Mara Anubhavo in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 49

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 49

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 49

શિર્ષક:- હરિજનોનો મંદિરપ્રવેશ_૧

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 49."હરિજનોનો મંદિરપ્રવેશ_1"



હિન્દુ પ્રજા ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રે વિશ્વની સૌથી વધુ અસ્પષ્ટ તથા અવ્યવસ્થિત પ્રજા છે. અસંખ્ય શાસ્ત્રો, અસંખ્ય માન્યતાઓ અને અસંખ્ય મહાપુરુષો દ્વારા પ્રશાસિત હોવાથી આવી સ્થિતિ થઈ છે. ઈશ્વરવાદ તથા અનીશ્વરવાદ, હિંસા અને અહિંસા, યજ્ઞો અને યોગ, ભક્તિ અને અમર્યાદ ભોગ – આ બધું એકસાથે જોવા મળી શકે છે. આ વ્યવસ્થાથી તે દુર્બળ થઈ છે. ધર્મનું સ્વરૂપ અને માન્યતાઓ બાબત પ્રત્યેક ગામમાં અરે, કેટલીક વાર તો પ્રત્યેક ઘરમાં જુદાં જુદાં સ્વરૂપો જોવા મળે છે. આજે ભારતમાં જ લગભગ વીસ હજાર જેટલા સંપ્રદાયો, પંથો તથા મંડળો વગેરે અસ્તિત્વ ધરાવે છે.


જે પ્રજા પાસે સંયોજક બળો કરતાં વિભાજક બળો વધારે હોય તે દુર્બળ થાય તે સ્પષ્ટ વાત છે. માત્ર ધાર્મિક ગ્રંથો કે મંડળોથી જ પ્રજા વિભાજિત નથી, પણ તેટલા જ પ્રમાણમાં સમાજરચનાથી પણ તે વિભાજિત છે. વિશ્વમાં ક્યાંય જોવા નહિ મળે તેવી સમાજરચના અહીં કરવામાં આવી છે. ચાર વર્ણોને ઈશ્વરીય રચના માનીને પછી અઢાર વર્ણો કરવામાં આવ્યા. તે પછી અસંખ્ય જાતિઓ, જ્ઞાતિઓ, ગોળો, ગોત્રો, કુળો વગેરે વગેરે દ્વારા પ્રજાને વધુ ને વધુ વિભાજિત કરવામાં આવી. આવી સમાજરચના કરનારાઓએ કદી સંપૂર્ણ સમાજ કે સંપૂર્ણ રાષ્ટ્રના હિતોનો વિચાર કર્યો જ નથી. મારી આજીવિકા અને મારી પ્રતિષ્ઠા દૃઢ થાય એ જ તેનું લક્ષ્ય રહ્યું છે.


હિન્દુ પ્રજાના દુર્ભાગ્યું સુકાન ધર્મથી આજીવિકા ચલાવનારા માણસોના હાથમાં રહ્યું. આ લોકોએ પોતાની બેઠી આજીવિકા ચાલે તે માટે અસંખ્ય ધર્મકાંડો, વિધિઓ, વિધાનો વગેરે કર્યાં, ધર્મને જીવન માટે સુવ્યવસ્થા તથા સમાજને સાધનારું તત્ત્વ બનાવવાની જગ્યાએ પેટપોષણનું માધ્યમ બનાવ્યો. આવું કરનાર માટે કેટલાંક અનિષ્ટોને સ્થાપિત કરવાં જરૂરી હતાં. પ્રથમ અનિષ્ટ તે વર્ણવ્યવસ્થા. બીજું અનિષ્ટ તે વર્ણવ્યવસ્થાને ઈશ્વરરચિત મનાવવાની વૃત્તિ. ત્રીજું અનિષ્ટ તે આવી વ્યવસ્થાનું નામ જ ધર્મ, આવી વ્યવસ્થાને શિથિલ કરવી કે તોડવી તેનું નામ અધર્મ..


