હોમ સ્વીટ હોમ. દુનિયાનો છેલ્લો ખૂણો એટલે ઘર. જેવું સુખ પોતાના ઘરે આવીને મળે છે તેવું સુખ બીજે ક્યાંય નથી મળતું એવી ફિલિંગ મને મારા ઘરમાં દાખલ થતા આવી રહી હતી. મે મારું લગેજ મારા રૂમમાં મૂક્યું અને સીધો ફ્રેશ થવા માટે ગયો. ફ્રેશ થઈને પોતાના જૂના અવતારમાં આવી ગયો અને બહાર સોફા પર જઈને બેઠો હતો. મારે અવિ અને વિકી સાથે ઘણી બધી વાતો કરવી હતી પણ આજે નહીં. પછી આરામથી કરીશ એવું વિચારીને મે મારો મોબાઈલ ડેટા ઓન કર્યો કારણકે અત્યારે મારે વંશિકા સાથે વાત કરવી હતી. પુરા ૨ દિવસ વીતી ચૂક્યા હતા અને અમારી વચ્ચે કોઈ સરખી વાત નહોતી થઈ. હવે બસ મન તલપાપડ થઈ રહ્યું હતું કે વંશિકા સાથે વાત કરું અને મળવાનો કંઈક પ્લાન બનાવું. અત્યાર સુધી હું જે વંશિકાને મળી રહ્યો હતો તે તો ફક્ત મારી ફ્રેન્ડ હતી પણ હવે હું જે વંશિકાને મળવા ઇચ્છતો હતો તે બેશક મારી ગર્લફ્રેન્ડ હતી. જેવો મોબાઈલ ડેટા ઓન કર્યો તરત વંશિકાનો મેસેજ ટપકી ચૂક્યો હતો. "ઘરે પહોંચીને આરામથી મેસેજ કરજો" મે પણ તેને તરત મેસેજ કરી નાખ્યો કે હું ઘરે પહોંચી ગયો છું. પછી તો બસ મેસેજ સેન્ડ થતાની થોડીજ સેકંડોમાં એનો મેસેજ આવી ચુક્યો.
વંશિકા :- ગુડ સરખું જમ્યા ?
હું :- હા અને તું ?
વંશિકા :- કઈ જગ્યાએ જમ્યા ?
હું :- એજ અમારા અનિલભાઈને ત્યાં.
વંશિકા :- વેરી ગુડ સો હાઉ વશ યોર એક્સપિરિયન્સ જ્યારે તમે અહીંયા આવી રહ્યા હતા આટલા દિવસ પછી ?
હું :- શું વાત કહું. અમેઝિંગ રહ્યો. આટલા દિવસ પછી હોમટાઉન આવવા માટે ખૂબ ઉતાવળો થઈ રહ્યો હતો અને ફલાઈટમાં સમય કેવીરીતે વીતી ગયો એની ખબર પણ ના પડી ?
વંશિકા :- અચ્છા એવું તો શું થયું ફલાઈટમાં ?
હું :- બસ સોંગ ચાલુ કર્યા. જયારે પહેલું સોંગ વાગ્યું ત્યારે મને આપડી એ આલ્ફવન મોલની મુલાકાત યાદ આવી ગઈ અને પછી તો કેટલાય વિચારો ચાલુ થઈ ગયા આપણી પહેલી મુલાકાતથી લઈને અહીંયા સુધીની સફર મનમાં વાગોળી રહ્યો હતો. બસ તે બધી યાદોમાં સમય ક્યાં જતો રહ્યો તેની ખબર જ ના રહી.
વંશિકા :- અચ્છા, બાય ધ વે થાકી ગયા હશોને આજે આખો દિવસ તમને આરામ કરવા માટે થોડો પણ સમય નહીં મળ્યો હોય.
હું :- હા થાક તો લાગ્યો છે.
વંશિકા :- હા તો આરામ કરો અને સૂઈ જાવ. પછી કાલે વાત કરજો.
હું :- હા પણ કાલનો શું પ્લાન છે તારો ?
વંશિકા :- કોઈ પ્લાન નથી બસ ઘરે છું.
હું :- અચ્છા તો આપણે મળવાનું નક્કી કર્યું છે ને તે ?
વંશિકા :- અચ્છા એવું છે નહીં મળીએ તો નહીં ચાલે ?
હું :- ઠીક છે તારી ઈચ્છા તું ના કહેતી હોય તો નહીં મળીએ હવેથી.
