Thama in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | થામા

Featured Books
Categories
Share

થામા

થામા

- રાકેશ ઠક્કર

          ફિલ્મ ‘થામા’ જોઈને કોઈપણ દર્શક પહેલાં એમ જરૂર કહેશે કે એમાં હોરર, કોમેડી, અભિનય, VFX વગેરે સારા છે. પછી આગળ એમ જરૂર કહેશે કે ‘મેડોક ફિલ્મ્સ’ ની અગાઉની ફિલ્મો કરતાં બધું થોડું ફિક્કું છે! ખાસ કરીને બંને ‘સ્ત્રી’ જેવી હોરર- કોમેડી નથી. તેથી દિવાળીના દિવસે ‘સ્ત્રી 2’ થી પણ મોંઘી ફિલ્મ હોવાથી સારું છતાં તેનાથી અડધું પણ નહીં રૂ.25 કરોડનું જ ઓપનિંગ મળ્યું છે. તે સૌથી મોટી ફિલ્મ બનવા અંગે શંકા છે. 

         'થામા' ફિલ્મ 'સ્ત્રી 2' જેવી ન લાગવા પાછળ વિવેચકો અને દર્શકો દ્વારા આપવામાં આવેલા મુખ્ય કારણો જોઈએ તો 'સ્ત્રી' અને 'સ્ત્રી 2' માં હોરર અને કોમેડીનું સંતુલન મજબૂત હતું. ખાસ કરીને કોમેડી ખૂબ જ તીવ્ર હતી. અહીં હોરરનો ભાગ લગભગ ગાયબ છે. કોમેડી અમુક જગ્યાએ નબળી અથવા ફિક્કી લાગે છે. ફિલ્મને હોરર-કોમેડી કરતાં વધુ હોરર- રોમાન્સ/બ્લડી લવ સ્ટોરી તરીકે જોવામાં આવી છે.

         'સ્ત્રી' ફ્રેન્ચાઇઝી માં રાજકુમાર રાવ (વિકી), પંકજ ત્રિપાઠી (રુદ્ર) અને અભિષેક બેનર્જી (જન્ના) જેવા કલાકારોની ટુકડીનું હ્યુમર અને ટાઇમિંગ ખૂબ જ લોકપ્રિય હતું અને તેના કારણે કોમેડી સતત જળવાઈ રહેતી હતી. 'થામા' માં આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની જોડી અને તેમની વચ્ચેનો રોમેન્ટિક ટ્રેક વધુ કેન્દ્રમાં છે. કેટલાક વિવેચકો માને છે કે 'થામા'ની વાર્તા પાતળી છે અને તે ફક્ત આ યુનિવર્સને આગળ વધારવા માટે એક પુલ જેવી લાગે છે. જેમાં કોઈ મોટો નવો વિચાર કે આત્મા નથી. 'સ્ત્રી' માં લોકકથાને સામાજિક સંદેશ સાથે જોડવામાં આવી હતી. તેવું ઊંડાણ 'થામા'માં વેમ્પાયર (બેતાલ) ના વિચારમાં ઓછું જોવા મળ્યું છે. 

         ‘મુંજ્યા’ જેવી સફળ ફિલ્મ આપનાર નિર્દેશક આદિત્ય સરપોતદારે ફરી લોકકથાને વાર્તાનો આધાર બનાવ્યો છે. જોકે, VFX અને સેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પાત્રો અને પૃષ્ઠભૂમિ સ્થાપિત કરવામાં થોડો વધુ સમય લાગ્યો છે. સચિન-જીગરનું સંગીત દમદાર છે પરંતુ આ બ્રહ્માંડની પાછલી ફિલ્મોની તુલનામાં થોડું નીરસ લાગે છે. જો વાર્તા અને કોમિક પંચ સમાન રીતે મજબૂત હોત તો નિઃશંકપણે તે હોરર-કોમેડી બ્રહ્માંડમાં એક અનોખી ફિલ્મ બની શકી હોત. રીંછ અને બેતાલ વચ્ચેની લડાઈ જોરદાર બની છે. એમાં એક વાત ખટકે છે કે રીંછ અને બેતાલને આખા શહેરમાં તબાહી મચાવતા કોઈ પણ જોતું હોતું નથી. ક્લાઇમેક્સમાં નવાઝુદ્દીન સિદ્દીકી, આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના વચ્ચેના એક્શન દ્રશ્યો પ્રભાવશાળી બન્યા છે.

