( ઊગતો સૂરજ જોઈને આપણા મન માં પણ ઘણી ઈચ્છાઓ,સપનાઓ ઊગતા હોય છે અને આપણે ઇચ્છીએ કે જેમ રોજ સવારે સોના સરીખો સૂરજ ઉગે છે એમ આપણા સપનાઓ પણ આપણી ઇચ્છાઓ પણ એક નવી સુનેહરી કિરણ સાથે પ્રકાશિત થાય.
હું પણ એવી જ ઇચ્છા સાથે આપની સાથે એક નવી વાર્તા શેર કરવા જઈ રહી છું. આશા કરું છું કે તમને વાર્તા પસંદ આવશે.....)
લાખી માં ઓ લાખી માં ! મનિયા ને જરીક બાર મોકલો ને.
કોણ છે ભાઈ ઉભો રે આવું છું!આવું કહેતા આધેડક વય ના પણ શરીરે પૂરા સ્ફૂર્તિલા એવા લાખી માં જર્જરીત મકાન ના અડધા તૂટેલા અને ખીલીઓ મારી ટકાવેલા દરવાજા ને ખોલી ને બહાર આવ્યા.
અલ્યા રઘા તું છે ? શીદ ને બૂમા બૂમ કરે છે ભાઈ ?
લાખી માં મનીયો ક્યાં છે એને બોલાવો ને મારે એને હારે લઈ જાવો છે સરપંચ ના ઘેર આવું કહેતા રઘુ મનીયા ને શોધવા લાગ્યો.
મનજી (મનીયો,લાખી માં નો દીકરો)ઘેરે નથી ભાઈ એતો કાલે જ બાજુ ના શેર (શહેર) ગયો છે.
શેર કા લાખી માં કાંઈ નોકરી મળી ગઈ છે ?
મળી જ જાશે ને આટલા ધક્કા ખાઈ છે તો ભગવાને એના નશીબ માં તો કંઈક સારું જ લખ્યું હશે ને.
એ વાતેય સાચી હો લાખી માં લો તયે હું જાવ મારેય કામ છે.
પણ ઊભો તો રે સરપંચ ના ઘેરે કા જાવું એતો કેતો જા,તે પાછો સરપંચ ના છોકરા હારે કાઈ વાંધો નથી પાડો ને?
નારે ના લાખી માં મારે તો સરપંચ નું કામ હતું જમીન લીધી ને એનું આપણે ભાઈ ભણેલો છે ભેગો હોય તો કંઈક સમજાય નઈ તો સરપંચ બોલે કે એનો દીકરો બોલે કાઈ પલ્લે પડે નઈ.
ઠીક છે ભાઈ એ આવશે તો હું તારા ઘેરે મોકલી દઇશ.
લ્યો ત્યારે આવજો લાખી માં મનીયો આવે ત્યાં લગી માં કઈ કામ હોય તો સાદ દેજો હું આવી જાઈશ.
હા ભલે કહેતા લાખી માં ઘર માં પ્રવેશી ગયા અને રઘુ એના ઘર તરફ.
આખો દિવસ નીકળી ગયો પણ મનજી હજી સુધી ઘરે આવ્યો નઈ લાખી માં દરવાજે ઊભા ઊભા એના આવવાની રાહ જોઈ રહ્યા હતા એના મોઢા ઉપર ચિંતા ની રેખાઓ સ્પષ્ટ દેખાઈ આવતી હતી,એટલા માં દૂર થી કોઈક આવતું દેખાયું લાખી માં ન જીવ માં જીવ આવ્યો એ સામે બે - ચાર ડગલા ચાલ્યા.
આવી ગયો ભાઈ તું? કા ભાઈ આમ ઢીલો ઢીલો ચાલે છે?કાઈ થયું છે? આવી રીતે સવાલો ના ઢગલા કરતા લાખી માં એ મનજી ના હાથ માંથી થેલો પોતાના હાથમાં લઈ લીધો.
થાકી ને આવેલો મનજી ઘર ની બહાર આંગણા માં મુકેલી ચારપાઈ પર બેસી ગયો, અને બોલ્યો..
