અલી એ જંપલી, ઊઠ. કંઈ હુધી તું ઘોરતી રૈશ, બાપ.', મંગીનો અવાજ નાનકડી ઝૂંપડીનાં બધાં ખૂણાને ઝંઝોડી ગયો પણ જંપલીની નીંદરમાં જરાય ખલેલ ન પડી. એ તો એયને મસ્તીની નીંદર માણતી હતી. ફાગણી અમાસની અંધારી રાતેય એનું મોં નાળિયેરનાં પાંદડાંથી છાયેલ છતમાં પડેલ બાકોરામાંથી આવતાં સરકારી લાઈટનાં પ્રકાશે ચમકતું હતું.
મંગી જંપલીના નામનો જાપ કરતીકરતી વચ્ચે બબડી ઊઠી, 'આ લાઈટોય તે પંદર દા'ડા પે'લાં કાં' ઉતી? આ તો ભલું થજો આ પરકમ્મા કરનારાંનું. છેક શે'રનાં અજવાળેથી આંય ઉતરી પડે મા નરબદાનો મયમાં ગાવા.'
દસ બાય સાતની એ તૂટેલ ઝૂંપડીમાં એ એક ખૂણે ચા નું પાણી ગરમ કરતાં, હાંફતાં સૂરે અટક્યા વિના જ બોલતી રહી, 'ઈ સુંવાળા તે અંધારે ને કાંટેકાંકરે કેમ હાલે? તે ઈમના જ પરતાપે આ વેળા તો સરકારી લાઈટુંય મળી ગૈ.'
મા ના આ સતત અવાજથી નાનકોય તે સળવળવા લાગ્યો પણ જંપલી તો ન જ હલી. તેનાં ઘરથી માંડ પચાસેક ફૂટ દૂરનાં રસ્તેથી પગપાળા ચાલતાં જતાં પરિક્રમાવાસીઓનો 'નર્મદે હર' નો થોડી થોડી વારે ઊઠતો નાદ પણ તેની નિંદરને જરાય પરેશાન કરી રહ્યો ન હતો.
જંપલી ઊઠેય કઈ રીતે. એય તો ચાર વર્ષનું નાનકડું બાળ હતી. બાજુવાળા ચમકીમાસીની સાથે કેળાનાં ખેતરમાં પાણી વાળવા જવાની મજૂરીએ બે જ મહિનાથી લાગી હતી. તેનું માંડ દસેક કિલોનું ખોળિયું દિ' આખોય પચાસેક નાની બાલદી ભરી પાણી ઊંચકી છેક સોએક ફૂટનાં ખેતરમાં છાંટતું રહેતું. હાંફ ચઢે એ કોને કહેવાય એ પણ ન સમજતી આ જંપલીનું આખુંય શરીર હાંફી રહેતું ત્યારે માંડ બપોરાએ ચમકીમાસી તેને પોતાનાં ભાતાંમાંથી અડધો રોટલો ને એક ડુંગળીનો દડો ભાંગીને ખવડાવતી. એ ખાઈને જંપલી માસીની સોડમાં જ એકાદ કલાક લપાઈને સૂઈ રહેતી.
પાછી બેય સ્ત્રીઓ ઘરની જવાબદારીના ભારથી જાગીને બાકીનું ખેતર સીંચી દેતી. સાંજ પડ્યે ઘરે જવા નીકળે એટલે એમનાં જેવી બીજી પાંચ-છ સ્ત્રીઓ સાથે હારમાં ઊભાં રહીને દા'ડિયું લઈ લેતી. દા'ડીનાં રૂપિયા તો મા જ લઈ લેવાની હોઈ, જંપલીને તેનો હરખશોક ન રહેતો. વાપરવાની તેની ઉંમર કે સમજણેય ન હતી. તેને તો મુકાદમની, તેનાં જેટલી જ ઉંમરની, દીકરી ચંપા બે-ચાર બદામ કે લાલ, સૂકી દ્રાક્ષ આપે તેમાં વધારે રસ રહેતો. એ તેની બેનપણાંની કમાણી રહેતી. આખાંય એ વિસ્તારમાં મુકાદમની આ ચંપા જેવડી નાની કોઈ છોકરી ન હતી. એટલે તે જેવી જંપલીને જુએ, ઠેકડા મારતી ત્યાં આવી ચઢતી. બેય એકબીજાને સ્મિત આપે ત્યારે જ જંપલીનાં ચહેરે બાળપણ છલકાઈ રહેતું. બાકી એનું મોં સિવાયેલું અને શરીર યંત્રવત રહેતું.