વંશિકા :- ઓહ્ આવું કેમ બોલો છો મે ના થોડી પાડી છે તમને મળવાની અને હવેથી નહીં મળીએ એટલે કહેવા શું માગો છો. બાય ધ વે હવે તો તમને મળવું જ પડશે મારે તમે બહુ બોલી રહ્યા છો આજકાલ તમારી બોલતી બંધ કરવી પડશે મારે.
હું :- અચ્છા શું કરીશ મારી બોલતી બંધ કરવા માટે હું પણ સાંભળું.
વંશિકા :- બહુ ઊલટું વિચારી રહ્યા છો તમે. હું સારી રીતે સમજી શકું છું તમારી આડીઅવળી વાતો ઓકે. તમે જે વિચારો છો હું એવું કંઈજ નથી કરવાની.
હું :- અચ્છા એ તો જોઈશું હવે....હા...હા...હા...
વંશિકા :- હા અને બાય ધ વે ચાલો બોલો ક્યારે મળવું છે અને ક્યાં મળવું છે ?
હું :- મારો વિચાર કહું તો અહીંયા ઘરે આવતી રહે.
વંશિકા :- કેમ મને ઘરે બોલાવીને ઘરનું કામ કરાવવાનો વિચાર છે ?
હું :- ના હવે મજાક કરું છું. અચ્છા મારી પાસે એક બહુ સરસ જગ્યા છે જે તને ખૂબ ગમશે.
વંશિકા :- કઈ જગ્યા ?
હું :- હું તને નામ નહીં જણાવું એ તારા માટે સરપ્રાઈઝ રહેશે. તું ખાલી તૈયાર રહેજે સવારે ૯ વાગ્યે આપણે નીકળી જઈશું અને બપોરે ત્યાંથી પાછા પણ આવી જઈશું.
વંશિકા :- અરે આટલા વહેલા સવારમાં હું ઘરે શું કહીને નીકળીશ અને પ્લીઝ જગ્યા કહો તો મને ઘરે કંઈક કહેવાની ખબર પડે.
હું :- સરપ્રાઈઝ બેબી. તું સવારે તૈયાર રહી શકીશ ને હું તને પાલડી પિક અપ કરવા માટે આવી જઈશ. હવે તું ઘરે કોઈ પણ બહાનું કાઢી લેજે. આપણે બપોરે ૩ વાગતા ઘરે પાછા પણ આવી જઈશું.
વંશિકા :- યાર તમે મારી પાસે કેટલું ખોટું પણ બોલાવો છો. સારું બસ હું સવારે ૯ વાગતા પાલડી આવી જઈશ. આપણે લાસ્ટ ટાઈમ મળ્યા હતા ત્યાં આવી જજોને લેવા માટે.
હું :- જબ પ્યાર કિયા તો ડરના ક્યા...હા...હા..હા..
વંશિકા :- બહુ સારું હવે સૂઈ જઈએ કાલે મારે વહેલા ઉઠવું પડશે તમારા કારણે.
હું :- સારું બસ ચાલ સૂઈ જા.
અમારી ચેટ અહીંયા પૂરી થઈ ગઈ. બેશક આ વિચાર મને અચાનક મનમાં આવી ચુક્યો હતો. એકવાર અમે ત્રણેય ભાઈબંધો ત્યાં ફરવા માટે ગયા હતા અને તે જગ્યા એમને પણ ખૂબ ગમી હતી. હું વંશિકા પાસે એનું નામ સસ્પેન્સ રાખવા માગતો હતો. કદાચ તે જગ્યા વંશિકાએ જોઈતો નહીં હોય ને...આઈ થિન્ક નહીં જોઈ હોય કારણકે આમ પણ તે ઘરની બહાર ક્યાં બહુ નીકળતી હતી અને જોઈ હશે તો પણ શું છે. હું તો બસ તેની સાથે થોડો સમય ગાળવા માગતો હતો જ્યાં ફક્ત અમે બંને હોય અને અમને ડિસ્ટર્બ કરવાવાળું કોઈ ના હોય એટલે હું વંશિકાને અમદાવાદથી દૂર લઈ જવા માગતો હતો. હું અત્યારે અવિ અને વિકીને આખી સ્ટોરી સંભળાવવા નહોતો માગતો હતો કારણકે હું પણ અત્યારે થાકેલો હતો અને મારે સૂવું હતું. સવારે વહેલા ઉઠીને મારે વંશિકા સાથે બહાર જવું હતું એટલે મેં અવિ અને વિકીને ટૂંકમાં કહી દીધું કે કાલે હું વંશિકા સાથે બહાર જાઉં છું અને આખી સ્ટોરી હું તમને કાલે પછી આવીને કહીશ.
