' ઈમોજી પછીના દિવસો કાવ્યા માટે એક નવી જિંદગીની શરૂઆત સમાન હતા. દુનિયા માટે કદાચ એ માત્ર એક નાનકડો મેસેજ હતો, પણ કાવ્યા માટે એ તેના અસ્તિત્વનો સ્વીકાર હતો. તેને હવે સમજાઈ ગયું હતું કે પ્રેમ એટલે માત્ર કોઈનો હાથ પકડીને સાથે ચાલવું એ જ નથી, પણ કોઈના વિચારોમાં રહીને પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવી એ પણ પ્રેમ જ છે.
ઓફિસના ન્યૂઝ ડેસ્ક પર કાવ્યા હવે પહેલા કરતાં વધુ સક્રિય અને ઉર્જાવાન જણાતી હતી. તેની કલમમાં હવે એક નવો ધાર અને એક નવી સંવેદના હતી. જે પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ હતી, પણ આર્યન સરના મૌન સ્વીકારે તેને ફરીથી પોતાની જાત સાથે પ્રેમ કરતા શીખવી દીધું. હવે તે ઓફિસમાં વધુ આત્મવિશ્વાસથી કામ કરતી. તેના લખાણમાં હવે માત્ર સમાચાર નહોતા, પણ એક જીવંત સંવેદના હતી. જે પત્રકાર ક્યારેક એકલતાથી ડરતી હતી, તે હવે પોતાના એકાંતને પણ માણતી થઈ ગઈ હતી.
એક દિવસ આર્યન સર સાથે ફોન પર વાત થતી હતી ત્યારે સરે બહુ જ સહજતાથી પૂછ્યું, "કાવ્યા, હવે તું તારી જિંદગીના આ મોડ પર કેવી અનુભૂતિ કરે છે? શું તને હજુ પણ એવું લાગે છે કે તું અધૂરી છે?"
કાવ્યાએ બારી બહાર આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈને સ્મિત સાથે જવાબ આપ્યો, "સર, હવે મને કોઈ ફરિયાદ નથી. મેં સ્વીકારી લીધું છે કે અમુક પુસ્તકોના છેલ્લા પાના કોરા હોય તો જ એ વાર્તા અમર બને છે. તમે મારા નથી એ સત્ય છે, પણ હું તમારી છું એ મારો હક છે. અને આ હક જ મને જીવવા માટે પૂરતો છે."
કાવ્યાના આ શબ્દોમાં જે પરિપક્વતા હતી, તેણે આર્યન સરને પણ ક્ષણવાર માટે મૌન કરી દીધા. તેઓ સમજી ગયા હતા કે તેમની આ શિષ્યા હવે માત્ર એક ભાવુક સ્ત્રી નથી રહી, પણ એક આત્મનિર્ભર અને મજબૂત વ્યક્તિત્વ બની ગઈ છે.
કાવ્યાએ હવે તેના સંઘર્ષને પણ નવી દિશા આપી. આ હિંમત તેને આર્યન સરના એ જ વિશ્વાસમાંથી મળી હતી કે— 'તું એકલી નથી, તારું આત્મસન્માન તારી સાથે છે.' તે હવે દરરોજ તૈયાર થતી, કાજલ લગાવતી અને આત્મવિશ્વાસ સાથે ઓફિસ જતી. તેના ચહેરા પરનું સ્મિત હવે કોઈના જવાબ પર નિર્ભર નહોતું, કારણ કે તે અંદરથી તૃપ્ત હતી.
વાર્તાના અંતિમ પડાવ પર, કાવ્યા પોતાની ડાયરીના છેલ્લા પાને આ શબ્દો કંડારે છે:
"લોકો પૂછે છે કે તમારી પ્રેમકહાનીનું શું થયું? હું હસીને કહું છું કે એ તો અમર થઈ ગઈ. જે કહાની પૂરી થઈ જાય એ તો પુસ્તક બનીને કબાટમાં પુરાઈ જાય, પણ જે અધૂરી રહે એ તો શ્વાસ બનીને હૃદયમાં ધબકતી રહે છે. આર્યન સર મારા નસીબના પાને ભલે ના લખાયા હોય, પણ મારા આત્માના દસ્તાવેજ પર તેમનું નામ કાયમ રહેશે. મેં તેમને પામ્યા વગર જ મેળવી લીધા છે. અમુક તરસ એવી હોય છે જે છિપાઈ જાય તો સામાન્ય બની જાય, પણ જો તરસ બાકી રહે તો એ ભક્તિ બની જાય છે."
આજે કાવ્યા એક સફળ પત્રકાર, એક પ્રેમાળ માતા અને સૌથી વધુ તો એક 'પૂર્ણ સ્ત્રી' છે. તેની આ સફર એ વાતની સાક્ષી છે કે અધૂરાશમાં પણ એક અનોખી પૂર્ણતા છુપાયેલી હોય છે. પ્રેમ એટલે મેળવવું નહીં, પણ કોઈના આદરમાં પોતાને ઓગાળી દઈને ફરીથી નવો જન્મ લેવો.
કાવ્યાએ ડાયરી બંધ કરી અને મંદ સ્મિત સાથે આકાશ તરફ જોયું. દૂર ક્યાંક રેડિયો પર ગીત વાગી રહ્યું હતું, પણ કાવ્યાના કાનમાં તો હજુ પણ પેલો 'હાલો' શબ્દ જ ગુંજતો હતો... અને તેના હોઠ પર એક જ નામ હતું— 'આર્યન સર'.
સમાપ્ત
લેખિકા: કિંજલ પટેલ