મંગી હજીયે જંપલીને ઢંઢોળી રહી હતી. દિલ તો એનુંય કકળતું પણ મંગી કરેય શું. એ પાંચમી વખત બેજીવી થયેલ. સાત-સાત મહિનાનો ભાર વેઠી એ બળતણનાં લાકડાં વીણી, ચૂલો ફૂંકતી ત્યારે તેનાં આંતરડાંય ઊંચકાઈ જતાં. ઘરમાં પોતે, મંગીથી નાનાં બે બાળકો - બે વર્ષનો જીવલો અને માંડ દસ મહિનાની રેવલી, હાસ્તો, રેવાનું જ અપભ્રંશ. જંપલીથી મોટી એક દીકરી. એ સાત વર્ષની - પારુ. એને તો ત્રણ વર્ષની ઉંમરે પોલિયો ભરખી ગયેલો. ભલેને સરકાર ગમે એટલાં કાર્યક્રમ કરે. આ અક્ષરજ્ઞાનહીન પ્રજા એટલી જાગૃત તો નહીં જ ને! કરમસંજોગે આ જંપલી જ મંગીનું સૌથી તંદુરસ્ત સંતાન.
સાવ બે વર્ષની હતી ત્યારથી જ જંપલી મા ને જોતાં-જોતાં તેની જેમ ચૂલો ફૂંકતાં શીખી ગયેલી, ભલેને પછી અંગારા કરતાં ધૂમાડો વધુ કરે! રોટલોય ઘડતાં શીખી ગયેલી અને વાર તહેવારે મેલાંઘેલાં સ્વરૂપે નર્મદાનાં તીરે આવેલાં શિવમંદિરોમાં ભીખ માગવા ભટકતી પણ થઈ ગયેલી. કોણ જાણે એની આંખોમાં એવું તે આકર્ષણ કે મંદિર આવનારો તેનાં વાટકામાં એકાદ રૂપિયાથી લઈ વીસની નોટ સુદ્ધાં નાંખતો જાય. તેની આંખો હજી ગરીબી, ઉદાસી કે પરવશતા સમજી જ ન હતી. ન તો તેને આસપાસનાં ઝૂપડાંમાં વસતાં બાળકો જેવી હાથચાલાકી, લુચ્ચાઈ કે વાકપટુતા વર્યાં હતાં. બસ, એની આંખો જ અનોખી હતી. જે જુએ એ કાંઈક તો તેનાં વાટકામાં નાખી જ જતું.
આખરે માની વા'લી એવી જંપલી સળવળી. મંગીની નજર પડતાં જ તેણે હતું એટલું જોર કરી બૂમ પાડી, 'જલ્દી ઊઠ. નાય લે. આ તો ધરમનું કામ. મને તો બોવ હમજ ના પડે પણ પેલાં મા'રાજ કે'તાં તાં કે, નાઈને જ જવું. ચાલ જલદી, કાલનું અડધું પીપડું ભરેલું સ. બે ડબલાં નાખીનં આ ફરાક પે'રી લે. પસી ચા દઉં.'
અને માંડ જંપલી ઊઠી. થાક, કંટાળો કે જીવનનો ભાર, જે પણ હોય એણે આ નાનકડાં ખોળિયાને એક અસીમ ઉદાસીએ ઘેરી રાખેલું. એની આંખોએ બધુંય કૌવત લઈ હોઠને ભીંસી રાખેલાં. એક ચંપાનાં સથવારે જંપલીને મોંએ સ્મિત રેલાતું. એ જ બે-ચાર પળ એ જીવ જીવી જતો બાકી તો એ મંગી અને તેનાં પરિવારનો બોજ ઉપાડવા જ જન્મી હતી. જંપલીએ ઝૂંપડેથી થોડે દૂર જંગલમાં નિત્ય કર્મ પતાવ્યું અને ઝપાટે પીપડેથી ચાર-પાંચ ડબલાં પાણી રેડી નહાઈ લીધું.
