વંશિકા :- સાચે તમે ગુસ્સે નથી મારાથી ?
હું :- ના યાર હું કોઈ ગુસ્સે નથી તારાથી.
વંશિકા :- હા યાર હું તો ભૂલી ગઈ કે તમે ક્યાં કોઈનાથી નારાજ થાવ છો ક્યારેય.
હું :- અચ્છા આવું કેવી રીતે કહી શકે છે તું ?
વંશિકા :- યાર તમે એકદમ સ્વીટ ટાઈપના માણસ છો એટલે કે એકદમ મીઠુડા. એટલે તમે નારાજ નહીં થતા.
હું :- હું અને સ્વીટ તમે ક્યારે ટેસ્ટ કર્યો ?
વંશિકા :- ટેસ્ટ નથી કર્યો પણ તમારો સ્વભાવ એટલો સ્વીટ છે એટલે તમે પણ એવા જ હશો.
હું :- અચ્છા તમારો ખૂબ આભાર મારા વિશે સારો અભિપ્રાય આપવા માટે.
વંશિકા :- હા, અમારી ફરજ છે તમને અભિપ્રાય આપવાની.
હું :- અચ્છા સાંભળ એક વાત કહું.
વંશિકા :- હા, બોલો શું વાત કરવી છે.
હું :- આવતા રવિવારે તારો શું પ્લાન છે ?
વંશિકા :- કોઈ પ્લાન નથી બસ ઘરે છું.
હું :- આવતા રવિવારે અમે લોકો અનાથાશ્રમ જવાના છીએ એટલે તું કહેતી હતીને તારે પણ સાથે આવવું છે.
વંશિકા :- વાહ, સરસ વિચાર છે. કોણ કોણ જવાનું છે ?
હું :- હું, અવી અને વિકી યાર બીજું કોણ હોય.
વંશિકા :- હા તો હું પણ આવવા માટે તૈયાર છું જો તમારા મિત્રોને કોઈ વાંધો ના હોય તો.
હું :- અરે એમને કોઈ વાંધો નથી મે પહેલા એમની સાથે વાત કરી લીધી હતી તારી પણ સાથે આવવાની.
વંશિકા :- અચ્છા તો પછી કેટલા વાગ્યે નીકળવાનું છે ?
હું :- ૧૦:૩૦ વાગતા નીકળવાનું છે એટલે તું જણાવી દે કે તને કઈ જગ્યાએથી અમે પિક અપ કરીએ અથવા તો તું ડાયરેક્ટ આવીશ.
વંશિકા :- મને કોઈ જગ્યાએથી પિક અપ કરવાની જરૂર નથી. દર વખતે મારે તમને હેરાન નથી કરવા. હું ૧૦:૩૦ સુધીમાં તમારા ઘરે પહોંચી જઈશ.
હું :- શું તું મારા ઘરે આવીશ ?
વંશિકા :- હા, હું તમારા ઘરે આવીશ અને ત્યાંથી તમારી સાથે આવીશ. તમને અથવા તમારા મિત્રોને કોઈ તકલીફ તો નથી ને મારા ઘરે આવવાથી ?
હું :- અરે ના યાર અમને શું પ્રોબ્લેમ હોય.
વંશિકા :- હા બસ તો પછી હું સમય પર તમારા ઘરે પહોંચી જઈશ અને ત્યાંથી તમારી સાથે આવીશ.
હું :- ઓકે પણ હું પૂછી શકું કે તું મારા ઘરે કેમ આવવા માગે છે ?
વંશિકા :- હા ચોક્કસ, કારણકે હું તમારું ઘર જોવા માગું છું. હું પણ જોવા માગું છું કે બેચલર લાઇફ કેવી હોય છે. તમે લોકો કેવી રીતે રહો છો.
હું :- અચ્છા આવો અચાનક શોખ ક્યાંથી જાગ્યો તમને.
વંશિકા :- શોખ નથી ખાલી જાણવાની ઈચ્છા છે કે મારા મિત્રનું જીવન બેચલર લાઇફમાં કેવું છે.
હું :- અચ્છા પણ અમે ત્રણેય છોકરાઓ રહીએ છીએ અને તને ઘરે આવવામાં ઓકવર્ડ ફિલ નહીં થાય ?
