Experience Summary - 4 in Gujarati Motivational Stories by Mahesh Vegad books and stories PDF | અનુભવની સરવાણી - 4

Featured Books
Categories
Share

અનુભવની સરવાણી - 4

નમસ્તે વાચક મિત્રો,એક વખત ફરીથી આપ સર્વે માટે નવાં વિષય ને નવા વિચારો સાથે જીવનને ઉપયોગી બને તેવી વાતો ને વાર્તાઓ લઈ ને આવ્યો છું " એક વાત મારાં અનુભવની "...આપણે ઘણાં લોકો પાસે જીવનની સફળતાની પ્રેરણાદાયી વાતો સાંભળતા હોઈ એ છીએ પણ આજે હું આપના માટે નિષ્ફળતા માંથી પણ જીવનને સફળ બનાવી શકાય છે સંબંધો કેવી રીતે જાળવવા અને તેને કેવળવા તેવી વાતો ને વાર્તાઓ લાવ્યો છું. આપ સર્વેને તે પસંદ આવશે... જે આપ આપના મિત્રો, બાળકો, સ્નેહીજનો સાથે પણ ચર્ચી શકો છો.આપ સર્વે વાચક મિત્રો ને અહીં રજૂ કરેલી વાતો ને વાર્તાઓ પસંદ પડે... આપ આપના પ્રતિભાવો અચૂક આપશો જીવન એ સંબંધોનો અજબ સંગમ છે...ક્યારેક સંબંધો ફૂલોની સુગંધ જેવા હળવાશભર્યા લાગે છે,તો ક્યારેક કાંટાની ચુભન જેવા કઠોર અનુભવ આપે છે.સંબંધો જ છે જે આપણને જીવવું શીખવે છે, હસવું શીખવે છે,અને ક્યારેક મૌન રહેવાનું પણ શીખવે છે.બધા સંબંધો હંમેશાં દિલના જ હોય એવું નથી—કેટલાક દિમાગના સંતુલન પર ટકેલા હોય છે.ક્યારેક એ સંબંધો રાખવા પડે છે,ક્યારેક નિભાવવા પડે છે,પણ ખરાં સંબંધો તો એ જ હોય છે,જે જીવાતા હોય છે… અનુભવી શકાય છે…

સંબંધો

બધા સંબંધો દિલના જ હોય એવું જરૂરી નથી, કેટલાંક દિમાગના પણ હોય છે. રાખવા પડે એટલે રખાતા હોય છે, નિભાવવા પડે એટલે નિભાવાતા હોય છે. બહુ ઓછા સંબંધો ખરા અર્થમાં જીવાતા હોય છે.

