Amare To Tane Pachi Lavvani Hati in Gujarati Short Stories by Ravi Ila Bhatt books and stories PDF | અમારે તો તને પાછી લાવવાની હતી

Featured Books
Categories
Share

અમારે તો તને પાછી લાવવાની હતી

‘કુલદીપ અઠવાડિયા પછી આવવાનો છે. તેણે જતા પહેલાં જે કર્યું છે તે જરાય યોગ્ય નહોતું. પેલી નિલુડી જોડે એ પ્રેમના ફાગ ખેલવા માંડ્યો છે. કોઈ નહીં ને મારી બેસ્ટ ફ્રેન્ડ નિલુ જ મળી એને આવા ધંધા કરવા માટે. ખરેખર મારે તો શરમાવું જોઈએ કે પછી ગુસ્સો કરવો જોઈએ, કંઈ સમજાતું નથી.’ – આવા બબડાટ કરતી કરતી અપેક્ષા ઘરના ઉપરના માળેથી નીચે આવી. અપેક્ષા નીચે આવી ત્યારે તો રાધા અને તેની બહેન કુમુદ આવી ગયા હતા.

‘રાધા, મને આજે માથામાં તેલ નાખી દેજે. સખત માથું દુઃખે છે. એક તો વિચારો અટકતા નથી અને તેમાં આ બીજું દુઃખ આવીને પડ્યું છે. મારે તો શું કરવું.’ – અપેક્ષા ફરી બબડી અને ઘરના વરંડામાં મુકેલી ખુરશી ઉપર ગોઠવાઈ. રાધા આવીને ચા-નાસ્તો અને અખબાર મુકી ગઈ.

‘દીદી, આજે થોડું વહેલાં ઘરે જવું છે તો હું અને કુમુદ પહેલાં કામ પૂરા કરી લઈએ પછી જતા જતા તમારા માથામાં તેલ નાખી દઈશ. આજે મારી જૂની બહેનપણી અને તેનો વર અમદાવાદ આવવાના છે. મારે તેમને કાંકરિયા ફરવા લઈ જવાના છે.’ – રાધા બોલીને જતી રહી અને અપેક્ષા તેને બાઘાની જેમ જોતી રહી.

‘બહેનપણી શબ્દ જ તેના હૈયા ઉપર બરોબર ચચરી ગયો હતો. નિલુ કે જેને અમદાવાદમાં રહેતા નહોતું આવડતું, સરખા કપડાં પહેરતા નહોતું આવડતું તેને અપેક્ષાએ બહેનપણી બનાવી હતી. કોલેજના પહેલા વર્ષમાં નિલુ અને અપેક્ષા મળ્યા હતા. સિનિયરો દ્વારા રેગિંગ કરાતું હતું ત્યારે નિલુ ઊભી ઊભી રડતી હતી અને અપેક્ષા તેની વહારે આવી હતી. તે દિવસથી બંને વચ્ચે શરૂ થયેલી મિત્રતા સમયાંતરે એટલી ગાઢ થઈ ગઈ કે કોઈને કલ્પના પણ નહોતી. સારા ખોટા દરેક પ્રસંગમાં બંને એકબીજાની સાથે જ હોય.

નિલુ તો ગામડેથી આવેલી સાવ સામાન્ય વર્ગની છોકરી હતી. અપેક્ષાએ તેને પહેલી વખત જિન્સ પહેરવા આવ્યું. તેને મોર્ડન બનાવી. ધીમે ધીમે તેના વ્યક્તિત્વમાં શહેરીકરણની છાપ ઊભી કરી. અપેક્ષાનું ઘર પહેલેથી સમૃદ્ધ હતું. તે ઉપરાંત તેના ઘરમાં ક્યાંય ભેદભાવનું કલ્ચર નહોતું તેથી પણ અપેક્ષા થોડી વધારે વાઈબ્રન્ટ હતી. તેણે નિલુને પણ પોતાના જેવી બનાવવાની શરૂઆત કરી દીધી હતી. તેઓ તહેવારો સાથે ઉજવતા, સાથે ફરવા જતા, મોજશોખ કરતા અને ત્યાં સુધી કે બંને એકબીજાના કપડાં પણ એક્સચેન્જ કરતા. આજની તારીખે પણ અપેક્ષા કંઈક નવું લાવી હોય અને નિલુને જોઈએ તો તે લઈ જતી હતી.

તે દિવસે પાર્ટી માટે હેન્ડ પ્રિન્ટેડ સાડી પણ અપેક્ષાએ જ નિલુને આપી હતી. નિલુના ઘરનું રિનોવશ થયા પછી ત્યાં પાર્ટી હતી. માત્ર ફેમિલીના નજીકના લોકો અને મિત્રોને જ આમંત્રણ હતું. પાર્ટીમાં પરાણે 30-40 લોકો થતા હતા. તેના માટે જ અપેક્ષાએ પોતાની હેન્ડ પ્રિન્ટેડ સાડી નિલુને આપી હતી. તેને ખબર નહોતી કે નિલુને આપેલી સાડીની રિટર્ન ગિફ્ટ તેને આ રીતે મળશે.’