ના માં આજે પણ ખાલી હાથ આવ્યો છું,ખબર નઈ ભગવાન મારી હારે કયા જનમનો બદલો લે છે આટ આટલું દોડું છું તો યે કાઈ મેળ નથી પડતો.
હશે દીકરા જેવી ભગવાન ની મરજી હાલ જમી લે મેં તારા હાટુ તને ભાવતું બનાવ્યું છે.હાથ મોં ધોઈ લે હું પીરસી દવ એમ કહી ને લાખી માં અંદર ગયા .
મનજી પણ હાથ મોં ધોઈ,લૂછી ને અંદર ગયો જમવા બેઠો માં એ પ્રેમ થી એના માટે કારેલા નું શાક અને ઘઉં ની રોટલી બનાવી હતી. આમ તો મનજી ને કારેલા જોવા એ ના ગમે પણ જ્યારે એની માં આટલા લાડ થી અને પ્રેમ થી બનાવે તો એ ના પણ ના કહી શકે.
મનજી ના પિતા એ બહુ નાનો હતો ત્યારે જ ગુજરી ગયેલા. જે ઈંટો અને સિમેન્ટ થી દીવાલ બનાવતા બનાવતા મનજી ને મોટો ઓફીસર બનાવવા ના સપના જોતા એજ ઈંટો અને સિમેન્ટ ની દીવાલે મનજી ને અનાથ બનાવી દીધો. ચણતર કામ કરતી વખતે અચાનક દીવાલ પડતા એની નીચે દબાઈ ને મનજી ના પિતા નું મૃત્યુ થયુ હતું.
જમી પરવારી ને મનજી ખુલ્લા આભ નીચે ચારપાઈ પર લાંબો થયો અને સુતા સુતા આભ ના તારલા સામે તાકી તાકી ને જોઈ રહ્યો.
ભાઈ આજે તારે તારા ભાઈબંધ ને મળવા નથી જાવું?
અંદર થી પોતાની સાડી ના છેડે હાથ લૂછતા લૂછતા બહાર આવતા લાખી માં એ પ્રશ્ન કર્યો.
ના માં આજે મને સારું નથી લાગતું.. એની એજ અવસ્થા માં મનજી એ ઉત્તર વાળ્યો.
તારા બાપુયે તારી જેમ જ હતા પણ એ કદી હાર ના માનતા હો, આ સૂરજ દાદો છે ને એ બધાય ના સારા વાના કરે આપણા યે કરશે જ ને!
આવું કહેતા લાખી માં બાજુ માં નીચે બેસી ગયા.
માં ની આંખ માં નિરાશા હતી પણ દીકરા ને હિંમત આપવા માં પાછી પાની નો કરતા એ જોઈ મનજી નું મન ભારે થઈ ગયું.
તને શું લાગે છે માં હું નિરાશ થઈ ગયો છું? હું તો એ વિચારું છું કે મને નોકરી મળ્યા પછી આપણે કેવી મકાન બનાવીશું અને તું એમાં હિંડોળા પર બેસી ને હું નોકરીએ થી આવું એની રાહ જોઈશ.
આ સાંભળી લાખી માં હંસી પડ્યા હા ભાઈ તું નોકરીએ ચડી જા પછી મારે કાઈ ચિંતા નથી અને મારે મન તો એ ઝૂંપડું જ આપણો બંગલો છે.
આ શું માડી હું નોકરીએ ચડી જાઉં તોયે તારે આમાં રેવું છે ? પણ હું નઈ રેવા દવ ખરેખર બંગલો જ બનાવીશ એક દિવસ આ સૂરજ દાદા ઉગે છે ને એમ મારા નશીબ નો યે સૂરજ ઊગશે તું જો જે તો ખરી.
પોતાની માં ને તો આવું કહી ને શાંત કરી દીધી પણ પોતાના મન માં ચાલી રહેલી ઉથલ પુથલ કેમ શાંત કરવી?
