લેપાક્ષી મંદિર
આ જગ્યા આમ તો આંધ્રપ્રદેશમાં સત્યસાઈ જિલ્લામાં આવેલી છે પણ બેંગલોરથી માત્ર દોઢ કલાકના અંતરે છે. હું કાર દ્વારા બેંગલોરથી ત્યાં ગયેલો. બેંગલોર શહેરની નવી બાઉન્ડ્રી થી તો માત્ર 50 કે 52 કિમી થાય.
આ જગ્યા છઠ્ઠી સદીમાં બંધાયેલ વિરભદ્ર નામના શિવમંદિર માટે અને જટાયુ પક્ષીની રાવણ સાથે લડાઈ અને તેનું પ્રભુ રામ ને દિશા બતાવી મૃત્યુ થયેલું તે પર્વત માટે જાણીતી છે.
મુખ્ય વિરભદ્ર મંદિર, કહ્યું તેમ છઠ્ઠી સદીમાં બંધાયું હોઈ એ વખતની સુંદર કોતરણીઓ વાળું છે જેમાં શિવજીની વિવિધ કથાઓ ના પ્રસંગો દર્શાવેલ છે. મંદિરમાં જવા નીચે પગરખાં ઉતારી આશરે સો પગથિયાં ચડવાં પડે છે. આગળ પથ્થરનું બનેલું મોટું ચોગાન છે જેમાં ઊંચો, કદાચ પિત્તળનો, કદાચ સોનું મઢેલો ધ્વજદંડ છે. અંદર ક્રોધાયમાન અને લડવા તૈયાર શિવજીની પ્રતિમા છે જેનું ગર્ભગૃહ દક્ષિણના મંદિરોની શૈલી મુજબ અંધકારમાં છે અને સતત મોટા દીપકો પ્રજ્વલિત રહે છે.
મંદિરને બોંતેર સ્તંભો છે. વચ્ચે આવેલ અમુક સ્તંભો હવામાં લટકેલા હોય એ રીતે એમની નીચેથી પાતળું કપડું પસાર કરી શકાય છે. એ સ્તંભનો છેડો અને પથ્થરની લાદી વચ્ચે માંડ અર્ધું ટેરવું જઈ શકે એટલી જગ્યા છે.
બાજુમાં જ સીતામાતાનાં પગલાં કહેવાય છે તે જગ્યા એકદમ ઢોળાવ વાળી જગ્યા પર થોડી મેદાન જેવી સપાટ જગ્યા છે ત્યાં છે. પથ્થરમાં મનુષ્યના પગલાં જેવી છાપ છે જેની ફરતી લોખંડની રેલીંગ છે. ત્યાં અખંડ જળાધારી જેવી નાની ધારા પણ વહે છે. લોકો તેની ફરતે પ્રદક્ષિણા કરે છે. ચંપલ નીચે ઉતાર્યાં હોઈ વહેલી સવારે ઠંડું લાગે અને ચડતા દિવસ પછી ખૂબ ગરમ, ચાલી શકાય નહીં એવું લાગે પણ શ્રદ્ધા છે. લોકો ચાલે છે, પગલાં ની પૂજા કરે છે અને જળના એક બે બિંદુઓ ઝીલીને માથે ચડાવે છે.
નજીકમાં એક ભીંત પર લોહીના છાંટા છે. કહે છે આ વીરભદ્ર મંદિર રાજા અચ્યુત દેવ રાયે બનાવરાવ્યું. બનાવનાર કોષાધ્યક્ષ વીરુપન્નએ પોતાની બધી મહેનત કામે લગાવી દીધી. પછી રાજાના જમાઈના હાથમાં ગાદી આવી. અમુક મળતિયાઓએ નવા રાજાના કાન ભંભેર્યા કે આ મંદિર બનાવવાને બહાને કોષાધ્યક્ષ વિરૂપન્ને રાજ્યનું ઘણું ધન પોતાનું કરી લીધું છે. રાજાએ તેને આંખો ફોડી નાખવાની સજા ફટકારી પણ નિર્દોષ વિરૂપન્ને એ જ સ્થળે પોતાની આંખો પોતે જાતે ફોડીને જ મંદિરની ભીંતે ફેંકી. એના લોહીના છાંટા આજ સુધી ગયા નથી. વાંચ્યું કે એ લાલ લીસોટાઓની રાસાયણિક તપાસ બ્રિટિશ લેબોરેટરીમાં થઈ તો એ સાચે માનવ રક્ત નીકળ્યું!
નીચે ઉતરી બીજી નાની શેરીમાં થઈ જાઓ એટલે મેઇન રસ્તે હાઈવે નજીક જ વિશાળ નંદી છે જેનું મોં વીરભદ્ર મંદિર તરફ છે. એ એક જ પથ્થરમાં થી કોતરી કાઢેલ આશરે બસો ફૂટ લાંબી, સો ફૂટ ઊંચી નંદીની મૂર્તિ છે. નંદીના ગળામાં પહેરાવેલી માળના મણકા જ આપણા મસ્તક જેવડા છે! લોકો ત્યાં ઉભી ફોટાઓ પડાવે છે. આકારમાં તો કોઈપણ મંદિરમાં જોઈએ છીએ એવો નંદી જ છે પણ એનું કદ કહે છે વિશ્વમાં સહુથી મોટો પથ્થરનો નંદી છે.
નજીકમાં જ એક ઘણી ફેણ વાળા શેષનાગ નીચે શિવલિંગની પ્રતિમા છે જેને નાગલિંગમ કહેવામાં આવે છે.
હજી થોડે આગળ જાઓ એટલે એક ટેકરી પર જટાયુ પક્ષીનું એવું જ વિશાળ શિલ્પ દેખાય. આ જગ્યા લેપાક્ષી કહેવાય છે કેમ કે સીતાજીની શોધમાં રામ આવી ચડ્યા ત્યાં ઘવાયેલો જટાયુ જોઈ બોલી ઉઠ્યા “ લે પક્ષી!" એનો તેલુગુમાં અર્થ થાય છે " ઊઠ , ઊભું થા હે પક્ષી!” કિવદંતી ઓ મુજબ શ્રીરામના આ બોલ સાથે સાવ શક્તિહીન અને મૃત્યુ પામવા આવેલો જટાયુ ઊભો થઈ પાંખ ફફડાવવા લાગેલ. એણે શ્રીરામને રાવણ ગયો એ રસ્તો બતાવેલ.
આ ટેકરી પરથી નીચેનો વ્યુ ખૂબ જ સરસ દેખાય છે. સ્વાભાવિક છે, આજુબાજુ હરિયાળાં ખેતરો અને ટચૂકડાં બેઠા ઘાટનાં મકાનો છેક ઉપરથી જોઈએ એટલે દૂરની ક્ષિતિજ સાથે આલ્હાદક દ્રશ્ય લાગે.
અહીં સુધી ચડવા લોખંડની સીડીઓ છે. જટાયુ સામેની ટેકરી પર છે, ત્યાં જવાનો રસ્તો બંધ કરેલો છે.
અહીં ગામમાં સાવ નાની હાટડીઓમાં જૂનાં વેફરોના પેકેટ પણ મળે તો મળે. અમને ચા પીવા પણ બીજો એક દોઢ કિલોમીટર જઈ આંધ્ર ટુરિઝમ ની કેન્ટિનમાં જવું પડેલ. સાંજે પાંચ વાગે ત્યાં કોફી કે ચા માટે દૂધ પણ નહોતું! એણે કોઈક રીતે લઇ આવી સ્ટવ પેટાવી કોફી કરી! કહે કે લોકો અહીં સવારે જ આવે છે.
અહીંથી માત્ર એક કલાકના રસ્તે આદિયોગી નું સ્ટેચ્યુ છે. એ કાળા પથ્થરનું, સવાસો ફૂટ ઊંચું અને દોઢસો ફૂટ પહોળું છે. તેમાં શિવજીનું મસ્તક અને છાતી સુધીનું શરીર, કાનના કુંડળ, ગળે માળા, સર્પ અને જટા માં ચંદ્ર, ગંગાજી બનાવ્યાં છે. અમે ત્યાં પ્રખ્યાત એવો સાઉન્ડ એન્ડ લાઇટ શો જોવા છ વાગ્યાથી જગ્યા ગોતી બેસી ગયાં. એપ્રિલ હોઈ પોણાસાતે સૂર્યાસ્ત થતાં બે બાજુ અલગ લાઈટો દ્વારા શિવજીનું અર્ધુ શરીર સ્ત્રીનું ને અર્ધુ પુરુષનું એમ સ્પષ્ટ બતાવ્યાં. પછી શિવતાંડવ સ્તોત્ર વગેરે અને ડમરૂ, નગારા ના 3 D સાઉન્ડ દ્વારા અલગ જ અનુભૂતિ કરાવી. આદિ યોગી સાંજના હો તો આ શો જરૂર જોવા જેવો.
આમ એક સાથે બે શિવજી દર્શન ની યાત્રા બેંગલોરથી અર્ધા દિવસમાં થઈ ગા
***