AME BANKWALA - 47 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | અમે બેંક વાળા - 47. અરસપરસ

Featured Books
Categories
Share

અમે બેંક વાળા - 47. અરસપરસ

47. અરસપરસ 

શ્રી. અકબરભાઈ એક નાનાં ગામમાં રહેતા. ગામની શાળામાં પ્રાથમિક અભ્યાસ તો કર્યો. પછી નજીકનાં શહેરની હાઈસ્કૂલમાં એડમિશન લીધું. ત્યાં જવા ગામ પાસેના હાઈવે પર થી એસટી પકડવાની. બસ થોડી વહેલી મોડી થાય. ઉપરથી ભરેલી પણ આવે. બસ આવે એટલે છોકરાં દોડે. 

બસના કંડકટર ખૂબ સારા. ગમે એટલી ચિક્કાર બસ હોય, બાળકોને માટે ઉભાડે જ. એ કંડક્ટર હતા ખુબજ પ્રેમાળ, 

હસમુખ અને ઘરના જ વડીલ હોય એવા.   અહીંથી બસમાં ચડતાં નાના નાના બાળકો હતાં એટલે એમને ઘરના છોકરાઓ હોઈએ એમ બસમાં આરામથી ચડવા-ઉતારવા દે. નાનાં બાળકોને બસના પગથિયે હાથ આપી ચડાવે પણ ખરા. બસમાં એ બાળકો સાથે વાતો કરે.. અભ્યાસ અંગે પૂછે.

અને ક્યારેક પાસ પૂરો થઈ ગયો હોય તો ય ચલાવી લે.

બાળક  અકબરભાઈના તો તેઓ માનીતા બની ગયેલા. તેમના આ અકબરભાઈ પણ માનીતા. ખૂબ શિસ્તબદ્ધ બાળક. મોટે ભાગે પાસ  પૂરો ન જ થયો હોય. બસમાં શાંતિથી ઊભે.

અકબરભાઈ ભણવામાં હોંશિયાર. આગળ જતાં બી.કોમ. સારા મારા સાથે પૂરું કર્યું અને BSRB ની પરીક્ષા પાસ કરી બેંકમાં સિલેક્ટ થયા.

શાળામાં ભણતા ત્યાંથી લઈ નોકરીનાં ૩૩ વરસ  એમણે આ  એસ.ટી.બસો માં જ મુસાફરી કરી એટલે યાદો ય ઢગલાબંધ હોય!

અપડાઉન માટેની બધી બસોના કંડક્ટર અને ડ્રાઇવર સાથે ય  એમને દોસ્તી થઈ જતી અને સહ પ્રવાસીઓ સાથે ય. ખાસ કરીને રોજિંદા અપડાઉન વાળા શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને બેન્કરો સાથે.

અકબરભાઈ આગળ જતાં નજીકની ગ્રામ્ય શાખામાં મેનેજર થયા.

મેનેજરનું કામ જ લોકોને યોગ્ય ધંધા રોજગાર માટે લોન  આપવાનું. એ સાથે સમયસર ન ભરે તો પાછળ પડીને ભરાવવાનું. 

એક બુઝુર્ગને  અગાઉ લોન આપેલી તે ભરતા ન હતા. આખરે  અકબરભાઈએ નોટિસ આપી. સમય ગયો એટલે તેમને ત્યાં રિકવરી ન આપતા હોવાથી કોર્ટ નું વોરંટ લઈ ને જવાનું થયું.

ગામના વાસમાં થઈ નાની શેરીઓમાં થતા એ બોરોઅર કોણ છે એ પૂછતા એને ઘેર પહોંચ્યા.

ઘર ગરીબ જેવું હતું પણ હાલ્લા  કુસ્તી કરતાં હોય એવું સાવ ઘસાઈ ગયેલું નહીં.

“ક્યાં છે આ … ભાઈ? બેન્કની લોન લીધી, નોટિસ મળી,  કશું ગણકારવાનું જ નહીં?  શું કરો છો?” કહેતા ઘરમાં પ્રવેશ્યા.

એક વૃદ્ધ અંદરથી બહાર આવ્યા. એકદમ જૂનાં કપડાં, મોં પર કરચલીઓ, આંખોમાં જાણે લાચારી ડોકાતી હતી.