‘કુલદીપ બિઝનેસ ટૂર ઉપર ગયો તેના આગલા દિવસે નિલુના ઘરે પાર્ટી હતી. અપેક્ષાને બરાબર યાદ હતું કે, તે સાડા છ કલાકે નિલુના ઘરે પહોંચી. તે દરવાજો ખોલીને અંદર દાખલ થઈ. તેના લિવિંગરૂમમાં લાઈટો ઝગારા મારતી હતી. બે-ચાર લોકો સોફા અને ખુરશીમાં બેઠા હતા. બાકી કોઈ ખાસ દેખાતું નહોતું.

અપેક્ષા લિવિંગરૂમમાંથી આગળ વધી અને રસોડા તરફ ગઈ તો ત્યાં પણ નિલુ દેખાઈ નહીં. અપેક્ષાએ આમતેમ આંટા માર્યા અને સીધી જ નિલુના બેડરૂમ તરફ ગઈ. તેણે જોયું તો દરવાજો અધખુલ્લો હતો. તેણે દરવાજામાંથી અંદર નજર કરી તો ભાન-બાન ગુમાવી દીધા. કુલદીપ સોફા ઉપર બેઠેલી નિલુની પાછળથી બાથ બીડીને કિસ કરી રહ્યો હતો. બંનેને આ સ્થિતિમાં જોઈને અપેક્ષાનો ગુસ્સો સાતમા આસમાને જતો રહ્યો અને તે જોરથી બારણાને લાત મારીને ત્યાંથી નીકળી ગઈ.’

કુલદીપ પણ કશું જ કહ્યા વગર કે, ખુલાસા વગર રાત્રે આવીને પોતાની બેગ લઈને સવારે નિકળી ગયો. અપેક્ષા બરાબર અકળાયેલી હતી. તેનું માથું ફાટી ગયું હતું પણ જવાબ આપવા કુલદીપ હાજર નહોતો અને નિલુને હવે તે બોલાવવા માગતી નહોતી.

આવી જ રીતે વિચારો કરતા તેણે દિવસ પસાર કર્યો અને પોતાના રૂમમાં આવીને ઉંઘી ગઈ. સાંજે એકલી જ હતી તેથી કંઈ ખાધુ-પીધું પણ નહીં. બીજા દિવસે રાધા આવી ત્યારે તેણે ડોરબેલ માર્યો અને અપેક્ષા જાગી. રાધાએ ઘરનું કામ શરૂ કરી દીધું અને અપેક્ષા પોતાના વિચારોમાં અટવાયેલી આમતેમ આંટા મારતી હતી.

વિચારોમાં ખોવાયેલી અપેક્ષા અનાયાસ જ પોતાની દીકરીના રૂમમાં પહોંચી ગઈ. ધ્યાનીને તો કેનેડા ગયે એક વર્ષ થયું હતું પણ તેનો રૂમ હજી અકબંધ સચવાયેલો હતો. ધ્યાનાની બેડ પાસે પડેલા ફુલ સાઈઝના મિરરમાં અપેક્ષાની નજરી પડી. તેણે અરિસામાં ક્યાંય સુધી જોયા કર્યું. તેને અરિસામાં દેખાતી સ્ત્રી સમજાતી જ નહોતી. સાવ લઘરવઘર કપડાં, શરીર ચહેરા અને ગળાના ભાગમાં દેખાવા માંડેલી કરચલીઓ, વાળમાં પણ સફેદી આળોટી ગઈ હતી અને ઘણો ભાગ કાબરચીતરો થઈ ગયો હતો. ચહેરા ઉપર જરાય નૂર નહોતું. શહેરના ચોક્કસ ભાગમાં ચરબીના થર થવા લાગ્યા હતા. યુવાની બાદ સીધી જ વૃદ્ધાવસ્થા આવી હોય તેમ દેખાતું હતું.

‘આ તો નહીં જ ચાલે. મને લાગે છે કે, કુલદીપને પછી બીજામાં જ રસ પડે ને.’ – અપેક્ષા જોરથી અરીસા સામે જોઈને બરાડી અને દોડીને નીચે આવી.

‘રાધા. એક કામ કર, અત્યારે જ કુમુદને બજારમાં મોકલ અને પેલી મારી મનગમતી મહેંદી મંગાવી લે. આજે માથામાં મહેંદી લગાવીશ અને પછી નહાઈશ. નહાવા માટે ચણાનો લોટ, દૂધ અને મલાઈ ભેગા કરી દે. હમણાં અઠવાડિયું આ રીતે જ નહાવાની છું. તો દરરોજ સવારે આવીને બધું રેડી કરી દેજે.’ – અપેક્ષાએ ઓર્ડર કર્યા અને રાધા પણ નવાઈ પામી.