આપણા સંબંધો એકસાથે નહીં, પણ અનેક સાથે જોડાયેલા હોય છે. પરિવારમાં અનેક લોકો હોય છે. મિત્રોનું પણ ગ્રૂપ હોય છે. આપણને જેના પર લાગણી હોય એ બીજા લોકો સાથે પણ સંકળાયેલા હોય છે. કેટલાક સંબંધો તો વર્તુળ જેવા હોય છે. આપણને એવા ઘણા અનુભવો થયા હોય છે કે, આપણે કોઇને કંઇ વાત કરી હોય તો એ એક ચક્કર કાપીને પાછી આપણી પાસે જ આવે છે. ક્યારેક કોઇક છેડા એવા નીકળી આવે છે જેના વિશે જાણીને આપણે કહીએ છીએ કે, વર્લ્ડ ઇઝ સો સ્મોલ! આપણને કલ્પના પણ ન હોય એવા લોકોના સંબંધો નીકળી આવે છે. સંબંધો ક્યારેક સોળે કળાઓ ખીલી જાય છે તો ક્યારેક સાવ વિસરાઇ જાય છે. લાંબા સમય પછી જ્યારે કોઇને કામ પડે છે ત્યારે એ લોકો ગમે ત્યાંથી આપણને શોધી કાઢે છે. બધા સંબંધો સ્નેહ કે લાગણીના નથી હોતા, કેટલાક કામના તો કેટલાક સ્વાર્થના પણ હોય છે. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી સંપર્ક અને સંવાદ જીવતો રહે છે અને કામ પત્યું એટલે એ સંબંધ સુષુપ્ત થઇ જાય છે. જરૂર પડે ત્યારે આ સંબંધ ફરીથી જીવતો પણ થઇ જાય છે. કેટલાક સંબંધો જ એવા હોય છે જે હંમેશાં એવા ને એવા રહે છે. એ સંબંધોને સમયની અસર થતી નથી. કાટ લોખંડને લાગે, સોનાને નહીં. કેટલાક સંબંધો જ એવા હોય છે જે સદાયે ચકચકિત રહે છે. કેટલાક સંબંધો ચકિત કરી દે છે. મોબાઇલની રિંગ વાગે કે તરત જ એવો વિચાર આવી જાય છે કે, આને વળી શું કામ પડ્યું? લાપતા થઇ ગયેલો સંબંધ ક્યારેક અચાનક ડોકિયું કે હાઉકલી કરી જાય છે. સાચો સંબંધ હોય તો તેને સ્થળ કે કાળનો કોઇ ભેદ નડતો નથી. ગમે એટલો સમય થઇ જાય, પણ જ્યારે મળીએ ત્યારે એ સંબંધ એવો ને એવો તાજો હોય છે. બધા સંબંધો ક્યારેય સરખા નહીં જ હોવાના. સંબંધોની પણ કેટેગરી હોય છે. બધા સંબંધો દિલના જ હોય એવું જરૂરી નથી, કેટલાક દિમાગના પણ હોય છે. રાખવા પડે એટલે રખાતા હોય છે, નિભાવવા પડે એટલે નિભાવાતા હોય છે. બહુ ઓછા સંબંધો ખરા અર્થમાં જીવાતા હોય છે.સંબંધો ઘણી વખત આપણી હાલત કફોડી પણ કરી દે છે. અમુક સમયે એવા સંજોગો પેદા થાય છે કે, આપણે બેમાંથી એકની પડખે રહેવું પડે છે. સાચા સાથે રહેવું કે જે નજીક છે એની સાથે રહેવું એ મામલે અવઢવ પેદા થાય છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. એ જોઇન્ટ ફેમિલીમાં રહે. પપ્પા અને કાકાનો પરિવાર એક જ મકાનમાં જીવે. આ યુવાન મોટો થયો. સારું એવું ભણ્યો. ગામ અને સમાજમાં એનું નામ થયું. ઘરમાં પણ એવી સ્થિતિ સર્જાઇ કે, કંઇ કામ હોય, કોઇ નિર્ણય કરવાનો હોય કે કંઇ અભિપ્રાય લેવાનો હોય તો એ યુવાનની સલાહ લેવામાં આવે. એક વખત એવું થયું કે, એક બાબતે પિતા અને કાકા સામસામે આવી ગયા. પપ્પાએ દીકરાને બોલાવીને કહ્યું, હવે તું જ કહે, આ કિસ્સામાં અમારા બેમાંથી કોણ સાચું છે? દીકરાએ બંનેની વાત સાંભળીને કહ્યું કે, કાકાની વાત સાચી છે. પપ્પા તમે જે કહો છો એ વાત વાજબી નથી. પપ્પાએ હસીને કહ્યું કે, મને એમ હતું કે મને સારું લાગે એ માટે તું મારો સાથ આપીશ. દીકરાએ કહ્યું, મારે સારું નહોતું લગાડવું, સાચું લગાડવું હતું, એટલે જે સાચું હતું એ મેં કહ્યું. આ વાત સાંભળીને તેના પિતાએ કહ્યું કે, મને તારી પાસે સાચાની જ અપેક્ષા હતી. તેં કદાચ મારી વાત સાચી ગણાવી હોત તો મને જ એમ થાત કે તેં પક્ષપાત કર્યો છે. જોકે, દરેક વ્યક્તિ આવું સાચું સમજતી કે સ્વીકારતી નથી, એને ખોટું લાગી જાય છે. જેને ખોટું લાગી જતું હોય એની પાસે સાચું બોલતા પણ માણસે વિચાર કરવો પડતો હોય છે. સાચું બોલીને સંબંધ દાવ પર લગાડવો કે મૂંગા રહીને જે થતું હોય એ થવા દેવું એના વિશે નિર્ણય કરવો પડતો હોય છે.