Dakait - 1 in Gujarati Thriller by Yatin Patel books and stories PDF | ડકેત - 1

Featured Books
Categories
Share

ડકેત - 1

ધીમે ધીમે રાત જામી રહી હતી. ઘનઘોર શિવધાર જંગલમાં અંધકાર પગ પસારો કરી રહ્યો હતો. ધુવડનો ભયંકર અવાજ જાણે સંકેત આપી રહ્યો હતો કે આ મારો વિસ્તાર છે.
આવા સમયે, એક બળદગાડી ધીરે ધીરે આગળ વધી રહી હતી. નંદલાલ, એક ધર્મપુર ગામનો સમૃદ્ધ વેપારી, પોતાના માલસામાન અને પાંચ વર્ષના બાળક કિશનને લઈને ગઢ શિવાંજલિ તરફ જઈ રહ્યો હતો. આ રસ્તો તેના ધંધાની મુખ્ય ધમની હતો, પણ ડાકુઓના ડરથી બધા લોકો તેને ટાળતા હતા.
બળદોએ ઘણી મુશ્કેલીથી ચઢાણવાળો રસ્તો પસાર કર્યો. જેમ ગાડી સપાટી પર આવી, ત્યાં જ રસ્તામાં પથ્થર અને ઝાડી-ઝાંખરા પડ્યાં હતાં, જેનાથી રસ્તો બંધ હતો.
નંદલાલના નોકર, કાળુએ કહ્યું, "શેઠ, તમે ગાડીમાંથી ઉતરતા નહીં. હું આ પથ્થર દૂર કરવાનો પ્રયત્ન કરું છું."
જેવો કાળુ પથ્થર ધકેલવાનો પ્રયાસ કરે છે, એટલામાં એક જોરદાર ધડાકો સંભળાય છે,
 એ બંદૂકની ગોળી છૂટવાનો અવાજ હતો. ચાર-પાંચ બંદૂકધારી લોકો એમનાં પર ધસી આવ્યા. જોતજોતામાં વેપારી, બાળક અને નોકરના માથે બંદૂક મૂકાઈ ગઈ.
ટોળકીનો સરદાર, જેની આંખોમાં ક્રૂરતા તરવરી રહી હતી, તેણે કહ્યું:  શેઠ, તારી પાસે જે કંઈ હોય એ અમારા હવાલે કરી દે, નહીં તો જીવથી જ‌ઈશ.
નંદલાલ ગભરાયેલા સ્વરે બોલ્યો: સરદાર... ભાઈ... મારી પાસે જે કંઈ છે, તે હું તમને આપી દ‌ઈશ. તમે મારા બાળક અને આ નિર્દોષ નોકરને કંઈ ન કરતા.
સરદારના ઈશારાથી નંદલાલે સોના-ચાંદીના દાગીના, કિંમતી રત્નો અને રોકડા રૂપિયાની થેલીઓ બહાર કાઢીને ડાકુઓના પગ પાસે મૂકી દીધી.
ડાકુઓ લૂંટનો સામાન ભેગો કરવામાં વ્યસ્ત હતા, ત્યારે કાળુએ એક સાહસિક પગલું ભર્યું. તેણે પોતાની પાસે છુપાવેલું એક નાનું ધારદાર છરું બહાર કાઢ્યું અને સરદાર તરફ ધસ્યો.
ખબરદાર! 
 જંગલમાં છુપાયેલા અન્ય ડાકુએ બૂમ પાડી.
કાળુએ હિંમતપૂર્વક એક ડાકુના પગ પર છરાનો ઘા કર્યો. ડાકુ દર્દથી ચીસ પાડી ઊઠ્યો. પણ આટલી જ ક્ષણમાં બીજા ડાકુએ બંદૂકનો કુંદો કાળુના માથા પર જોરથી ફટકાર્યો. કાળુ લોહીલુહાણ થઈને જમીન પર ઢળી પડ્યો.

તારી આટલી હિમ્મત?! સરદારે ક્રોધમાં નંદલાલના માથા પર બંદૂક ભિડાવી દીધી.

       ડાકુઓ પોતાનો લૂંટેલો માલ લઈને અંધકારમાં અદ્રશ્ય થઈ ગયા. નંદલાલે તેના બાળકને છાતી સરસું ચાંપ્યું અને કાળુને સંભાળવા લાગ્યો. તે વેપારી હતો, યોદ્ધો નહીં, પણ તે રાત્રે, નંદલાલે પોતાના જીવનમાં પહેલીવાર ન્યાય માટે લડવાનો સંકલ્પ લીધો. તે જાણતો હતો કે ડાકુઓના આ ત્રાસનો અંત લાવવો જ પડશે.


