એક 30-35 વચ્ચેની વય ધરાવતું આ યુગલ મનન અને માનુષી, ક્લિનિકના થેરાપી રૂમમાં ગોઠવાયાં, શરૂઆતી ફોર્માલિટી પૂર્ણ થઈ અને માનુષીની આંખોમાંથી પ્રવાહી વહેવાનું શરૂ થયું અને એ જ સાથે મનનનો ગુસ્સો કોઈ બંધુકની ગોળી છૂટી હોય એમ છૂટયો, "મેડમ, તમને ખબર નથી આના આ આંસુઓ અને અકારણ ડરના કારણે અમારું 10 વર્ષનું લગ્નજીવન અત્યારે હિચકોલા ખાઈ રહ્યું છે, એને મારી સાથે ફરવા નથી આવવું, કોઈ ફેમિલી સાથેની ટ્રીપ નથી કરવી, નથી પોતાની કોઈ મિત્રની સાથે કોઈ મુસાફરી કરવી? આ બધી વસ્તુઓને મેં આજ સુધી અવગણી પણ હવે તો હદ થઈ ગઈ!, મને મારી કંપની 3 વર્ષ માટે USA મોકલી રહી છે એ પણ પરિવારની સાથે, કેમ કે આ લાંબો પ્રોજેકેટ છે, અને સાથે પ્રમોશન પણ મળી રહ્યું છે, હું આ તકને કોઈ રીતે ના છોડી શકું કેમ કે આ મારા જીવનનો મોટો વળાંક બની શકે છે, પણ માનુષી! "
"પણ માનુષીનું શું ?" મેં આશ્ચર્ય સાથે પ્રશ્ન ઉમેર્યો. આ વખતે માનુષીએ મૌન તોડયુ, "મેડમ, એમ જ કે હું એમના કરિયરની આડે આવું છું, મારા કારણે એમની પ્રગતિ રૂંધાઈ છે, એટલે જ મારે એમને મુક્ત કરી દેવા છે, મારે ડિવોર્સ જોવે છે." અને ફરી એકવાર આંસુઓની વર્ષા અનરાધાર વરસી પડી.
બે - ત્રણ સેશન્સ અને ક્લિનિકલ અસેસમેન્ટથી એ સાબિત થયું કે, માનુષીને 'હોડોફોબિયા' (Hodophobia) (મુસાફરી કરવાનો અતાર્કિક ભય) છે, જે ઘણી બધી જગ્યાએ એમના જીવનમાં સમસ્યા બની રહી છે, આ નિદાન (Diagnosis) થી મનનને પણ સમજાયું કે, માનુષી મુસાફરી ટાળતી નથી પણ એની માનસિક સ્થિતિ એને મુસાફરી કરવા નથી દેતી. આ પછીના એક સેશનમાં મનન એ ફ્લેશ બેકમાં જઈને એક દાયકા પહેલાનો અનુભવ પણ શેર કર્યો, "ત્યારે માનુષીએ પહેલી વખત મનને મક્કમ કરીને ફ્લાઇટમાં મુસાફરી કરેલી, અમે હનીમૂન પર અંદોમાન નિકોબાર ગયેલા, એ સમયે માનુષી ઘણી મુંજાઈ ગયેલી, મને યાદ છે, ફ્લાઇટ ટેક-ઓફ થતાં જ એના હ્ર્દયના ધબકારા ખૂબ વધી ગયેલા અને થોડી મિનિટો સુધી તેના શ્વાસ ઘણા ટૂંકા થઈ ગયેલા, અને પરસેવે રેબઝેબ થઈ ગઈ, હું ખૂબ ઘબરાય ગયેલો પણ મને થયું હતું કે આ કદાચ આટલી લાંબી પ્લેનની મુસાફરી, લગ્ન પછીનું નવું જીવન, થાક, ઉજાગરો આ બધાના કારણે હશે, પણ આ આખી ઘટનામાં મને ક્યારેય ખ્યાલ જ ન આવ્યો કે આવી કોઈ માનસિક બીમારી પણ હોય શકે?"
"It's okay, Manan, આ બહુ સહજ છે, કે આ પ્રકારની માહિતી આપણને નથી હોતી, પણ હું ખુશ છું કે આટલા વર્ષો પછી તમે આ એ અનુભૂતિને ફરી તાજી કરી શક્યા, એ સમયે માનુષીને જે અનુભવ થયેલો એને સાયકોલીજિકલ ભાષામાં 'પેનિક અટેક' કહેવામાં આવે છે. એનો મતલબ માનુષી ઘણા વર્ષોથી આ હોડોફોબિયાથી પીડાઈ છે. માનુષીની ક્લિનિકલ સારવાર આગળ ચાલી જેમાં મુખ્યત્વે કોંગનેટિવ બિહેવિયરલ થેરેપી (CBT)થી તેની ચિકિત્સા કરવામાં આવી. અને ધીરે ધીરે માનુષી આ ડર પર વિજય મેળવતી ગઈ.
