2025 ઘણા માટે સહેલું વર્ષ નહોતું. કેટલાંક માટે એ વર્ષ હતું જેમાં સપનાઓ ધીમે ધીમે ચૂપ થઈ ગયા, સંબંધો અજાણ્યા બની ગયા, અને પોતાની અંદરની શક્તિ પર પણ શંકા થવા લાગી. કેટલાંક એવા હતા જેમણે બહારથી બધું સંભાળેલું બતાવ્યું, પણ અંદરથી રોજ તૂટી રહ્યા હતા. જીવન ક્યારેક એવું બની જાય છે કે ચાલતા રહેવું પડે છે — રોકાવાનો અધિકાર હોવા છતાં પણ.
આ વર્ષમાં ઘણાએ હાર નથી માની, પરંતુ થાક સ્વીકાર્યો. એ થાક કમજોરી નહોતો; એ તો લાંબા સમય સુધી મજબૂત રહેવાનો પુરાવો હતો. કેટલાક લોકો આ વર્ષમાં ચૂપ થઈ ગયા, કારણ કે શબ્દો કામ ના લાગ્યા. કેટલાક દૂર થઈ ગયા, કારણ કે નજીક રહેવું વધુ પીડાદાયક બન્યું. અને કેટલાક તો પોતાના જ જીવનમાં અજાણ્યા બની ગયા.
પરંતુ એક સત્ય છે — જે તૂટે છે, એ તૂટવું ઘણી વાર નવી સમજણ માટે જગ્યા બનાવે છે. જ્યારે જીવન બધું લઈ લે છે એવું લાગે છે, ત્યારે તે અંદર કંઈક શાંતિ છોડી જાય છે — શાંત, પણ મજબૂત. એ શાંતિ કોઈ ચમત્કાર નથી; એ અનુભવની ભેટ છે.
2025એ ઘણું માંગ્યું. સમય, વિશ્વાસ, સંબંધો, અને ક્યારેક તો આત્મવિશ્વાસ પણ. પણ એ વર્ષએ એ પણ શીખવ્યું કે દરેક રાત પછી સવાર પડે છે. કદાચ તરત નહીં, કદાચ પોતાની ઇચ્છા મુજબ નહીં — પરંતુ આવે છે. આશા ઘણી વાર અવાજ નથી કરતી, પરંતુ જીવંત રહે છે.
આ કપરા સમયમાં ઘણી સમજદારીની વાતો અને સાચી વાત પણ ઝેર જેવી લાગે છે, કારણ કે હૃદય ઘાયલ હોય છે. લોકો સમજાવે છે — “સમજ,” “સહન કર,” “મજબૂત બન” — પરંતુ તેઓ આપણને નથી સમજતા. તેઓ આપણી પરિસ્થિતિ વિશે બોલે છે, તારા મનની અંદર શું ચાલે છે એ નથી જોઈ શકતા.
એટલે જ એક ક્ષણ આવી જાય છે જ્યાં આપણે સમાજ માં અદૃશ્ય થઈ જઈએ છીયે લોકોને મળવા , બોલવાનું ટાળીએ છીયે, એ ક્ષણ હાર નથી, એ થાક છે. અને એ થાકમાં એક શાંત સમજ જન્મે છે — લોકો નહીં, પરિસ્થિતિ સમજવી છે. કારણ કે લોકો પોતાની સમજ મુજબ બોલસે એ પણ ખોટા નથી , પણ પરિસ્થિતિ તને તારા સત્ય સામે ઊભો રાખે છે.
દુઃખમાં આવેલી કેટલીક વાતો સારી લાગતી નથી, એ સમયે સાચું હોવું જરૂરી છે. અને સાચું ઘણી વખત કડવું જ હોય છે. જ્યારે બધું સમજાવવું બંધ થઈ જાય છે, ત્યારે સ્વીકાર શરૂ થાય છે. એ સ્વીકાર જ અંદરની શાંતિ તરફનો પહેલો પગથિયું બને છે.
હવે જ્યારે નવું વર્ષ આવી રહ્યું છે, ત્યારે આપણે એ વચન નથી આપતા કે બધું સારું થઈ જશે. હું એમ પણ નથી કહેતો કે બધું એમ જ રહેશે એવું પણ નથી. કદાચ આવનાર વર્ષ સહેલું ન હોય, પણ વધુ સમજદાર હશે. કદાચ દુઃખ તરત ઓછું ન થાય, પણ એને સહન કરવાની શક્તિ વધશે.
આ લખાણ એ બધા માટે છે જે પડી ગયા છે, પણ ઊભા થવાનો વિચાર છોડ્યો નથી. જે તૂટી ગયા છે, પણ કડવાશ પસંદ નથી કરી. જે હજુ પણ વિશ્વાસ રાખે છે — લોકો પર નહીં, પરિસ્થિતિ પર નહીં, પરંતુ પોતાની અંદરની ક્ષમતામાં
યોગસ્થઃ કુરુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ધનઞ્જય ।સિદ્ધ્યસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે
અર્થાત્ —
આસક્તિ છોડીને, સફળતા-અસફળતામાં સમ રહીને કર્મ કર; આ સમભાવ જ યોગ છે પાર્થ...
ચાલો, આવનાર વર્ષને ડર સાથે નહીં, પણ નરમ આશા સાથે આવકારીએ..
ઓછું દેખાડશું, વધુ જીવશું.
ઓછું સાબિત કરીશું, વધુ સ્વીકારશું.
2025 કદાચ કઠિન હતું.
પણ આવનાર વર્ષ સારું હશે — એ આશા નહીં, એ વિશ્વાસ સાથે
જય શ્રી કૃષ્ણ