"કઈ જગ્યાએ જવાનો છે ?' વિકીએ મને છતાં પણ પૂછ્યું.
"યાર આપણે લાસ્ટ યાર ગયા હતા ને અમદાવાદની બહાર પેલું અમદાવાદની બહાર જ્યાં તારો પગ લપસી ગયો હતો અને તને મોચ આવી ગઈ હતી બસ તે જગ્યા." મે પણ વિકિની મજાક ઉડાવતા કહ્યું અને તે જગ્યા સારીરીતે સમજી ગયો.
"અચ્છા, બરાબર નો પ્રોબ્લેમ એન્જોય કરો." વિકીએ કહ્યું કારણકે હવે તે વાતને વધુ ઉકેલવા નહોતો માગતો અને પોતાની બેઇજ્જતી કરવા નહોતો માગતો એટલે એણે ટૂંકમાં વાત પતાવી દીધી. હું મારા રૂમ ગયો અને થાકના કારણે જેટલું બને એટલું વહેલું સૂઈ ગયો.
સવારના એલાર્મ સાથે મારી સવાર થઈ ચૂકી હતી અને હું જીન્સ અને ફુલ સ્લિવવાળું ટી શર્ટમાં તૈયાર થઈને ઘરે જ ગિફ્ટ પેકિંગ કરી રહ્યો હતો.લાસ્ટ ટાઈમ વંશિકાએ મારી તારીફ કરી હતી કે આવા કપડામાં પણ હું વધુ સારો દેખાવ છું જેના કારણે મેં આજે પણ આવા કપડા પહેરી લીધા હતા. યાર શું કરું કાલે રાત્રે ઘરે આવ્યો ત્યારે મને કઈ સૂઝ્યું નહોતું. સારું થયું કે સવારમાં ઉઠતા સાથે મને વિચાર આવ્યો કે મેં વંશિકમાટે કંઈક લઈને રાખ્યું હતું તે મારે પેકિંગ કરવાનું હતું. મારું એ ગિફ્ટ એટલે કે તે કપડાં જે મેં વંશિકા માટે ખરીધ્યા હતા. મારા ઘરમાં ગિફ્ટ રેપિંગ પેપર પડ્યા હતા જે મને આજે ખૂબ કામ લાગી આવ્યા હતા. મે ફટાફટ ગિફ્ટ પેકિંગ કરી નાખ્યું અને તેને પર એક સ્ટીકરનું લેબલ ચિપકાવી દીધું. "ટુ માય હાર્ટ." આટલું પૂરતું હતું મારી ફિલિંગને એક્સપ્રેસ કરવા માટે. આજે મારું બેગ લેપટૉપ વગર બહાર ફરવાનું હતું કારણકે મેં મારું લેપટૉપ બહાર કાઢીને સાઈડમાં મૂકી દીધું હતું અને તેની જગ્યાએ ગિફ્ટ બેગમાં મુકી દીધું હતું. હવે મારી બધી તૈયારી થઈ ચૂકી હતી. મારા માથાના વાળ થોડા સરખા કરવા માટે મેં એકવાર અરીસામાં નજર મારી. યાર હું કઈ રીતે ભૂલી ગયો ? હશે હવે કોઈ પોસીબલ નથી ચાલશે અને ચલાવી લઇશું. આટલા દિવસ બહાર રખડવાના કારણે હું એક વાત ભૂલી ગયો હતો કે જનરલી હું ક્લીન શેવ રાખતો હતો અથવા લાઇટ શેવ રાખતો હતો પણ આ ચેન્નઈના પ્લાનિંગમાં મે ૧૦ દિવસથી સલૂનમાં એન્ટ્રી નહોતી કરી જેના કારણે મારી દાઢી અને મૂછ વધી ગઈ હતી અને મારું ફેસ ઢંકાઈ ચૂક્યું હતું. અત્યાર સુધી હું જેટલીવાર પણ વંશિકાને મળ્યો અથવા જ્યારે પણ ઓફિસમાં જતો ત્યારે ક્લીન શેવ રાખતો હતો અને તે મારા પર શૂટ પણ થતું હતું. લગભગ કોઈએ મને આવા લૂકમાં ક્યારેય નહોતો જોયો. મને ખબર હતી કે મારા આવા લૂક પર વંશિકા જરૂર કમેન્ટ આપશે. હવે અત્યારે ક્યાં બહાર જવું આટલા વહેલા કોઈ સલૂન ઓપન પણ ના થયું હોય અને કદાચ કોઈ મળી પણ જાય તો ત્યાં ટાઈમ વેસ્ટ કરવો નકામો હતો. હું મારી બેગ લટકાવીને અને ગોગલ્સ પહેરીને ઘરની બહાર નીકળ્યો. અવિ અને વિકી હજુ સુધી સુતા હતા એટલે મેં તેમને ડિસ્ટર્બ ના કર્યા. મે ઘરને લોક કર્યું અને નીચે મારા બાઇક પાસે પાર્કિગમાં આવ્યો. મારો કોઈ કાર લઈને જવાનો વિચાર નહોતો ભાઈ...