સ્પર્ધા કઈ રીતે કરવામાં આવે છે તેના આધારે નક્કી થઈ શકે કે સ્પર્ધા સારી છે કે નુકસાનકારક.
જો સ્પર્ધા તંદુરસ્ત હોય એટલે કે, હેલ્ધી કોમ્પિટિશન હોય તો તે પ્રગતિનું કારણ બની શકે છે. સામાની લાંબી લીટીને ભૂંસ્યા વગર પોતાની લીટી લાંબી કરવી, તેને હેલ્ધી કોમ્પિટિશન કહેવાય છે. રમતગમતમાં ખેલદિલીથી રમતા ખેલાડીઓમાં આવી સ્પર્ધા જોવા મળે છે, જ્યાં હાર-જીત હોય છે, પણ બંને પક્ષ સ્વીકારી લે છે, હાથ મિલાવે છે, અને બીજી રમતમાં સારું પરફોર્મ થાય એના માટે પ્રેક્ટિસમાં લાગી જાય છે. ઉદ્યોગ જગતમાં કેટલીક કંપનીઓમાં પણ હેલ્ધી કોમ્પિટિશન જોવા મળે છે. જેમ કે બે કંપની એક જ લાઈન ઓફ પ્રોડક્ટ માટે જાણીતી છે. તો તેઓ એક જ વસ્તુ સરખી બનાવે, અને બાકીની બધી જ પ્રોડક્ટ્સ જુદી જુદી રાખે. જેથી ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુ મળે અને બંને વ્યાપાર સફળતાથી ચાલે.
અહંકારનો સ્વભાવ જ એવો છે, કે તેને આગળ રહેવાની, મોટા થવાની મજા આવે છે. પણ દરેક વખતે પોતે બધાથી આગળ જ રહે એમ ન પણ બને. જ્યારે કોઈ બીજું આગળ નીકળી જાય, તો અહંકાર સહન નથી કરી શકતો. મોટેભાગે સ્પર્ધામાં પડેલી વ્યક્તિ ઈર્ષ્યાથી પ્રેરાઈને ખોટાં પગલાં લેતા અચકાતી નથી.
સ્પર્ધા એક ઘોડાની રેસકોર્સ જેવી છે, જેમાં પહેલા ઘોડાને ઈનામ મળે અને બાકીના દોડી દોડીને હાંફી જાય, મરી જાય, પણ કશું હાથમાં નથી આવતું. આપણા શક્તિ અને સમય નકામા વેડફાય છે.
જે વ્યક્તિ પ્રત્યે સ્પર્ધા હોય તેની સાથે જબરજસ્ત દ્વેષ ઊભો થાય છે, પોતે સતત ભોગવટામાં અને બળતરામાં હોય છે, રાત-દિવસ આગળ વધવાની પેરવીમાં તેના ચેન અને શાંતિ હણાઈ જાય છે. જે વ્યક્તિ માટે સ્પર્ધા થતી હોય એની પીઠ પાછળ પોતે નિંદા કરે છે. નિંદા અને ટીકાથી પોતાને જ મોટું નુકસાન થાય છે. આપણું હૃદય બગડે છે અને સામાને તેના સ્પંદનો પહોંચ્યા વગર રહેતાં નથી. માણસની નિંદા કરવી એ તેને માર્યા બરાબર દુઃખદાયી છે.
જે નેગેટિવ સ્પર્ધામાં પડ્યા હોય તો સતત બીજાને ખસેડીને એનું નુકસાન કરીને પણ હું કેમ કરીને આગળ નીકળી જઉં એની પેરવીમાં જ હોય. બધા ખસે અને હું આગળ વધું એવું સ્પર્ધાત્મક વલણ રાખવાથી કુદરત આપણને જ કહે છે, “તું ખસ અને બધા આગળ વધે“. છેવટે સામાને ઓછું નુકસાન થાય છે, પણ પોતાનું ભારે અહિત થાય છે.
પૈસા કમાવાની સ્પર્ધામાં પડેલા મનુષ્યો અનીતિ અને અપ્રમાણિકતા આચરતા અચકાતા નથી. ખોટા કામો છુપાવવા અંદર સતત ચિંતા અને સ્ટ્રેસ ઊભા થાય છે. જેટલા વધુ પૈસા કમાય, તેટલી પોતાનાથી વધારે પૈસાવાળા સાથે સ્પર્ધા થાય. એકાદ વર્ષ માટે ન્યુઝપેપર કે મેગેઝિનમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિનું નામ રહે, પછી એ લાંબુ ન ટકે. ઊલટું સ્પર્ધામાં બે જણા એકબીજાનો ટાંટિયો ખેંચે અને પરિણામે બેમાંથી કોઈ ઊંચું નથી આવી શકતું. આપણે સામાને હરાવીએ એટલે સામો પછી આપણને હરાવવાની તૈયારી કરે. સામસામો બદલો લેવાય અને હાર-જીતનો વેપાર ચાલુ થઈ જાય.
ગળાકાપ સ્પર્ધા શરૂ થવાથી વેરઝેર વધે છે. મોટી મોટી લડાઈઓ પણ સ્પર્ધાના પરિણામે જ સર્જાય છે. રામાયણ અને મહાભારત જેવા યુદ્ધ થવા પાછળ સત્તા માટે, સ્ત્રી માટે કે લક્ષ્મી માટે સ્પર્ધા જ કારણભૂત હતા. સ્પર્ધામાં પડેલા બે મહારથીઓ વચ્ચેની લડવાડમાં આખો સમાજ, સંસ્થા, ગામ, રાજ્ય કે આખા દેશને નુકસાન થઈ જાય છે.
સારરૂપે, જે પણ ક્ષેત્રમાં બીજાને નીચા પાડવાના સ્પર્ધાત્મક અને નકારાત્મક વલણ સાથે રેસકોર્સમાં ઊતરીએ ત્યાં આગળ પ્રગતિ થવાને બદલે એ ઊલટી રૂંધાય છે.
સ્પર્ધા / ઈર્ષા વિષે વિગતવાર સમજણ પ્રાપ્ત કરવા માટે અહીં ક્લિક કરો: https://www.dadabhagwan.in/path-to-happiness/self-help/competition/