કેટલાક સંબંધોમાં આપણી હાલત ખરા અર્થમાં સૂડી વચ્ચે સોપારી જેવી થઇ જતી હોય છે. બીજો એક કિસ્સો પણ ખૂબ રસપ્રદ છે. આવું આમ તો ઘણાં બધાં ઘરોમાં જોવા મળતું હોય છે. એક યુવાન પત્ની અને માતા સાથે રહેતો હતો. સાસુ વહુને ઘણી વખત કોઇ મુદ્દે માથાકૂટ થઇ જતી. એ યુવાનની હાલત એવી થતી કે, માતા દીકરાને ફરિયાદ કરતી રહે કે, જો તારી વહુ મારી સાથે કેવું કરે છે! બીજી તરફ પત્ની પણ કહેતી રહે કે, મમ્મી મારી સાથે આવું કરે છે. ઘણી વખત તો એવું થતું કે, બેમાંથી કોણ સાચું અને શું સાચું એ પણ નક્કી ન થઇ શકે. એ ન તો માતાને કંઇ કહી શકે, ન તો પત્નીને. એક વખત તેણે માતા અને પત્નીને સાથે બેસાડીને સારા શબ્દોમાં કહ્યું કે, તમારા બંને વચ્ચે જે કંઇ વાદવિવાદ, માથાકૂટ કે ઝઘડા થાય એ તમારે બંનેએ સમજી લેવા. મને વચ્ચે ન નાખવો. તમારા બંનેની વચ્ચે મારો મરો થાય છે. આ વાત સાંભળીને બંનેએ પાછું એવું કહ્યું કે, તને ન કહીએ તો કોને કહીએ? આપણને તટસ્થ રહેવાનું મન થતું હોય છે, પણ દરેક વખતે તટસ્થ રહેવું પણ સહેલું હોતું નથી. બેમાંથી કોઇને પણ સાથ આપીએ એક તરફે નારાજગી થવાની જ છે. બંને બાજુ પોતાની પ્રિય વ્યક્તિ હોય ત્યારે બોલતા પહેલાં ઘણીવખત મૂંઝારો પણ થતો હોય છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક કોઇ ને કોઇ સંબંધમાં આવી પરિસ્થિતિનો સામનો કર્યો જ હોય છે.સંબંધોમાં ધર્મસંકટો આવતાં જ રહેવાનાં છે. એને બહુ સમજદારીપૂર્વક ટેકલ કરવાં પડે છે. જો ચૂપ રહેવાથી ચાલતું હોય તો મૌન રહેવામાં જ માલ હોય છે. જો કોઇ એક પક્ષે બોલવું જ પડે એમ હોય તો બને ત્યાં સુધી સાચાનો સાથ આપવો જોઇએ. એક ત્રીજો રસ્તો વાતને જુદો જ વળાંક આપીને ખતમ કરવાનો હોય છે. એક સાવ સાચો કિસ્સો છે. ત્રણ મિત્રો હતા. ફરવા જવાનું નક્કી થતું હતું. એક કહે, બાય ટ્રેન જઇએ, બીજો કહીએ બાય એર જઇએ. વાત વણસી રહી હતી. ત્રીજા મિત્રને પૂછ્યું, તું શું કહે છે? એ મૂંઝાયો. કોને સાથ આપવો? તેણે કહ્યું, મને તો જુદો જ વિચાર આવે છે. વેધર બહુ ફાઇન છે. આપણે બાય રોડ જઇએ તો? આપણે જ્યાં જવાના છીએ ત્યાંના રસ્તા પણ બહુ સારા છે. પેલા બંને મિત્રોએ પોતાની જીદ જતી કરીને કહ્યું, ઓકે ડન, આપણે બાય રોડ જઇએ છીએ. દરેક વખતે ત્રીજો રસ્તો હોય એવું પણ જરૂરી નથી. એ સમયે વિવાદમાંથી છટકી જવું બહેતર હોય છે.કેટલાક સંબંધોમાં અમુક પાત્રો એવાં પણ હોય છે જે બધું સમુંસૂતરું ચાલતું હોય ત્યાં જ કંઇક એવું વચ્ચે મૂકે કે આખી વાત જ આડા રસ્તે ફંટાઇ જાય. બધું સરખું ચાલતું હોય ત્યાં એ ટમકું મૂકે કે, તમે બંને કહો છો એના કરતાં આમ કરીએ તો? એવા લોકોને ઘણી વખત ખેલ જોવાની પણ મજા આવતી હોય છે. આવા લોકોથી સાવચેત રહેવું પડે છે. કયો નિર્ણય કોને સાથે રાખીને કરવો અને કોને દૂર જ રાખવા તે પણ નક્કી કરવું પડતું હોય છે. દરેકનું એક લેવલ હોય છે. દરેક માણસ પોતાના સ્તર મુજબની જ વાતો કરવાનો છે. કેટલાક મહત્ત્વના નિર્ણયોમાં જે નજીક હોય તેમાંથી પણ પસંદગી કરવી પડતી હોય છે. જે દિલથી નજીક હોય તેને હંમેશાં સાથે રાખવા જોઇએ. એવા લોકો હોય છે પણ કેટલા? આપણી જિંદગીમાં એક-બે લોકો જ એવા હોય છે જેના માટે આપણને જ એમ થાય કે, એને ખબર હોવી જોઇએ. વાત વન ટુ વન હોય ત્યાં સુધી તો વાંધો નથી આવતો, પણ વાત જ્યારે વન ટુ મોર હોય ત્યારે સાવચેતી રાખવી પડે છે. વાત કરતાં પહેલાં પણ વિચાર કરવો પડે છે, ભૂમિકા બાંધવી પડે છે. ધ્યાન ન રાખીએ તો વાતનું વતેસર થઇ જતા વાર નથી લાગતી.