આટલી સરસ ટ્રિપ ગોઠવી અને હું કાર લઈને જવું તે વસ્તુ કઈ રીતે પોસીબલ થાય અને આમ પણ મારું બાઇક કાફી હતું. આટલા દિવસથી મારા વગર સાવ ગુમનામ એક ખૂણામાં પડ્યું હતું જેના કારણે તેના પર ધૂળ જામી ચૂકી હતી. મે કોટનવેસ્ટ લઈને આખું બાઇક મસ્ત સાફ કરી દીધું અને મોબાઈલ કાઢીને વંશિકાને એક ટેક્સ્ટ મેસેજ કરી દીધો. "હું ૧૫-૨૦ મિનિટમાં પહોંચુ છું. બી રેડી ઓન ટાઇમ.." આમ તો મારે આ કહેવાની જરૂર નહોતી પણ આદત સે મજબૂર. તેને જણાવવું જરૂરી હતું કે હું ઘરેથી નીકળી રહ્યો હતો.
મે ફેસ પર રૂમાલ બાંધી દીધો અને મારા ગોગલ્સ ચડાવી દીધા. બાઇક સ્ટાર્ટ કર્યું અને નીકળી પડ્યો પાલડી રૂટ પર. ૧૫ મિનિટ જેવા સમયમાં હું પાલડી પહોંચી ચૂક્યો હતો. અમે લાસ્ટ ટાઈમ શિખાની બર્થડે પાર્ટીમાં જવા માટે જે જગ્યાએ મળ્યા હતા ત્યાં પહોંચી ગયો. વંશિકા ત્યાં પહોંચી ચૂકી હતી અને પોતાનું એક્ટિવા પાર્ક કરીને તેની પાસે ઉભી હતી અને મારી રાહ જોઈ રહી હતી. તેણે પોતાના ફેસ પર દુપટ્ટો બાંધીને રાખ્યો હતો અને ગોગલ્સ પહેરી રાખ્યા હતા. મે તેની બાજુમાં જઈને બાઇક ઊભું રાખી દીધું. અમારા બંનેના એકબીજાને ના ઓળખવાનો કોઈ સવાલ પેદા નહોતો થતો. મે કહ્યું."ચાલો મેડમ બેસી જાવ આપણે નીકળીએ હવે."
વંશિકા ચુપચાપ મારી બાઈકની પાછળ આવીને બેસી ગઈ અને બોલી."ફોન કેમ ન્હોતા ઉપડતા મારો ?"
મે બાઇક આગળ જવા દીધું અને બોલ્યો."સોરી મેડમ, ફોન વાઈબ્રેશન મોડ પરથી નીકળી ગયો હશે એટલે મને રિંગ ન્હોતી સાંભળતી."
વંશિકા :- સારું પણ હું ક્યારની રાહ જોઈ રહી હતી. બાય ધ વે હવે કહેશો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?
હું :- આગળ ખબર પડી જશે મેડમ. આપણે અમદાવાદની બહાર જઈ રહ્યા છીએ.
વંશિકા :- વોટ, અમદાવાદની બહાર ? તમારે પહેલા કહેવું જોઈએને અને આપણે ઘરે ક્યારે આવીશું પાછા ?
હું :- ડોન્ટ વરી મેડમ, તમને જે ટાઇમ આપ્યો છે તે ટાઈમ પર ચોક્કસ પાછા આવી જઈશું. યુ ડોન્ટ ટ્રસ્ટ મી બેબી ?
વંશિકા :- આઈ ટ્રસ્ટ યુ મી. એટલે જ તમને કાઈ પણ પૂછ્યા વગર તમારા બાઇક પર બેસી ગઈ છું. તમને ખબર છે મેં ઘરે શું કહ્યું ?
હું :- અચ્છા એટલે તું ખોટું બોલીને આવી છું એમ ?
વંશિકા :- હાસ્તો, તમે રાત્રે ક્યાંય પણ જવાનું નક્કી કરો તો હું અચાનક શું કહું ઘરે ?