કપડાંની બીજી જોડમાં એક થોડું નવું ફરાક હતું. તે પહેરવા જ જતી હતી ત્યાં મંગી બોલી, "અરે જંપલી, એ ના પે'રીશ. નવું જ સે. ભીખ ઓછી મલહે. ઓલું જ પે'ર."
જંપલીએ મૂંગા મોંએ મા એ ચીંધેલ ફરાક પહેરી લીધું. હજી ગયા મહિને જ પોતાનાં વયોવૃદ્ધ વડીલોને લઈ કારમાં નર્મદા પરિક્રમા કરતાં એક આધેડ ઉંમરનાં પુરુષે આ છૂટાંછવાયાં ઝૂંપડાંની સાવ નિર્માલ્ય કહેવાય એવી પ્રજામાં ઘણાંય જૂનાં કપડાં વહેંચ્યાં હતાં. તેમનાં જથ્થામાં જ આ જંપલીના ભાગે જૂનાં અને સારાં એવાં ઘસાયેલાં પણ ત્રણ ફ્રોક આવ્યાં હતાં. એમાંથી એને પેલું ગુલાબી ફ્રોક પહેરવાની ઈચ્છા ઘણીય થતી પણ મા એ આજેય તેને એ ફ્રોક પહેરતાં રોકી. ચા નાં નામે ગરમ અને કડવું એ પાણી પી, એક જીર્ણ થયેલ ઓઢણી અને એક થીંગડાજડિત થેલી લઈ ઝૂંપડીમાંથી નીકળી.
મંગીએ સાદ દીધો, 'અલી, આ જો જે. બધું હાચવીનં લાવજે.'
જંપલીએ પાછળ ન જોતાં હાથ ઊંચો કરી તેને લઈ આવીશ એમ ઈશારો કર્યો અને નદીના ઓવારા તરફ ચાલવા લાગી.
હજી આકાશમાં ટમટમતાં તારકદીપ બૂઝાયાં ન હતાં. તેમનેય તો જૂથમાં રહેવાની ટેવ હતી. તે તારા પણ વિચારી ઊઠ્યાં હશે કે, આ બાળાને અંધારાનો, એકલતાનો, રાની પશુનો કે અજાણ્યા માનવીનોય ભય નહીં લાગતો હોય?'
જંપલીનાં પગમાં કોઈ સ્લીપર કે ચપ્પલ હતાં નહીં પણ એ જંગલનું ટેવાયેલું બાળ સંભાળીને માટીવાળી જમીન પર ડગલાં મૂકતું ચાલતું હતું જેથી કાંટાં વાગે નહીં. પથ્થર અને કાંકરાનો માર સહેવા તો તેનાં તળિયા સારી પેઠ ટેવાયેલાં હતાં. પંદરેક મિનિટ ચાલી હશે ત્યાં તો તેનીય પહેલાં હારબંધ બેસી ગયેલાં બાળકોને તેણે જોયાં. ચાલનારાં પરિક્રમાવાસીઓ અને બાજુએ બેઠેલાં નર્મદાનાં બાળનો મેળો જામ્યો હતો. આડે દિવસે આવાં સમયે ખાલીખમ રહેતી આ કેડીઓ અને તેની આસપાસનાં મંદિરો માનવમેદનીથી ઉભરાઈ રહ્યાં હતાં. તેણે થોડે નજીક જઈ પોતાનાં જેવડાં બાળકો વચ્ચે બેસવાની જગ્યા શોધવા કોશિશ કરી પણ તેનાંથીય વહેલાં આવેલ આ ભાગિયાઓ તસુભાર ખસવા પણ તૈયાર ન હતાં.
