ડો. પ્રણવ વૈદ્ય દ્વારા ખૂબ માહિતીપૂર્ણ લેખ, મારું સંકલન. જરાય એડિટ વગર
આવો, શીશી સૂંઘીએ !
આજે વિશ્વ એનેસ્થેસિયા દિવસ છે, એનેસ્થેસિયા અંગે આટલું તો જાણીએ:સર્જીકલ ઑપરેશન્સ તો અનેક પ્રકારનાં હોય છે અને એ વિજ્ઞાન સતત આગળ વધતું રહ્યું છે, એમાં સ્પેશ્યલાઈઝેશન પણ વધતું ગયું છે અને કલ્પી ન શકાય એવી સર્જરીઓ કરવામાં આવતી હોય છે, અરે, આખે આખાં અંગો પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતાં હોય છે, જેમ કે કિડની, હાર્ટ, લીવર, લંગ્ઝ વગેરે. આ સર્જરીઓ સારી રીતે, સંતોષકારક રીતે અને દર્દીને જરા પણ તકલીફ ન પડે એ રીતે થઈ શકે એ માટેની કરોડરજ્જુ છે એનેસ્થેસિયા. જો એનેસ્થેસિયા ન હોય તો સર્જરી શકય જ ન બને.આજે અહીં આ લેખ દ્વારા ખૂબ જ સરળ રીતે અને અત્યંત સંક્ષિપ્તમાં એનેસ્થેસિયા અને એના પ્રકારો વિષે થોડું સમજાવવાની નેમ છે. એસ્થેસિયા એટલે શરીરની સંવેદના અનુભવવાની ક્ષમતા અને તેથી એનેસ્થેસિયા એટલે એ ક્ષમતાને અટકાવી દેવાની પ્રક્રિયા. એનેસ્થેસિયા આપનાર એક ખાસ અલગ જ ડોકટર હોય છે, સામાન્ય લોકભાષામાં આ એનેસ્થેટીસ્ટને 'શીશી સુંઘાડવાવાળા ડોકટર' કહે છે !એકદમ સામાન્ય ભાષામાં વાત કરીએ તો એનેસ્થેસિયાને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય.૧. લોકલ એનેસ્થેસિયા૨. સ્પાઈનલ એનેસ્થેસિયા3. જનરલ એનેસ્થેસિયાઆ ત્રણે પ્રકારો વિષે સરળતાથી અને સંક્ષેપમાં જોઈએ.૧. લોકલ એનેસ્થેસિયા:કોઈ એક નાના ભાગને જ બધિર બનાવી દેવાની પ્રક્રિયાને લોકલ એનેસ્થેસિયા કહે છે. માનો કે આંગળી પર કોઈ સર્જરી કરવાની છે તો આંગળીના મૂળમાં ફરતાં ઈન્જેક્શનો આપવામાં આવે છે જેથી આંગળી બધિર થઈ જાય છે. આ માટે સામાન્ય રીતે લીગ્નોકેઈન નામની દવા વપરાય છે જેનો એવો ગુણ છે કે અમુક સમય માટે તે નર્વઝ (જ્ઞાનતંતુઓ) ને બધિર કરી નાખે છે જેથી દર્દની અનુભૂતિ મગજ સુધી પહોંચતી નથી. આ ઉપરાંત કોઈ નાની ગાંઠ કાઢવાની કે સ્ટિચ લેવાના હોય ત્યારે તેની ફરતાં ઇંજેક્શનો આપીને તે નાના ભાગને બધિર કરી દેવામાં આવે છે. લીગ્નોકેઈન જેવી દવાઓનો ઉપયોગ હરસ કે ફિશરના દુઃખાવાને ઓછો કરવા માટે વપરાતાં ક્રીમમાં પણ થાય છે અને મોઢામાં પડેલાં ચાંદાંનો દુઃખાવો ઘટાડવા પણ એનો ઉપયોગ થાય છે, આ ઉપરાંત એસિડિટીની બળતરા ઘટાડવા માટે જે એન્ટાસિડ પ્રવાહીઓ આવે છે એમાં પણ થાય છે. આ લોકલ એનેસ્થેસિયા એક આખાં અંગ કે એક વિસ્તારને બધિર કરવા માટે પણ વપરાય છે જેને નર્વ બ્લોક કહે છે. હાથ, પગ કે ગુપ્ત ભાગોની સર્જરી માટે ક્યારેક ત્યાં જતી નર્વનાં મૂળમાં આ લોકલ એનેસ્થેસિયાનું ઈન્જેક્શન અપાય છે જેથી આખું અંગ કે વિસ્તાર બધિર થઈ જાય છે.