સ્માર્ટફોનની ચમક અને માનવબુદ્ધિનું અંધકારમય પતન
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન એક અજોડ ક્રાંતિનું પ્રતીક બનીને ઉભર્યો છે. વર્ષ ૨૦૦૭માં આઇફોન ના આગમનથી લઈને આજના અદ્યતન ૫-જી ફોન સુધી, આ ટેક્નોલોજીએ વિશ્વને હથેળીમાં સમાવી દીધું છે. શરૂઆતમાં લોકોને લાગતું હતું કે આ ઉપકરણ માનવજીવનને વધુ સ્માર્ટ, જ્ઞાનવર્ધક અને કાર્યક્ષમ બનાવશે. માહિતીનો અખૂટ ભંડાર, ત્વરિત સંચાર અને અનંત શક્યતાઓના દ્વાર ખુલશે. પરંતુ વાસ્તવિકતા તેનાથી ઊલટી સાબિત થઈ છે. સ્માર્ટફોન ના આગમન પછી લોકો વધુ સ્માર્ટ થવાને બદલે દિવસેને દિવસે અશિક્ષિત, બેવકૂફ અને આક્રોશીત બનતા જાય છે. વ્હોટ્સએપ યુનિવર્સિટી અને સોશિયલ મીડિયા યુનિવર્સિટીએ પરંપરાગત શિક્ષણનું સ્થાન લઈ લીધું છે, જ્યાં કચરો જ્ઞાન તરીકે પીરસાય છે અને વિરોધ કરનારને ગાળો અને હિંસાનો સામનો કરવો પડે છે. ટેક્નોલોજીએ મનુષ્યને સ્માર્ટ બનાવવાને બદલે તેને બેવકૂફીના ગર્તમાં ધકેલી દીધો છે.
સ્માર્ટફોનના આગમન પહેલાં મોબાઇલ ફોન માત્ર કોલ અને ટેક્સ્ટ માટે હતા. પરંતુ સ્માર્ટફોન આવ્યા પછી ઇન્ટરનેટ, કેમેરા, એપ્સ અને સોશિયલ મીડિયાના દ્વાર ખુલ્યા. લોકોને લાગ્યું કે હવે વિશ્વનું જ્ઞાન આંગળીના ટેરવે છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન કોર્સ કરશે, વ્યાવસાયિકો ત્વરિત માહિતી મેળવશે અને સમાજ વધુ જાગૃત બનશે. પરંતુ આ આશાઓ ખોટી સાબિત થઈ. આજે સ્માર્ટફોન વપરાશકર્તાઓનો મોટાભાગનો સમય રીલ્સ, મીમ્સ અને ફોરવર્ડ મેસેજમાં વેડફાય છે. ભારતમાં જ વ્હોટ્સએપ પર દરરોજ અબજો મેસેજ ફોરવર્ડ થાય છે, જેમાંથી મોટાભાગના અફવા અને ખોટી માહિતી હોય છે. આ બદલાવનું મુખ્ય કારણ છે ટેક્નોલોજીનું વ્યસન. ડોપામિન લૂપ તરીકે ઓળખાતી વ્યવસ્થા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને વધુ આકર્ષક બનાવે છે. દરેક લાઇક, કોમેન્ટ અને શેર મગજમાં આનંદનું સ્ત્રાવ કરે છે, જેનાથી વપરાશકર્તા વારંવાર ફોન તપાસે છે. પરિણામે, ઊંડું વાંચન, વિચારવિશ્લેષણ અને તર્કશક્તિનો વિકાસ અટકી જાય છે. લોકો સ્ક્રોલ કરવામાં જ સમય વિતાવે છે, જ્ઞાન મેળવવામાં નહીં.
સ્માર્ટફોનની સાથે વ્હોટ્સએપ અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સે નવી યુનિવર્સિટીનું સ્વરૂપ લીધું છે. આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે કોઈ ડિગ્રી કે પરીક્ષા નથી; માત્ર એક સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જરૂરી છે. શિક્ષિતથી લઈને અશિક્ષિત સુધી તમામ વિદ્યાર્થી બની જાય છે. સવારે ઊઠીને પહેલું કામ ફોન ચેક કરવાનું અને મળેલા ફોરવર્ડ મેસેજને આગળ મોકલવાનું. આ શિક્ષણનો અભ્યાસક્રમ ખૂબ વિશાળ છે: રાજકારણીઓની ખોટી વાતો, ધાર્મિક અફવાઓ, આરોગ્યના ખોટા ઉપચાર, વૈજ્ઞાનિક દાવાઓનખોટા સિદ્ધાંતો અને સમાજને વિભાજીત કરતી વાતો. ઉદાહરણ તરીકે, કોરોના મહામારી દરમિયાન વ્હોટ્સએપ પર ગાયના ગોળના દૂધથી વેક્સિનની અસર નીકળી જાય તેવા મેસેજ વાયરલ થયા. લોકોએ તેને સાચા માનીને પીરસ્યા, પરંતુ વૈજ્ઞાનિકોના વિરોધ પર ગાળાગાળી કરી. આવા કિસ્સાઓમાં લોકો તર્કને બદલે લાગણીઓ પર આધારિત વર્તન કરે છે. સોશિયલ મીડિયા પર પણ એ જ છે. ટ્વિટર (હવે એક્સ) પર એક ટ્વીટ વાયરલ થાય અને હજારો લોકો તેને સાચી માનીને રિટ્વીટ કરે, વાંચ્યા વગર. આનાથી એકો ચેમ્બર ઇફેક્ટ થાય છે લોકો માત્ર પોતાની વિચારસરણીની વાતો જ જુએ છે અને વિરોધી મતને દુશ્મન માને છે. પરિણામે, વાદ-વિવાદની જગ્યાએ ગાળાગાળી અને ધમકીઓ વધે છે.