વંશિકા :- એમ ઓકવર્ડ શું ફિલ થવાનું. તમે કોઈ અજાણ્યા તો નથી ને. ફક્ત તમારા મિત્રો મારા માટે અજાણ્યા છે અને મળ્યા પછી તેઓ પણ ઓળખીતા થઈ જશે. તમે તો છો મારી સાથે પછી મને ઓકવર્ડ ફિલ કઈ રીતે થઈ શકે.
હું :- હા, વાત તો તમારી સાચી છે મેડમ. ખરેખર તમે બહુ ફ્રી માઈન્ડ ધરાવો છો.
વંશિકા :- હા કોઈ વ્યક્તિને સારી રીતે જાણવા અને સમજવા માટે તે વ્યક્તિ સાથે ફ્રી માઈન્ડ બનીને રહેવું પડે.
હું :- વાહ, સલામ છે તમારી ફિલોસોફીને પણ આટલી બધી ફિલોસોફી આજે ક્યાંથી આવી ?
વંશિકા :- ક્યાંયથી નથી આવી કદાચ અત્યાર સુધીમાં તમે જોવાની ટ્રાય નહીં કરી હોય.
હું :- ના એવું નથી મને તો ઘણો ફરક લાગે છે તારામાં.
વંશિકા :- અચ્છા મને જણાવશો શું ફરક લાગે છે તમને મારામાં ?
હું :- હું પહેલા જે વંશિકાને ઓળખતો હતો તે અલગ હતી અને અત્યારે જે વંશિકા સાથે વાત કરી રહ્યો છું તે પણ અલગ છે.
વંશિકા :- મિ રુદ્ર. કોઈ અલગ નથી. મેં તમને પહેલા કહ્યું કે તમે અત્યાર સુધીમાં જોવાની ટ્રાય નહીં કરી હોય. બાસ આ કારણોથી તમને અલગ અલગ વંશિકા દેખાય છે.
હું :- અચ્છા, મતલબ હજી હું તને પૂરે પૂરી ઓળખી નથી શક્યો એમ ?
વંશિકા :- હા, તમે તો શું પણ હજુ સુધી હું પણ તમને પુરા નથી ઓળખી શકી. દરેક માણસના ૨ જીવન હોય છે. એક જે પોતે અસ્તિત્વમાં જીવતો હોય છે અને બીજું જે પોતાની અલગ દુનિયામાં જીવતો હોય છે.
હું :- મતલબ જણાવશો મેડમ ?
વંશિકા :- તમે લેખક થઈને આટલા શબ્દો નથી ઓળખી શકતા મને નવાઈ લાગે છે.
હું :- ના એવું નથી હું શબ્દો સમજું છું પણ તમે શું કહેવા માગો છો તે હું નથી સમજી શકતો.
વંશિકા :- હું એવું કહેવા માગું છું કે દરેક વસ્તુ થોડો સમય માગે છે અને દરેક વ્યક્તિનું જીવન અલગ હોય છે. એટલે એકબીજાને સારી રીતે જાણવા અને ઓળખવા માટે તે માણસ પોતાની અંદર જે જીવન જીવતો હોય છે તેને પણ જાણવું જરૂરી છે.
હું :- અચ્છા સારી રીતે સમજી ગયો હું. તારો કહેવાનો મતલબ એવો છે કે કોઈપણ માણસને નજીકથી જાણવા માટે તેના અંદર રહેલા જીવનને જાણવું વધુ જરૂરી છે.
વંશિકા :- હા સાવ સાચું સમજ્યા તમે.
હું :- એટલે તમારો મતલબ એવો છે કે આપણે હજી એકબીજાને વધુ જાણવા અને ઓળખવા જરૂરી છે.
વંશિકા :- હા
હું :- હા તો હવે હું તમને સમજાવું છું કે આપણને એકબીજાને એવીરીતે જાણવા અને ઓળખવા માટે સૌથી જરૂરી વસ્તુ છે સમય એ એકબીજાને વધુ આપવો જોઈએ. એકબીજાને વધુ સમય આપીશું ત્યારે આપણે આપોઆપ એકબીજા વિશે બધું જાણી લઈશું અને એકબીજાને સારીરીતે સમજી શકીશું.
વંશિકા :- વાહ લેખક સાહેબ, તમે તો મારા કરતાં પણ વધુ ફિલોસોફી જાણો છો. તમારી પાસે બધા સવાલોના જવાબો છે.
