ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 56
શિર્ષક:- નેગીલામા
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 56."નેગીલામા"
પહેલાં જણાવ્યું તેમ ટેકરા મઠ એટલે સૌના માટે આશ્રયનું સ્થાન, કોઈ સંપ્રદાયભેદ નહિ. તેની ઉદારતાનું કારણ તેના સંચાલક સ્વામી મંગળગિરિજી હતા. ધર્મ-ઝનૂનનું, માન્યતા-ઝનૂનનું નામ નહિ. કોઈ પૂર્વગ્રહ કે દુરાગ્રહ નહિ બધી જ ધાર્મિક માન્યતાઓને જાણે કે તે ઘોળીને પી ગયા હોય અને બધી માન્યતાઓ થોથાં માત્ર હોય, અને આ થોથાં માટે લોકો લડી મરતાં હોય તેવી તેમની પ્રતીતિ. ટેકરા મઠ સેંકડો વર્ષ પ્રાચીન હોવાથી જીર્ણ થઈ ગયેલો. ત્રીજો માળ તો ખંડેર થઈ ગયેલો.
આવા ખંડેર ઓરડામાં એક તિબેટના લામા રહે. નામ નેગીલામા લ્હાસાની કૉલેજમાં પ્રિન્સિપાલ રહેલા, નિવૃત્ત થઈને ભારત આવ્યા. ટેકરા મઠે તેમને સ્થાન આપ્યું. ત્રીજા માળના ખંડેર રૂમમાં રહ્યા. સાધુતાનાં તમામ લક્ષણોથી ભરપૂર આ અત્યંત વૃદ્ધ સાધુ પ્રત્યે સહેજે આદરમાન થઈ જાય. મઠમાં એવી રીતે રહે કે જાણે તેમનું અસ્તિત્વ જ નથી, કોઈને જરાપણ અડચણ ન થાય તેની કાળજી, સૌજન્યની સાક્ષાત્ મૂર્તિ. વિદ્વત્તાનો પાર નહિ છતાં જરાય અભિમાન નહિ. બાળક જેવો સહજ સ્વભાવ, કોઈ દંભ, આડંબર કે ઘમંડ નહિ. સૌથી વધુ નવાઈ તો એ થાય કે આટલો પવિત્ર પુરુષ સાંજે એક ટાઇમ માંસાહારી હોટલમાં જમવા જાય.(બૌદ્ધ ભિક્ષુઓ – લામાઓ – માંસાહારને વર્જ્ય નથી માનતા.)
મને થયા કરે, જેવું અન્ન તેવું મન' તેવી માન્યતા છે, તો આ લામાજીને કોઈ વાર પણ ક્રોધ કેમ નથી આવતો ? તે ઈદ્રિષ કેમ નથી કરતા, નિંદા કે ખટપટ કેમ નથી કરતા ? અને અમે ડુંગળી કે લસણને પણ નહિ ખાનારા બધા દુર્ગુણોથી ભરપૂર કેમ છીએ ? આજે મને હવે અનેક વ્યક્તિઓના સંપર્ક પછી લાગે છે કે માંસાહારી માણસો ભયંકર રાક્ષસ હોય છે તેવી આપણી માન્યતા ભ્રામક છે.
સાધુતા-સજ્જનતા અને ભદ્રતાનું માપ પોતાનાં માની લીધેલાં આહારનાં મૂલ્યોથી કરવું એ બરાબર નથી. ઘણી વાર એવું પણ જોવા મળ્યું છે કે સૌથી વધુ અહિંસા તથા ભક્ષ્યાભક્ષ્યના નિયમો પાળનારા સૌથી વધુ શોષક રહ્યા છે. આ નિયમ સૌના માટે નથી, પણ ખોરાકની બાબતમાં ચુસ્ત નિયમો પાળનારાઓ, તેવા નિયમો ન પાળનારાઓ પ્રત્યે ધૃણા કરતા હોય છે. તેમને એટલું બતાવવા માટે છે કે, આવા ચુસ્ત નિયમો પાળીને પણ જો શોષણવૃત્તિ ન જાય તો અને બીજી તરફ આવા નિયમો પાળ્યા વિના પણ માણસ શોષણહીન જીવન જીવતો હોય તો આહારસંબંધી માન્યતાઓ દુર્બળ સાબિત થશે. પરિણામ આપ્યા વિનાના નિયમો અથવા વિપરીત પરિણામ આપતા નિયમોની મહત્તા કેટલી?
