ગાંધીજી એક મહામાનવ
મોહનદાસ કરમચંદ ગાંધી — એક વકીલથી લઈને મહાત્મા બનવા સુધીની તેમની યાત્રા માત્ર વ્યક્તિગત વિકાસની નહીં, પણ સમગ્ર માનવમુલ્યોની યાત્રા છે. લંડનમાં કાયદાની પદવી મેળવી, જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે જાતિવાદ અને ભેદભાવના અનુભવે તેમને અંદરથી ઝંઝોળી નાખ્યા. ત્યાંથી જ અહિંસા અને સત્યના માર્ગે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું.
ભારત પરત ફરી તેઓએ પ્રથમ ચંપારણમાં ખેડૂતની પીડા જોઈ અને નક્કી કર્યું કે પોતાના શબ્દોને નહીં, કાર્યોને અવાજ આપવો. ચળવળો શરૂ થઈ – મીઠાનો સત્યાગ્રહ, ખિલાફત ચળવળ, અસહકારની લડાઈઓ, અને અંતે "વિદેશી શાસકો ભારત છોડો" જેવી શાંતિપૂર્ણ પણ હ્રદયભેદી લલકાર. તેમણે બતાવ્યું કે એક ખાદીધારી માણસ પણ સૌથી શક્તિશાળી સામ્રાજ્યને ઝૂકાવી શકે છે – બસ હૃદયમાં સત્ય હોવું જોઈએ.
એક વખત દેશમાં પ્રવાસ દરમિયાન તેમણે ગામડા ઓ માં ગરીબીથી પીડાતી, અર્ધનગ્ન હાલતમાં હાલતી સ્ત્રીઓ જોઈ. એ દ્રશ્યે તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે પ્રશ્ન કર્યો — જ્યારે મારી બહેનો પાસે અંગ ઢાંકવા પૂરતું વસ્ત્ર નથી ત્યારે હું ક્યાંથી આવા ભભકાદાર કપડાં પહેરી શકું? અને એ દિવસથી વિદેશી કપડાંનો ત્યાગ કરીને તેઓ જીવનભર એક ખાદીની પોતડીમાં રહ્યા. તેમના માટે પોતડી માત્ર કાપડ ન હતી એ સંવેદનાનું, સમભાવનું અને સંકલ્પનું પ્રતિક હતી.
જ્યારે આખો દેશ સ્વતંત્રતા પ્રાપ્ત થતા ઉત્સાહમાં ડૂબેલો હતો, ત્યારે ગાંધીજી કોઈ પદ પર નહોતા, કોઈ મંચ પર નહોતા. તેઓ રમખાણગ્રસ્ત વિસ્તારમાં હતા. ત્યાં જ્યાં ભય હતો, ભયંકર રમખાણો હતા અને તૂટી ગયેલી માનવતા ફરી ઊભા થવા તત્પર હતી. તેમની ઉપવાસથી ઝઘડા શમ્યા, તેમનાં સ્પર્શથી ઘા મલમાયા.
ત્રીસમી જાન્યુઆરીના દિવસે બિરલા ભવનના બાગમાં જઈ રહ્યા હતા ત્યારે એક યુવક ગોડસે એ ત્રણ ગોળીઓ ચલાવી અને તેમના શરીરથી તેમના પવિત્ર આત્મા ને અલગ કર્યો. એ ગોળીઓ માત્ર એક શરીરને નહિ, પણ એક જીવંત વિચારધારાને ભેદી ગઈ હતી. એ સ્થિતપ્રજ્ઞ સાધકના નજીક ત્યાં સુધી કોઈ પહોંચી શક્યું નહોતું — બસ એ ત્રણ ગોળીઓ સિવાય. અને એ અંતિમ ક્ષણમાં પણ તેમના હોઠ પર "હે રામ" હતું — કોઈ ગુસ્સો નહોતો, માત્ર શાંતિ અને શરણાગતિ.
આજે પણ, ભલે તેમના વિરોધીઓ તેમને જે ઇચ્છે તે કહી લે પરંતુ ઈતિહાસે તેમને અનોખું સ્થાન આપ્યું છે. તમે તેમને પસંદ કરો કે નફરત, પણ અવગણો નહિ શકો. કારણ કે આજે પણ સમગ્ર વિશ્વ તેમને માનવીય મૂલ્યોના પ્રકાશપુંજ તરીકે જોવે છે. વિશ્વના એંસી થી વધુ દેશોમાં તેમના પૂતળા સ્થાપિત થયાં છે. અમેરિકાથી લઈને જાપાન સુધી, દક્ષિણ આફ્રિકા થી ઓસ્ટ્રેલિયા સુધી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના જીવન અને વિચારધારાને અભ્યાસરૂપે ભણવામાં આવે છે.
તમે તેમને પસંદ કરો કે નફરત કરો – પણ તમને તેમને સ્વીકારવો પડશે. તેમની અહિંસા, તેમની સાદગી, તેમનો સત્યમાર્ગ આજે પણ એક માર્ગદર્શન છે, ભવિષ્ય માટેનો પથદર્શક છે.
ગાંધીજીના "સત્યના પ્રયોગો" પુસ્તકમાં તેઓ લખે છે કે તેઓ મહાત્મા નથી પરંતુ માત્ર ખરા માનવી બનવાનો પ્રયાસ કરે છે. જીવનભર તેઓ સત્યની શોધમાં રહ્યા. ભુલોમાં માનવતા શોધી, શત્રુમાં પણ માણસ જોયો, અને પીડામાં પણ કરુણા.
આજે જ્યારે દુનિયા ફરીથી હિંસા, નફરત અને વિભાજન તરફ વળી રહી છે, ત્યારે ગાંધીજી માત્ર ઈતિહાસના પાના પર નહીં, પણ ભવિષ્ય માટેના માર્ગદર્શક રૂપે ઉભા છે. અને તેથી જ, તેમનો અવ્યક્ત સંદેશો આજે પણ આપણને કહી જાય છે કે "તું મારી સાથે રાજી હો કે નારાજ, તું મને ભલે સમજવા તત્પર ન હો – પણ એક દિવસ તારે મને સ્વીકારવો પડશે."
તેમના જન્મદિવસે નમ્ર હૃદય અને ભીની આંખો સાથે આપણે કહીયે —
"તમે અમારાથી દૂર છો, છતાં અમારા દરેક વિચારમાં જીવંત છો. બાપુ, તમારી દૂરંદેશી ભરેલી નજર આજે પણ જગતને યોગ્ય દિશા બતાવી રહી છે."