વાર્તા:- જન્મદિવસની સાચી ખુશી
વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
નાનાં બાળકો માટે આતુરતાથી રાહ જોવાનો દિવસ એટલે તહેવારનો દિવસ અથવા તો પોતાનાં જન્મદિનનો દિવસ. આખુંય વર્ષ તેઓ આની રાહ જોતાં હોય છે. પણ જ્યારે આ બંને દિવસો એક જ હોય ત્યારે એની આતુરતા બેવડાઈ જાય છે.
એક મધ્યમવર્ગીય પરિવાર માટે તો આવનારા તહેવાર, ખાસ દિવસો અને સામાજિક પ્રસંગો એટલે બજેટ પર લાગતું ગ્રહણ! આવા જ એક મધ્યમવર્ગીય પરિવારની એક પ્રેરણાત્મક ઘટના આજે જોઈએ. જ્હોન અને તેનો પરિવાર એક નાનકડાં પરંતુ પોતાનાં ઘરમાં સુખેથી રહેતાં હતાં. અમુક ઈચ્છાઓ પૂરી કરી શકતાં હતાં અને અમુક બાબતોમાં મનને મનાવી લેવું પડતું હતું. પરંતુ આજનાં દિવસની વાત જ કંઈક અલગ હતી. જ્હોનનું કુટુંબ ખ્રિસ્તી ધર્મ પાડતું હતું, આથી એમને માટે ક્રિસમસ અને બેસતું વર્ષ ખૂબ જ મહત્ત્વ ધરાવતાં હતાં. આવામાં જ્હોનનાં માતા પિતાને ક્રિસમસનાં દિવસે જ જ્હોન સ્વરૂપે એક ભેટ મળી હતી. આ જ કારણથી દરેક ક્રિસમસ એનાં ઘરમાં ખાસ બની જતી હતી. એ અલગ વાત છે કે આ દિવસે ઉજવણી કરવા એ લોકો અગાઉથી જ બચત કરતાં હતાં.
આજે જ્હોન ખૂબ જ ખુશ હતો. એની જેટલી પણ ઈચ્છાઓ એણે કરી હતી એ બધી જ આજે પૂરી કરી દેવામાં હતી. એક તો આજે નાતાલનો પવિત્ર દિવસ અને ઉપરથી એનો જન્મદિવસ! એનાં જીવનનાં અઢાર વર્ષ આજે પૂર્ણ થયાં હતાં. એક પુખ્ત વયના વ્યક્તિને મળે એમાનાં મોટા ભાગનાં અધિકારો એને મળી જશે એનો એને આનંદ હતો. સવારે વહેલો ઊઠીને, નાહી ધોઈને એ પહેલાં ચર્ચમાં ગયો. ત્યાં પ્રાર્થના કરી અને ઘરે આવીને તમામ વડીલોના આશિર્વાદ લીધાં.
એને આજે પોતાનાં પિતા સાન્તા ક્લોઝથી ઓછાં લાગતા ન હતાં. આ વર્ષે પહેલી વાર જન્મદિવસની આગલી રાત્રે એણે ઘરનાં દરવાજે મોજા લટકાવ્યા નહોતાં. એનાં માતા પિતા પાસેથી જ એની બધી માંગણીઓ પૂરી થવાની હતી. આખોય દિવસ એનો ખૂબ જ આનંદમાં પસાર થઈ રહ્યો હતો. એ તો ખૂબ જ આતુરતાથી સાંજ પડવાની રાહ જોતો હતો. સાંજે એનાં મિત્રો આવવાનાં હતાં. ભવ્ય ઉજવણીનું આયોજન હતું. ઉપરથી એનાં પિતા એને મિત્રો જતાં રહે પછી એની મનપસંદ બાઈક લેવા લઈ જવાના હતા. જ્હોનને જરા પણ અણસાર નહોતો કે આ બાઈક માટેનાં પૈસા એનાં પપ્પાએ લોન લઈને મેળવ્યા હતા.