          બોક્સ ઓફિસ પર ફિલ્મની અપીલ, બ્રાન્ડ વેલ્યુ અને લાંબા દિવાળી સપ્તાહને કારણે ચોક્કસપણે મજબૂત કલેક્શન થયું છે. ફિલ્મને એક મનોરંજક હોરર-કોમેડી તરીકે વર્ણવવામાં આવી છે. ત્યારે કોમિક પંચો થોડા ફ્લેટ લાગે છે. અમુક જોક્સ જબરજસ્તીથી ઉમેરાયા હોય તેવું લાગે છે. ફિલ્મમાં ડરાવવાની ક્ષમતા ખૂબ જ ઓછી છે. હોરર-કોમેડી કરતાં તે સુપરનેચરલ રોમાન્સ જેવી વધુ લાગે છે. 'થામા'નો પ્રથમ ભાગ પાત્રો અને બેતાલોની દુનિયા સ્થાપિત કરવામાં ધીમો લાગે છે. પરેશ રાવલના પાત્ર સાથે જોડાયેલો એક સબ-પ્લોટ અમુક દર્શકોને બિનજરૂરી લાગ્યો છે. જે માત્ર હાસ્ય ઉત્પન્ન કરવા માટે જબરજસ્તીથી ઉમેરવામાં આવ્યો છે. પરેશનું કામ સારું છે પણ ભૂમિકા નાની રાખી છે.

          આયુષ્માન ખુરાના 'સામાન્ય માણસ'ના પાત્રો માટે જાણીતો છે. તે કોમેડી અને ભાવનાઓને સરળતાથી રજૂ કરી શકે છે. તેણે ભોળા અને હસમુખા ‘આલોક’ તરીકે પ્રથમ ભાગમાં અને પછી બેતાલ (વેમ્પાયર) બન્યા પછીના વધુ ગંભીર અને તીવ્ર પરિવર્તનને ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે. માસૂમિયતમાંથી વેમ્પાયરમાં થતા પરિવર્તનને તેણે અસરકારક રીતે દર્શાવ્યું છે. અલબત્ત તેનું હાસ્ય 'સ્ત્રી'ના રાજકુમાર રાવ જેટલું તાજગીભર્યું કે આકર્ષક લાગતું નથી. તેનું પ્રદર્શન ફિલ્મના સકારાત્મક પાસાઓમાંથી એક છે. પાછલી ફિલ્મોની કોમેડીની સરખામણીના કારણે અમુક દર્શકોને થોડો તફાવત અનુભવાયો છે. છતાં પાત્રની જરૂરિયાત મુજબ આયુષ્માનની પસંદગી યોગ્ય અને અસરકારક સાબિત થાય છે. તેથી આયુષ્માનની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની છે. રશ્મિકા મંદાનાએ તાડકા તરીકે શક્તિશાળી અભિનય આપ્યો છે. તે એક સ્ત્રી રાક્ષસની પડકારજનક ભૂમિકામાં આશ્ચર્યજનક પેકેજ સાબિત થાય છે. તે આ શ્રેણીનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. તેનો પથ્થર જેવો દેખાવ આ ભૂમિકા માટે વધુ યોગ્ય હતો.

         નવાઝુદ્દીન સિદ્દીકી વિશિષ્ટ હાસ્ય, શારીરિક ભાષા અને હિન્દી-અંગ્રેજી મિશ્ર સંવાદોથી પાત્રને યાદગાર બનાવે છે. વિલન તરીકે થોડા સમય માટે જ આવે છે પરંતુ તેમની હાજરી મજબૂત છે. ‘ભેડિયા’ વરુણ ધવન પણ એક આકર્ષણ બને છે. આ ફિલ્મ યુનિવર્સને આગળ વધારવાનો એક સારો પ્રયાસ છે. પણ મજબૂત વાર્તા અને કોમેડીના અભાવને કારણે તે 'અનોખી' બની શકતી નથી. ત્રણ આઇટમ નંબર થોડા વધારે લાગે છે. અને કોઈ ખાસ સામાજિક સંદેશ આપી જતી નથી. ફિલ્મને યુનિવર્સ સાથે જોડવામાં ધ્યાન વધારે કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાથી વાર્તાને પૂરતો ન્યાય આપી શકાયો નથી. ઇન્ટરવલ પછી આયુષ્માન-રશ્મિકાની વાર્તા કહેવા કરતાં એને પૂરી કરવા પર ભાર મૂકાયો છે.