સંવેદનાની એ અટારીએથી ...
મૃત્યુનો સ્વિકાર સહજ થઈ ગયો છે કે સંવેદનાને કાટ લાગ્યો છે કારણ ગમે તે હોય પણ સમાજમાં સ્વજનની મૃત્યુની , તેની પોતાનાં જીવનમાંથી "કાયમી વિદાયની" સંવેદના હૃદયને જોઈએ એટલી સ્પર્શતી નથી. કે એટલી અનુકંપા જન્મતી નથી. ઘણીવાર પોતિકુ કોઈ જન જ્યાં સુધી સાથે રહે છે ત્યાં સુધી તેના "કાયમી ન હોવાની "સ્થિતિનો "ક્યારેય ફરી ન જોઈ શકવાની", જીવનમાં કદી તેમની સાથે ફરી વાત નહીં કરી શકીએ તેવી સ્થિતિને કલ્પવી, અંદાજો હોવો કે ક્ષણની ક્ષણભંગુરતા ની અનુભૂતિ ક્યારેય હોતી જ નથી. માણસ આપણા જીવનમાં કેટલીક "ખાલી જગ્યા" છોડીને ગયો, આપણા જીવનના કયા ઓરડામાંથી સામાન પેક કરી ,ખાલી ઓરડો છોડીને ગયો, જ્યાં રહી જશે માત્ર તેમના ભણકારા, સુનકાર, જે એકલતા, હૂંફવિહીન જીવનને હોરાતુ મૂકી દેશે, તેનો અંદાજો જ્યાં સુધી વ્યક્તિ આપણાં ખભા પર હૂંફરૂપી અદ્રશ્ય હાથ મૂકીને જીવતી હોય ત્યાં સુધી આવતો નથી. તે "હવે નથી"તે જીરવવુ ને અંદરો અંદર પચાવવું, સ્વીકારવું કપરુ તો છે,પણ માણસ એ સંવેદનાને દંભના, મેનર્સના ઓઢા હેઠળ વ્યક્ત કરતો ઓછો થયો છે એ બાબત વધારે માનસિક રીતે ભારરૂપ બને એવી છે. હાં ! હું પોતિકાજનની અચાનક જીવનમાંથી થયેલ વિદાયથી એકલતા અનુભવુ છું. ખાલીપો અનુભવુ છું .પીડાની ક્ષણોમાં તપુ છું. તેમના "ન હોવાપણાને "પચાવવામાં તકલીફ થઈ રહી છે, તે લાગણીને ખૂલીને વ્યક્ત કરતા હવે થોડો ખચકાતો થયો છે. હું રડીશ તો કેવું લાગશે. હું પોક મૂકીને આંસુ વહાવીશ તો બધા શું વિચારશે, એ વિચારે તે પોતીકાં વ્યક્તિની વિદાયને આંસુ રૂપી અંજલી આપી લાગણીને વહેતી પણ કરી શકતો નથી. એનાથી તે અંદરો અંદર ડુમાય છે. અંદરો અંદર હોરાય છે. અંદરો અંદર ભાર અનુભવે છે. ગમે તેટલું ઝગડ્યા હોઈએ, ગમે તેટલું અંદરથી પોતાના વ્યક્તિ માટે ગુસ્સો હોય પણ તેની વિદાય તમારા જીવનમાં તેની હયાતી કેટલી મહત્વની હતી? લાગણીના વટવૃક્ષ જેવી અને હૂંફના છાંયડા જેવી હતી તેની અનુભૂતિ કરાવી જાય છે. જ્યારે જીવનના તડકે આપણી જાતને થોડા લાગણીના છાંયડાની જરૂર હશે ને ત્યારે સૌથી વધુ સોસવાવાપણુ વ્યક્તિની હયાતીમાં સંભારણાની ક્ષણોને પૂરેપૂરું ન જીવી શક્યા તેનું જ થશે. માટે રીત એવી પોતાની વ્યક્તિ અચાનક તમારા જીવનમાંથી એક્ઝિટ થઈ જાય તે પહેલા પોતાના જન સાથે, આત્મીયજન સાથે જીવંત ક્ષણોને માણી લેજો. મોબાઈલને સાઈડ પર મૂકી હૂંફની ક્લિક હૃદયમાં ભરી લેજો. સ્ટેટસમાં મૂકવાના ફોટા ભેગા કરવાની જગ્યાએ, તેમની હયાતીના ફોટા મનમાં છાપી લેજો. તેમની સાથે બેસી થોડી વાતોના વડા કરીને સંભારણાના પોટલા ભરી લેજો. ખાલીપો જેટલો બોલવામાં ખખડે છે ને, એનાથી વધારે તે રોજબરોજના જીવનમાં એકલતાના સ્વરૂપે વધુ ખટકે છે. જવાનું દરેકને છે એકના એક દિવસે. પણ જતા પહેલા સાચું જીવ્યાની ક્ષણોના પુષ્પો હશે ને તો ખાલીપો થોડો થોડો ભરેલો લાગશે. વસવસા રૂપી સોયા લાગણીને ખૂપતા રહીને પીડા નહી આપે .
અટકી ગયું છે ક્યાંક,
સંવેદનાનું તણખલું!!
બની 'ડુમો' ગળે
એક ઘંટ બની ખૂંચે છે !!
ક્ષણનું એ ભારેપણું
ઓગાળવું ય કંઈ રીતે!!
લાગણીનું જાળું બની
માળિયું ઘરમાં તડપે છે!!
હું ય નહીં હોઉ,
ને તું ય નહીં હોય .
એ વાસ્તવિકતાની તકતી પર,
આ 'હાર' મોહનો લટકે છે!!
"ચુકી ગયા" કશુક ,
એવું ખટકે કશુંક ભીતર.
ધબકારાની વચ્ચે
વસવસાનું ભારણ સળગે છે !!
પોતિકા જનની આંખો કાયમ માટે બંધ થતી જોવી એના કરતાં હૃદયને હચમચાવી જતી ઘટના બીજી કોઈ હોય જ ના શકે! જે 'છે' કે 'હતો' એ 'હવે નથી' એ પરિસ્થિતિનો સામનો કરવો, જેમની આગળ દિલ ખોલીને હસી શકાય ,રડી શકાય, કંઈ પણ માંગી શકાય, ગમે ત્યારે ફોન કરી મન હળવું કરી શકાય, તેવા વૃક્ષત્વ જેવાં પોતિકા જન આપણા જીવનની સાચી સમૃદ્ધિ અને સાચી મિલકત હોય છે. તેમને સાચવવાં, સાંભળવાં , તેમની લાગણીઓ જાળવવી, તેમનું સન્માન જળવાઈ રહે તેવું વર્તન વ્યવહાર કરી તેમના નાનાં નાનાં સપના પૂરા કરવા માટે મથવુ , તેમને થોડોક સમય આપીને, સથવારો આપીને, તેમની હયાતીમાં તેમના આશિષની પોટલી બાંધી લેવી તે આપણી ફરજથી વધારે આપણાં જીવનના સાચાં અને દીર્ઘ સુખની ચાવી છે .
"બા"
કશુંય બોલે નહીં ને ,
કળી જાય બધુંય .
મૌનમાં તેનાં વહાલનું
સીરપ ટપકે છે!!
આંખોથી પાંપણ
અળગી કેમની રહે!!
બા હોય વરસાદ વહાલનો
આજે લાગણીનો દુકાળ
આંસુ બની ખાબકે છે!!
સંવેદનાની એ અટારીએથી
આશિષના ઝુમખા લટકે છે!!
મિત્તલ પટેલ
"પરિભાષા"