'બાઈક લઈને ફરવાની કેટલી મજા આવશે' એ વિચારથી જ એને દિવસ લાંબો લાગતો હતો. એને તો પોતે કૉલેજ જવા માટે પણ આ જ બાઈક વાપરશે એની કલ્પના માત્રથી એની ખુશીનો પાર નહોતો. શાળાનાં પ્રાથમિક શિક્ષણ દરમિયાન એનાં પિતા એને સાયકલ પર મૂકી જતા હતા. થોડા સમય બાદ એનાં પપ્પાને કંપનીમાંથી સ્કૂટર આપવામાં આવ્યું હતું. આથી શાળાનાં બાકીનાં વર્ષો એ પિતા સાથે સ્કૂટર પર જતો. પરંતુ આજે તો પરિસ્થિતિ સાવ અલગ હતી. હવે એની પાસે એની પોતાની બાઈક આવવાની હતી. એ એકલો જશે હવે. અંતે સાંજ પડી. એનાં મિત્રો આવ્યાં. ખૂબ સુંદર ભેટો લાવ્યા હતા એનાં માટે. સૌએ કેક ખાધી, જ્હોનની મમ્મીએ બનાવેલ સરસ મજાનો ગરમ ગરમ નાસ્તો કર્યો અને છૂટા પડ્યા. હવે વારો હતો બાઈક લેવા જવાનો! એ એનાં પિતા સાથે જઈ રહ્યો હતો. દુકાન ઘરથી બહુ દૂર ન હોવાથી બંને ચાલતા જ જઈ રહ્યા હતા. આટલી મોડી સાંજે એ પહેલી જ વાર ઘરમાંથી બહાર નીકળ્યો હતો.
બધાં ઘરો અને દુકાનો ખૂબ સુંદર રોશનીથી શણગારેલા હતાં. મોટા ભાગની દુકાનોમાં ક્રિસમસ ટ્રી લગાવેલું હતું. આટલી મોડી સાંજ હોવાં છતાં કેકની દુકાનોમાં ભીડ જામી હતી. નાનાં બાળકો પોતાની મનપસંદ કેક લેવા માટે પોતાનાં માતા પિતા સાથે ત્યાં આવ્યાં હતાં.
એણે નોંધ્યું કે રસ્તાની બંને બાજુ ફૂટપાથ પર નાનાં નાનાં છોકરાઓ લઘરવઘર ફરતાં હતાં. એમનાં કપડાંનાં કોઈ ઠેકાણાં ન હતાં. રસ્તે આવતાં જતાં લોકો પાસે એઓ ભીખ માંગી રહ્યાં હતાં. આ જોઈને જ્હોનને થોડી નવાઈ લાગી. એનાં પિતાએ એને કહ્યું કે, "આ લોકો આવી રીતે રસ્તા પર જ રહે છે. ભીખ માંગીને ખાવાનું ખાય છે."
આ બધું ચર્ચા કરતાં કરતાં બંને બાઈકની દુકાન સુધી પહોંચી ગયા. જ્હોનનાં પિતા દુકાનમાં જતા પણ રહ્યા અને જ્હોન બહાર જ રહી ગયો. એટલે પિતા ફરીથી બહાર આવ્યા અને એને ન આવવાનું કારણ પૂછ્યું.
જ્હોન એટલું જ બોલ્યો, "પપ્પા, મારી ઉંમર પ્રમાણે મને ઘણું બધું મળ્યું છે. આ બાઈક માટેનાં પૈસામાંથી થોડા પૈસાથી આપણે થોડું સારું સારું ખાવાનું અને કપડાં લઈએ અને પેલાં બાળકોને આપીએ. હવેથી દર વર્ષે હું મારા જન્મદિને ખોટા ખર્ચ કરવાને બદલે ગરીબ બાળકોને થતી શક્ય મદદ કરીશ." જ્હોને મનોમન નક્કી કર્યું કે હવેથી દર વર્ષે એનાં જન્મદિવસે ઉજવણીનાં ખોટા ખર્ચ કરવાને બદલે એ આવા બાળકો કે જેઓ નાતાલ ઉજવી શકતાં નથી એમનાં સાન્તા ક્લોઝ બનશે અને એ બાળકોને નવા નવા કપડાં તેમજ મીઠાઈ ભેટમાં આપશે.
એનાં પપ્પા એને જોતાં જ રહી ગયા. પોતાનો દીકરો આટલો સમજદાર થઈ ગયો એ જાણીને એમને એનાં પર ગર્વ પણ થયો. આજે પહેલી વાર એમને નાતાલની ઉજવણી સાચા અર્થમાં સાર્થક લાગી. આજે આખુંય કુટુંબ નાતાલની સાચી ખુશી મનાવી રહ્યું હતું.
આભાર
સ્નેહલ જાની.