વિહાનાએ ઘડિયાળ તરફ જોયું. બરાબર સવારે ૯:૫૯ મિનિટ થઈ હતી. તેની કાંડા ઘડિયાળની જેમ, તેનું આખું જીવન સચોટ અને પૂર્વઆયોજિત હતું. ૨૨ વર્ષની યુવાને IAS ઓફિસર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી હતી, અને તેનું લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં ડેપ્યુટી કમિશનરની ખુરશી પર બેસવાનું હતું. તેના જીવનના પૃષ્ઠો પર કોઈ પણ અકસ્માત (Accident) માટે જગ્યા નહોતી.
આજે તે મંત્રી સમક્ષ એક મહત્ત્વપૂર્ણ વીજળી પ્રોજેક્ટ રજૂ કરી રહી હતી. "સર, જો આપણે આ પ્રોજેક્ટને આ રીતે લાગુ કરીએ, તો આગામી પાંચ વર્ષમાં રાજ્યના ૮૦% ગામડાઓને ૨૪ કલાક વીજળી પૂરી પાડી શકાશે..." તેના શબ્દોમાં આંકડાઓનો દમ અને આયોજનની નિશ્ચિતતા હતી. મીટિંગ સફળ રહી. મંત્રીએ કહ્યું કે, 'વિહાના, તમે ખરેખર અદ્ભુત છો.' વિહાનાએ મનમાં હસીને વિચાર્યું: મેં જીવનમાં જે કંઈ મેળવ્યું છે, તે સખત મહેનત અને સંપૂર્ણ નિયંત્રણથી મેળવ્યું છે.
જોકે, આ 'નિયંત્રણ' પર પહેલીવાર આંચ ત્યારે આવી હતી, જ્યારે તેણે ૨૦ વર્ષની ઉંમરે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. તેનું એકમાત્ર સ્વપ્ન દેશની સેવા કરવાનું હતું, પણ તેના ઘરના લોકોએ તેના પર લગ્ન માટે ભારે દબાણ કર્યું. તેની માતાએ રડતાં રડતાં કહ્યું હતું, "દીકરી, તારી ઉંમર થઈ ગઈ છે. તું ઓફિસર બની ગઈ છે, હવે આટલો સારો છોકરો (આર્યન) ફરી નહીં મળે. સમાજ શું કહેશે?"
વિહાનાએ વિરોધ કર્યો: "મારે હજી બે વર્ષ કરિયર પર ધ્યાન આપવું છે. લગ્ન મારું લક્ષ્ય નથી." પરંતુ પિતાનો નિર્ણય અંતિમ હતો. "આર્યન સપોર્ટિવ છે. લગ્ન પછી પણ તારું કામ ચાલુ રાખી શકે છે." તેણે પોતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન માટે સમાધાન કર્યું. વિહાનાને લાગ્યું કે જો તે 'લગ્ન' નામનું એક નાનું નિયંત્રણ ગુમાવશે, તો બાકીના જીવનને વધુ સખત રીતે નિયંત્રિત કરી શકશે. લગ્નના સમયે તેણે શરત મૂકી: "બાળકનું આયોજન ઓછામાં ઓછા બે વર્ષ પછી જ થશે." આર્યન અને તેના પરિવારે શાંતિથી આ શરત સ્વીકારી.
લગ્નને બે વર્ષ પૂરા થયા હતા. વિહાના અને આર્યનનું જીવન એકદમ વ્યવસ્થિત હતું. આજે રાત્રે ૮:૦૦ વાગ્યે, જમ્યા પછી, વિહાના તેના કમ્પ્યુટર પર આગામી મહિનાનું શેડ્યૂલ ગોઠવી રહી હતી. આર્યને ચાનો કપ આપ્યો. "આટલું ટેન્શન ન લે, વિહાના. બધું કંટ્રોલમાં છે." વિહાના હસી. "હા, મારા જીવનમાં ક્યારેય કંઈપણ કંટ્રોલ બહાર ગયું જ નથી."
પરંતુ વિહાના છેલ્લા બે મહિનાથી અનુભવી રહી હતી કે તેના જીવનનું સચોટ ચક્ર ક્યાંક ખોરવાઈ ગયું છે. તેને લાગ્યું કે કામના તણાવમાં ભૂલ થઈ હશે. આજે ઓફિસમાં ચક્કર આવતાં તેને શંકા થઈ.
તેણે કમ્પ્યુટર બંધ કર્યું અને ખૂણામાં પડેલી નાની સફેદ ગર્ભાવસ્થા કીટ ઉઠાવી. માત્ર શંકા દૂર કરવા માટે. પાંચ મિનિટ પછી, તેણે કીટ તરફ જોયું.
બે ગુલાબી લીટીઓ.
ડબલ લાઇન.
તેનું આયોજન, તેનો આત્મવિશ્વાસ, તેની ઓફિસરની ઓળખ... બધું જ તૂટી પડ્યું. જે માતૃત્વને તેણે બે વર્ષ પછી પ્લાનિંગ સાથે આવકારવાની યોજના બનાવી હતી, તે અનઆમંત્રિત મહેમાન ની જેમ અચાનક આવી ગયું હતું. તેના મગજમાં પહેલો વિચાર આવ્યો: મેં ક્યાં ભૂલ કરી? મારું નિયંત્રણ ક્યાં છૂટી ગયું?
આ નિયંત્રિત જીવનની સૌથી મોટી કટોકટી હતી.
પાછળથી આર્યનનો અવાજ આવ્યો: "શું થયું, વિહાના? તું કેમ ઊભી છે?"
વિહાનાએ હાથમાં કીટ છુપાવી લીધી. તેના ગળામાંથી અવાજ નીકળ્યો નહીં. તેણે હવે કેવી રીતે કામ, સ્વતંત્રતા અને આ અચાનક આવેલી જવાબદારી વચ્ચે સંતુલન જાળવવું, તે તેના જીવનનો સૌથી મોટો પડકાર બની ગયો હતો.
શું વિહાના આ પડકારનો સામનો કરી અને એક નવો ઇતિહાસ લખશે કે કરિયર સાથે પણ માતૃત્વ સારી રીતે નિભાવી શકાય છે કે પછી માતૃત્વ ને અથવા કરિયર બેમાંથી એકને છોડી દેશે???