Kiss Kiss I Love You 2 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | કિસ કિસ કો પ્યાર કરું 2

Featured Books
  • Operation Mirror - 5

    जहां एक तरफ raw के लिए एक समस्या जन्म ले चुकी थी । वहीं दूसर...

  • मुर्दा दिल

    कहानी : दीपक शर्मा            ...

  • अनजाना साया

    अनजाना साया लेखक: विजय शर्मा एरी(लगभग १५०० शब्द)गाँव का नाम...

  • नेहरू फाइल्स - भूल-83-84

    भूल-83 मुफ्तखोर वामपंथी—‘फिबरल’ (फर्जी उदारवादी) वर्ग का उदय...

  • The Professor

    अध्याय 1: मैकियावेली और एक ठंडी चायस्थान: दिल्ली यूनिवर्सिटी...

Categories
Share

કિસ કિસ કો પ્યાર કરું 2

કિસ કિસ કો પ્યાર કરું 2
-રાકેશ ઠક્કર
         કપિલ શર્મા કોમેડીની દુનિયાનો ધુરંધર છે. તેની ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ નો બોક્સ ઓફિસ પર કરૂણ રકાસ થયો છે. પરંતુ કપિલના ફેન્સ માટે આ ફિલ્મ એક ટ્રીટ છે. કારણ કે તેની કૉમેડી ટાઇમિંગ હજી પણ ધારદાર છે. સંવાદ અને સિચ્યુએશનલ કૉમેડી દર્શકોને હસાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે. પરંતુ જ્યાં 2015ની ફિલ્મમાં તાજગી હતી ત્યાં આ  સીકવલમાં ક્યાંક ને ક્યાંક પુનરાવર્તનનો અહેસાસ થાય છે.
         કપિલની આ ફિલ્મની નિષ્ફળતા માટે ઘણા કારણ આપી શકાય એમ છે. આ ફિલ્મ પસંદ ન આવવાના મુખ્ય કારણોમાં સમય, નિર્દેશન અને વાર્તાની નબળાઈ જવાબદાર છે. પહેલી ફિલ્મનું નિર્દેશન અબ્બાસ-મસ્તાન જેવી અનુભવી જોડીએ કર્યું હતું. એમણે ભલે કૉમેડી ન કરી હોય પણ તેમના થ્રિલર અનુભવથી ફિલ્મને સારો પેસ અને ટેકનિકલ ગુણવત્તા આપી હતી. જ્યારે 'KKPK 2' નું દિગ્દર્શન અનુકલ્પ ગોસ્વામીએ કર્યું છે. જેમની પાસે એટલો અનુભવ નથી. જે કૉમેડી ફિલ્મમાં ખૂબ જરૂરી હોય છે.
         2015ની ફિલ્મની જેમ એ જ 'મલ્ટીપલ મેરેજ, મલ્ટીપલ લાઈઝ'નો પ્લોટ હતો. પ્રેક્ષકોને નવું કન્ટેન્ટ જોઈએ છે. વળી તે 'ધુરંધર' જેવી મોટી ફિલ્મ પહેલાં રજૂ થઈ હતી. જેના કારણે તેને સિનેમાઘરો અને દર્શકો ઓછા મળ્યા છે. સ્પર્ધાના આ યુગમાં જો ફિલ્મમાં વિશેષ દમ ન હોય તો તે ટકી શકતી નથી. અને કપિલ હવે માત્ર ફિલ્મ અભિનેતા તરીક જ નહીં પણ એક ટીવી હોસ્ટ અને પ્રોડ્યુસર તરીકે જાણીતો છે. તેની ટીવી કૉમેડી ઘણી ઊંચાઈએ પહોંચ્યા પછી ફિલ્મમાં દર્શકોની અપેક્ષાઓ ખૂબ વધી ગઈ છે. આ ફિલ્મ એના પર ખરી ઉતરી શકી નથી. 
         ફિલ્મની વાર્તા ચાર લીટીમાં કહી શકાય એવી છે. મોહન (કપિલ શર્મા) સાનિયાના પ્રેમમાં પડે છે. પરંતુ આ પ્રક્રિયામાં તે રૂહી (આયેશા ખાન), મીરા (ત્રિધા ચૌધરી) અને જેની (પારુલ ગુલાટી) વચ્ચેના જટિલ લગ્નજીવનમાં ફસાઈ જાય છે. મોહન સાનિયાને ઝંખે છે છતાં તે તેની ત્રણ પત્નીઓ વચ્ચે સંતુલન જાળવવામાં પણ સફળ રહે છે. એમાં ઉદભવતી જટિલતાઓ અને વળાંકો તેના જીવનને ઉલટાવી નાખે છે. મોહનને આખરે તેનો સાચો પ્રેમ કેવી રીતે મળે છે? ફિલ્મ જોઈને તેની તમને ખબર પડશે.