આ ત્રણે અનિષ્ટોને સુરક્ષિત રાખવા ઋષિઓના નામે સ્મૃતિ વગેરે શાસ્ત્રો રચાયાં. પોતાનાં જ રચેલાં પક્ષપાતી શાસ્ત્રોની વ્યાખ્યા કરવાનો એકમાત્ર પોતાને જ અધિકાર છે તેવું ઠસાવાયું. આ કાર્ય વ્યાસપીઠ ઉપરથી થઈ શકતું એટલે વ્યાસપીઠ ઉપર માત્ર પોતે જ બેસી શકે, અન્યથી બેસાય નહિ તેવી અધિકારવાદી વ્યવસ્થા કરાઈ. આ બધાનું પરિણામ એ આવ્યું કે સમગ્ર પ્રજા ધાર્મિક અંધકારમાં ડૂબી ગઈ. કાશીમાં કરવત અપાવા લાગી, પ્રયાગરાજમાં અક્ષયવટ ઉપરથી કુદાવીને મોક્ષ અપાવા લાગ્યો, જગન્નાથ પુરીમાં રથ નીચે કચડાઈ મરવાથી મોક્ષ અપાવા લાગ્યો. મંદિરોમાં દેવદાસીઓ ઊભરાવા લાગી. દરિદ્ર માનવીને ન તો મંદિરમાં પ્રવેશ મળતો કે ન તો કોળિયો અન્ન મળતું. જન્મજાત પવિત્રતાની એકાધિકારિતા એક નિશ્ચિત વર્ણમાં આવી ગઈ તે તો ઠીક પણ આવી જ રીતે જન્મજાત અપવિત્રતા પણ નિશ્ચિત વર્ગોમાં આવી ગઈ. કેટલાક વર્ણોને પાપયોનિ કહેવાયા. સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રોને અપવિત્ર મનાયા . ‘સ્ત્રીયાં વૈશ્યાસ્તથા શૂદ્રસ્તેઙપિ યાન્તિ પરાં ગતિમ્ !" (ગીતા).


કોઈ પણ સમાજમાં કોઈ પણ વર્ણ કે વર્ગને જન્મજાત અપવિત્ર સાબિત કરવામાં આવે પછી તેની સામાજિક તથા ધાર્મિક અવનતિ નિશ્ચિત થઈ જતી હોય છે. સામાજિક તથા ધાર્મિક અવનતિનું પરિણામ આર્થિક તથા રાજકીય ક્ષેત્રે પણ પડતું હોય છે. જેને જોડા આગળ પણ બેસવાનો અધિકાર ન હોય તેને રાજ્ય સિંહાસને કોણ બેસવા દે? પ્રજાના પૂરા અધિકારો, હકો તથા લાભો મુઠ્ઠીભર માણસો પાસે એકત્રિત થઈ જાય અને બાકીની પ્રજા અધિકારો તથા હકોથી વંચિત રહી જાય તેવી સમાજરચના ઉત્તમ સમાજરચના કહેવાય તો અધમતા માટે જગ્યા ક્યાં રહેશે ? સેતાન બિચારો ક્યાં બેસશે? આવી સમાજરચનાને પાછી ઈશ્વરીય વ્યવસ્થા કહેવામાં આવે તો જુઠ્ઠાણાને પણ લાજી મરવું પડે. પણ, આ બધું અહીં થયું થઈ રહ્યું છે અને તેનાં પરિણામ આખી પ્રજા ભોગવી રહી છે. હિન્દુ પ્રજાની મૂળ દુર્બળતા તેની વિભાજિત સમાજરચના છે, વર્ણવાદ છે.


કાશી એટલે વિદ્યાનગરી. પણ આ વિદ્યાએ રાષ્ટ્રીય, ધાર્મિક કે સામાજિક ક્ષેત્રની અવ્યવસ્થા, અન્યાય દૂર કરવા ખાસ પ્રયત્નો કર્યા હોય તેવું સાંભળ્યું નથી. મારું તાત્પર્ય સંસ્કૃત વિદ્યાના જુનવાણી પંડિતો પ્રત્યે છે. મહાત્મા ગાંધીજી તેમને અસ્પૃશ્યતાનિવારણના તત્ત્વને સમજાવવા આવેલા અને કર જોડીને વિનંતી કરેલી પણ અહીંના વિદ્વાનોએ તેમને અશાસ્ત્રજ્ઞ કહી તેમની ઉપેક્ષા કરેલી. આ જ નગરીમાં કબીર, તુલસી વગેરે કેટલાય સંતો થયેલા અને તેમની દિવ્ય વાણી પ્રસરેલી પણ જુનવાણી વર્ગ સામે પક્ષે રહ્યો. તેથી તેમનો યોગ્ય સુધારો ન થઈ શક્યો.


કાશીમાં સારી એવી સંખ્યામાં હરિજનભાઈઓ રહે છે. એક વાર અમે ચાર-પાંચ સંન્યાસીઓ તેમના મહોલ્લા વચ્ચેની સડકેથી નીકળ્યા. સડકની બંને બાજુ બે જુદાં દૃશ્યો જોયાં. એક તરફ સ્વચ્છ કપડાં, સ્વચ્છ, શરીર, માથું ઓળેલું અને ચહેરા ઉપર તેજીવાળા છોકરાઓ વૉલીબૉલ રમી રહ્યા હતા બીજી તરફ ગંદાં કપડાં, ગંદાં શરીર અને નિસ્તેજ ચહેરાવાળા છોકરાઓ ધૂળ સાથે રમી રહ્યા હતા. આ ભેદનું કારણ જાણવા મળ્યું. જે લોકોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે તેમનાં બાળકો ભણે-ગણે છે, સ્વચ્છ રહે છે. પાદરીઓ તેમના વિકાસની કાળજી રાખે છે એટલે પેલા વૉલીબૉલ રમનારા તે છે. અને જેમણે ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર નથી કર્યો, હજી પણ હિન્દુધર્મમાં રહ્યા છે તેમની કાળજી રાખનાર કોઈ નથી, તેમનું જીવન સામાન્ય ગંદકીમાં અટવાયા કરે છે.