દાંતને લગતી સર્જરીમાં પણ તેનો ઉપયોગ થાય છે.૨. સ્પાઈનલ એનેસ્થેસિયા:આ એક એવો પ્રકાર છે કે જે શરીરના નાભિથી નીચેના ભાગ પરની સર્જરીમાં ઈસ્તેમાલ થાય છે. આપણી કરોડના જે છેવાડાના (નીચેના) મણકા હોય છે તેમાં બે મણકાની વચ્ચેથી એક લાંબી સોય દ્વારા ઈન્જેક્શન (લીગ્નોકેઈન જેવું) આપવામાં આવે છે જે જે-તે ભાગની નર્વઝ કરોડરજ્જુમાંથી નીકળતી હોય એને તેમનાં મૂળમાંથી જ બધિર કરી નાખે છે. જે રીતે આપણે કોઈ સ્વીચબોર્ડમાં સ્વીચો બંધ કરીએ અને આખા રૂમમાં લાઈટો બંધ થઈ જાય તે રીતે. એનાથી નાભિ નીચેનો ભાગ એકદમ પેરેલાઈઝડ થઈ જાય છે અને નાભિની થોડી ઉપર પણ તેની અસર આવે છે. લગભગ બે-અઢી કલાક અસર રહે છે. આ એનેસ્થેસિયા દરમ્યાન દર્દી જાગતો રહે છે પણ એને કશું જ અનુભૂતિ થતી નથી.હા, ક્યારેક એને હળવું ઘેન આપીને સૂવડાવી દેવામાં આવતો હોય છે. સ્પાઈનલ એનેસ્થેસિયામાં પેટની અને કમરથી નીચેની ઘણીખરી સર્જરીઝ થઈ જાય છે, જેવી કે એપેન્ડીકસ, કિડનીની પથરી, ગર્ભાશય કાઢી નાખવું, સિઝેરિયન, હર્નીયા, પાઈલ્સ, પ્રોસ્ટેટ, ઓર્થોપેડીક ઑપરેશનો અને આવી બીજી અનેક. સ્પાઈનલ એનેસ્થેસિયા એક સરળ અને અતિ ઉપયોગી પદ્ધતિ છે. જરા વિચારો, કે માત્ર એક ઇંજેક્શન અને બે કલાક સુધી એ ભાગોમાં ગમે તે કરો !૩. જનરલ એનેસ્થેસિયા:આ એક એવી પદ્ધતિ છે કે જેમાં દર્દીને સંપૂર્ણપણે બેહોશ કરી દેવામાં આવતો હોય છે. જનરલ એનેસ્થેસિયાને ટૂંકમાં GA પણ કહે છે. આના પણ પેટા બે પ્રકાર પાડી શકાય, શોર્ટ GA અને લોંગ GA.* શોર્ટ GA: આમાં દર્દી થોડી મિનિટો માટે બેહોશ થઈ જાય એવું ઇંજેક્શન આપવામાં આવે છે. મોટાં ગૂમડાં (એબ્સેસ) માં ચેકો મૂકીને રસી કાઢવા માટે આ શોર્ટ GA નો ખાસ ઉપયોગ થાય છે. કેટલીક નાની ઓર્થોપેડીક પ્રોસીજર્સમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ દરમ્યાન જે મિનિટો મળે છે તેમાં સર્જન પોતાનું કામ પૂરું કરી લે છે. આ માટે કેટમિન જેવાં ઈન્જેક્શનો પણ આવે છે જે સાચા અર્થમાં એનેસ્થેટિક નથી પણ તેઓ વ્યક્તિને એક વિચિત્ર તંદ્રામાં એ રાખે છે અને દર્દની અનુભૂતિ નથી થવા દેતાં .