આખરે ચમકીમાસીની મોટી દીકરી, પંતીએ એને જોઈ એટલે પોતાની બાજુમાં બેસવા હાથથી ઈશારો કર્યો. તે જલ્દી દોડીને પંતીની બાજુમાં બેસવા ગઈ. હજી સૂરજનારાયણે દર્શન દીધાં ન હતાં અને એ વિસ્તારમાં લાઈટોનું અજવાળું જમીન ઉપર પડતું ન હતું. નાનકડી જંપલી ઘાસમાં વળોટાયેલો પત્થર જોઈ ન શકી અને તેની ઠેસ લાગતાં પડતાંપડતાં બચી. જગ્યા જતી ન રહે એ ઉતાવળમાં તેણે એ ઠેસને અવગણી અને પળવારમાં પંતીની બાજુમાં જગ્યા લઈ લીધી. પોતાનો વાટકો નીચે મૂકી વહેલી પરોઢની ઠંડકમાંય જગ્યા મેળવવા લગાવેલ મેરેથોન જીતતાં તેને પરસેવો વળ્યો હતો તે ફ્રોકની ફાટેલ બાંયોથી જમણે અને ડાબે લમણે લૂછી રહી.
થોડું મોંસૂંઝણું થતાં સુધીમાં તો જંપલી અને પંતીનાં અંકે છ પેકેટ બિસ્કીટ, એક-એક દૂધનું પેકેટ, સાત-આઠ ચોકલેટ અને પચીસેક રૂપિયાનાં સિક્કાની જમાપૂંજી થઈ ગઈ હતી. ઘરેથી ચા જ પીને નીકળેલ જંપલીની જીભ સળવળી ઊઠી.
તેણે પંતી સામે જોતાં બિસ્કીટનું એક પેકેટ ઉપાડ્યું ત્યાં તો પંતી બોલી, 'એ ન ખા'શ. ભૈબુનને કોમ લાગહે. આ ઉં ઘેરથી લાઈસું ઈ ખા. પેટ ભરાહે ને બપોર હુધી તું કંઈ ની માંગહે.'
બિસ્કીટનું પેકેટ સૂંઘીને તેની સોડમ માણતાં જંપલીએ તે નીચે મૂકી દીધું અને કમને પંતીનાં ભાતાંમાંથી રોટલાનું નાનું નાનું બટકું કરી ખાવા લાગી.
પંતીએ તેનાં માથે હાથ ફેરવી કહ્યું,' મા મનં કેય કે તું તો હાચ્ચે જ બોવ ડાઈ છે. તનં તાર મા નું ને ભૈબુનનું બોવ જ વળગણ. ઈમનં હાટુ તો તું દા' ડો આખો મજૂરીએ જાય સ.'
જંપલીએ બટ્કું ચાવતાં ચાવતાં સ્મિત વેરતાં તેનું ભોળપણ છલકાઈ ઊઠ્યું. પંતીએ 'નર્મદે હર'બોલવાનું ચાલુ રાખ્યું અને પસાર થતાં દરેક દાનવીરો પાસેથી પોતાની અને જંપલીની - બે દાનની જણસ એકઠી કરતી રહી. સૂરજદાદા હવે તપીને માથે આવતાં હતાં. ધીમે ધીમે તેમની હાર પાંખી થઈ રહી હતી. સૌ ભિક્ષુક થોડો પોરો ખાવા ક્યાં તો ઝાડ શોધી રહ્યાં ક્યાં તો ભેગો કરેલ સામાન ઘરભેગો કરવાની લા'યમાં લાગ્યાં. પંતીએ પણ સમય વરતી બધી ચીજો અને રૂપિયા બે પોટલીમાં બાંધી એક જંપલીને પકડાવી અને બીજી પોતે માથે ઉપાડી અને તેનો હાથ પકડી ઘરભણી ચાલવા માંડ્યું. જંપલીને સમજાતું નહીં કે તેને મુકાદમની ચંપા, ચમકીમાસી અને પંતી કેમ બહુ ગમે છે પણ એ ત્રણેય જ તેને ખૂબ ગમતાં. તેમની સાથે હોય ત્યારે તેને મા પણ યાદ ન આવતી.
