દલા તરવાડી - એક જૂની બાળવાર્તા
આ એક વિસરાઈ ગયેલી જાણીતી બાળવાર્તા છે. અત્યારે 60 ઉપરની પેઢીને યાદ હશે. ઘણા યુવાન યુવતીઓને ખબર નથી તો બાળકોને કદાચ નવી જ વાર્તા સાંભળવામાં આવશે.
એક બ્રાહ્મણ નામે કદાચ દલસુખ ત્રિવેદી કે એવું હશે, પણ એ રહેતા એ ગામડામાં એને સહુ દલા તરવાડી કહેતા. એ રોજ એના કામે જતાં આવતાં ગામની સીમ પાસેથી પસાર થતા જાય. રસ્તે લહેરાતાં ખેતરો આવે. પાક લહેરાતો હોય. ક્યાંક ઘઉં બાજરો જેવું અનાજ તો ક્યાંક ખેતરમાં અનાજ અને વાડ પર શાકભાજી. દલા તરવાડી તો એ જોતા જાય અને મોં માં પાણી આવે પણ ક્યારેય કોઈ પાસે સામેથી માગે નહીં.
એમાં શિયાળો આવ્યો. દલા તરવાડી ખભે ખેસ ઓઢી નીકળ્યા. રસ્તે બાજુમાં ખેતરમાં રીંગણાં વાવેલાં એ મોટાં મોટાં, ગોળ મઝાના, ઓળો થાય એવાં ભરેલાં હતાં. કાળાં, ચમકતાં. કોઈની પણ નજર લાગે એવાં. દલા તરવાડીને તાજાં પાયેલાં પાણીની સુગંધ આવી અને રીંગણીઓ પર લચી પડેલાં, તડકામાં ચમકતાં રીંગણાં જોયાં.
દલા તરવાડીએ તો આજુબાજુ જોયું. બે ચાર રીંગણાં તોડી લેવાનું મન થયું. પણ પોતે તો ગામના સન્માનનીય ભૂદેવ. પૂછ્યા વગર કેમ કશું લે?
એમણે આસપાસ જોઈ બૂમ પાડી "કોઈ છે? મારે રીંગણાં લેવાં છે." કોઈ જ જવાબ ન મળ્યો.
રીંગણાં એવાં તો ચમકતાં હતાં કે દલા તરવાડી લાલચ રોકી શક્યા નહીં. આવાં સરસ રીંગણાં તો લેવાં જ છે, પણ કોઈ જવાબ કેમ નથી દેતું? એમણે વિચાર્યું.
આખરે એમણે જાતે વાડીને જ પૂછ્યું "વાડી રે વાડી.."
વાડીના એકાંતમાં એમનો અવાજ પડઘાયો.
એમણે પોતે જ પોતાને જવાબ આપ્યો " શું છે, બોલો દલા તરવાડી".
તરત જ તેમણે પોતે પોતાને એટલે વાડીને જ પૂછ્યું "રીંગણાં લઉં બે ચાર?"
પોતે જ પોતાને વાડી તરીકે કહ્યું "લો ને દસ બાર!"
અને પોતે ને પોતે જ દસ બાર મોટાં રીંગણાં તોડી પોતાના ખેસમાં ભરી લઈ ગયા ઘેર.
શું સ્વાદિષ્ટ રીંગણાં! ગોરાણીએ તો ટીપ્યા રોટલા ને ઓળા સાથે તરવાડીએ તો પેટ ભરી ખાધાં.
લાલચ બુરી ચીજ છે. એક વાર મફતમાં કોઈને પૂછ્યા વગર લીધાં એટલે ટેવ પડી ગઇ. હવે તો રોજ પોતે જ વાડીને પૂછે "વાડી રે વાડી", પોતે જ જવાબ આપે "બોલો દલા તરવાડી". પોતે જ આ રીતે"રીંગણાં લઉં બે ચાર" પૂછી " લો ને દસ બાર" કહી લઈ લે.
એમ તો દસ થી વીસ, પછી ક્યારેક કોથળો ભરી લઇ જવા લાગ્યા.
હવે વાડીના માલિક વશરામ ભુવાને નવાઈ લાગી કે રોજ એક જ લાઇનમાં રીંગણાં કેમ ગુમ થાય છે? એણે બરાબર ધ્યાન રાખ્યું. કોઈ ઢોર ઢાંખર તો આવ્યું નહીં. બે ચાર દિવસમાં જ એમણે દલા તરવાડી ની પોતે પોતાને પૂછતી બૂમો પાડી ને જવાબ આપી રીંગણાં તોડ્યાં એ જોયું. એમણે પાછળ જવાને બદલે બે ચાર દિવસ જોયા કર્યું. એક દિવસ પાછળથી બોચી પકડી નીચા વળી રીંગણાં તોડતા દલા તરવાડીને પકડ્યા.
"કોને પૂછીને રોજ રીંગણાં લઈ જાઓ છો ભૂદેવ?" એમણે પૂછ્યું.
દલા તરવાડીએ તો કહ્યું "હું વાડીને પૂછીને લઉં છું. કોઈને પૂછ્યા વગર તો હું લઉં જ નહીં ને!"
વશરામ ભુવા એમને પકડીને વાડીમાં પાણી પાવા માટેના કુવા પાસે લઈ ગયા. ત્યાં એમણે કૂવાને પૂછ્યું
"કૂવા રે ભાઈ કુવા?"
પોતે જ કહ્યું "બોલો વશરામ ભુવા."
પોતે પૂછ્યું "આને ડૂબકાં ખવરાવું બે ચાર?"
વશરામ ભુવા પોતે જ કહે "ખવરાવો ને દસ બાર!"
અને પોતે બોચી પકડી પાણી પાવાના થાળામાં દલા તરવાડીનું મોં પકડી ડૂબકીઓ ખવરાવી.
દલા તરવાડીએ માફી માગી ફરી ક્યારેય રીંગણાં આ રીતે નહીં તોડવા વચન આપ્યું અને વીલા મોંએ વગર રીંગણાં લીધે આજે ઘેર આવ્યા.
ગામમાં કોઈને ખબર પણ ન પડી એમનું આ વાડી સાથે વાત કરવાનું કારસ્તાન.
***