ટેક્નોલોજીએ મનુષ્યને બેવકૂફ બનાવવામાં સંપૂર્ણ સફળતા મેળવી છે. ફોન સ્માર્ટ છે – તે જીપીએસથી રસ્તો બતાવે, કેમેરાથી ફોટા એડિટ કરે, એઆઇથી પ્રશ્નોના જવાબ આપે – પરંતુ વપરાશકર્તા દિવસેને દિવસે અશિક્ષિત બનતો જાય છે. આનું કારણ છે માહિતીનો અતિરેક અને તપાસની અછત. ગૂગલ પર કંઈ પણ સર્ચ કરો, પરંતુ લોકો પહેલા પેજના પરિણામને જ સાચા માને છે, સ્ત્રોત તપાસતા નથી. આ ઉપરાંત, અલ્ગોરિધમ્સ વપરાશકર્તાને તેની પસંદગીની માહિતી જ બતાવે છે, જેનાથી વૈવિધ્યસભર વિચારોનો અભાવ થાય છે. બાળકોમાં તો આ વધુ ખતરનાક છે. ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર કલાકો વિતાવવાથી તેમની ધ્યાનકેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટે છે. અભ્યાસો દર્શાવે છે કે સ્માર્ટફોન વ્યસનથી એડીએચડી જેવા રોગ વધે છે. સમાજીક સ્તરે આની અસર વધુ ગંભીર છે. લોકો ખોટી વાતનો વિરોધ કરે તો તેને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ વ્હોટ્સએપ ગ્રુપમાં અફવાનો ખંડન કરે તો તેને ‘દેશદ્રોહી’ કે ‘ધર્મવિરોધી’ કહીને ગાળો આપવામાં આવે છે. આવા કિસ્સાઓમાં ઓનલાઇન હિંસા ઓફલાઇન હિંસામાં ફેરવાય છે. ભારતમાં અનેક લિંચિંગના કિસ્સા વ્હોટ્સએપ અફવાઓને કારણે થયા છે.
વૈજ્ઞાનિક અભ્યાસો આ વાતને સમર્થન આપે છે. અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનના અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા વપરાશથી ચિંતા, ડિપ્રેશન અને આત્મહત્યાના વિચારો વધે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં જણાયું છે કે ફેક ન્યૂઝ સાચી ખબર કરતાં છ ગણી ઝડપથી ફેલાય છે. આનું કારણ છે માનવ મનની નકારાત્મકતા પ્રત્યેની આકર્ષણ. મનોવૈજ્ઞાનિક રીતે, કોન્ફર્મેશન બાયસ વપરાશકર્તાને પોતાની માન્યતાઓને જ મજબૂત કરતી માહિતી સ્વીકારવા પ્રેરે છે. વિરોધી પુરાવા આવે તો તેને અવગણે છે અને આક્રમક બને છે. આનાથી તર્કશક્તિનું પતન થાય છે.
સમાજમાં આની અસર વિભાજનમાં જોવા મળે છે. રાજકીય ચૂંટણીઓમાં વ્હોટ્સએપ અને ફેસબુક અફવાઓથી મતદાતાઓ પ્રભાવિત થાય છે. દરેક ભારતીય ચૂંટણીમાં અનેક ખોટા વીડિયો વાયરલ થતા હોય છે. ધાર્મિક સ્તરે પણ અફવાઓથી રમખાણો થાય છે. વ્યક્તિગત સ્તરે, પરિવારોમાં ઝઘડા વધે છે. ડિનર ટેબલ પર બધા ફોનમાં ખોવાયેલા હોય છે, વાતચીત નથી થતી. બાળકોનું શિક્ષણ અસરગ્રસ્ત થાય છે કારણ કે તેઓ પુસ્તકોને બદલે રીલ્સ જુએ છે.
આ સમસ્યાનો ઉકેલ ટેક્નોલોજીમાં નહીં, પરંતુ તેના વપરાશમાં છે. ડિજિટલ લિટરસી શીખવવી જરૂરી છે માહિતી તપાસો, સ્ત્રોત જુઓ, વિરોધી મત વાંચો. સરકારો અને પ્લેટફોર્મ્સે ફેક્ટ ચેકિંગ વધારવું જોઈએ. વ્યક્તિગત રીતે, સ્ક્રીન ટાઇમ લિમિટ કરો, ઓફલાઇન પ્રવૃત્તિઓ વધારો. જો આપણે સચેત ન થઈએ તો સ્માર્ટફોનની આ યુનિવર્સિટી માનવ સભ્યતાને અશિક્ષિત અને વિભાજિત બનાવી દેશે. ટેક્નોલોજી સેવક છે, માલિક નહીં. તેને નિયંત્રિત કરીને જ આપણે સાચા અર્થમાં સ્માર્ટ બની શકીએ.