જો કે, આમ તો તેને મા ક્યારેય યાદ ન આવતી. એ ઘર - ઝૂંપડી સાથે તેને આપવાનો જ સંબંધ હતો. મા ક્યારેક પારુને સાચવતી તો ક્યારેક નાની દીકરીને, કોઈવાર છોરાનેય તેડીને રમાડતી પણ જંપલીને તો કામ જ ચીંધાતું. તેણે મા નો ખોળો ક્યારે છોડ્યો હશે એ તો તેને યાદ ન હતું પણ ક્યારેય મા એ માથે હાથ ફેરવીને સૂવાડી કે ઊઠાડી હશે એ પણ તેને યાદ ન હતું. તે હરણબાળ જેવી ભોળી, જ્યાં પ્રેમ મળે ત્યાં ઢળી જનારી. ખેતરમાં બપોરે જમીને જેમ તેને ચમકીમાસીની સોડમાં વહાલ મળતું તો રમતમાં પંતી પાસેથી મોટીબહેન સમ પ્રેમ મળી જતો. અને ચંપા તો હતી જ તેને જીભનો ચટાકો કરાવનારી.
પંતી અને જંપલી ઘરે પહોંચ્યા ત્યાં સુધી સૂરજની ગરમીએ બેયનાં માથાં તપાવી દીધાં હતાં. તેમનો અવાજ સાંભળતાં જ મંગી બારણાં વિનાની એ ઝૂંપડીમાંથી બહાર આવી અને બોલી, 'અલી એ પંતી. તાર મા રોટલો ન હાક ઢાંકી ગેઈ સે, ખાઈ લેજે. નં પાસી જાય તો આ જંપલીન લેતી જજે.' પંતીએ હોંકારો ભણ્યો અને ઝૂંપડીમાં પેસીને દરવાજો બંધ કર્યો.
જંપલી નજીક આવતાં જ મંગીએ તેની પોટલી ખેંચી લીધી. નવો હુકમ આવ્યો, 'આ નાનકાનં હીંચોળ. ઉં બધાંનં જમાડી લઉં.'
જંપલી બોલી,' મા, મનેય એક બિસ્કોટ આપ. મેં તો પંતી પાંહેથી રોટલો જ ખાધો સ.'
મંગીએ તેનું પોટલું ઉઘાડી એક બિસ્કીટ તેને પણ આપ્યું અને રેવલી અને પારુને લઈને મીઠાઈ અને પકવાનની માફક બિસ્કીટ આરોગવા બેઠી. તેનું એક એક બટકું લેતાં તે જંપલી ઉપર મનોમન આશિર્વાદ વરસાવી રહી.
મંગી થોડી ધરાઈ પછી તેણે જંપલીએ કહ્યું, 'જંપલી તું ન ઓય તો અમારું કુણ? તારો બાપ તો રેતીનાં ખોદકામમાં ચારપાંસ મૈને ઘેર આવે. આ વખતે તો એને ખબર બી નથ કે એક ઓર છોરું આવ્વાનું સ. લે ઉંય હું માંડીન બેઠી? તું તો કેવડી સું? લે, આ કો'કે દાળિયા ને આ કંઈ રોટલા જેવું હો આપેલું સ. ખાઈ લે.'
જંપલીને પહેલીવાર માએ આવું કહ્યું. પણ સાચે જ તેનાં બાળમનને કાંઈ સમજ ન પડી. તે પેટનો પોકાર સાંભળી એક બે ફાકા દાળિયાનાં મારી પોતાની જગ્યાએ સૂઈ ગઈ.
રાતનાં લગભગ આઠ વાગ્યે ઝૂંપડીને દરવાજે હાક સંભળાઈ, 'જંપલી ચલ, પરકમ્માવાળાં લોક આવ્બા લાયગા અહે.'
પંતીનો અવાજ ગાઢ નીંદરમાં સૂતેલી જંપલીને હલબલાવી ગયો. તે ઝટ ઊઠી. મોં ધોઈ, કોગળો કરી અંદર ગઈ.
પોતાની ઝોળી અને એક પાથરણું ઊપાડ્યાં અને બોલી, 'મા, જઉ સુ.'
મંગી બોલી, 'હા બેટા.'
પંતીની જોડે જંપલી ઝડપભેર ચાલતી જંગલની કેડીઓમાં ઓઝલ થઈ ગઈ.
