ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 55
શિર્ષક:- જૈનદર્શનનું અધ્યયન
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 55..." જૈનદર્શનનું અધ્યયન"
કાશીવાસ સમયે મારો બધો સમય ભણવા-ભણાવવામાં વ્યતીત થતો. બે-ત્રણ વર્ષ સંન્યાસી મઠોમાં રહીને, ટેકરા મઠમાં હું સ્વતંત્ર રહેતો થયો, હું જાણતો હતો કે મારા વિચારો આ લોકોથી જુદા પડે છે, ભવિષ્યમાં કોઈ એમ ન કહી જાય કે “અમારા મઠમાં રહીને અમારા જ વિરુદ્ધ બોલો છો.” એટલે મારે સ્વતંત્ર રહીને અધ્યયન કરવું એવો મારો નિર્ણય હતો. પૂજ્વ ગુરુદેવને આ વાત સમજાવતાં થોડો સમય લાગ્યો. અંતે તેઓ પણ સંમત થયા કે ભલે તારી ઇચ્છા હોય તો સ્વતંત્ર રહે.
ટેકરા મઠ, વૃંદાવનના પરમહંસ આશ્રમ જેવો હતો. બહુ પ્રાચીન મઠ. જેને ક્યાંય જગ્યા ન મળે તેને ટેકરા મઠ જગ્યા આપે. વયોવૃદ્ધ સ્વામી મંગળગિરિજી તેના સંચાલક. બહુ ભલા તથા સુધારક વિચારવાળા. સ્વાધીનતાની લડાઈ વખતે તેઓ રાષ્ટ્રીય સેનાનીઓને આ મઠમાં સંઘરતા. પોલીસ આવતી, સાધુઓના આસન ઉપર સાધુ જેવા રૂપમાં સૂતેલા પેલા સેનાનીઓને ઓળખ્યા વિના જ ચાલી જતી. સ્વામી મંગળગિરિજી સાથે વાતો કરવાની પણ મઝા પડે. ઘણી જૂની વાતો તેમને યાદ હોય. તમે સાંભળતાં થાકો પણ તે કહેતાં ન થાકે. ટેકરા મઠમાં ઘણા સ્વમાની – સ્વાધીનતાપ્રેમી સાધુઓ રહેતા. પાણી અને રૂમ સિવાય બધું પોતાનું. સૌ પોતપોતાના ખર્ચે રહે.
મારો નિશ્વિત ખોરાક મગની દાળ અને રોટલી. રોજ મારી જાતે જ બનાવું, જમું અને અગ્યાર વાગ્યા પહેલાં બે માઈલ દૂર વિશ્વવિદ્યાલયમાં ભણવા માટે પહોંચી જાઉં; ત્યારે રિક્ષાવાળા ત્રણ કે ચાર આનામાં લઈ જતા, પણ હું ચાલતો જ જતો અને સાંજે પાંચેક વાગે ચાલતો જ પાછો આવતો. સવારની પડેલી રોટલી-દાળ જમી લેતો. મારો ખર્ચ સાવ ઓછો હતો. તે ત્રણ-ચાર શિષ્યવૃત્તિઓ મળતી. મારા ખર્ચ ઉપરાંતની રકમ હું વિદ્યાર્થીઓમાં વહેંચી દેતો. ત્યારે કોઈ બ્રાહ્મણ વિદ્યાર્થીને પાંચ રૂપિયા મળે એટલે અધધધ થઈ જાય. મને ભણવા કરતાં ભણાવવામાં વધુ રસ આવતો. ઈશ્વરે મને ભણાવવાની શક્તિ આપેલી એટલે આખો દિવસ મારો વિદ્યાર્થીઓથી ભરપૂર રહેતો.
સત્યની શોધમાં હું તત્પર રહેતો. એટલા જ માટે હું જુદાં જુદાં શાસ્ત્રોનું અધ્યયન-મનન કરતો રહેતો. ન્યાયવૈશેષિક, સાંખ્યયોગ-વેદાન્ત વગેરે દર્શનોમાં યથાશક્તિ પ્રવેશ કર્યા પછી મારી ઇચ્છા જૈન-બૌદ્ધ દર્શનો ભણવાની થઈ. મારા સદ્નસીબે મને દિગંબર સંપ્રદાયના એક વિદ્વાન પંડિતજી મળી ગયા. બહુ જ સજ્જન અને ભલા માણસ. મેં તેમની પાસે ‘તત્ત્વાર્થાભિગમસૂત્ર’ ભણવાનું શરૂ કર્યું. વૈદિક દર્શનોની માન્યતાઓ તથા જૈનદર્શનની માન્યતામાં ઘણો ફરક છે, તેની પ્રતીતિ થઈ. મારે સ્વીકાર કરવો જોઈએ કે આ ગ્રંથના અધ્યયન કરતાં મને પંડિતજીના સત્સંગથી ઘણો લાભ થયો. મને અડધા કલાકનો સમય આપેલો, પણ અમે બે-ત્રણ કલાક સહેજે ચર્ચા-વિચારણામાં વિતાવી દેતા. તેઓ જૈનદર્શનની જે-જે કાંઈ વાતો કરતા તેના અનુસંધાનમાં હું ગીતા-ઉપનિષદમાંથી તે જ વાતો બોલી બતાવતો. ગીતા-ઉપનિષદો અપેક્ષાકૃત પ્રાચીન ગ્રંથો છે, અને તેમાં પ્રથમથી જ આ વાતો વિદ્યમાન છે, તે જાણીને તેમને નવાઈ લાગતી. પણ તે ખુલ્લા મનના માણસ હતા, સાચી વાત સ્વીકારતાં તેમને વાર ન લાગતી.
