Hu Taari Yaad ma 2 -26 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૨૬)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૬)

મારું કામ પતાવીને હું નવરો પડ્યો. મારી પાસે પૂરતો સમય નહોતો આજે થોડો પણ વધારે ટાઇમપાસ કરવાનો કારણકે મારે સૌથી પહેલા જેમ બને તેમ વહેલા ઘરે પહોંચવાનું હતું. હું ફટાફટ ઓફિસમાંથી મારું બેગ લઈને બહાર નીકળ્યો અને મારું બાઇક સ્ટાર્ટ કર્યું. ટ્રાફીકમાં જેમ તેમ ફટાફટ બાઇક ચલાવતા હું મારા ઘર પાસે પહોંચ્યો. ઘરે પહોચતા મને લગભગ ૬:૦૦ વાગી ગયા હતા. લિફ્ટની રાહ જોવાની જગ્યાએ હું તરત સિડી પર ફટાફટ ચડવા લાગ્યો અને માર ફ્લોર પર પહોંચીને મારા ઘરનું લોક ખોલ્યું. ઘરમાં દાખલ થઈને તરત મારું બેગ સોફા પર મૂક્યું અને સીધો બાથરૂમમાં નહાવા માટે ગયો. ફટાફટ નાહીને બહાર આવ્યો અને રૂમમાં જઈને ક્યાં કપડાં પહેરવા તે સિલેક્ટ કરવા લાગ્યો. મારી કપડાં સિલેક્ટ કરવાની આદત થોડી અજીબ હતી જેના કારણે મને હંમેશા કન્ફ્યુઝન રહેતું હતું. મેં વધુ કાઈ વિચાર્યા વગર બ્લેક કલરનો શર્ટ અને મારું ફેવરિટ એના પર સૂટ થતું સિલ્વર કલર જેવું પેન્ટ સિલેક્ટ કર્યું. ફટાફટ પોતાના કપડા પહેર્યા. હાથમાં પોતાની ઘડિયાળ પહેરી અને પરફ્યુમ છાંટ્યું. બસ હવે હું લગભગ તૈયાર હતો ખાલી હેર સ્ટાઇલ થોડી સરખી કરવાની હતી એટલામાં મારા મોબાઈલમાં રીંગ વાગી જે મારા બેડ પર પડ્યો હતો. મેં ફોન પર જોયું જેમાં વંશિકાનો ફોન હતો. મેં તરત ફોન રીસીવ કર્યો. 
" રુદ્ર, હું તૈયાર છું અને થોડીવાર પછી નીકળું છું એટલે તમારા આપેલ ટાઈમ પર પાલડી ક્રોસ રોડ પર તમારી રાહ જોઈશ. તમે ટાઈમ પર ત્યાં પહોંચી જજો." વંશિકા મને બોલી.
"હા, હું પણ તૈયાર છું અને થોડીવારમાં નીકળું છું. સમય પર પહોંચી જઈશ." આટલું કહીને મેં ફોન મૂક્યો અને પોતાની હેર સ્ટાઇલ સરખી કરવામાં લાગી ગયો. હેર સ્ટાઇલ સરખી કરીને મેં કોઇપણ જાતનું મોડું કર્યા વગર કારની કી લીધી અને પોતાના પોકેટમાં નાખી. બહાર નીકળતા મે ઘડિયાળ પર નજર નાખી તો ૬:૩૦ થઈ ગયા હતા અને મારી પાસે અડધો કલાકનો સમય હતો પાલડી પહોંચવા માટે. મેં ફટાફટ સીડીથી નીચે ઊતરીને મારી કાર પાસે ગયો અને બેસીને સ્ટાર્ટ કરી. મારા માટે પાલડી પહોચવું એટલે પેલો છેડો હતો કારણકે વસ્ત્રાપુરથી ત્યાંનું ડિસ્ટન્સ મારા માટે અડધી કલાકમાં કાપવું ઘણું અઘરું હતું. હું ફટાફટ કાર લઈને નીકળ્યો. રસ્તામાં ટ્રાફિક સિગ્નલ નડ્યા તેમ છતાં હું ફટાફટ કરીને પાલડી ક્રોસ રોડ પાસે પહોંચ્યો. મને અહીંયા પહોચતા ૨૫ મિનિટ લાગી ગઈ હતી. મેં આગળ જઈને સાઈડમાં એક જગ્યાએ કાર પાર્ક કરી અને આમ તેમ નજર ફેરવવા લાગ્યો  પણ મને હજી સુધી વંશિકા દેખાઈ નહીં એટલે મેં વંશિકાને ફોન કર્યો અને થોડી રિંગ વાગી એટલામાં એણે ફોન રીસીવ કર્યો.
હું :- વંશિકા હું પહોંચી ગયો છું તું ક્યાં છે ?
વંશિકા :- હું પણ પહોંચી ગઈ છું બસ મારું એક્ટિવા પાર્ક કરતી હતી. (આટલામાં મને સામેથી વંશિકા બહાર રોડ પર આવતા દેખાઈ.)
હું :- અચ્છા વેઇટ મેં તને જોઈ લીધી. તું ત્યાજ ઊભી રે હું તને લેવા માટે આવું છું.
મેં મારી કાર યુ ટર્ન મારીને પાર્ક કરી હતી જેથી ફરીવાર તેજ રસ્તે અમારે પાછું જવાનું હતું અને મને ટ્રાફિક ના નડે અને હું સીધો આગળ જવા માટે નીકળી શકું. હવે વંશિકા મારી સામેની સાઇડ ઊભી હતી. તેના હાથમાં અમે લોકોએ લીધેલું શિખા માટેનું ગિફ્ટ હતું. હું કારમાંથી નીચે ઊતર્યો અને રસ્તો ક્રોસ કરીને સામેની સાઇડ જવા લાગ્યો. વંશિકા અને હું અમે બંને એકબીજાને જોઈ રહ્યા હતા પણ વંશિકાને હજુ સુધી ખબર નહોતી હું કઈ બાજુથી આવ્યો હતો. હું રોડ ક્રોસ કરીને ગયો અને વંશિકાની પાસે જઈને ઊભો રહ્યો. ફરીવાર મારી નજર વંશિકા પર પડી. વંશિકાએ અનારકલી ટાઈપનો કુર્તી પહેર્યો હતો જે બ્લેક કલરનો હતો અને એમાં લાલ અને થોડા સફેદ કલરના પ્રિન્ટ કરેલા ફૂલો હતા. તેનો કુર્તી પગ સુધી તેના શેરી પર ઢંકાયેલો હતો. તેને કુર્તા પર બ્લેક કલરનો તેવો દુપટ્ટો ઓઢેલો હતો જે તેને શરીરને ઢાંકતો હતો અને તેના હેર સ્ટ્રેટ કરેલા હતા પણ તેણે ઓપન રાખેલા હતા અને ગળામાં એક સરસ નેકલેસ પહેરેલો હતો. તેણે પોતાના ચેહરા પર હલકો મેકઅપ કરેલો હતો અને આંખો પર આઈ લેસિસ લગાવેલી હતી જેમાં તેની આંખો વધુ કાતિલ લાગી રહી હતી. હું વંશિકાની ખુબ નજીક ઊભો હતો અને તેના વાળમાંથી સરસ સુગંધ આવી રહી હતી જે મને મંત્રમુગ્ધ કરવા માટે પૂરતી હતી. હું વંશિકાને જોતા રહી ગયો હતો અને એની સુંદરતામાં ખોવાઈ ગયો હતો. થોડીવારમાં વંશિકાએ મને ખભા પર હાથ લગાવ્યો અને હું ભાનમાં આવ્યો. 
"ક્યાં ખોવાઈ ગયા રુદ્ર ?" વંશિકા પોતાના મીઠડા અવાજમાં મને બોલી.
હું :- અરે ક્યાંય નહીં. બાય ધ વે તું ખૂબ સુંદર લાગી રહી છે.
વંશિકા :- થૅન્ક યુ. તમે પણ કઈ ઓછા હેન્ડસમ નથી લાગી રહ્યા. બાય ધ વે આપણે બંનેના મેચિંગ આઉટફીટ નીકળ્યા આજે શું વાત છે!
હું :- હા, મને ખૂબ પસંદ છે બ્લેક કલર.
વંશિકા :- મને પણ પસંદ છે. હવે આપણે અહીંયા ઊભા રહીશું કે આગળ જઈશું ?
હું :- હા, ચાલ આપણે સામેની બાજુ જવાનું છે.