આ તરફ ઠંડી વધી રહી હતી. પંતી અને જંપલી જોડાજોડ જ બેઠાં હતાં. પંતીએ પોતાનો થીગડેલ ધાબળો જંપલીને પણ ઓઢાડ્યો. પણ નજીક નજીક બેસવાથી કેટલાક લોકો બેમાંથી એકને જ ભિક્ષા આપતાં હતાં. બેય બાળાઓ આ સમજી અને કાંઈપણ બોલ્યા વિના જંપલી ધાબળો ખસેડી થોડી દૂર બેઠી. એક તરફ પરિક્રમાવાસીઓનો ધસારો અને બીજી તરફ ઠંડીનું જોર વધતું ગયું. જેમ જેમ રાત માથે ચઢી, જંપલીની કમજોર અને કૃષ કાયાને મા નર્મદાનાં પટ ઉપરથી, જંગલ તરફથી આવતાં પવને થીજાવવી શરૂ કરી. એવામાં તેને ઝોલું આવી ગયું અને આંચકો ખાઈ તે ગબડી પડી. એક તો રાતનાં એકનો સુમાર, ચારે તરફ અંધારું અને પરિક્રમાવાસીઓનો ભજનોનો નાદ. થોડીવારે પંતીએ જંપલી બેઠી હતી તે તરફ જોયું તો જંપલી હતી નહીં. તેને યાદ આવ્યું કે થોડી જ વાર પહેલાં પાણીમાં 'ધુબાક' એવો અવાજ સંભળાયો હતો.
તે બૂમો પાડવા લાગી,' બચાવો, બચાવો કોઈ મારી જંપલીને.'
આજુબાજુનાં ભિક્ષુકો ભિક્ષા માંગવી છોડી ભેગાં થઈ ગયાં. પરિક્રમાવાસીઓને પણ બાળાની બૂમોમાં કાંઈ અજુગતું થયાનું સમજાયું. તેઓ ટોર્ચનાં પ્રકાશથી આમતેમ જોવા લાગ્યાં.
કોઈએ પૂછ્યું,' ક્યાં ગઈ તારી જંપલી?'
પંતી બોલી, 'પાણીમાં, પાણીમાં... '
એટલામાં જેમણે પાણીમાં ટોર્ચનો પ્રકાશ ફેંક્યો હતો તેઓ બોલી ઊઠ્યાં, 'હા, હા, જુઓ કોઈ ડૂબે છે!'
એક તો અંધારું ને ધસમસતા પ્રવાહવાળું નર્મદામૈયાનું પાણી. પાછી એમાં મગર હોવાની બીક અને કોઈ ડૂબતું હતું તે જગ્યા અહીંથી લગભગ પંદરેક ફૂટ નીચે - કોણ સાહસ કરે એક ભિક્ષુકબાળા માટે કૂદવાનું?
ટોળું મળે એટલે કોલાહલ તો થવાનો જ. એ સાંભળી થોડે દૂર રહેલી એનડીઆર એફની ટુકડીનાં જવાનો આવ્યાં. વિગતો જાણી ફ્લડલાઈટનાં અજવાળે બે જવાનોએ કૂદી એ બાળાનાં શરીરને બહાર કાઢ્યું - પ્રાણ તો તેનાં નર્મદામૈયાને ખોળે સમાઈ ચૂક્યાં હતાં. પંતીએ ઓળખ કરી. જવાનોએ તેનાં નાનકડાં હૈયામાં પ્રાણ ફૂંકવાની કોશિશ કરી. વાયરલેસ કરી ડૉક્ટર તેડાવાયાં. સીપીઆર અપાયો પણ બધું જ નિરર્થક. આટલો નાનો જીવ - કેટલી ઝીંક ઝીલે?
ગણતરીની પળોમાં મંગી આવી ચઢી. સાથે સાથે ત્રણ મહિનાથી કમાવા ગયેલ તેનો પિતા પણ હતો. ભિક્ષુકોમાંથી જ કોઈ મંગીનાં ઘરે ખબર આપવા ગયું ત્યાં જ પિતા આવેલ હતો.
જંપલીનો આત્મા આકાશમાં ઊંચે ચઢતાંચઢતાં માતાપિતાને પોતાનાં શબ ઉપર આક્રંદ કરતાં જોઈ રહ્યો. પંતી હિબકે ચઢી હતી. અને જંપલીનું ચંચળ શરીર હવે જંપી ગયું હતું.
તા. ૦૪-૦૪-૨૦૨૫
અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા