ભગવાને મારી સાથે આવું કેમ કર્યું ? ( પ્રેરણાત્મક વાર્તા)
ઘણીવાર આપણે ભગવાન ને ફરિયાદ કરીએ છીએ કે તમે ભગવાન મારી સાથે આવું કેમ કર્યું ? મને જ કેમ ના મળ્યું ? મારી સાથે જ કેમ આવું થયું ?
એક મહાન સંત મહારાજ જ્યારે પણ કથા નું આયોજન કરે એટલે દૂર દૂર થી લોકો સાંભળવા માટે આવે. કથા ના શબ્દો અને વર્ણન એટલું તાદ્રશ કે કથા સાંભળનારા લોકો અભિભૂત થઈ જતાં. કથાના અંતે મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ થતું. પ્રસાદ લેવાં માટે એક લાંબી લાઇન હોવાં છતાં કથા પ્રસાદ પામી ને આવનારાં લોકો ધન્યતાં અનુભવતાં જે એમના ચહેરા પરથી સ્પષ્ટ વર્તાઇ આવતું.
એક નાનો 5 વર્ષ નો દીકરો પોતાના ગામ માં આમ કથા નું આયોજન અને ત્યારબાદ થતી મહાઆરતી અને મહાપ્રસાદ જોઈ ને એને પણ પ્રસાદ લેવાં જવાનું મન થતું પરંતુ પ્રસાદ માટે ની લાંબી લાઇન જોઈને હતાશ થઈ જતો. એકવાર તો એણે નક્કી જ કરી લીધું કે હું પ્રસાદ લઈને જ રહીશ, ભલે ને લાંબી લાઇન હોય ! અને એ લાંબી લાઇન માં છેલ્લે ગોઠવાઈ ગયો. આજે આ લાંબી લાઇન માં ધીરજ ની પરીક્ષા પણ લેવાઈ ગઈ, કેમ કે લાઇન બહુ ધીમી ગતિ એ આગળ વધી રહી હતી. લાઇન માં અડધો કલાક, કલાક, દોઢ કલાક લગભગ પોણા 2 કલાક જેટલો સમય થઈ ગયો હતો અને હવે તેનો વારો આવવાની તૈયારી માં જ હતો, ચહેરા પર હર્ષ ની લાગણી છવાઈ ગઈ. એણે જોયું કે સંત મહારાજ દરેક ને એક સફરજન પ્રસાદરૂપે આપી રહ્યાં હતાં જે જોઈ ને એની હર્ષ ની લાગણી ચિંતા માં ફેરવાઇ ગઈ. મારી નાની હથેળીમાં મોટું સફરજન સમાય કેમ? પડી જશે તો ? પડી જાય તો નીચે પડેલો પ્રસાદ ના લેવાય અને જો ફરીવાર પ્રસાદ લેવો હોય તો અનુયાયીઓ એટલા શિષ્તઆગ્રહી હતાં કે ફરીવાર લાઇન માં લાગવાનુ કહેતાં. એટલે જેવો એનો વારો આવ્યો કે એણે બંને હાથ કસોકસ રાખી ને હથેળી ધરી. “ સફરજન ના પડી જાય તો સારું, સફરજન ના પડી જાય તો સારું” મન માં સતત રટણ ચાલી રહ્યું હતું. જેવુ સંત મહારાજે સફરજન હથેળી માં મૂક્યું કે સટાક કરતું સફરજન વજનના લીધે નીચે પડી ગયું. મન નિરાશ પણ એ હિમ્મત ના હાર્યો, ફરી લાઇન માં લાગી ગયો.
હવે લાઇનમાં બહુ લોકો નહોતાં. અડધો કલાક-પોણો કલાક બાદ જેવો એનો વારો આવવાની તૈયારી માં હતો કે એ દીકરાએ જોયું કે સંત મહારાજ એમની જગ્યા પર છે જ નહીં, જેવો એનો વારો આવ્યો કે સંતમહારાજ હવે આવી ગયાં હતાં અને દીકરાને જોઈ બોલી ઊઠ્યાં “ દીકરા તું આવી ગયો ? દીકરા તને પ્રસાદ માટે આટલી ધીરજથી લાઇન માં લાગેલો જોઈ ને હું તારા માટે ટોપલાંમાં સારા માં સારું સફરજન શોધી રહ્યો હતો, મને સારા માં સારું સફરજન મળ્યું જ નહીં એટલે દીકરા મેં અગાઉ પ્રસાદ માં આપેલું સફરજન જાતે જ નીચે પાડી દીધું હતું અને દીકરા તને આપવાં માટે હું જાતે આ ખેતરમાં તારા માટે શ્રમ કરી ને આ સફરજન શોધી લાવ્યો. દીકરા મને એ વાતની ખુશી છે કે તું ફરી થી આવ્યો, લે આ તારા માટે સારા માં સારું સફરજન” ને સંતમહારાજે એમની હથેળી માં રહેલું ઉત્તમ સફરજન એ 5 વર્ષ ના નાના દીકરાની હથેળી માં મૂકી દીધું.
તો કેટલીકવાર ભગવાન આપણને કયારેક કશું ના આપે તો એ આપણાં માટે સારા માં સારું સફરજન શોધવા નહીં ગયાં હોય ! બસ તમારે એ સારા માં સારું સફરજન લેવાં માટે પૂર્ણ શ્રધ્ધા, આશ્થા અને વિશ્વાશ સાથે ફરી પ્રયત્ન કરવો જરૂરી બને છે.
******************
એ એક દિવસ જયારે જોબ પરથી પાછી ફરી ને તો સોસાયટી ના દ્વારે નવાં જન્મેલાં ભોળાં ને નિર્દોષ ગલૂડિયા એને ઘેરી વળ્યાં. કઇંક જમવાનું મળશે એ આશા ભરી નજરો સાથે એની પાછળ પાછળ છેક ઘર સુધી આવી ગયાં. એ બારણું બંધ કરીને દોડતી રસોડામાં ગઈ. બધા જ ડબ્બા ખોલી જોયાં પણ આજે ગલૂડિયા ને આપી શકાય એવું કશું જ ના મળ્યું. મન ઉદાસ. પણ એણે હવે કઇંક નક્કી કરી લીધું.
બીજા દિવસે જોબ પરથી પાછાં ફરતી વખતે એણે બિસ્કિટ લઈ લીધાં. જેવા સોસાયટી ના દ્વારે ગલૂડિયા દેખાયાં કે ગલૂડિયાં ને બિસ્કિટ ધરી દીધાં. ગલૂડિયાં આભારવશ ની લાગણી સાથે બિસ્કિટ ખાવામાં વ્યસ્ત થઈ ગયાં અને ગલૂડિયાં ને બિસ્કિટ ખાતાં જોઈ મન માં એક આનંદ અને સંતોષ ની લાગણી સાથે એ હર્ષપૂર્વક બારણું ખોલીને ઘર માં આવી ગઈ.
હવે આ નિત્યક્રમ બની ગયો. એ જોબ પરથી પાછી ફરતી, ગલૂડિયાં રાહ જોતાં એ ગલૂડિયાં ને બિસ્કિટ આપતી, ગલૂડિયાં બિસ્કિટ ખાવામાં વ્યસ્ત થઈ જતાં અને એ દિલ માં ખુશીની લાગણી સાથે એ ઘરે આવી જતી.
એકવાર ઓફિસમાં મોડુ થઈ ગયું. ઘરે પાછાં ફરતી વખતે જે દુકાન થી બિસ્કિટ લઈ ને આવતી, એ દુકાન આજે બંધ થઈ ગઈ હતી. પણ ગલૂડિયાં આજે ય રાહ જોઈ ને સોસાયટી ના દ્વારે બેઠાં હતાં, જેવી એ આવી કે તરત ઉછળતાં કૂદતા રમતાં રમતાં એને ઘેરી વળ્યાં. આજેય બિસ્કિટ મળશે એ આશા ભરી નજરો સાથે એની પાછળ પાછળ છેક ઘર સુધી આવી ગયાં. આજે પર્સ માં બિસ્કિટ નહોતાં એટલે એને ભારોભાર દુખ થયું પણ જેવુ બારણું બંધ કર્યું કે દોડતી રસોડામાં આવી ને ડબ્બા ફંફોસી જોયા, એક પણ બિસ્કિટ ડબ્બા માં ના મળ્યાં એ નિરાશ થઈ ગઈ. અચાનક એને યાદ આવ્યું કે સવારે એણે ઘી અને દૂધ માં સોજી નો શીરો બનાવ્યો હતો, જે જોબ પર જતાં પહેલાં એણે ફ્રીજ માં મૂક્યો હતો. એણે ફીજ ખોલી ને શીરો કાઢ્યો. ખૂબ જ ઠંડો હતો, આવો ઠંડો શીરો થોડો ગલૂડિયાં ને અપાય ? એણે ફટાફટ ગેસ ચાલુ કર્યો, એક તપેલી માં શિરા ને થોડો ગરમ કર્યો પછી એક ડિશ માં થોડો નવશેકો અને ખાઈ શકાય તેવો ઠંડો કરી ને ચમચી વડે ડિશમાં હલાવતાં હલાવતાં ફૂંક મારતી મારતી એ બહાર આવી.
