જીવ માત્ર સુખને ખોળે છે. પણ ઘડીવાર આનંદ મળતો નથી. લગ્નમાં, સિનેમા જોવા કે નાટકમાં જાય, પણ વળી પાછું દુઃખ આવે છે. એટલે પછી તે કાયમનું સુખ, શાશ્વત સુખ ખોળે છે. મનુષ્ય “સુખ આમાંથી આવશે, આમાંથી આવશે, આ વસ્તુ લઉં, આમ કરું, બંગલો બંધાવું તો સુખ આવશે, ગાડી લઉં તો સુખ આવશે.” એમ કર્યા કરે છે પણ કશું આવતું નથી. ઊલટું વધારે ને વધારે સંસારી જંજાળોમાં ગૂંચાય છે.
આખી દુનિયા સુખ મેળવવાના સાધનો જેમ કે પૈસા, કીર્તિ, સગવડો મેળવવા માટે દોટ મૂકે છે. પણ મનુષ્ય જીવનનો અંતિમ ધ્યેય શું એ કોઈને ખબર નથી. મનુષ્ય જીવનનો ધ્યેય મોક્ષે જવાનો હોવો જોઈએ. મોક્ષ એટલે સંસારનો ત્યાગ કરીને સાધુ બની જવું એમ નથી. મોક્ષ બે સ્ટેજે હોય છે. પહેલો મોક્ષ એટલે સંસારી દુઃખનો અભાવ વર્તે તે. સંસારના દુઃખમાંય દુઃખ અડે નહીં, ઉપાધિમાંય સમાધિ રહે, એ પહેલો મોક્ષ છે; અને પછી તમામ કર્મો ખપી જાય પછી અંતિમ અવતારમાં દેહ છૂટે એ આત્યંતિક મોક્ષ એટલે કે નિર્વાણ કહેવાય છે. સનાતન સુખ એનું નામ કે એ પ્રાપ્ત થાય પછી દુઃખ આવે નહીં. એવું સનાતન સુખ મળે, એનું નામ મોક્ષ.
ખરેખર સનાતન સુખ પોતાની મહીં જ છે, આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત થાય, આત્મસાક્ષાત્કાર થાય તો સનાતન સુખ પ્રાપ્ત થાય. આત્મસાક્ષાત્કાર એટલે પોતાનું ખરું સ્વરૂપ જાણવું તે. “પોતે કોણ છે” જાણવું એ જીવનનો ધ્યેય હોવો જોઈએ. મનુષ્યો ખરેખર પરમાત્મા થઈ શકે છે. પોતાનું પરમાત્મપણું પ્રાપ્ત કરવું એ છેલ્લામાં છેલ્લો ધ્યેય છે.
પોતાનું સનાતન સુખ પ્રાપ્ત કરાવે એ આત્મવિજ્ઞાન કહેવાય. નાના હોઈએ ત્યારે આપણું નામ પાડવામાં આવે ત્યારથી આપણે માનીએ કે “હું ચંદુ છું.” (ચંદુની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું). પણ જ્યારે મૃત્યુ થાય પછી નનામી નીકળે જેમાં દેહ અને નામ સાથે જાય. લગ્ન થાય ત્યારે પોતે માની બેસે કે “હું પતિ છું” કે “હું પત્ની છું”, પણ પછી ડિવોર્સ થાય ત્યારે પતિ કે પત્નીનો સંબંધ મટી જાય. માતા-પિતાના આધારે “હું સંતાન છું”, અને પોતાને સંતાન થાય એટલે “હું પિતા છું”, કે “હું મા છું” એ માન્યતા ઘૂસી જાય. બાળક મોટા થઈને પરણે એટલે “હું સાસુ/સસરો છું” એ માન્યતા પેસી જાય. એન્જીનીયરની ડીગ્રી મળે તેને “હું એન્જીનીયર છું”, વકીલાત કરે તેને “હું વકીલ છું”, ધંધામાં ભાગીદાર બને એને “હું ભાગીદાર છું” એમ પાર વગરની માન્યતાઓ આપણામાં પેસી જાય છે. આ બધા ટાઈટલ કે નામ કોઈ ને કોઈ આધારે હોય છે, એ તો ફક્ત ઓળખાણ માટે આપવામાં આવે છે, જેમ દુકાનને ઓળખવા પાટિયું લગાવીએ તેમ. જો આધાર ખસી જાય તો ટાઈટલ પણ જતું રહે છે. તો પછી આ બદલાતા નામ અને સંબંધો વચ્ચે “હું કોણ છું?” તેની સાચી ઓળખાણ થવી એ જ આત્મસાક્ષાત્કાર.
આત્મસાક્ષાત્કાર કોણ કરાવી શકે? ધારો કે, કોઈ મનુષ્યના હાથ-પગ દોરડાંથી બંધાયેલા હોય તો તેને કોઈ છૂટેલો હોય તે જ છોડાવી શકે. તેવી જ રીતે, આત્મસાક્ષાત્કાર એવા મુક્ત પુરુષ કરાવી શકે જેમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે અને અન્યને પણ તે પ્રાપ્ત કરાવવા સમર્થ છે. એવા અનુભવી જ્ઞાની એટલે જ જ્ઞાની પુરુષ. તેમના કહ્યા પ્રમાણે ચાલીએ તો, સંસારમાં રહીને પણ, જપ-તપ-ત્યાગ કશું કર્યા વિના દુર્લભ મોક્ષ સુલભ થઈ જાય. ”જ્ઞાની પુરુષ” મળે તો મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઈ જાય. સાથે, જ્ઞાની પુરુષ આપણને દિવ્યચક્ષુ પણ આપે જેનાથી “આત્મવત્ સર્વ ભૂતેષુ” અર્થાત્ બધામાં જ આત્મા દેખાય.
આ કાળમાં પરમ પૂજ્ય દાદા ભગવાન એવા અજોડ જ્ઞાની પુરુષ થઈ ગયા, જેમની ભવોભવની ભાવના હતી કે કેમ કરીને આખું જગત સુખ-શાંતિને પામે અને મોક્ષનું જ્ઞાન પામે. એ ભાવનાના ફળરૂપે ૧૯૫૭માં તેમને સુરતના ધમધમતા રેલવે સ્ટેશને આત્મજ્ઞાન લાધ્યું, આખા બ્રહ્માંડના સર્વે રહસ્યોના ફોડ પડ્યા, અને તપ-ત્યાગ વિના ગૃહસ્થી અને સ્ત્રીઓ પણ મોક્ષના હક્કદાર થઈ શકે તેવું અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું. પરમ પૂજ્ય દાદાશ્રી પછી પૂજ્ય નીરુમા અને હવે પૂજ્યશ્રી દીપકભાઈ થકી દેશ-વિદેશના લાખો લોકો આત્મસાક્ષાત્કાર પામ્યાં છે, અને સંસારમાં રહેવા છતાં ફક્ત સાચી સમજણથી દુઃખોથી મુક્તિ અનુભવે છે.