મરજી મુજબ જીવવું એટલે?*************************
મરજી જબરો શબ્દ નહિ? મર - જી હિંદીમાં અર્થ જોઈએ તો મરજીમાં જ મરીને જીવવાનો અર્થ સમાયેલો છે!આને તમે તમારી મરજી મુજબ “કુછ ભી” વાળું વાક્ય કહી જ શકો. મને આ વિશે ખરાબ નહિ લાગે.
મોટેભાગે દરેકને જે તે ઉંમરે એક અફસોસ હોય છે કે, “હું મારી મરજી મુજબ તો જીવી જ ના શક્યો /શકી.” પણ તમારી મરજી, તમારી ઈચ્છાઓ ખરેખર શું હતી એનો ખ્યાલ હતો ખરો? જે તે મનગમતું કાર્ય ન કરી શકવાનો એક અફસોસ રહી જાય છે પણ એની અવેજીમાં જે કાર્ય થાય છે એનું પરિણામ જોયું? એનું પરિણામ જોતાં ચોક્કસ ખબર પડશે કે તે સમયે મનગમતું કરવાને બદલે, વડીલો દ્વારા, જીવનસાથી દ્વારા કે બાળકો દ્વારા આપણને જે કાર્યની પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સોંપણી થઈ હતી તે ખરેખર જરૂરી હતું. સૌ માટે સુખ આપનારું હતું. મનગમતું કાર્ય ફકત આપણને થોડી ક્ષણોનું સુખ આપી શકત પણ સામે આપણી સાથે જોડાયેલ દરેક વ્યક્તિને સંતુષ્ટિ ન મળી હોત. સૌને ખુશ જોઈને જે ખુશી મળે છે એ કદાચ સ્વરુચિનું કાર્ય ન આપી શકત. બીજી વાત એમ સાંભળવા મળે છે કે, “ મારે શું બધાં માટે જ જીવવાનું? મેં ઠેકો લીધો છે સૌને સુખી કરવાનો? મારી પણ કોઈ તો મરજી હોય કે નહિ?” ઉકળાટ, બળાપો પોતાનાં મનઘડત દુઃખોની હો હો જ તમને નેગેટિવ વિચારો તરફ દોરે છે. તમે એટલે દુખીયારી આત્મા અને બાકી સૌ કેવા સુખ ભોગવનાર! એવો વિચાર અજાણતાં જ મનમાં દ્રઢતાથી પગ પેસારો કરી જાય છે. ઘણીવાર યોગ્ય વાતાવરણ મળતાં એ વિચારો ત્યાં જ અડિંગો જમાવી દે છે. આ જ વિચારો ઇર્ષ્યાવૃત્તીના પણ જન્મદાતા છે. ચેતજો! એક ગામઠી કહેવત છે ને કે, ‘' અદેખવાને બે દુઃખ, પોતાનું અને બીજાનું.” એ બંને દુઃખે દુઃખી ન થવું હોય તો મારી મરજી, હું..હું..હું..દુઃખ..દુઃખ..અને દુઃખ જ, અસંતોષ વગેરે જેવા વાયરસોથી બચવું રહ્યું. પોતાનાં લોકોને સુખ આપવા આપણે થોડી ઘણી ઈચ્છાઓને દાબી દઈએ તો ખોટું શું? નાનામાં નાનું બાળક પણ આવું કરતું જ હોય છે. વિચારો જોઉં..એને કોઈવાર કપ રકાબીથી રમવું હોય, કોઈવાર અરીસામાં જોઈ પોતાને મોઢે નહિ પણ અરીસામાં દેખાતે ચેહરે મેક અપ કરવો હોય. કોઈવાર છુટ્ટા હાથે રોડ પર દોડવું હોય. કોઈવાર કૂંડામાં લગાવેલ છોડને ઉખાડી તાકાત બતાવવી હોય. પણ…એ નથી કરી શકતું. એણે ઈચ્છાઓને મારી. મરજી મુજબ ન વર્તી શક્યું. કારણ શું? એ પણ માતા પિતાની નારાજગીનો ડર! માર કદાચ સહી જાત પણ નારાજગી સહન નથી થતી. પોતાનાઓનાં સુખમાં સુખ મેળવવું એ સૌથી મોટી ઉપલબ્ધિ હોવી જોઈએ. આપણે એ લોકોની મરજીનો ખ્યાલ રાખીશું, યોગ્ય દિશા બતાવીશું તો એવું જ આપણી સાથે થશે! બસ એને માટે.. રૂકો જરા.. સબર કરો.અમુક વર્ષે આધેડ ઉંમરે ઘણી વખત આ અફસોસ માઝા મૂકતાં હોય છે. કારણ સ્ત્રીઓમાં થતાં હોર્મોનલ ચેંજીસ પણ હોઈ શકે. બીજું કે બાળકો મોટાં થઈ ગયો હોવાથી ઘણો ફ્રી ટાઇમ પણ મળતો હોય છે, એટલે લગભગ આવા અફસોસનું પ્રમાણ સ્ત્રીઓમાં ખાસ જોવા મળે છે. અડધું મનનું કારણ અને મોબાઇલનો વધુ પડતો ઉપયોગ અને અંદર જોવા મળતાં અમુક કન્ટેન્ટ પણ આગમાં ઘીનું કામ કરે છે. જેમ કે ઘણી રિલ્સને બહુ સિરિયસલી લેવામાં આવતી હોય છે. શાયરીઓ, સુવિચારો કે અમુક પોડકાસ્ટે ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓને વિવિધ રીતે બિચારીઓ બનાવી દીધી છે. સ્ત્રી જાગૃતિ સાથે સાથે “તમે તમારા માટે જીવો.” વાળું બહુ ચાલ્યું છે. બધું સાંભળીને અને જોઈ જોઈને સ્ત્રીઓને મગજમાં ન હોય એ અભાવો પણ માથું ઊંચકવા માંડે છે. પરિણામે ગૃહ ક્લેશ અને ગૃહ ભંગનાં બનાવો વધી રહ્યાં છે. કોઈવાર વધુ પડતી લાગણીશીલ વ્યક્તિ સિવિયર ડિપ્રેશનનો ભોગ બને છે. આમ જોઈએ તો સો ટકા મરજી મુજબ તો પશુઓ પણ નથી જીવી શકતા તો આપણે તો વિચારશીલ, સામાજિક અને લાગણીશીલ માણસો છીએ. “ થોડું મારું, થોડું તારું મળીને જ બનશે આપણું.” હવે આમાં “થોડું તું છોડ થોડું હું છોડું તો સુખ પામશું આપણું.” એવું પણ કહી શકાય. જે રીતે તમે મન મારો છો એ રીતે જ તમારી આસપાસના સૌ મન મારતાં જ હોય છે. દુનિયામાં કોઈપણ વ્યક્તિ એમ સાચું નહિ કહી શકે કે હું સો ટકા મરજીથી જીવ્યો કે જીવી છું. સાથે રહેનાર પોતાનાઓ માટે કરેલું કોઈપણ કાર્ય બોજ કે ભોગ ન સમજવું. એ લોકોને સુખ આપવું એ ફકત નૈતિક ફરજનો ભાગ નહિ પણ પોતાની મરજી સમજવી. પછી જુઓ ઘણાં મરજીથી ન જીવ્યાંના અફસોસ પાછલી બારીએથી ભાગે છે કે નહિ!
કુંતલ સંજય ભટ્ટ