હું :- હા જવાબો રાખવા જરૂરી છે.
વંશિકા :- સારું અત્યારે આપણે જવાબોને સાઈડમાં રાખીએ અને સૂઈ જઈએ. આપણો સૂવાનો સમય થઈ ગયો છે.
હું :- અરે આટલી જલ્દી સમય વીતી ગયો ખબર પણ ના પડી.
વંશિકા :- ક્યાંથી ખબર પડે આપણી ફિલોસોફીની વાતો કેટલી લાંબી સુધી ચાલી.
હું :- હા સાચી વાત ચાલો સૂઈ જઈએ ત્યારે. બાય ગુડ નાઇટ.
વંશિકા :- બાય ગુડનાઇટ.
વંશિકાને ગુડબાય કહીને અમે બંને પોતાની વાતચીત પર પૂર્ણવિરામ મૂકીને સૂઈ ગયા. અમારી ફિલોસોફીની વાતો ઘણી લાંબી ચાલી હતી. વંશિકા પોતાની ફિલોસોફી દ્વારા મને શું સમજાવવા માગતી હતી તે હું સારીરીતે સમજી ગયો હતો. ગઈકાલે રાત્રે શિખા અને વંશિકા વચ્ચે જે કાંઈપણ વાતો થઈ હતી તેના દ્વારા વંશિકાએ મારા પ્રત્યેની લાગણીઓ કબૂલ કરી હતી અને કદાચ એના કારણે વંશિકાને પણ એવું લાગ્યું હતું કે તે કદાચ બહુ જલ્દી આગળ વધી રહી હતી. તે અમારા રિલેશનશિપને થોડો સમય આપવા માગતી હતી અને તે ઈચ્છતી હતી કે અમે બંને પહેલા એકબીજાને સારીરીતે જાણીએ અને ઓળખીએ એના પછી અમારા સંબંધને આગળ વધારીએ. કદાચ આજ વાત વંશિકા મને સમજાવવા માગતી હતી કારણકે કોઈ ખૂણે વંશિકાને જરૂરથી આભાસ થઈ ગયો હતો કે મારા મનમાં તેના પ્રત્યે લાગણીઓ છે અને હું વધુ સમય પોતાની લાગણીઓ કદાચ વધુ સમય સુધી દબાવીને નહીં રાખી શકું. વંશિકા પણ એવું ઈચ્છતી હતી કે હું થોડો સમય આપું અમારા સંબંધને આગળ વધારવા માટે અને આ કારણથી પોતાના મનની વાતો વંશિકા મને ફિલોસોફીના વિષય દ્વારા કહેવા માગતી હતી. અત્યાર સુધીમાં હું વંશિકાને એટલી જરૂર સમજી ગયો હતો કે તે ચાઇલ્ડિશ અને ઇમોશનલ સ્વભાવની છે પણ તેની સાથે સાથે પોતાની ઉમર કરતા વધુ મેચ્યોરિટી પણ ધરાવે છે. મેં પણ વંશિકાને જણાવી દીધું હતું કે એકબીજાને વધુ જાણવા માટે એકબીજાને વધુ સમય આપવો પડશે અને મારી વાત કદાચ તે પણ સારીરીતે સમજી ગઈ હતી કે હું તેને શું કહેવા માગું છું.
મારા કહેવા પ્રમાણે વંશિકા હવે મને થોડો વધુ સમય આપવાનો પ્રયત્ન કરી રહી હતી અને મારા તરફથી પણ હું પ્રયત્ન કરી રહ્યો હતો કે હું પણ વંશિકાને વધુ સમય આપી શકું અને તેની સાથે વાતો કરી શકું. તેની વાતો પરથી તે મને શું કહેવા માગે છે અને તેના મનમાં શું ચાલી રહ્યું છે તે હું સારીરીતે સમજી શકું. અમારા દિવસો એવીરીતે વીતી રહ્યા હતાકે અમે એકબીજા વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અમે બંને પોતાના મનની વાત એકબીજા સામે મૂકવા માટે હજુ સુધી તૈયાર નહોતા થઈ રહ્યા.