સંબંધમાં જ્યાં સુધી અલ્પવિરામથી ચાલતું હોય ત્યાં સુધી પૂર્ણવિરામ મૂકવું ન જોઇએ. હવે આ સંબંધમાં કંઇ જ રહ્યું નથી એવી ખાતરી થઇ જાય ત્યારે પૂર્ણવિરામ મૂકવામાં પણ મોડું કરવું ન જોઇએ. સુખ અને શાંતિ માટે કયા સંબંધને કેટલો વિરામ આપવાની જરૂર છે એની સમજ કેળવવી પડે છે.

અંતે.... 

જીવનમાં સંબંધો જ આપણા સૌથી મોટા ધન છે.

કેટલાક સંબંધો સમય સાથે ધૂંધળા પડી જાય છે,

કેટલાક ખીલેલા ફૂલોની જેમ સુગંધ ફેલાવતા રહે છે.

પરંતુ સંબંધોની કદર એમાં નથી કે આપણે કેટલાં લોકોને જાણીએ છીએ,

એમાં છે કે કેટલાં લોકો અપણે દિલથી જીવીએ છીએ.

સંબંધોમાં જ્યાં સુધી અલ્પવિરામથી ચાલતું હોય ત્યાં સુધી પૂર્ણવિરામ મૂકવું ન જોઇએ,

કારણ કે દરેક સંબંધમાં હજુ પણ કોઈ અધૂરું શબ્દ, કોઈ અનકહેલું વાક્ય બચેલું જ હોય છે.

અને જો કદી એવું લાગે કે હવે આ સંબંધમાં કંઇ જ રહ્યું નથી,

તો પણ પૂર્ણવિરામ મૂકતાં પહેલાં એક વાર દિલથી વિચારવું —કારણ કે સંબંધો તૂટતા નથી, ફક્ત સમય લે છે ફરી જીવવા માટે...



રાધે રાધે

 જય દ્વારકાધીશ