સામેની બાજુ જતી વખતે બહુ બધા વાહનો સામેથી આવતા હતા. મેં વંશિકા પાસેથી ગિફ્ટ પોતાના હાથમાં લઈ લીધું જેથી તેને રસ્તો ક્રોસ કરવામાં કોઈ તકલીફ ના પડે. સાંજનો સમય હતો એટલે ટ્રાફિક પણ વધુ હતો. ત્રણેય બાજુથી વાહનો આવી રહ્યા હતા. અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા. આગળ જતા અચાનક વંશિકાએ મારો હાથ પકડી લીધો અને જાણે ૪૪૦ વોલ્ટનો કરંટ લાગ્યો હોય તેમ મારા આખા શરીરમાં ધ્રૂજારી આવી ગઈ. જ્યારે કોઈ છોકરી જીવનમાં પહેલીવાર તમારો હાથ આવીરીતે પકડે છે ત્યારે શરીરમાં આવો કરંટ લાગવો સ્વભાવિક છે. શું ફિલિંગ હતી તે જ્યારે વંશિકાએ મારો હાથ પકડ્યો હતો મને થતું હતું બસ આ હાથ જીવનભર આવીરિતે હંમેશા મારા હાથમાં રહે. મારી હાર્ટબિટ એકાએક વધુ ઝડપી ધબકવા લાગી. વાહનો વધુ આવતા હોવાના કારણે અમારે એકબીજાનો હાથ પકડીને સાથે ચાલવું વધુ જરૂરી હતું અને અમે સામેના છેડે પહોંચ્યા અને કાર પાસે ગયા. ત્યાં પહોચતા ફરીવાર વંશિકાએ મને પૂછ્યું.
વંશિકા :- રુદ્ર આપણે શેમાં જવાનું છે તમે બાઇક લઈને આવ્યા છો ?
હું :- ના આપણે બાઇક પર નથી જવાનું. (મેં કારની કી નું બટન પ્રેસ કર્યું અને કારનું લોક ખોલ્યું. મેં મારા હાથેથી પહેલા કારનો બેક ડોર ઓપન કર્યો અને તેમાં ગિફ્ટ મૂકીને બંધ કર્યો. વંશિકા હજુ મને જોઈ રહી હતી તેણે ખ્યાલ નહોતો કે હું કાર લઈને આવ્યો હોઈશ કારણકે તેને હંમેશા મને બાઇક પર જ જોયો હતો. મેં ફરીવાર કારનો સાઇડ દોર ઓપન કર્યો અને વંશિકાને એમાં બેસવા માટે કહ્યું. વંશિકા કારમાં જઈને બેઠી અને મેં દરવાજો બંધ કર્યો. હું સામેની બાજુ ગયો અને ડોર ઓપન કરીને ડ્રાઇવિંગ સીટ પર બેઠો. મારા બેસતાની સાથે વંશિકાએ ફરીવાર મને સવાલ પૂછ્યો.)
વંશિકા :- તમે કાર લઈને આવ્યા છો ? કોની કાર છે આ તમારી ?
હું :- હા, મારી કાર છે આ. 
વંશિકા :- શું વાત છે મિ. મને તો લાગ્યું કદાચ બાઇક લઈને આવશો તમે. બાય ધ વે તમને કાર ડ્રાઇવિંગ પણ આવડે છે મને આજે ખબર પડી.
હું :- હા મેડમ, આવડે છે મને હવે તમારી મજાક પૂરી થઈ હોય તો આપડે આગળ વધીએ. આપણી પાસે ટાઈમ નથી.
વંશિકા :- સારું બોસ, ચાલો જઈએ. 
મે કાર સ્ટાર્ટ કરી અને ધીરે ધીરે આગળ જવા દીધી. આ દરમ્યાન વંશિકા મારી કારમાં નજર મારી રહી હતી અને મારું ધ્યાન સંપૂર્ણપણે આગળના રસ્તા તરફ હતું. ત્યાંથી શિખાના ઘરનો રસ્તો કાઈ વધુ દૂર નહોતો. જો રસ્તામાં ટ્રાફિક ના નડે તો ત્યાં ફક્ત ૧૦ થી ૧૫ મિનિટમાં પહોંચવાની શક્યતા હતી. હું અને વંશિકા બંન્ને અત્યારે ચૂપ હતા. અમારા બંનેના હોઠ સિવાઈ ગયેલા હતા. અમારા વચ્ચેના મૌનને તોડવા માટે મેં કર્મ સોંગ ચાલુ કરી દીધા. 
એક મુલાકાત હો, તુ મેરે પાસ હો..
જીને કી વજહ તુમ બનો તુમ બનો,
બન કે તું રહેબર મુજકો મિલા હે, 
તુ મિલ ગયા મે મુકમ્મલ હુઆ...
વંશિકા :- વાહ ખૂબ સરસ સોંગ કલેક્શન છે તમારુ.
હું :- અચ્છા એમ. મને આવા સોંગ ખૂબ ગમે છે.