એક વાર વાતવાતમાં તેમણે કહી દીધું કે “કૃષ્ણ તો સાતમી નારકીમાં ગયા છે.' તેમની વાતથી મને દુઃખ થયું કારણ કે કૃષ્ણ મારા ઇષ્ટદેવ હતા. મેં ધીરે રહીને તેમને કહ્યું કે "પંડિતજી, કોણ નરકમાં ગયું અને કોણ સ્વર્ગમાં ગયું છે તે કોણ જોવા ગયું છે ? અરે, સ્વર્ગ અને નરક જેવાં સ્થાનો ખરેખર છે કે કેમ તેની પણ શી ખાતરી ? પણ જે વિભૂતિને કરોડો માણસો પોતાના પ્રિયતમ ઈષ્ટદેવ માનતા હોય તેને સાતમી નારકીએ ગયાની વાત બહુ દોષ કહેવાય. વચગાળામાં આવું દ્વેષીલું સાહિત્ય બધા પક્ષે રચાયું છે અને તેમાં એક બીજાના ધર્મો તથા ઇષ્ટદેવોને હલકા બતાવવાનો પ્રયત્ન થયો છે. આ કોઈ આર્ષવાણી નથી. વિચાર કરો કે જેવું તમે લખ્યું તેવું જ તમારા ઇષ્ટદેવ વિષે બીજો કોઈ પંથ લખી દે તો ? કેવું લાગે !'
મારી વાતની તેમના ઉપર બહુ જ સરસ અસર થઈ. તેમણે કહ્યું કે તમારી વાત તદ્દન સાચી છે. આવું ન જ લખાવું જોઈએ, ન માનવું જોઈએ. આજ સુધી મને આ રીતનો કદી વિચાર આવ્યો જ નહિ.'
હું વિચારું છું કે પરમત પ્રત્યે ફેલાવવામાં આવેલી હીનતાથી વિદ્વાનો નથી બચી શકતા તો પછી સામાન્ય માણસો તો બચી જ કેમ શકે ? તે તો માત્ર અનુયાયી હોય છે, રટાવેલું રટનારા હોય છે. લગભગ પ્રત્યેક ધર્મપરંપરામાં ત્રણ પ્રકારની વાણી હોય છે :
૧. રાગદ્વેષથી પર રહીને સંતુલિત રીતે લખાયેલી દિવ્ય વાણી,
૨. પોતાની માન્યતાઓના સમર્થન માટે લખાયેલી યુક્તિપૂર્વકની વાણી, અને
૩. પરમતો, તેમાં પણ અત્યંત નજીકના સ્પર્ધક મત પ્રત્યે દ્વેષભરેલી હીન વાણી.
મોટા ભાગે આ ત્રણે વાણીઓને રચનારાઓના પણ ત્રણ પ્રકાર હોય છે. પ્રથમથી ઊંચી વાણી નિર્મલ ઋષિ- મુનિ-સંતો દ્વારા પ્રકટેલી હોય છે. બીજી, યુક્તિ-પ્રાયુક્તિવાળી વાણી સાંપ્રદાયિક વિદ્વાનોની હોય છે અને ત્રીજી વાણી કોરું પાંડિત્ય ધરાવતા હીન પ્રકૃતિના માણસોની હોય છે. સાંપ્રદાયિક અનુયાયીઓ પ્રથમ-દ્વિતીય વાણી કરતાં ત્રીજી વાણીથી વધુ પ્રોરિત થતા હોય છે, જેથી વાદવિવાદ, વિખવાદ, ઘૃણા અને અસહિષ્ણુતા ઉદ્ભવતાં હોય છે. સાંપ્રદાયિક કડવાશને મટાડવી હોય તો ત્રીજી વાણીને દૂર કરવી જોઈએ..
આભાર
સ્નેહલ જાની