Tolerance-Barometer of Self-Development in Gujarati Philosophy by Acharya Ashvin Patel books and stories PDF | સ્વ-વિકાસનું બેરોમીટર: સહનશક્તિ

Featured Books
Categories
Share

સ્વ-વિકાસનું બેરોમીટર: સહનશક્તિ

એક વક્તાએ પોતાના જાહેર વક્તવ્ય દરમ્યાન કહ્યું,”સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ હોય છે.”શ્રોતાગણમાંથી તાળીઓનો વરસાદ થયો.લોકોએ અને ખાસ કરીને મહિલાઓએ આ વાતને ખુબ વધાવી લીધી.એક ટીખળી પુરુષે ઉભા થઈને વક્તાને પ્રશ્ન કર્યો,”સ્ત્રી એ શક્તિ છે તો અમે પુરુષો કોણ છે?”વક્તા ખૂબ મેઘાવી હતાં.તેમણે તરત જ વળતો ઉત્તર આપ્યો,”સ્ત્રી એ શક્તિ સ્વરૂપ છે અને પુરુષો સહનશક્તિના પ્રતિક છે.”કદાચ એ પુરુષ વક્તાએ સ્વાનુભવથી પણ ઉત્તર આપ્યો હોય એમ બને.રમૂજમાં કહેવાયેલી આ વાતનો સાર એટલો જ કે સંસારસાગરમાં અને દામ્પત્યજીવનમાં ‘શક્તિ’ જેટલું જ મહત્વ ‘સહનશક્તિ’નું છે.કમનસીબે ટેકનોલોજીના વિકાસ અને વિજ્ઞાનની હરણફાળ છતાં જનસામાન્યમાં સહનશક્તિનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય છે.તંદુરસ્ત માનવસંબંધો માટે આ બાબત ચિંતાજનક છે.નાની-નાની વાતોને મોટું સ્વરૂપ આપી દેવામાં આપણે આપણી બુદ્ધિ(???)નું પ્રદર્શન કરીએ છીએ.સ્વમાનનો અંચળો ઓઢીને વાસ્તવમાં તો આપણે આપણા અભિમાનને જ પોષતા હોઈએ છીએ.ખુમારી અને અહંકાર વચ્ચે ખૂબ જ પાતળી(લગભગ અદશ્ય) એવી ભેદરેખા હોય છે.વિશ્વના મહાન વિજ્ઞાની અને જેમનો બુદ્ધિ-આંક પૃથ્વી પર જન્મેલા આજ સુધીના તમામ વ્યક્તિઓમાં સૌથી ઉંચો મનાય છે એવા આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતું,”બદલાતાં સંજોગો સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા એ વ્યક્તિની બુદ્ધિમતાનું માપ છે.”આ માપદંડને જો આધાર તરીકે રાખીએ તો આપણામાંના ઘણાનો બુદ્ધિ-આંકનો સ્કોર આપણને શરમમાં મૂકી દે તેવો આવે.

        સહનશક્તિનો અર્થ તમામ બાબતો સામે ઝૂકી પડવું એવો નથી,અન્યાયને મૂંગે મોઢે સહન કરવું એમ પણ નથી,કાયરતા પણ નથી,પ્રતિકારશક્તિનો અભાવ પણ નથી.અહી એક વિચારકની ખૂબ જ સુંદર વાત યાદ કરવા જેવી છે,”વિશ્વની દરેક વ્યક્તિએ જીવનમાં ક્યારેક ને ક્યારેક નાના-મોટાં સંઘર્ષો કે કપરા કાળમાંથી પસાર થવું જ પડતું હોય છે.આ સંઘર્ષો સામે ઝૂકી પડે એ શુદ્ર,સંઘર્ષોમાં પોતાના ફાયદાની બાબત શોધીને સસ્તાં સમાધાનો કરે એ વૈશ્ય,સંઘર્ષોનો બહાદુરીથી પ્રતિકાર કરે એ ક્ષત્રિય અને સંઘર્ષોને સંવાદિતા અને સુમેળભર્યા વાતાવરણમાં પલટાવી દે એ બ્રાહ્મણ.”ભારતીય જૂની પ્રાચીન વર્ણવ્યવસ્થાનું સુંદર અર્થઘટન આ સંઘર્ષના સંદર્ભમાં વિચારવા જેવું છે.વર્તમાન યુગ એ સગવડ અને સુવિધાઓનો યુગ છે.વિજ્ઞાન નામનો જાદુઈ જીન,મનુષ્યની સેવામાં ખડે પગે ઉભો છે.આજથી સો વર્ષ પહેલાં માનવીએ સેવેલા તમામ સ્વપ્નો આજે લગભગ સાકારિત થઇ ગયા છે.આકાશમાં ઊંચી ઉડાન ભરવાથી માંડીને દૂરદૂરના સ્નેહીજનો સાથેનો સંવાદ હોય કે પછી રોગમુક્ત દીર્ઘાયુ જીવનની પરિકલ્પના હોય,માનવીની મોટાભાગની તમામ ઇચ્છોની પૂર્તિ થઇ રહી છે.અલબત્ત,ઇચ્છોનો પ્રદેશ તો અનંત સુધી વિસ્તરેલો છે અને સ્વપ્નલોકમાં નવા નવા પ્રકારના સ્વપ્નોના બીજના ફણગા ફૂટતાં જ રહે છે અને તેને ‘સરખામણી’ નામના ખાતર-પાણી મળતાં સ્વપ્નપ્રદેશનો વ્યાપ વધતો જ રહે છે.આવા સંજોગોમાં પોતાની જાતને ક્યાં સુધી સીમિત રાખવી એ અગાઉથી નક્કી કરી દેવું એ શાંતિની દિશામાં ભરેલું પ્રથમ પગથિયું છે.

        અંત વગરની આંધળી દોટમાં ક્યાં પહોંચવું એની જ ખબર નથી એવા માણસો આજે બહુમતીમાં છે.’સ્વ’ની ઓળખ વિના જીવતો આધુનિક માનવ,બીજાને પારખવાની અનધિકૃત ચેષ્ટા કરે ત્યારે અનિષ્ટોનું સર્જન થાય છે.પોતાના વિશેની તથા અન્યો વિશેની ધારણાઓ અને ભ્રામક માન્યતાઓના જગતમાં જીવતાં માનવીને,વાસ્તવિકતાઓનો ખ્યાલ આવતો જ નથી.પોતાના અહંકારને સતત પંપાળ્યા કરતાં માણસથી એક નાનકડી ટકોર પણ સહન નથી થતી.નાના હતાં ત્યારે ક્યાંક વાંચવામાં આવેલું,”ખાવા જેવી કોઈ ચીજ હોય તો તે ગમ છે.”આટલાં મોટાં થયા પછી પણ આ નાનકડાં વાક્યનો મર્મ પામવામાં આપણો પનો ટૂંકો પડે છે.આજના બાળકો અને યુવાનોને તો ‘ગમ ખાઈ જવું’ આ રૂઢિપ્રયોગનો જાણે અર્થ જ નથી ખબર.માણસને ગમ ખાતા આવડે તો ચોક્કસ મનની શાંતિ બમણી થઇ જાય પરંતુ અહી તો બાળક પોતાના માતા-પિતાના બે કડવાં વેણ કે ઠપકો સાંભળી નથી શકતો.’સહનશક્તિ’ નામના રામરાજ્યની સીમા પૂર્ણ થાય ત્યાંથી ‘સંઘર્ષ’ નામના રાવણરાજયની હદ શરૂ થતી હોય છે.ખોટા આદર્શોને ચીતરતી સમાજવ્યવસ્થાને કારણે આજના યુવાનો દિશાહીન બન્યા છે અથવા તો ખોટી દિશામાં ગતિશીલ બન્યા છે.કહેવાયું છે કે જ્યાં સત્યએ મૌન ધારણ કરવું પડે છે ત્યાં અસત્યનો શોરબકોર વધારે હોય એ સ્વાભાવિક છે.આજના માણસની સાંભળવાની શક્તિ તો કાર્યક્ષમ છે પરંતુ સાંભળી લેવાની શક્તિ દિવસે ને દિવસે ઘટતી જાય છે.સારૂં છે કે ઈશ્વર અદશ્ય રહીને સૃષ્ટિનું સંચાલન કરે છે,બાકી જો ઈશ્વર આપણી વચ્ચે પ્રગટ થાય તો ચોક્કસ આપણે એની સાથે પણ સ્પર્ધા કરીએ અને ઈશ્વરને પણ પોતાના શ્રેષ્ઠ સર્જન ‘માણસ’ માટે પસ્તાવો થાય એવું વર્તન કરી બતાવીએ...!!!

