Shadow The legacy of one generations dream in Gujarati Moral Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો

Featured Books
  • The Omniverse - Part 6

    அடோனாயின் கடந்த காலம்அடோனா திரும்பி தனது தோற்றத்தின் ஒரு மறை...

  • The Omniverse - Part 5

    (Destruction Cube) அழித்த பிறகு,ஆதியன் (Aethion) பேய்கள் மற்...

  • The Omniverse - Part 4

    தீமையின் எழுச்சி – படையெடுப்பு தொடங்குகிறதுதற்போது, டீமன்களு...

  • அக்னியை ஆளும் மலரவள் - 12

     மலரியின் அக்கா, ஸ்வேதா வருவதைப் பார்த்து, “நீயே வந்துட்ட, எ...

  • அக்னியை ஆளும் மலரவள் - 11

    “நீ கோபப்படுற அளவுக்கு இந்த ஃபைலில் அப்படி என்ன இருக்கு?” என...

Categories
Share

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો

પ્રકરણ ૧: સ્વપ્નોનું બીજારોપણ
 

શિયાળાની ધીમી અને ફૂલગુલાબી ઠંડીમાં, હરગોવનદાસ સોની પોતાના નાનકડા ૨ BHK ફ્લેટની બાલ્કનીમાં બેઠા હતા. સવારના તાજા ખબર વાંચતાં તેઓ ઠંડીનો આનંદ માણી રહ્યા હતા. તેમનું જીવન શાંત અને સરળ હતું, જાણે કોઈ નદી ધીરે ધીરે પોતાના કિનારે વહી રહી હોય. આ સરળતા, પેઢીઓથી ચાલી આવતી પરંપરાનો ભાગ હતી.

તેમના પિતા, દાદા અને પૂર્વજો સોનીકામમાં કુશળ હતા, અને હરગોવનદાસ પણ આ જ માર્ગે ચાલ્યા હતા. તેમની દુકાન શહેરના જૂના બજારમાં હતી. જ્યાં વર્ષોથી પીળા ધાતુની ચમક અને ટાંકણાના અવાજો રોજ ગુંજતા હતા. હરગોવનદાસ માટે સોનીકામ માત્ર એક વ્યવસાય નહોતો, તે એક કળા, એક ધર્મ અને એક વારસો હતો, જેનું પાલન કરવું તેમનું કર્તવ્ય હતું. તેઓ પોતાના આ ધંધામાં ખુશ હતા અને પરિવાર માટે જરૂરી જીવનનિર્વાહની તમામ સગવડ પૂરી પાડવા સક્ષમ હતા.

તેમની પત્ની, લક્ષ્મીબેન, પણ આ જ પરંપરામાં વિશ્વાસ રાખતા હતા. તેમના માટે ઘરનું સંચાલન, પૂજા-પાઠ અને પરિવારની સેવા જ સર્વોચ્ચ હતું. શાંત અને સરળ સ્વભાવના લક્ષ્મીબેન તેમના પતિના દરેક વિચારો અને નિર્ણયોમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે સાથ સહકાર આપતા હતા. આમ, તેમનું ઘર શાંતિ અને સંતોષથી ભરેલું હતું.

પરંતુ, આ સાદા અને સામાન્ય જીવનમાં માનતા દંપતીના એકના એક પુત્ર યશની આંખોમાં આ શાંતિ નહોતી. તેની આંખોમાં એક અલગ જ ચમક હતી - જીવનમાં કંઈક મોટું કરી બતાવવાની, કંઈક અલગ બનવાની, અને સફળતાના શિખરો સર કરવાની. આ માટે સહનશક્તિ અને મહેનત એ તેના બે હથિયાર હતા. તેણે નાનપણથી જ સોનીકામમાં રસ ન લીધો. જ્યારે તેના પિતા તેને કામ શીખવવા બેસતા, ત્યારે તેનું મન પુસ્તકો અને ગણિતના કોયડાઓમાં ખોવાયેલું રહેતું.

હરગોવનદાસ ઘણીવાર તેને મીઠો ઠપકો આપતા કહેતા, "બેટા, જીવનમાં ભલે ગમે તે કામ કરો, નોકરી કે વેપાર, પણ આપણા પરંપરાગત વ્યવસાયને ચોક્કસપણે શીખજે. ભલે તેને આર્થિક ઉપાર્જન માટે ન વાપરીએ, પણ આ પરંપરાગત કળાને જીવંત રાખવા પૂરતું તો શીખવું જ જોઈએ."

પરંતુ, યશને લાગતું હતું કે દુનિયા ખૂબ મોટી છે અને તેમાં સોનાની ચમક સિવાય પણ ઘણું બધું છે. એક દિવસ તેણે હિંમત કરીને પિતા સામે જઈને કહ્યું કે તે એન્જિનિયરિંગ કરવા માંગે છે. આ વાત હરગોવનદાસ માટે એક આઘાત જેવી હતી. તેમને એ વાતની ખુશી હતી કે દીકરા પાસે પોતાના જીવનમાં આગળ શું કરવું તેનું સ્પષ્ટ ધ્યેય છે, પણ દુઃખ એ વાતનું હતું કે પોતાના પરંપરાગત વ્યવસાયનું જે મહત્વ તેમના મનમાં હતું તેવું મહત્વ દીકરાને સહેજે ન હતું. તેમને લાગ્યું કે તેમનો વારસો અધૂરો રહી જશે, પણ યશની જીદ અને તેની આંખોમાં રહેલી સપનાની ચમક જોઈને તેમણે ભારે હૃદયે તેને મંજૂરી આપી દીધી.

