તૂ મેરી મેં તેરા મેં તેરા તૂ મેરી
- રાકેશ ઠક્કર
ફિલ્મ ‘તૂ મેરી મેં તેરા મેં તેરા તૂ મેરી’ (2025) નું નિર્માણ કરણ જોહરે અન્યો સાથે કર્યું છે અને નિર્દેશન ‘સત્યપ્રેમ કી કથા’ ના સમીર વિધ્વંશનું છે છતાં એને મુખ્યત્વે આર્યનની ગણવામાં આવી રહી છે. અનન્યા- કાર્તિકની લોકપ્રિયતાના સહારે નિર્દેશકે વાર્તામાં બહુ મહેનત કરી નથી. પ્લોટ એટલો પાતળો છે કે ક્યારેક એવું લાગે કે કોઈ લાંબો મ્યુઝિક વિડિયો જોઈ રહ્યા છીએ. ભાવનાત્મક રીતે ફિલ્મ નબળી છે. લેખકે કાર્તિક અને અનન્યાના પાત્રોને માત્ર સુંદર બતાવવામાં પર ધ્યાન આપ્યું છે. તેમના સંઘર્ષને ઊંડાણપૂર્વક રજૂ કરવામાં નહીં.
અનન્યા પાંડે ખૂબ જ ગ્લેમરસ અને આત્મવિશ્વાસથી ભરપૂર લાગી રહી છે. ‘પતિ પત્ની ઔર વો’ પછી ફરી સાથે આવેલા કાર્તિકનો તેની સાથેનો વિરોધાભાસ હાસ્યના સારા પ્રસંગો ઉભા કરે છે. ખાસ કરીને કાર્તિક જ્યારે પોતાના ટિપિકલ અંદાજમાં અનન્યાને સમજાવવાની કોશિશ કરે છે ત્યારે બંને વચ્ચેની તકરાર જોવા જેવી હોય છે.જેમને લાઈટ હાર્ટેડ એન્ટરટેઈનમેન્ટ અને કાર્તિક-અનન્યાની જોડી ગમતી હોય એમના માટે એક મનોરંજક ટાઈમપાસ ફિલ્મ છે. પણ જો કોઈ માસ્ટરપીસની આશા રાખી હોય તો વાર્તાની નબળાઈ ચોક્કસ ખટકશે. ઇન્ટરવલ પછી વાર્તા ગોળ-ગોળ ફરે છે અને ઘણીવાર એવું લાગે છે કે દ્રશ્યો માત્ર ફિલ્મની લંબાઈ વધારવા માટે જ રાખવામાં આવ્યા છે. નામ પણ એટલું લાંબું છે કે ટૂંકમાં અંગ્રેજી અક્ષરો સાથે બોલીએ તો પણ લાંબું લાગે છે! કદાચ લેખક પાસે ટાઈટલ વિચારવાનો સમય નહોતો એટલે એણે એકની એક વાત બે વાર લખી દીધી છે!
બીજા ભાગમાં જ્યારે બધા પાત્રો એક જગ્યાએ ભેગા થાય છે ત્યારે વાર્તા ગતિ પકડે છે. ફિલ્મ ઇન્ટરવલ પછી જોવામાં આવે તો કદાચ વધુ ગમે એવી છે! છતાં ઇન્ટરવલ પછી જે ડ્રામા ઊભો કરવાનો પ્રયત્ન થયો છે તે પણ થોડો ખેંચાયેલો અને બિનજરૂરી લાગે છે. અને ક્લાઈમેક્સ સુધી પહોંચતા દર્શકોની ધીરજ ખૂટી શકે છે. આ ફિલ્મ એવા લોકો માટે સારી છે જેમને લોજિક કરતા મેજિક અને મસાલામાં વધુ રસ છે.
કાર્તિક માટે આ ફિલ્મ રિટર્ન ટિકિટ જેવી છે. જે તેને એ જ જગ્યાએ પાછો લાવે છે જ્યાંથી તેણે શરૂઆત કરી હતી. તેની પાસે અપેક્ષા વધુ હોવાનું કારણ એ છે કે તે અત્યારે આઉટસાઈડર્સ માટે એક આશાનું કિરણ છે. ચાહકો ઈચ્છે છે કે તે પોતાની પ્રતિભાથી આખા વિશ્વને બતાવી દે. હવે જોવાનું એ રહેશે કે તે આગામી સમયમાં ‘ચંદુ ચેમ્પિયન’ જેવી કોઈ હિંમત બતાવે છે કે પછી ફરી કોઈ નવી હીરોઈન સાથે રોમ-કોમના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. ફિલ્મ ઉદ્યોગના દ્રષ્ટિકોણથી જોઈએ તો કાર્તિક અત્યારે સલામત રમત રમી રહ્યો હોય તેવું લાગે છે. ‘ભૂલ ભુલૈયા 3’ અને ‘ધમાકા’ જેવી ફિલ્મો દ્વારા અલગ-અલગ જોનર અજમાવ્યા છે.