*લોંગ GA: આ એક અતિ ઉપયોગી અને થોડી જટીલ પદ્ધતિ છે. નાભિથી ઉપરનાં અને બીજાં તમામ ઓપરેશનોમાં આનો ઉપયોગ થાય છે. બીજું કે નાનાં બાળકની સ્પાઈન અવિકસિત હોવાથી એને સ્પાઈનલ એનેસ્થેસિયા નથી આપી શકાતું, બાળકની કોઈપણ સર્જરીમાં GA જ આપવું પડે છે. આ ઉપરાંત કોઈ કારણથી સ્પાઈનલ એનેસ્થેસિયા ન આપી શકાય તેમ હોય ત્યાં પણ GA આપવામાં આવે છે.લોંગ GA આપવા માટે દર્દીને સામાન્ય રીતે પહેલાં ઘેનનું ઇંજેક્શન આપવામાં આવે છે અને સ્નાયુઓને એકદમ શિથિલ કરી દેનારું ઇંજેક્શન આપવામાં આવે છે અને એની અસર નીચે એનેસ્થેટિસ્ટ લેરિંગોસ્કોપ નામનું એક યંત્ર મોઢાંમાં દાખલ કરીને શ્વાસનળીમાં એક ટ્યુબ નાખી દે છે અને પછી તેની સાથે બેહોશ કરનાર વાયુ કે ઉડ્ડયનશીલ પ્રવાહી દવા તથા ઓક્સિજનનું મિશ્રણ જઈ શકે તેવી ટ્યુબ્ઝ જોડી દે છે. દર્દી શ્વાસ લેતો હોય છે એની સાથે આ વાયુઓ શરીરમાં જઈ, મગજ પર અસર કરીને એને બેહોશ રાખે છે. જો મોઢાં કે ગળાની અંદર સર્જરી કરવાની હોય તો આ ટ્યુબ નાકમાંથી પસાર કરવામાં આવે છે. સામાન્ય રીતે આ માટે બોઈલ્સ ટ્રોલી જેવું યુનિટ વપરાય છે જે એક ટ્રોલી હોય છે અને એમાં અલગ અલગ જાતની એનેસ્થેસિયાને લગતી ઉડ્ડયનશીલ પ્રવાહી દવાઓ તથા બેહોશ રાખી શકે એવા વાયુઓ તથા ઓકસીજનનાં સિલિન્ડર્સ લાગેલાં હોય છે. જેમાંથી ઉચિત મિશ્રણ દર્દીના શ્વાસમાં સતત જતું રહે છે અને જ્યાં સુધી આવશ્યક હોય ત્યાં સુધી દર્દી બિલકુલ બેહોશ રહે છે. ઘણા લાંબા સમય સુધી ઓપરેશન કરી શકાય છે. ઓપરેશન પૂરું થાય એટલે આ બધું કાઢી લેવામાં આવે છે અને દર્દી ભાનમાં આવી જાય છે. આ પદ્ધતિથી કલાકો લાંબી ચાલતી સર્જરીઝ થઈ શકે છે. કેટલીક નિદાનને લગતી બાબતોમાં પણ GA નો ઉપયોગ થાય છે જેમ કે કેટલીક એન્ડૉસ્કોપીઝ.કાળક્રમે એનેસ્થેસિયા માટે વધુને વધુ આધુનિક અને સલામત દવાઓ આવતી ગઈ છે. અહીં એક વસ્તુ ઉલ્લેખનીય છે જે ખરેખર તો એનેસ્થેસિયા નથી પણ એને મદદકર્તા છે અને એ છે મસલ રિલેક્સન્ટ. આ એવાં ઇંજેક્શનો હોય છે કે જે આપવાથી સ્નાયુઓનો પેરાલિસિસ થઈ જાય છે, હ્રદયના સ્નાયુને બાદ કરતાં. આનો ફાયદો એ છે કે પેટ એકદમ શિથિલ થઈ જાય છે અને તેથી સર્જનને ઓપરેટ કરવામાં સરળતા રહે છે. બીજું કે એ આપવાથી એનેસ્થેસિયાની દવાનો ડોઝ ઘટાડી શકાય છે અને રીસ્ક પણ ઘટે છે. ઓપરેશન પૂરું થાય એટલે એવું ઇંજેક્શન આપવામાં આવે છે કે પેલાં મસલ રિલેક્સન્ટની અસર નાબૂદ થઈ જાય.