યશે સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. તે કોલેજમાં પણ પોતાના મિત્રો કરતાં અલગ હતો. જ્યારે તેના મિત્રો મોજ-મસ્તીમાં વ્યસ્ત રહેતા, ત્યારે યશ હંમેશા પુસ્તકોમાં જ ખોવાયેલો રહેતો. તે જાણતો હતો કે તેના માતા-પિતાએ તેના માટે કેટલો મોટો ત્યાગ કર્યો છે, અને તે તેમના વિશ્વાસને તોડવા માંગતો નહોતો. તે ભણવામાં એક સામાન્ય વિદ્યાર્થીથી થોડો વધારે હોશિયાર હતો, પણ તેની મહેનત તેને બધાથી અલગ અને હંમેશા આગળ રાખતી. આ મહેનતને કારણે જ તેણે ડિગ્રી મેળવી અને એક પ્રતિષ્ઠિત ખાનગી કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે નોકરી મેળવી.

કારકિર્દીમાં પોતાની ઈચ્છા મુજબની જોબ અને સારો પગાર મળતાં પરિવાર ખુશ રહેવા લાગ્યો. પુત્રને આ રીતે સેટ થયેલો જોઈને દરેક માતા-પિતાની જેમ તેમને પણ પોતાના દીકરા માટે સુપાત્ર શોધીને પરણાવવાની ઈચ્છા થઈ. નાતમાં અને સમાજમાં તપાસ પણ શરૂ કરી. પોતાના ભણી-ગણીને નોકરી કરતા દીકરા માટે માગાં પણ અઢળક આવવા લાગ્યા. તેઓ પોતાના ઘરની પરિસ્થિતિ અને પુત્રના સ્વભાવને અનુરૂપ વહુ માટે સતત પ્રયત્નશીલ રહ્યા, જે ઘર પરિવારની સાથે પુત્રના કદમ સાથે કદમ મિલાવી શકે.

આ પ્રયાસ દરમિયાન, એક ખાતાપીતા ઘરની સુંદર, સંસ્કારી અને ગુણિયલ પુત્રી નિધિ તેમના નજરે પડી. પહેલી નજર અને તેના વ્યવહારથી જ તેમની આંખોમાં ચમક પ્રસરી ગઈ. તેમને નિધિ જ પોતાની વહુ બનાવવા યોગ્ય લાગી.

યશ પણ માતા-પિતાની પસંદગીના પાત્ર સાથે જ પરણવા સંમત હતો. જ્યારે પણ તેના લગ્નની વાત થતી ત્યારે તે સ્પષ્ટપણે જણાવી દેતો, "મારા માટે શું સારું છે અને શું ખરાબ, તે તમે મારા કરતાં વધારે જાણો છો. તમારો નિર્ણય મારા માટે આખરી રહેશે. તમે જે પાત્ર પસંદ કરશો તે મને ચોક્કસ ગમશે જ."

અને આમ, તેના જીવનમાં નિધિનું આગમન થયું. નિધિ પણ ભણેલી હતી અને બેંકમાં ક્લાર્ક તરીકે કામ કરતી હતી. યશ અને નિધિની પહેલી મુલાકાત પણ સામાન્ય નહોતી. તેમની વચ્ચે હંમેશા કામની વાતો થતી. સમયાંતરે મળતાં અને વાતો કરતાં કરતાં જ એકબીજા પ્રત્યે આકર્ષણ વધ્યું. બંનેના સપના એક જ હતા - મહેનત કરીને પોતાનું ભવિષ્ય બનાવવું. તેઓએ એકબીજાને ટેકો આપવાનું શરૂ કર્યું. તેમના સંબંધમાં કોઈ ફિલ્મી રોમાન્સ નહોતો, પણ એકબીજા પ્રત્યેનો આદર અને સમર્પણ હતું. તેઓએ નિર્ણય લીધો કે તેઓ પરંપરાગત નહીં, પણ આધુનિક અને આત્મનિર્ભર જીવન જીવશે. આ રીતે, પરિવારની સંમતિ અને તેમનો પોતાનો નિર્ણય એક 'અરેન્જ કમ લવ મેરેજ'માં પરિવર્તન પામ્યો.

યશ અને નિધિએ પોતાના સપનાને સાકાર કરવા માટે જીવનની શરૂઆતથી જ એક-એક રૂપિયો બચાવવાનું શરૂ કર્યું. તેઓ ફિલ્મો જોવા જવાને બદલે ઘરે જ ટીવી પર આવતા પ્રસારણો જોઈ આનંદ લેતા. બહાર રેસ્ટોરન્ટમાં જમવાને બદલે પોતાના હાથનું ઘરે બનાવીને જમતા. આ બધી બચતનો એક જ હેતુ હતો - પોતાનું ઘર ખરીદવું.

હરગોવનદાસ અને લક્ષ્મીબેન માટે આ બધું નવું હતું. તેમને લાગતું હતું કે આજના યુવાનોને આટલી બધી ચિંતા કેમ હોય છે? પણ તેઓ યશ અને નિધિની મહેનત અને લગન જોઈને મનોમન બહુ જ ખુશ થતા. તેઓ જાણતા હતા કે તેમનો પુત્ર એક સાચા રસ્તે ચાલી રહ્યો છે જેમાં તેની પત્ની અને તેઓની પુત્રવધૂ પણ તેને સહકાર આપી રહી છે. આ સમયે, યશ અને નિધિના મનમાં સપનાનું એક બીજ રોપાઈ રહ્યું હતું, જે ભવિષ્યમાં એક વિશાળ વૃક્ષ બનવાનું હતું.