એમ વાતો અને વિચારોં ના વમળો મા માં દીકરો બેઉ બેઠા છે ત્યાં મનજી નો ભાઈબંધ જીવન આવ્યો.
અલ્યા મનજી કેમ ના આવ્યો આજે હું તો તારી રાહ જોતો બેઠો થો?
અરે જીવન આવ આવ ! હું બસ જમીને નવરો પડ્યો છું.
તો ચાલ એક લટાર મારી આવીએ.
ના ભાઈ આજે હું સાવ થાકી ગયો છું કાલે જાશું.મનજી એ ફરી લાંબા થતા કહ્યું.
કેમ આજે તારા મોઢા પર નૂર નથી દેખાતું પાછો શેર ગયો થો? જીવન એ પાસે બેસતા કહ્યું.
હા ભાઈ શેર જઈ આવ્યો અને ખાલી હાથ પાછો પણ ફર્યો. મનજી એ નિરાશ થતા કહ્યું.
લો આટલી એવી વાત માં મોઢું બગાડી ને બેઠો છે,તું જ કેતો ને કે તારા જીવનનો સૂરજ એક દાડો ઊગશે?
જો ને હું પણ એજ કહું છું ભાઈ ને પણ તો એ બેઠો છે મો બગાડી ને. લાખી માં એ જીવનને કહ્યું.
ચાલ ચાલ હવે એમ ગાંડો ના થા અને ચાલ તને થોડો બાર ફેરવું એટલે તારું મન હળવું થઈ જાય.જીવન એ ઊભા થતા મનજી ને કહ્યું.
મનજી પરાણે ઊભો થયો અને જીવન ની સાથે નીકળી ગયો.
લાખી માં એકલા પડતા જ ઘર ના ખૂણા માં મૂકેલા નાના એવા મંદિર ની સામે જઈ ને બેસી ગયા અને રાધા કૃષ્ણ ની મૂર્તિ સામે હાથ જોડી કરગરવા લાગ્યા.
આ કેવી કૃપા છે તારી ઇશ્વર તું જો છો ને કેટલો દોડે છે મારો મનજી તો એ તું એની હામે જ નથી જોતો અમે કેવા પાપ કર્યા છે બાપ જેનો બદલો મારો દીકરો ભોગવે છે?
આવી આવી રીતે લાખી માં આંખ માં આંસુ સાથે ભગવાન ને રીઝવવાની કોશિશ કરતા હતા એટલા માં મનજી પણ આવી ગયો.
માં ઓ માં ક્યાં ગઈ ચાલ ચાલ સૂઈ જઈએ કાલે મારે પાછું શેર જવાનું છે. ઘર ની અંદર પ્રવેશતો મનજી ખુશી સાથે બોલી ઉઠ્યો.
દિકરાના અવાજ માં ખુશી જોઈ લાખી માં ના હૈયા માં પણ ટાઢક વળી,આંખ ન આંસુ લૂછી એ હરખભેર બહાર આવ્યા.
આ આવી ભાઈ ઘર માં જ હતી ચાલ પથારી કરી દવ.હે ભાઈ પાછું શેર કેમ? કાઈ કેણ આવ્યું છે નોકરી નું?
કેણ જ આવ્યું એવું સમજ માં કાલે નોકરી મળી જ જાશે,સરપંચ નો દીકરો રયો ને એની ઓળખાણ છે એણે ભલામણ કરી છે.
તો તો સારું ભાઈ ચાલ સૂઈ જા ને સવારે વેલો ઉઠી જાજે. કહેતા લાખી માં પથારી કરવા માંડ્યા.
માં દીકરો બેઉ સવારે વહેલા ઉઠ્યા,મનજી નાહી ધોઈ ને ત્યાર થતો હતો ત્યાં લાખી માં હાથ માં સફેદ શર્ટ અને કાળું પેન્ટ લઈ ને આવ્યા અને બોલ્યા....
લે ભાઈ આજે આજ લૂગડાં પેરી જા તારા બાપુજી ના છે પણ એને તો પરવાનો યે વારો નો આવ્યો ને ભગવાને તેડાવી લીધા ને એય આપણને એકલા મૂકી ને હાલતા થયા.