હવે તો રાધાની પહેલાની જેમ જ ડ્યુટી લાગી ગઈ હતી. સવારે આવીને કામ પતાવવાનું, બપોરે અપેક્ષાને મસાજ કરવાનું અને માથામાં ચંપી કરી આપવાની, ઉબટન બનાવી આપવાનું અને તેના તમામ કપડાંને ઈસ્ત્રી કરાવવાના. અઠવાડિયામાં તો અપેક્ષા તદ્દન બદલાઈ ગઈ હતી.

અઠવાડિયા પછી કુલદીપ નક્કી કરેલા સમયે ઘરે આવ્યો. તેણે જોયું તો ઘરની ચમક પણ બદલાઈ ગઈ હતી. તે ગયો ત્યારે ઘરમાં ચારે તરફ માંદલું માંદલું વાતાવરણ હતું, પંખા લુછવા, કબાટો સાફ કરવા, રસોડું સાફ કરવું જેવી જ વાતો ચાલતી હતી. તેણે જોયું તો પંખા ચકાચક થઈ ગયા હતા, ઘરમાં લાઈટો બદલાઈ ગઈ હતી. બહાર ગાર્ડનમાં નવા છોડ લગાવાઈ ગયા હતા. સુકાયેલા ક્યારામાં અંકુર ફુટવા લાગ્યા હતા. સૌથી મોટું પરિવર્તન એ હતું કે, ઘરમાં સંગીત વાગતું હતું જે કદાચ છેલ્લાં એક દાયકાથી અચાનક બંધ થઈ ગયું હતું.

કુલદીપ તો આશ્ચર્ય અને આનંદના ઉન્માદમાં દોડ્યો ઘરમાં પણ અપેક્ષા દેખાઈ નહીં. રાધાએ રસોડામાંથી આવીને ઉપરનો ઈશારો કર્યો અને કુલદીપ ઉપર દોડી ગયો. અપેક્ષા નહાવા ગઈ હતી. કુલદીપ રાહ જોતો બેડરૂમની અગાસીમાં જ ઊભો રહી ગયો. થોડીવારમાં અપેક્ષા બહાર આવી અને એક માદક ખુશ્બુ બેડરૂમમાં ફેલાઈ ગઈ, કુલદીપ આપોઆપ અંદર ખેંચાઈ આવ્યો.

તેણે અપેક્ષાને બાથી ભીડવાનો પ્રયાસ કર્યો ત્યાં જ અપેક્ષાએ હળવો ધક્કો માર્યો અને બોલી,

‘જા. પેલી નિલુડી જોડે કરજે આ બધું.’ કુલદીપે દયામણું મોઢું કર્યું.

‘કોઈ બહાના કાઢીશ નહીં. મને ખબર છે. મેં મારી નજરે જોયું હતું. જા હવે એ નિલુડી પાસે. તારે તો એને અહીંયા લાવવી હશે ને. એક વાત યાદ રાખજે હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં.’ – અપેક્ષા ઉકળી ગઈ.

‘જો નિલુડીને લઈને જ આવ્યો છું.’ – કુલદીપે દરવાજા તરફ ઈશારો કર્યો અને નિલુ અને દીપક અંદર આવ્યા.

‘દીપક તને ખબર છે આ લોકોના રિલેશન વિશે. તું સપોર્ટ કરે છે. ખરો માણસ છે યાર.’ – અપેક્ષા વધારે અકળાઈ ગઈ.

‘અપેક્ષા એવું કશું જ નથી. તે ત્યારે જે જોયું હતું તે આ નિલુડીનું જ નાટક હતું. તેણે તારી પાસે સાડી માંગીને પોતે પહેરી લીધી અને કુલદીપનો શર્ટ મને પરાણે પહેરાવ્યો. કુલદીપ તો પાર્ટીમાં મોડો આવ્યો હતો. તે જોયું તે કુલદીપ અને નિલુ નહીં પણ હું અન નિલુ હતા.’ – દીપકે કહ્યું અને અપેક્ષા આશ્ચર્યથી તેને જોતી રહી.

‘એ ડફોળ છોકરી, જરૂરી નથી કે તું જ મારું મેકઓવર કરી શકે, હું પણ તને પાછી લાવી શકું છું. અમે તને પાછી લાવવા જ આ ધતિંગ કર્યા હતા. અરિસામાં જો તારી જાતને, પહેલાં શું હતી, પછી શું થઈ ગઈ હતી અને હવે કેવી થઈ છે.’ – નિલુ બોલી અને અપેક્ષા દોડીને તેને ભેટી પડી. દીપક અને કુલદીપ હસી પડ્યા.