‘તૂ મેરી મેં તેરા’ જેવી ફિલ્મો કદાચ બોક્સ ઓફિસના આંકડા જાળવી રાખવા માટેનો તેનો એક વ્યાપારી નિર્ણય હોઈ શકે. જોકે, પહેલા દિવસે રૂ.8.4 કરોડ લાવીને બીજા દિવસે રૂ.6 કરોડ કમાઈ શકી છે. એના પરથી ખ્યાલ આવશે કે લોકોને એમાં ખાસ રસ પડ્યો નથી અને પહેલી પસંદ હજુ ‘ધુરંધર’ છે. કાર્તિકની ખામી એ છે કે આવી ફિલ્મો તેને એક એક્ટર તરીકે ઓળખ અપાવવાને બદલે માત્ર એક સ્ટાર બનાવીને રાખે છે. દર્શકો ઈચ્છે છે કે તે આયુષ્માન જેવી વિષયલક્ષી ફિલ્મો અથવા રણબીર જેવી ઈન્ટેન્સ ફિલ્મો પણ કરે. જો તે આવી જ સપાટી પર તરતી ફિલ્મો કરતો રહેશે તો એવો સમય આવશે જ્યારે દર્શકોને તેમાં કશું નવું લાગશે નહી.
ફિલ્મના કાર્તિક સિવાયના જમા પાસા જોઈએ તો ક્રોએશિયાના જીવંત સ્થળો આંખોને આનંદ આપે એવા છે અને કોઈ ક્રુઝ ટ્રીપનો અનુભવ કરાવે છે. વિશાલ- શેખરના સંગીતમાં ‘દિલ મુસાફિર’ અને ટાઇટલ ટ્રેક સારા બન્યા છે. જો કાર્તિક ફિલ્મના ગીતો અને લુક પાછળ ખર્ચ કરવાને બદલે મજબૂત વાર્તા અને ઊંડાણવાળા પાત્રો માટે મહેનત કરે તો ખરેખર લાંબા ગાળાનો ઘોડો સાબિત થશે. ફિલ્મની ‘સ્ટોરીલાઈન’ એટલી જૂની અને જાણીતી લાગે છે કે આગળ શું થવાનું છે તેનો અંદાજ દસ મિનિટ પહેલા જ આવી જાય છે. પાત્રોના લેખનમાં ઊંડાણનો અભાવ છે. જ્યારે હીરો કે હિરોઈન ઈમોશનલ થાય છે ત્યારે પ્રેક્ષકોને તેમની સાથે એ જોડાણ અનુભવાતું નથી જે એક સફળ રોમેન્ટિક ફિલ્મ માટે અનિવાર્ય છે.
ભાવનાત્મક સ્તરે ફિલ્મ બહુ ઉપરછલ્લી રહે છે. દિલને સ્પર્શવાને બદલે માત્ર આંખને ગમે તેવી બનીને રહી જાય છે. જ્યારે ક્લાઈમેક્સ આવે છે ત્યારે સમજાય છે કે હીરો-હિરોઈન અત્યાર સુધી જે લડાઈ લડતા હતા તે માત્ર દુનિયાની સામે પોતાને ‘કૂલ’ સાબિત કરવા માટે હતી પણ વાસ્તવિકતામાં તો બંને એકબીજા વગર અધૂરા છે. ફિલ્મ એવું કહી જાય છે કે ઝઘડો ભલે ગમે તેટલો હોય પણ જો છેલ્લે તમે ‘મેં તેરા તૂ મેરી’ કહીને માફી માંગી લો તો બધું જ ફરીથી ઠીક થઈ શકે છે. આ મેસેજ આજની પેઢીને સંબંધોમાં થોડી ધીરજ રાખવાની શિખામણ આપે છે. આ સંદેશની અસરની વાત કરીએ તો તે મિશ્ર છે. સંદેશ ભલે સારો છે પણ જે રીતે તેને પીરસવામાં આવ્યો છે એ થોડો ફિલ્મી અને મેલોડ્રામેટિક લાગે છે. ફિલ્મ જ્યારે ઉપદેશ આપવા લાગે છે ત્યારે થોડી ભારે થઈ જાય છે પણ કાર્તિકનો માસૂમ અંદાજ એ સંદેશને કંટાળાજનક થતા બચાવે જરૂર છે.