“આવો સાહેબ. મને નોટિસ મળી. આમ તો અલ્લા ને માથે રાખી દેવું બાકી રાખું જ નહીં. શું કરું? ઘરવાળી ઓચિંતી મોટા મંદવાડમાં ફસાઈ. ખૂબ ખર્ચ છતાં જન્નતનશીન થઈ ગઇ.  એમાં પૈસે ટકે ઘસાઈ ગયો. વચ્ચે આ ધંધામાં પણ બીજા અમુક માલ લઇને   ઉઘરાણી ન આપતા લોકોને કારણે સાવ બેહાલ થઈ ગયો છું. મને બેંકના પૈસા રોકવામાં રસ નથી. બેસો તો ખરા સાહેબ!” કહેતો એ વૃદ્ધ આગળ આવ્યો.

  

અકબરભાઈના આશ્ચર્ય અને દુવિધા વચ્ચે થયું એવું કે જે વ્યક્તિના નામનું વોરંટ હતું એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ  એ   શાળા વખતનાં અપડાઉન વખતે તેમનું દફતર હાથમાં લઈ બસમાં ચડાવતા કંડકટર!

એમને જોતા ની સાથે જ તેઓ ઓળખી ગયા. 

“અરે … ચાચા  તમે? મને ઓળખ્યો?” કહી એક જૂના કાથીવાળા ખાટલે એમની બાજુમાં બેઠા અને તેમની ઓળખે ય આપી. વૃદ્ધ આંખનું નેજવું કરી જોઈ રહ્યા. ઓળખી જતાં સજળ નેત્રે અકબરભાઈને ભેટી પડ્યા.

જૂના દિવસો યાદે ય કર્યા અને એમની દારુણ પરિસ્થિતિનો કયાસે ય કાઢી લીધો.  અકબરભાઈ સાથે બેંકનો પટાવાળો હતો એને ઈશારાથી વોરંટ બેગમાં પાછું મૂકી દેવા જણાવી દીધું.

એ વૃદ્ધને ટોકન રૂપિયા ૧૦૦ ની એન્ટ્રી પાડવા સમજાવી ને નીકળી ગયા..

સાંજે બેન્ક થઈ પરત ફરતાં વન ટાઈમ સેટલમેન્ટનું ફોર્મ લઈ લીધું અને ફરીથી, મોડું થતું હોવા છતાં એમના વાસમાં જઈ, એમના ઘરે જઈ સાઇન કરાવી લીધું. 

સાથે અપડાઉન કરતા સાથી મિત્રો ને વાત કરી યથાશક્તિ ફાળો ઉઘરાવી અને ઘટતી રકમ ઉમેરી એમનું ખાતું બંધ કરાવીને વોરન્ટ કોર્ટ માં જમા કરાવી નોંધ મૂકી દીધી કે ખાતું  સેટલ કર્યા બાદ બંધ થયેલ હોવાથી બજવણી કરેલ નથી.

વૃદ્ધે બે હાથ જોડ્યા. અકબરભાઈએ હાથ પકડી લીધા. “બસ, તમે મારું દફતર લઈ  ભાર ઓછો કરી આધાર આપી બસમાં ચડાવેલો. આજે હું આ રીતે તમારો ભાર ઓછો કરી આધાર આપું છું. અરસપરસ છે.” કહી બહાર આવી શેરીને નાકે ઊભેલું તેમનું બાઇક સ્ટાર્ટ કરી ચાલતા થયા.

ત્યારબાદ એમના જમાઈના નામે નવી લોન કરી આપી અને એમને થઈ શકે એવી મદદ કરી આપી.

ખાસ નોંધ એ પણ લીધી કે ટૂંકા સમયમાં જ એ લોન ભરાઈ ગઈ હતી અને કુટુંબ સદ્ધર થઈ ગયું હતું.

બાળપણનું ઋણ ગણો કે નિમિત્ત બનવાનું નિર્માણ કહો પણ આવા અનુભવો જીવનનાં સંભારણા બની જતાં હોય છે.

કથાબીજ: અકબર અંકલેશ્વરિયા