        ઉત્ક્રાંતિવાદમાં  કહેવાયુ છે કે આદિમાનવથી માંડીને આધુનિક માનવ (હોમો સેપીયન્સ) સુધી માનવીના મગજનું કદ સતત વધતું રહ્યું છે,પરંતુ કમનસીબી એ છે કે આજે વિચાર્યા વગર અને ખાસ તો ‘વાણી’ની દુરોગામી અસર વિશે વિચાર્યા વગર ત્વરિત પ્રત્યુત્તર આપવાની અને પ્રતિકાર કરવાની આપણને આદત પડી ગઈ છે.સત્યને આપણી માન્યતાઓના વાઘા પહેરાવીને રજૂ કરવાના આપણા વામણા પ્રયાસો આપણને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકતાં હોવા છતાં આપણે તો શાહમૃગની જેમ ઉંધુ ઘાલીને ‘સબ સલામત’નાં બણગાં ફૂંકતાં હોય છે.આપણે અવારનવાર છાપાઓમાં એવા અનેક સમાચારો વાંચીએ છીએ કે અભ્યાસ બાબતે માતા-પિતાએ ઠપકો આપતાં પુત્ર કે પુત્રીએ ઘર છોડી દીધું કે પછી બાળકની જીદ પૂરી ન થતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો અથવા પ્રેમ-પ્રકરણમાં નિષ્ફળતા મળતાં યુવાન કે યુવતીએ મોતને વ્હાલું કર્યું કે પછી નજીવી બાબતમાં તકરાર થતાં યુવાનો લોહીલુહાણ બન્યા અને આવા તો અનેકાનેક કિસ્સાઓ આપણને સાંભળવા મળે છે.પોલીસ રેકર્ડ પર નોંધાતા મારા-મારી કે હત્યા અને આત્મહત્યાના કેસો કરતા વાસ્તવિક કેસોની સંખ્યા અનેકગણી વધારે હોઈ શકે.આપણને વિચાર એ આવે છે કે અલ્પ જરૂરિયાતો સાથે શાંતિપૂર્ણ જિંદગી જીવી શકતો અને મર્યાદિત કાળ માટે આ પૃથ્વીની મુલાકાતે આવેલો માણસ શા માટે જીવનની અલ્પતાને સમજી શકતો નથી.બ્રહમાંડની અનંતતા અને સૃષ્ટિની વિશાળતા સામે,આપણે અતિ વામન છીએ.ઈશ્વરની શોધ માટે મથતો માનવી પોતાના મનના અગાધ રહસ્યોને પણ પૂરા પામી શક્યો નથી.

        ચિંતનની આ ક્ષણે સૃષ્ટિના સર્જક,પાલક અને સંહારકના બદલે નવસર્જક કહેવું વધારે યોગ્ય રહેશે એવા ‘ઈશ્વર’ નામધારી અનંત શક્તિને પ્રાર્થીએ કે અમ પામર મનુષ્યોને બીજું કંઈ ન આપો તો ચાલશે પરંતુ સમજણશક્તિ અને સહનશક્તિ આપે,બીજાઓના ગુણદોષ જોવાને બદલે કે મૂલ્યાંકન કરવાને બદલે પોતાની ખૂબી-ખામીઓને નિહાળવાની,પારખવાની શક્તિ જરુર આપે,ટેલિસ્કોપની ક્ષમતા વધારી-વધારીને અનંત બ્રહ્માંડમાં રહેલી જીવસૃષ્ટિ શોધવાને બદલે કે સૂક્ષ્મદર્શકયંત્રમાં સૂક્ષ્માતિસૂક્ષમ સજીવોનો અભ્યાસ કરવાને બદલે આંતરદર્શક યંત્રની મદદથી આંતરદર્શન કરવાની શક્તિ આપે,જેથી કરીને શાંતિ માટે બહાર ફાંફા મારતો માનવી,‘સ્વ’ માં સમાઈને શાંતિ પ્રાપ્ત કરી શકે.