શિરા ને ગરમ કરતાં થોડીવાર થઈ એટલે બધાં ગલૂડિયાં જતાં રહ્યાં હતાં, એણે આગળ જઈ ને ગલૂડિયાં ને બોલાવી પણ જોયાં છતાં એકપણ ગલૂડિયું આવ્યું નહીં એટલે નિરાશા સાથે જેવી ઘર માં પાછી ફરી રહી હતી કે એણે જોયું કે એક ગલૂડિયું બારણાં પાછળ બેઠું હતું, બંને કાન ઊંચા કરી આશાભરી નજરો સાથે પોતાનું મોં આમ ઊંચું કરી ને પૂંછડી પટ પટાવતું શિરાને જોઈ રહેલું. એટલે હવે આ બધો જ શીરો આ ગલૂડિયાં ને મળ્યો.
ક્યારેક ભગવાન થી કઇંક આપવામાં મોડુ થાય તો શું તમારા માં ધીરજ અને વિશ્વાશ છે આ ગલૂડિયા જેટલો ? જો હોય ને તો એ દિવસે બિસ્કિટ નહીં પણ ઘી ને દૂધમાં બનાવેલો શીરો મળશે.
******************
જૂન મહિનો વીતી ગયો, જુલાઇ મહિનો વીતી ગયો પણ વરસાદ ના આવ્યો, એટલે આજુ બાજુ 4 ગામનાં લોકો ને મન માં ડર લાગ્યો કે વરસાદ નહીં આવે કે શું ? એટલે 4 ગામનાં લોકો એ એક નદીકિનારે આવેલા મહાદેવજી ના મંદિરે વરસાદ માટેની પૂજા કરવાનું નક્કી કર્યું. પૂજા ના દિવસે પૂજા સામગ્રી આવી ગઈ હતી, બ્રાહ્મણો મંત્રોચાર સાથે પૂજા કરવાની તૈયારી માં જ હતાં કે ગામનાં લોકો એ જોયું કે એક નાની 4 વર્ષની દીકરી પણ પૂજા માં ભાગ લેવા પોતાના પિતાની આંગળી પકડીને આવી રહી હતી અને બીજા હાથ માં તેનાથી ઊંચકાતી નહોતી તોય છત્રી ને ઢસડાતી લઈ ને આવી રહી હતી કેમ કે આ નાની દીકરી ના પિતા એ કહ્યું હતું કે આ વરસાદ આવે એની પૂજા છે અને આ પૂજા કરીશું એટલે વરસાદ આવશે. એટલે આ દીકરી છત્રી લઈ ને આવી હતી.
ગામવાળા બધાં લોકો ને એમની ભૂલ સમજાઈ, બધાં ઘરે પાછાં ગયાં અને છત્રી સાથે પાછાં આવ્યાં. પછી પૂજા કરવામાં આવી અને ધોધમાર વરસાદ આવ્યો.
હવે તમને એમ કે એમાં શું ? છત્રી લીધાં વગર પૂજા કરી હોત તો વરસાદ ના લીધે ગામ વાળા લોકો પલડી જાત એમાં શું ?
હા, પણ કેટલીક વાર જો મન માં શ્રધ્ધા ના હોય ને તો વરસાદ ના પણ આવે. એટલે વરસાદ માટેની પૂજા હોય તો હાથ માં છત્રી હોવી જરૂરી છે.
શું ભગવાનને પૂજા કરતી વખતે તમારામાં આ નાની દીકરી જેટલી જ ભગવાન માં શ્રધ્ધા, આસ્થા અને વિશ્વાશ હોય છે ?
“નીલ”
ડો.નિલેષ ઠાકોર
પ્રોફેસર, જીએમઇઆરએસ મેડિકલ કોલેજ
ગાંધીનગર