લાખી માં ન હાથ માંથી કપડા લેતા મનજી બોલ્યો શું માં તું યે બાપુજી આપણને એકલા મૂકી ને ક્યાંય નથી ગયા એતો આપણા હ્રદય માં જ છે એટલે તો તું એને યાદ કરે છે એનો આશીર્વાદ છે એટલે જ મને નોકરી મળી જાશે.હવે આ આંસુડા લૂછી નાખ.
લાખી માં આંખો લૂછતા લૂછતા બોલ્યા :
હાચી વાત છે દીકરા તારા બાપુજી આપણી હારે જ છે.
મનજી તૈયાર થઈ નાસ્તો કરી ને માં ને પગે લાગી ને શહેર જવા નીકળી પડ્યો.
સાંજ પડ્યે પાછો ફર્યો પણ આજે ચહેરા પર ઉદાસી નઈ એક અલગ નૂર દેખાતું હતું.
માં ક્યાં છે તું? આંગણા માં આવતા જ મનજી એ સાદ પાડ્યો.
આવી ગયો ભાઈ? એમ કહી લાખી માં નજીક આવ્યા દીકરા ના મોઢા પર નૂર જોઈ લાખી માં ના મોઢા પર પણ સ્મિત વેરાઈ ગયું.
કા ભાઈ મેળ આવી ગયો? નોકરી મળી ગઈ? લાખી માં થી વધારે રેવાયું નઈ એટલે પૂછી જ નાખ્યું.
હા માં મળી ગઈ નોકરી હું નો તો કેતો કે મેળ આવી જ જાશે. મનજી એ માના હાથ પકડી ને કહ્યું.
હા દીકરા ભગવાન બધાય નો છે એક દાડો તો સામું જોવે જ ને,હાલ જમી લે જમતા જમતા વાતું કરશું ભૂખ્યો થયો હશે તુંએ.
હા માં ભૂખ તો લાગી છે અને આ જો તારા હાટુ હું મીઠાઈ લાવો છું તને ભાવેય છે ને. કહેતા મનજી એ થેલા માં સાચવી ને મૂકેલું મીઠાઈ નું ખોખું કાઢ્યું.
માં ના મોઢા માં મીઠાઈ મૂકતા મનજી હરખાઈ ગયો અને માં ની આંખ માં પણ હર્ષાશ્રુ ભરાઈ આવ્યા.
માં દીકરા એ જમી ને આંગણા માં બેઠા બેઠા ઘણી વાતો કરી અને પછી શું ગયા.
સવારે મનજી ઊઠી ને દાતણ કરતો હતો એટલા માં ટપાલી આવ્યો અને મનજી ને એક કાગળ આપ્યો,ટપાલી નો અવાજ સાંભળી લાખી માં પણ બહાર આવ્યા.
કોનો કાગળ છે ભાઈ ? લાખી માં એ પ્રશ્ન કર્યો.
હાથ માં કાગળ ફેરવી ને જોઈ ને મનજી બોલ્યો આ તો સરકારી કાગળ છે માં. કાગળ ખોલી ને વાચ્યો વાંચતા જ એની આંખ માંથી આંસુ ખરવા લાગ્યા.
આ કાગળ તો....કહેતા મનજી માં ને ભેટી પડ્યો
એ કાગળ મનજી એ આપેલી પોલીસ ભરતી ની પરીક્ષા નું પરિણામ હતું જેમાં એ ઉત્તીર્ણ થયો હતો અને પોલીસ ભરતી માટે સિલેક્ટ થઈ ગયો હતો.
લાખી માં નો હરખ તો ક્યાંય સમાતો ના હતો એ બે હાથ જોડી ને ભગવાન ને ધન્યવાદ આપવા માંડ્યા.
મનજી એ સવારના ઊગી રહેલા સૂરજ સામે જોયું અને કહ્યું જોયું માં મેં કહ્યું હતું ને કે મારી આશા ના સૂરજ પણ ઊગશે તે આજે મારો "ઊગતો સૂરજ" છે આ.