              બીજી બાજુ ગઢ શિવાંજલિના વિશાળ કિલ્લા પર પૂર્ણિમાનો ઉજાસ નહોતો, માત્ર અમાસનો સન્નાટો પથરાયેલો હતો. આજે ગઢના પ્રેમાળ અને ન્યાયી ઠાકુર માનસિંહજી આ દુનિયા છોડી ગયા હતા. ગઢના આંગણે હજારો લોકો માથું ઝુકાવીને ઊભા હતા, તેમના ચહેરા પર શોક અને આવનારા અંધકારનો ડર સ્પષ્ટ વર્તાતો હતો.
માનસિંહજીના મૃત્યુના બીજા જ દિવસે, ગઢનું ભાગ્ય પલટાઈ ગયું. તેમના પિતરાઈ ભાઈ, જયસિંહ, જેમની આંખોમાં ધનની લાલસા સિવાય કશું નહોતું, તેમણે તરત જ સત્તા સંભાળી લીધી. જયસિંહની પહેલી જાહેરાત એક ક્રૂર ફરમાન હતી:

      બધાએ આગામી પખવાડિયામાં પાછલા છ મહિનાનો બાકી કર અને આ વર્ષનો અગાઉનો કર ભરવો પડશે! જો કોઈ આનાકાની કરશે, તો તેની જમીન અને ઢોર-ઢાંખર જપ્ત કરવામાં આવશે!

        ગઢના ચોકમાં ઢોલ વગાડીને સંભળાવવામાં આવેલા આ ફરમાને ગરીબોના પેટ પર જાણે ભૂખનો પહાડ તોડી પાડ્યો.
       આ ક્રૂર દ્રશ્ય એક યુવાન, અનિરુદ્ધસિંહ, અંધારામાં છુપાઈને જોઈ રહ્યો હતો. તે ગઢનો સાચો વારસદાર હતો, પણ પંદર વર્ષથી જયસિંહના માણસોથી છુપાઈને જંગલની ધાર પર આવેલી એક જર્જરિત હવેલીમાં તેની માતા, રાજમાતા લક્ષ્મીબા સાથે રહેતો હતો.

       એક સાંજે, હવેલીના એકાંત ખંડમાં, રાજમાતાએ અનિરુદ્ધસિંહને કહ્યું,  બેટા, જયસિંહે આપણો ગઢ છીનવ્યો, રાજવી વૈભવ છીનવ્યો, પણ તારી અંદર રહેલો ‘ધર્મ’ કોઈ ન છીનવી શકે. એક રાજા હથિયારથી લડે છે, પણ એક વારસદાર પોતાના લોકોના વિશ્વાસથી લડે છે. તારું સિંહાસન આ ગઢ નથી, તારું સિંહાસન તારા લોકોનું હૃદય છે.
માતાના શબ્દો અનિરુદ્ધસિંહના હૃદયમાં સંકલ્પનું તેજ બનીને કોતરાઈ ગયા.
        બીજા જ દિવસે, અનિરુદ્ધસિંહ તેના સૌથી વિશ્વાસુ બાળપણના મિત્ર, રતન સાથે ગામડામાં ગયો. રતન, જે એક ખેડૂતનો પુત્ર હતો, તે ગરીબોની પીડાને નજીકથી જાણતો હતો.
રસ્તામાં તેમણે જોયું કે જયસિંહના સૈનિકોએ એક ખેડૂતની આખી મહેનતનું અનાજ ભરેલો ગાડાનો ઢગલો આગ લગાવીને બાળી નાખ્યો હતો, કારણ કે તે કર ભરવા સક્ષમ નહોતો.

આ જોયું, રતન? અનિરુદ્ધસિંહે સખત મુઠ્ઠી વાળીને કહ્યું, જયસિંહ  માત્ર પૈસા નથી લૂંટતો, તે તો માણસોની જિંદગીની આશા લૂંટે છે. કાયદાથી તો હવે ન્યાય નહીં મળે.
અનિરુદ્ધસિંહે નિર્ણય લીધો. તે જ રાત્રે, તેણે પોતાના રાજકુમારના કપડાં બાળી નાખ્યા. તેણે ઘેરા કાળા રંગનો પોશાક પહેર્યો, મોંઢાનો અડધો ભાગ કાળા મખમલના માસ્કથી ઢાંક્યો, અને પીઠ પર તેનું અચૂક નિશાન લગાવતું તીરકામઠું સજ્જ કર્યું. 
તેણે આ નામ રતનને પહેલીવાર કહ્યું: "ડકેત."
રતન ભય અને આશ્ચર્યથી બોલ્યો, "ડકેત? ઠાકુર, આપણે ડાકુ કહેવાઈશું."
અનિરુદ્ધસિંહે આકાશ તરફ જોયું. “જે ધનવાનને લૂંટીને ગરીબોને આપે, તે ડાકુ નથી, રતન. ડાકુ તો ડર પેદા કરે, પણ હું વિશ્વાસ પેદા કરીશ. લોકોને ખબર પડવી જોઈએ કે તેમની આસપાસ એક એવું બળ છે, જે રાતે ચોરી કરે છે, પણ દિવસે ધર્મનું કામ કરે છે.”
આમ, ગઢના સાચા વારસદારે પોતાનો અસલી ચહેરો, નામ અને ભવિષ્ય ત્યાગી દીધું.

હવે આગળ શું થાય છે? શું નંદલાલ કાળુ ને બચાવી શકશે? શું એ ડાકુઓનો સામનો કરશે? અને કરશે તો કઈ રીતે કરશે? કેવી રીતે અનિરુદ્ધ સિંહ જયસિંહના અત્યાચારથી લોકોને બચાવશે? જયસિંહ વિરુદ્ધ લોકોમાં કઈ રીતે હિંમત પેદા કરશે? નંદલાલ અને અનિરુદ્ધ સિંહ બંને એકબીજાના પૂરક કઈ રીતે બનશે? જાણવા માટે વાંચતા રહો ડકેત....