સારવાર દરમિયાન જાણવા મળ્યું કે માનુષી જ્યારે તેના 12thના વેકેશનમાં ટ્રેકિંગ માટે મનાલી ગયેલી ત્યારે બનેલા એક અનુભવથી એને આ ડર સાથે સંકલન/જોડાણ (Association) થયુ હતુ, માનુષી એ ટ્રેકિંગ કેમ્પમાં ગઈ ત્યારે પહેલીવાર ફ્લાઇટમાં બેસેલી, અને ફ્લાઇટ ટેકઓફ થવાની જ હતી ત્યારે તેની 20 સેકેન્ડ પહેલા મેસેજ મળ્યો કે, તેના પપ્પાનું અકસ્માત થયું છે અને એમને હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે, માનુષી કોઈ પ્રતિક્રિયા કરે એ પહેલા જ પ્લેન ટેકઓફ થઈ ગયું અને સંપર્ક છૂટી ગયો, મનાલી લેન્ડ થયા ત્યારે સમાચાર મળ્યા કે તેના પપ્પાનું મૃત્યુ થયું છે, માનુષીને માનસિક રીતે બહુ મોટો ઝટકો લાગેલો, પપ્પા નામની ઘરની છત ગુમાવ્યા પછી, થોડા મહિનાઓ પછી એના આવેગત્મક ઘાવને અવગણી તેના જીવનમાં આગળ વધી, અને પણ એમની ખોટ માનુષીને આંતરિક રીતે હમેશા લાગતી.
આ પછીની બીજી એક - બે ઘટનાઓથી માનુષીના મનનો ડર વધુ દ્રઢ થઈ ગયો, અને એ માનવા લાગી કે જો તે તેના પરિવારથી ખૂબ દૂર જશે અથવા તો કોઈ લાંબી મુસાફરી કરશે તો કઇંક ખરાબ થશે, બ્લેક & વ્હાઇટ થિંકિંગએ (કોંગનેટિવ ડિસ્ટરોશન) તેના અજ્ઞાત ભયને વધુ વેગ મળ્યો અને જ્યારે જ્યારે કોઈ અકસ્માત અને દુર્ઘટના થતી ત્યારે તેનો ડર વધુ પોશાતો જતો, જેમકે, Air-India પ્લેન ક્રેશની કરુણ ઘટના. આ અતાર્કિક ભય અચેતન મનમાં ઘર કરી ગયેલો અને જે વારંવાર માનુષી માટે મુશકેલી ઊભી કરતું, લગ્ન બાદ હનીમૂન માટે ફ્લાઇટની મુસાફરી માટે તૈયાર થયેલી માનુષી એ ખૂબ હિંમત બતાવેલી પણ એ અનુભવમાં પણ તેનો અતાર્કિક ભય એના પર હાવી થઈ ગયો અને ફરી એકવાર ભાંગી પડી.
વર્તમાન સમયમાં રેગ્યુલર થેરેપી સેશન્સ, માનુષીના પ્રયત્નો, સાઇકોલોજીકલ એક્ટિવિટીસ, મનન અને પરિવારના સભ્યોના સહકારથી માનુષી ધીરે ધીરે ઠીક થઈ રહી છે, એના મનમાંથી મૃત્યુ અને મુસાફરી વચ્ચેનું જે ખોટું જોડાણ હતું એને તોડીને એક નવી સમજ ઊભી કરવામાં આવી કે મૃત્યુ એ અનિવાર્ય સત્ય છે, સ્વજનના મોત અને મુસાફરીને કોઈ કાર્ય- કારણ સંબંધ નથી. માનુષી અને મનન હવે સ્વસ્થ દાંપત્ય જીવનમાં સુખી છે, ડિસેમ્બર મહિનાના અંતે USA જવા માટે નીકળી રહ્યા છે, આનંદની વાત એ છે કે માનુષીએ જાતે આ નિર્ણય લીધો છે, અને છેલ્લા થોડા મહિનાઓમાં મનન અને માનુષી 2 કલાક, 5 કલાક અને 7 કલાકની 8-10 ફ્લાઇટ્સમાં ભારતની અંદર મુસાફરી કરી ચૂક્યા છે. જેને અમે મનોવૈજ્ઞાનિક ભાષામાં ઇક્સપોસર થેરપી (Exposure Therapy) કહીએ છીએ, જે માનુષીના કેસમાં ખૂબ સરસ રીતે વર્ક કરી. માનુષીના અંતિમ સેશનમાં બંને યુગલને સહજ સ્મિત સાથે જોતાં અને ભવિષ્યની ગોઠવણી માંડતા જોઈને, મનોમન મને રાજેશ 'મિસ્કીન' પ્રસિદ્ધ કવિતા 'સજનવા' ની બે પંકિત યાદ આવી ગઈ,
"આ અહીંની જેમ ત્યાં પણ કૈંક થતું તો થતું હશે ને ?
પૂર છે ઊમટ્યા રગેરગમાં હવે ખળખળ સજનવા."
છેલ્લો કોળિયો : જીવન અને મરણ એ સનાતન સત્ય છે, આપણા ભાવ વિશ્વએ કરેલું અધૂરું કે ખોટું જોડાણ ક્યારેક આપણા મનમાં આજીવન ઉઝરડાં ના નિશાન છોડીને જાય છે, એવા માનસિક ઘાવની સારવાર અનિવાર્ય છે અને કોઈ પણ ધારણા બાંધતા પહેલા એની નિષ્પક્ષ ભાવે એની ખરાઈ કરવી પણ ખૂબ આવશ્યક છે.
- હિરલ મહેશભાઇ જગડ (Counseling Therapist, RCT-C, PhD, PGDCP (Contact: hirb2624@gmail.com)