આ સંપૂર્ણ પ્રક્રિયા વખતે દર્દીનું પોતાનું શ્વસન બંધ થઈ જાય છે એટલે એનેસ્થેટીસ્ટ એનેસ્થેસિયાના વાયુઓ લઈ જતી ટ્યુબો વચ્ચે લગાડેલી એક ફુગ્ગા જેવી ડીવાઈસથી પોતે દર્દીના શ્વાસોચ્છવાસની ઉપર કંટ્રોલ રાખે છે. શક્ય એટલું સરળ રીતે અને ટૂંકમાં આ બધું જણાવવા અહીં પ્રયત્ન કર્યો છે, હજી ઘણું વધુ લખી શકાય પણ આ પૂરતું છે. આપણા કોઈ સગા-સંબંધી કે આપણે ખુદ કોઈ ઓપરેશન માટે જઈએ તો દર્દ રહિત સર્જરી કઈ રીતે થાય છે એની પાછળનું વિજ્ઞાન આપણે જાણતા હોઈએ એ ઈચ્છનીય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે એનેસ્થેટીસ્ટ થવા માટે એમબીબીએસ પછી ત્રણ વર્ષનો કોર્સ હોય છે. બીજું કે મેડિકલની અન્ય શાખાઓની જેમ આમાં પણ સ્પેશ્યલાઈઝેશન હોય છે, જેમ કે હાર્ટને લગતી સર્જરીઝ કે ન્યુરોસર્જરી માટેના એનેસ્થેટીસ્ટ સ્પેશ્યલ હોય છે. બહુ મોટી સર્જરી હોય ત્યાં એનેસ્થેટીસ્ટ્સની મોટી ટીમ પણ કાર્ય કરતી હોય છે. એનેસ્થેસિયા એક ચેલેંજીંગ કાર્ય છે, ખાસ કરીને એક્સિડન્ટમાં ઘવાયેલા લોકોને બેહોશ કરવામાં તથા ગંભીર રીતે બીમાર લોકોમાં આ અંગે ઘણાં જોખમો રહેલાં હોય છે. કોઈ પણ એનેસ્થેસિયા આપવાનો હોય ત્યારે એનેસ્થેટીસ્ટ એ દર્દીની પૂરી તબીબી તપાસ કરે છે જેથી ખ્યાલ આવે કે એને એ આપી શકાશે કે નહીં અથવા તો કઈ રીતે આપી શકાશે અને કઈ દવા આપવી સલામત રહેશે. જ્યારે ઓપરેશન ચાલતું હોય એનેસ્થેટીસ્ટ સતત જાગૃત રહી અને સતર્કતાપૂર્વક દર્દીની સ્થિતિનું ધ્યાન રાખે છે. એ અનિવાર્ય છે કે સર્જન અને એનેસ્થેટીસ્ટ બન્ને વચ્ચે પૂર્ણ તાલમેલ હોય અને એકબીજાની કાર્યપદ્ધતિ તેઓ જાણતા હોય. એનેસ્થેસિયા ક્યારેક જોખમી પણ પૂરવાર થાય છે, એમાં મૃત્યુ થવાની સંભાવના પણ રહેલી છે પરંતુ વર્તમાન સમયમાં તમે રીક્ષામાં બેસો અને હોય એટલી જ. મેં સ્વતંત્ર એનેસ્થેટીસ્ટ તરીકે ઘણાં વર્ષો કામ કર્યું છે અને અનેક સ્પાઈનલ તથા GA આપ્યાં છે અને તેથી આ અંગે માહિતીપ્રદ સરળ લેખ લખવાની ઘણા સમયથી ઈચ્છા હતી જે આજે પૂર્ણ થઈ છે તેનો આનંદ છે અને આશા છે કે આ લેખ ઉપયોગી પૂરવાર થશે.આ એટલું જ કહેવાનું કે;યે મેરા લેખપત્ર પઢકર તુમ બેભાન ના હોના.....
- ડૉ પ્રણવ વૈદ્ય નો લેખ સાભાર.