(એક અઠવાડિયા પછી)
એક અઠવાડિયા પછી ફરીવાર રવિવારનો તે દિવસ આવી ગયો જેની હું રાહ જોઈ રહ્યો હતો. આજે હું,વંશિકા, અવી અને વિકી અમે ચારેય લોકો અનાથાશ્રમ જવાના હતા. અમે લોકો પણ ૨ અઠવાડિયાના ઉપરના સમયથી ત્યાં ગયા નહોતા. મે શનિવારના દિવસે અવિ અને વિકીને આજનો પ્લાન જણાવી દીધો હતો અને વંશિકા સુધી ઘરે આવશે અને આપણી સાથે આવશે તેવું જણાવી દીધું હતું. અમારી રોજની થતી વાતોમાં મે વંશિકાને અમારા ઘરનું એડ્રેસ અને લોકેશન મોકલી દીધું હતું એટલે વંશિકાને ઘર શોધવામાં કોઈ તકલીફ ના પડે. મારી આજે સવારે ૮:૩૦ ના એલાર્મ સાથે આંખ ખુલી ગઈ હતી. અવી અને વિકી પણ મારી સાથે તૈયાર થઈ ગયા હતા. અમે લોકો લગભગ ૯:૩૦ સુધીમાં તૈયાર થઈ ગયા હતા. વંશિકાએ મને જણાવ્યું હતું કે તે ૧૦:૦૦ વાગતા સુધીમાં અમારા ઘરે પહોંચી જશે જેના કારણે અમારે થોડું વહેલા રેડી થઈને રહેવું પડે તેમ હતું. અમેલોકોએ આજે નહોતી ચા પીધી કે નહોતો નાસ્તો કર્યો. અમે લોકોએ આજે વંશિકા સાથે નાસ્તો કરવાનો પ્લાન બનાવ્યો હતો પણ આ વાત મેં વંશિકાને જણાવી નહોતી. વંશિકાએ ૯:૪૦ જેવો મને મેસેજ કર્યો હતો અને મને જણાવ્યું હતું કે હું અત્યારે ઘરેથી નીકળી રહી છું અને થોડીવારમાં તમારા ઘરે પહોંચી જઈશ. વંશિકનો મેસેજ આવ્યા પછી અવિ અને વિકી જલેબી અને ફાફડા લેવા માટે બહાર જતા રહ્યા હતા. તેઓને લાગતું હતું કે કદાચ અમારા ઘરમાં હોવાથી વંશિકાને થોડું ઓકવર્ડ ફિલ થશે એટલે એવું વિચારીને તેઓ થોડા મોડા નાસ્તો લેવા માટે નીકળ્યા હતા જેથી વંશિકા મારા એકલા ઘરે હોવાથી આરામથી મારી સાથે થોડીવાર સમય પણ વિતાવી શકે. હું મારા બેડ પર તૈયાર થઈને બેઠો હતો અને પોતાનો મોબાઈલમાં ફાંફા મારી રહ્યો હતો. મને ગયો રવિવાર યાદ આવી રહ્યો હતો કે ગયો રવિવાર આખો દિવસ મારા માટે કેટલો બેકાર ગયો હતો જ્યારે આજનો રવિવાર મારા માટે ઘણો શુભ હતો એવું મને લાગતું હતું. આજના દિવસે હું વંશિકા સાથે શનિવારની જેમ સમય વિતાવી શકવાનો હતો. હું મારા વિચારો સાથે સંકળાયેલો હતો એટલામાં ઘરની ડોરબેલ વાગી. હું ઊભો થયો અને દરવાજા પાસે ગયો. મને ખયાલ હતો કે ચોક્કસ દરવાજા પર વંશિકા હતી કારણકે અવિ અને વિકી આટલી જલ્દી નાસ્તો લઈને આવી જાય તેવું પોસીબલ નહોતું. મારા દિલના ધબકારા થોડા વધી રહ્યા હતા કારણકે પહેલીવાર વંશિકા અમારા ઘરે આવી હતી અને ઘરમાં હું એકલો હતો. મિત્રો આપણા ઘરે આવે અને એમનું વેલ્કમ કોઈ પણ રીતે કરીએ તેવું ચાલે એવું હતું પણ જ્યારે કોઈ છોકરી તમારા ઘરે આવી રહી હોય ત્યારે મનમાં કન્ફ્યુઝન જરૂર થાય છે