વંશિકા :- અચ્છા પણ શિખા કઈ જગ્યાએ રહે છે એ તો જણાવો મને.
હું :- શિખા નારણપુરા રહે છે.
વંશિકા :- અચ્છા, નજીક જ કહેવાય.
હું :- નજીક તો કહેવાય પણ અમદાવાદનો ટ્રાફિક તને ખબર છે. ૧૦ મિનિટનો રસ્તો કાપવામાં ક્યારેક અડધી કલાક લાગી જાય.
વંશિકા :- હા સાચી વાત છે. બાય ધ વે કાર તમે ક્યારે લીધેલી ?
હું :- ૨ વર્ષ જેવો સમય થયો. અમારા ત્રણેય મિત્રોની પાર્ટનરશિપમાં લીધેલી છે. ક્યારેક કોઈ લોંગ રૂટ પર જવું હોય ત્યારે અમે લઈ જઈએ છીએ બાકીના સમય તો પાર્કિગમાં પડી પડી ધૂળ ખાયા કરે છે.
વંશિકા :- અચ્છા, તો તમે ઓફિસ લઈને નથી આવતા ક્યારેય.
હું :- મને મારું બાઇક વધુ વહાલું છે. એમ પણ કંટાળો આવે છે ટ્રાફીકમાં ડ્રાઇવિંગ કરવાનો એટલે કાર કરતા બાઇક વધુ સારું છે. જ્યાં થોડી જગ્યા મળી કે તરત નીકળી જઈએ.
વંશિકા :- હા યાર, મને પણ દરરોજ કંટાળો આવે છે એક્ટિવા લઈને આવવાનો પણ શું કરીએ. બસમાં આવવામાં બહુ મોડું થઈ જાય છે એના કરતાં એક્ટિવા લઈને આવવું વધુ સારું લાગે છે.
હું :- વંશિકા, આ આઉટફીટ તારા પર ખૂબ સરસ લાગે છે. તારા પર જીન્સ કરતા વધુ આવા આઉટફીટ વધુ સારા લાગે છે. આવા આઉટફિટમાં તું વધુ સુંદર લાગે છે.
વંશિકા :- અચ્છા એવું એમ, આજે બહુ તારીફ કરી રહ્યા છો મારી શું વાત છે ઓથોર સાહેબ. શું કારણ છે આ તારીફ પાછળનું ?
હું :- કારણ એક જ છે કે હું સાચું કહું છું. આમ પણ કોઈ તમારી છોકરીઓની તારીફ કરે તે તમને લોકોને બહુ ગમતી હોય છે. તું આટલી સરસ રીતે તૈયાર થઈને આવી છે તો કોમ્પ્લિમેન્ટ આપવી જરૂરી છે. વિચારું છું કે મારી આગળની કોઈ સ્ટોરીમાં મારી હિરોઈનના કેરેક્ટર તરીકે તને જ રાખી લઉ.
વંશિકા :- ઓહ્, મતલબ તમે આગળ પણ તમારી સ્ટોરી લખવાના છો એમ. એવું તો શું જોઈ લીધું તમે મારામાં કે આગળની સ્ટોરી માટેની કેરેક્ટર તરીકે તમે મને સિલેક્ટ કરી લીધી ?
હું :- ઘણું બધું છે તારામાં તારી સુંદરતા, તારો નિખાલસ સ્વભાવ, કેરીંગ નેચર, ઇમોશનલ બિહેવિયર આટલુ તો પૂરતું છે એક સારા કેરેક્ટર માટે.
વંશિકા :- આટલા બધા ગુણો મારામાં છે અને મને પણ ખબર નથી. તમે લેખક લોકો બીજાના ગુણો વિશે અને આજુબાજુના નેચરને સારી રીતે ઓબ્ઝર્વ કરો છો.
હું :- હવે આ તો અમારું કામ છે. આ બધી વસ્તુથી તો એમને લોકોને લખવા માટેનો પ્લોટ મળે છે.
વંશિકા :- મને જણાવશો કે આગળ હવે તમે કઈ સ્ટોરી લખવાના છો ? શું પ્લોટ વિચાર્યો છે તમે આગળ લખવા માટેનો ?
હું :- સાચું કહું તો મેં હજુ સુધી કાઈ વિચાર્યું નથી. સ્ટોરીનું નામ પણ નથી વિચાર્યું કે કોઈ પ્લોટ પણ નથી વિચાર્યો. 