હું :- અચ્છા શું કહ્યું તે ઘરે ?
વંશિકા :- હું ઓફિસનું બહાનું કાઢીને આવી છું ઘરેથી. મે એવું કહ્યું કે આજે ઓફિસમાં અમારા ચેરમેન આવવાના છે અને ટ્રેનિંગ રાખી છે એટલે આજના દિવસે પણ અમને હાફ ડે માટે બોલાવ્યા છે.
હું :- હા..હા..હા..શું વાત કરે છે કોઈએ પૂછ્યું નહીં કે રવિવારે કેમ ઓફિસ ચાલુ રાખી છે ?
વંશિકા :- મે એવું કહ્યું કે મને કાલની ખબર હતી પણ હું કહેવાનું ભૂલી ગઈ હતી અને મને રાત્રે યાદ આવ્યું કહેવાનું. એટલે મે રાત્રે મમ્મીને જણાવી દીધું હતું.
હું :- વાહ...બાય ધ વે જૂઠું બોલવામાં તું માહિર છે હો...
વંશિકા :- તમારા લીધે મારે આ બધું કરવું પડે છે.
આટલું બોલતા વંશિકાએ મને પાછળથી ખભા પાસે ચૂંટી ભરી દીધી. વંશિકાએ ચૂંટી ભરતા મેં અચાનક થોડી બ્રેક દબાવી દીધી અને ઝટકો લગતા વંશિકા મારી થોડી વધુ નજીક આવી ગઈ અને મને ચીપકી ગઈ. અત્યાર સુધીમાં અમે લોકો સરખેજ ગોતા હાઇવે પર પહોંચી ચૂક્યા હતા અને ગોતા તરફ જઈ રહ્યા હતા. હવે મારો રસ્તો વધુ સાફ હતો અને વધુ કોઈ ટ્રાફિક પણ નહોતો. મે મારા બાઈકની સ્પીડ ૪૦ થી ૭૦ ની કરી દીધી અને બાઇક વધુ ફાસ્ટ ભાગવા લાગ્યું. વંશિકા હવે કોઈ રીએકશન નહોતી આપી રહી એટલે મેં જાણી જોઈને મારા બાઈકનો અરીસો થોડો સેટ કર્યો જેથી વંશિકાનો ફેસ મને અરીસામાં દેખાઈ શકે. હું થોડી થોડીવારે અરીસામાં નજર મારી રહ્યો હતો જે વસ્તુ વંશિકા નોટિસ કરી રહી હતી. મને થોડી થોડીવારે અરીસામાં નજર નાખતા જોઈને વંશિકા બોલી." મારા પર ઓછી અને આગળના રસ્તાઓ પર વધુ નજર રાખો."
હું પણ વંશિકાના બોલવાની રાહ જોઈ રહ્યો હતો અને મેં પણ તેને જવાબ આપ્યો." આટલી બ્યુટીફુલ છોકરી જો થોડી દૂર બેઠી હોય તો નજર નાખવી પડે."
મારો ઈશારો વંશિકા સમજી ગઈ અને બોલી. "તમારું બેગ વચ્ચે આવી રહ્યું છે સર."
મે એક હાથ એક્સિલેટર પર રાખ્યો અને બીજો હાથથી બેગને એક સાઇડથી કાઢી નાખ્યું અને પછી બીજો હાથ હેન્ડલ પર રાખીને બીજી સાઇડથી પણ બેગ કાઢી નાખ્યું અને વંશિકાના હાથમાં આપી દીધું. વંશિકાએ બેગ પહેરી લીધું અને હવે તે મારી વધુ નજીક આવી ગઈ અને મારા બંને ખભા પર હાથ મૂકીને બેસી ગઈ. અમે લોકો ગોતા ક્રોસ રોડ પહોંચી ચૂક્યા હતા અને હવે મેં બાઇક ડાબી બાજુવાળી લીધું અને આગળનો રસ્તો પકડી લીધો. હું બાઇક થોડી સ્પીડમાં ચલાવી રહ્યો હતો અને આગળ જતા અચાનક એક બમ્પ આવ્યો જેથી મે વધુ એક બ્રેકનો ઝટકો માર્યો અને વંશિકા અચાનક મને ચીપકી ગઈ. તેણે મને માથા પર એક ટપલી મારી અને પોતાનો ફેસ વધુ નજીક લાવીને મારા કાન પાસે આવીને ધીમેથી કહ્યું. " જાણી જોઈને બ્રેક મારો છોને."