         લેખક અને નિર્દેશક એક નવીન અને અસરકારક પટકથા બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. કપિલ શર્માએ પોતાની કૉમેડીમાં 100% આપ્યું છે. તે ફરી એકવાર સાબિત કરે છે કે તેની શૈલી બીજા કોઈ જેવી નથી. આ વખતે પહેલા કરતાં વધુ નિયંત્રણ અને પકડ બતાવી છે. તે સારી કોમેડી કરી શકે છે પરંતુ તેણે એ સમજવાની જરૂર છે કે અભિનય ફક્ત કોમેડી વિશે હોતો નથી. તે હજુ રોમેન્ટિક ગીતો અને ભાવનાત્મક દ્રશ્યોમાં નબળો લાગે છે. અને નબળી સ્ક્રિપ્ટ સાથે ઢીલું દિગ્દર્શન એક મોટા સ્ટારને પણ બચાવી શક્યું નથી. કપિલનો વાંક એટલો જ કહી શકાય કે તેણે વધુ સારી સ્ક્રિપ્ટ અને અનુભવી નિર્દેશકની પસંદગી કરી નહી. ત્રણ છોકરીઓ મોહનને જે રીતે ગળે લગાવે છે તેમાં કોઈ તર્ક નથી. એક શિક્ષિકા બેભાન પુરુષ સાથે શા માટે લગ્ન કરશે? અથવા આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતી મહિલા એવા પુરુષ સાથે કેમ લગ્ન કરશે જેનું નામ પણ તે જાણતી નથી. ફક્ત એટલા માટે કે તેણે તેનો જીવ બચાવ્યો? એ જ રીતે કોઈ પુરુષ ફક્ત ટોપી પહેરીને મહમૂદ અને પાઘડી પહેરીને મનજીત બને તે બાલિશ લાગે છે. 
         ફિલ્મનો હેતુ એક મજેદાર રોમેન્ટિક-કોમેડી બનાવવાનો સરળ અને સીધો હતો. પરંતુ વાર્તા એટલી ગૂંચવણભરી છે કે મજેદાર બનવા કરતાં માથાનો દુ:ખાવો વધુ બની જાય છે. ઘણી પરિસ્થિતિઓ અવાસ્તવિક લાગે છે, અને કેટલાક દ્રશ્યો ઘસાયેલા લાગે છે.
         કપિલના મિત્ર તરીકે મનજોત સિંહ શરૂઆતથી અંત સુધી તેના કોમિક ટાઇમિંગથી હસાવી જાય છે. અસરાનીને ફરીથી પડદા પર જોવાનો આનંદ આવે છે. તેમની માત્ર હાજરી વાતાવરણને હળવું અને મનોરંજક બનાવે છે. જોની લીવરની પુત્રી જેમી લીવરનું કામ અદ્ભુત છે. તે બતાવે છે કે કોમેડી તેની નસોમાં દોડે છે. ગીત સંગીત સામાન્ય છે. ત્રિધા ચૌધરીનો આઇટમ ડાન્સ વિચિત્ર લાગે છે.

         ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ પરિવાર સાથે એકવાર જોઈ શકાય તેવી હળવી ફિલ્મ છે પરંતુ તેટલું પૂરતું નથી. એવું પણ કહી શકાય કે જો ફિલ્મની વાર્તા થોડી વધુ તાર્કિક અને ચુસ્ત હોત તો તે વધુ મજબૂત રીતે કામ કરી શકી હોત. સારી વાત એ છે કે રમૂજી ઘટનાઓની વચ્ચે બધા ધર્મો માટે આદર અને સમાનતાનો સંદેશ આપવાનો પ્રયાસ થયો છે. ફિલ્મની સૌથી મોટી તાકાત તેની સ્વચ્છ રમૂજ છે. એવા સમયમાં ફિલ્મ આવી છે જ્યારે કોમેડી ઘણીવાર બેવડા અર્થવાળા મજાક પર આધારિત હોય છે ત્યારે એક તાજગીભર્યો વળાંક આપે છે. કોઈ અશ્લીલતા નથી, કોઈ અપમાન નથી. ફક્ત હળવી, કુટુંબ-મૈત્રીપૂર્ણ અને સરળ કોમેડી છે.