વંશિકા :- હું તમારી જેમ લખી તો નથી શકતી પણ તમે કહો તો સ્ટોરીનું ટાઇટલ હું તમને આપી શકું છું.
હું :- અચ્છા તો જણાવો તમે મારે શું ટાઇટલ રાખવું જોઈએ ?
વંશિકા :- એક કામ કરો. મેં તમારી સ્ટોરીઓ વાંચી લીધી છે. એમા પણ મને સૌથી વધુ લાસ્ટ ચેટિંગ અને હું તારી યાદમાં બહુ ગમી છે. તમે લાસ્ટ ચેટિંગના ૨ ભાગમા કન્વર્ટ કરીને સરસ રીતે એક લવસ્ટોરીનું વર્ણન કર્યું છે. હું તારી યાદમાં પણ તમે અંશ અને અદિતિનું કેરેક્ટર બહુ સરસ રીતે વર્ણવ્યું છે. હવે તમારે ફરીવાર એક સ્ટોરી લખવી જોઈએ જેનું ટાઇટલ તમારે હું તારી યાદમાં ૨ રાખવું જોઈએ અને એવીજ એક લવસ્ટોરી લખવી જોઈએ જે દર્શકોને વધુ પસંદ આવે.
હું :- અરે વાહ, આ ટાઇટલ પહેલા મને કેમ ન સૂઝ્યું. સારું છે તારી હેલ્પથી મને ટાઇટલ સારું મળી ગયું. હવે આગળ કોઈ પ્લોટ મળે એટલે એના પર લખવાનું પણ શરૂ કરીશ.
વંશિકા :- જરૂરથી શરૂ કરજો પણ સૌથી પહેલા હું તમારી સ્ટોરી વાંચીશ.
હું :- અચ્છા એટલી બધી ગમી તમને આ લેખકની સ્ટોરી. 
વંશિકા :- હા સાચે જ બહુ ગમી અને ખાસ કરીને વધુ આતુરતા મને તે વાતની રહેશે કે તમે મારું કેરેક્ટર તેમાં એડ કરો છો તો તમે એમ કઈ રીતે વર્ણન કરો છો.
હું :- યાર પણ સહુ કહું તો મને સમય નથી મળતો હવે લખવાનો. સવારે ઓફિસ જવાનું અને સાંજે ઘરે આવવાનું આખો દિવસ એવીરીતે જતો રહે છે. રાતનો થોડો સમય મળે છે એમાં આપણે વાતો કરીએ છીએ. હવે મારું રેગ્યુલર રૂટિન એવી રીતે સેટ થઈ ગયું છે કે હું આગળ લખવા માટે સમય નથી કાઢી શકતો.
વંશિકા :- ડોન્ટ વરી સર, જો તમે સમય ના કાઢી શકતા હોય તો હું તમને ડિસ્ટર્બ ના કરું. તમે ઈચ્છો તો મને જે સમય આપો છો તે તમે તમારી સ્ટોરી લખવામાં ઉપયોગ કરી શકો છો.
હું :- ના મેડમ, એવું કાંઈ નથી ખાલી થોડો સમય મળે છે તારી સાથે વાત કરવાનો. આખો દિવસ ઑફિસથી કંટાળેલા સૉફ્ટવેર ફિલ્ડના માણસના જીવનમાં તમે તમારી વાતોથી મૂડ ફ્રેશ કરો છો અને ખાલીપણું દૂર કરો છો. હવે આ સમય પણ તમે છીનવી લેશો તો અમે ક્યાં જઈશું.
વંશિકા :- ખૂબ સરસ, બહુ સરસ રીતે તમે તમારા શબ્દોની માયાજાળથી મને પટાવી રહ્યા છો. મને કોઈ પ્રોબ્લેમ નથી હું તો ઇચ્છું છું કે તમે તમારી આ ફિલ્ડમાં પણ આગળ વધી શકો એટલે થોડો સમય તેને આપવા માટે જાણવું છું.
હું :- બધો સમય પાછો નથી આવતો મેડમ. જે ખાલીપણું વાતો કરવાથી દૂર થાય છે તે કદાચ સ્ટોરી લખવાથી દૂર ના થઈ શકે. તમે ચિંતા ના કરશો હું એક પણ સમય સાથે કોમ્પ્રોમાઈઝ નહીં કરું. હું બંને કામ એક સાથે પણ કરી લઈશ.
વંશિકા :- ખૂબ સરસ. કેરી ઓન.
હું :- હા, વાતો વાતોમાં આપણે શિખાના ઘરે પણ પહોંચી ગયા ખબરજ ના રહી.