કે તેનું વેલ્કમ આપણે કઈ રીતે કરીશું. ખાસ કરીને વંશિકા જે મારો પ્રેમ હતો અને હજુ સુધી મેં તેની સામે કબૂલાત પણ નહોતી કરી અને તે મારા ઘરે આવી હતી. મને પહેલીવાર થોડો ડર લાગી રહ્યો હતો જેના કારણે મારા દિલના ધબકારા વધી રહ્યા હતા. મને થોડી થોડી શરમ પણ આવી રહી હતી અને હું પોતાની જાતને સવાલ પૂછતો હતો કે વંશિકાને વેલ્કમ કઈ રીતે કરું. શું હું તને પહેલીવારમાં ભેટી લઉ અથવા હેન્ડશેક કરું. તે મારી મિત્ર હતી પણ મારા મગજમાં ડર સાથે આવા રમુજી સવાલો પેદા થતા હતા. મે મારા ડર પર કાબુ રાખીને દરવાજો ખોલ્યો અને મારી સામે વંશિકા ઊભી હતી. હું એને ફરીવાર જોતો રહ્યો અમે પૂતળાની જેમ ઊભો રહ્યો. વંશિકાનો અવાજ આવ્યો."આમ દરવાજામાં ઊભા રહીને જોયા કરશો કે પછી મને અંદર આવવાનું પણ કહેશો."
હું મારા વર્તમાનકાળમાં પાછો આવ્યો અને વંશિકાના શબ્દો જે મારા કાનમાં પડ્યા હતા તેનો જવાબ આપવા માટે પહેલા કાઈ પણ વિચાર્યા વગર મારા મગજે મને જેમ કહ્યું તેમ મેં પોતાનો હાથ આગળ લંબાવ્યો. મારો હાથ આગળ જોઈને વંશિકા પણ સારીરીતે સમજી ગઈ કે હું ઘણો કન્ફયુઝ થઈ ગયો છું અને એની સાથે હેન્ડશેક કરવામાટે મે મારો હાથ આગળ વંબાવ્યો હતો. વંશિકાએ પણ વગર વિચાર કર્યે પોતાનો હાથ મારા હાથમાં આપ્યો અને મારી સાથે હેન્ડશેક કર્યું અને મેં વંશિકાને કહ્યું. "સોરી યાર, વેલ્કમ તું માય હોમ. પ્લીઝ પધારો મેડમ."
મારા અંદર આવવાના નિમંત્રણ સાથે વંશિકા ઘરમાં પ્રવેશી અને હું પણ તેની સાથે આગળ વધ્યો. હું તેને હોલમાં જઈને સોફા પાસે લઈ ગયો અને સોફા પર બેસવા માટે કહ્યું. વંશિકા આરામથી સોફા પર બેસી અને હું કિચનમાં ગયો. મે ફ્રીઝમાંથી બોટલ કાઢી અને ગ્લાસમાં ભરીને ગ્લાસ ટ્રે માં મૂકીને વંશિકા પાસે આવ્યો અને તેની સામે ટ્રે આગળ ધરી. તેને ગ્લાસ ઉઠાવ્યો અને થોડીવારમાં આખો ગ્લાસ પાણી પી ગઈ. વંશિકા પહેલી વાર ઘરે આવી હતી એટલે કદાચ તેને પણ થોડું અલગ લાગી રહ્યું હતું જે હું તેના ચેહરા પરથી જોઈ શકતો હતો. અમે લોકો ઘણીવાર એકબીજાને મળ્યા હતા પણ તે ઓફિસ હતી અથવા કોઈ બહારનું પ્લેસ હતું જ્યારે મારું ઘર એક અલગ વસ્તુ હતી. બહાર મળવું અને ઘર પર મળવું આ વાત ઘણી બધી અલગ હતી. બહાર જગ્યા હંમેશા જાણીતી લાગતી હોય છે જ્યારે ઘર મારા સિવાય વંશિકા માટે અજાણ્યું હતું જેના કારણે તે હજુ સુધી ચુપચાપ બેઠી હતી અને મારા ઘરના હોલમાં આજુબાજુ પોતાની ધારદાર આંખો મોટી કરીને નજરો ફેરવી રહી હતી અને મારા ઘરને જોઈ રહી હતી. હું પણ વંશિકાની પાસે આવીને બેઠો અને વાત કરવાની શરૂઆત કરી.