આ નેગીલામા સાથે મારે વર્ષો સુધી રહેવાનું થયું. તેમની વિદ્વત્તા કરતાં પણ તેમની નિર્મળતા કદી ન ભુલાય તેવી. રાત્રે કલાકો સુધી અમે ચર્ચા કરીએ. મારો અભિગમ બૌદ્ધદર્શનને જાણવા-સમજવાનો, સાથે સાથે કાંઈક ખંડન કરવાની વૃત્તિ પણ ખરી. મારું ખંડન સાંભળીને તે નિર્દોષ હસી પડે. કદી ચિડાય નહિ. થાક્યા-કંટાળ્યા વિના વાતો આગળ ચાલે. એક-બે નમૂના આપીશ, અમારી ચર્ચાના.
તેઓ મોક્ષમાર્ગી હતા અને અહર્નિશ “ મણિપદ્મહુંમ્’ મંત્રની માળા ફેરવ્યા કરતા. નિર્વાણકાળમાં આત્મા (ચિદ્ધારા) પોતે દીવાના તેલની માફક સમાપ્ત થઈ જાય છે. અર્થાત્ આત્માનું અસ્તિત્વ રહેતું નથી. આ વિચારને દૃષ્ટિમાં રાખીને મેં પૂછ્યું,” જો નિર્વાણકાળમાં આત્મા પોતે જ ન રહેતો હોય તો મોક્ષ કોને મળે ? માનો કોઈ રાજાએ એક લાખ રૂપિયાની થેલી બાંધીને ઈનામ જાહેર કર્યું કે જે કોઈ આ ફાંસીએ લટકી જશે તેને એક લાખની થેલીનું ઇનામ મળશે. ડાહ્યા માણસો તો હસીને ચાલતા થયા પણ એકાદ મૂર્ખો લાખ રૂપિયા લેવાની લાલચે ફાંસીએ લટકી પડ્યો. પણ હવે પેલી લાખ રૂપિયાની થેલી લેશે કોણ? શું બૌદ્ધોનું નિર્વાણ આવું જ નથી" તેઓ ખડખડાટ હસતા.
બીજી વાત.
ભગવાન બુદ્ધનું તો નિર્વાણ થયું જ હશે. જો હા, તો તેનો અર્થ થયો કે બુદ્ધ ભગવાનના આત્માનો અભાવ થઈ ગયો. હવે મંદિરોમાં મૂકેલી બુદ્ધ મૂર્તિ આગળ જે પ્રાર્થના-પ્રણામ વગેરે થાય છે, તેને જોના૨-સમજનાર તો કોઈ રહ્યું નહિ, માત્ર પથ્થર જ રહ્યો. (અમે હિન્દુઓ તો પરમાત્માને વ્યાપક માનીએ છીએ એટલે પથ્થરની મૂર્તિમાં પણ ભગવાન છે તેવું થયું.) આવી સ્થિતિમાં તેવી મૂર્તિને પગે લાગવાનો શો અર્થ?
ખુલ્લા મનથી આવી અસંખ્ય પ્રશ્નાવલિ ચાલતી. ભલભલા પંડિતો વિચલિત થઈ જાય તેવા પ્રશ્નો હું પૂછતો પણ તે કદી ઉગ્ર ન થતા. બૌદ્ધદર્શન સંબંધી જાણકારી મેળવવામાં શ્રી નગીલામા જેટલા ઉપયોગી રહ્યા તેથી પણ વધુ ઉપયોગી રહ્યા એક સાચા સંતના સદ્ગુણોનું મૂર્તિમંત રૂપ સમજવા માટે.
આભાર
સ્નેહલ જાની