અમારામાં એક ફૉરિન-રિટર્ન સંન્યાસી હતા, જે પાછળથી બહુ મોટી ગાદી ઉપર બેઠા હતા. તેમણે કહ્યું કે હું જીવનભર આ લોકોના કલ્યાણ માટે કામ કરતો રહીશ.’ અમે તેમને મોટા માનતા, તેમની વાતોથી અમને બળ મળેલું. પણ ગાદી ઉપર બેઠા પછી તે બદલાઈ ગયા. શ્રીમંત શેઠો આગળ વૈચારિક ક્રાંતિની મશાલ પ્રદીપ્ત રાખવી કઠિન હોય છે, શ્રીમંતો વિના મઠો ચલાવવા કઠિન હોય, એટલે જેણે મઠો ચલાવવા હોય, મોટા મોટા ભંડારા કે સમૈયા કરવા હોય તેણે સીધી યા આડકતરી રીતે શ્રીમંતોની શરત માનવી જ પડતી હોય છે. બીજી તરફ જેના માટે (હરિજનો માટે) તમે કામ કરવા માગતા હો તેના તરફથી તો તમારી સંસ્થાને સહાયની કોઈ શક્યતા જ નથી  હોતી. ઊલટાનું તેનો સંબંધ તમારા માટે અડચણરૂપ થઈ જતો હોય છે. આ કારણે ઘણા લોકો શરૂઆતમાં સુધારાના કાર્યને સ્વીકારીને પણ પાછળથી છોડી દેતા હોય છે. કારણ કે વાસ્તવિકતા અને આદર્શમાંથી વાસ્તવિકતાને સ્વીકારવા તરફ લોકોનું વલણ હોય છે. આદર્શ માટે જીવન બરબાદ કરી નાખનારા બહુ થોડા જ અંગદના પગ લઈને જન્મ્યા હોય છે. પેલા સ્વામીજી ગાદીપતિ થયા પછી પેલું કાર્ય કરી શક્યા નહિ, ઊલટાનું ભક્તોની લાગણીના પ્રભાવથી થોડા વિરોધી પણ થયા.


આ હિન્દુ રહી ગયેલા હરિજનો અવારનવાર કાશીના પ્રસિદ્ધ મંદિર કાશીવિશ્વનાથમાં પ્રવેશ પામવા માટે ભજન મંડળી બનાવીને ગાતે-વાજતે જતા, પણ જુનવાણી વર્ગનું ઘડતર કરનારા વિદ્વાનો હતા, તે એમ માનતા કે હરિજનોના મંદિરપ્રવેશથી ધર્મ ભ્રષ્ટ થઈ જશે, એટલે ધર્મની રક્ષા કરવા માટે પ્રાણની બાજી લગાવી દઈને પણ હરિજનોને મંદિરમાં પ્રવેશતા અટકાવવા હરિજનોની મંડળી 'નમઃ શિવાય ૐ નમઃ શિવાય':ની ધૂન બોલતી વિશ્વનાથજીની ગલીમાં જ્યારે પ્રવેશ કરતી ત્યારે ઘણાખરા લોકો તેમની આડે સૂઈ જતા. સ્ત્રીઓમાં આ પ્રકારની ધાર્મિક લાગણીઓ વધુ પ્રબળ હોય છે એટલે તે એમાં પણ ભાગ લેતી. ધર્મને ભ્રષ્ટ કરવા માટે લોકો સરકારને, કોંગ્રેસને, મહાત્મા ગાંધીને ગાળો દેતા અને અંગ્રેજોની પ્રશંસા કરતા. આવું અવારનવાર થયા કરતું, જ્યારે જ્યારે પણ આવું થતું ત્યારે વાતાવરણમાં ગરમી આવી જતી. હરિજનો નિરાશ થઈને ધૂન ગાતા ગાતા પાછા જતા રહેતા.


એક વાર સવારના પહોરમાં આખી કાશીમાં સનસનાટી ફેલાઈ ગઈ. પરોઢિયાના ચાર વાગ્યે ઓચિંતાના હરિજનોનાં ટોળાંએ મંદિરમાં પ્રવેશ કરી દીધો હતો. પૂર્વસૂચના વિના તે આવ્યા, પણ પૂજારીઓને ખ્યાલ આવતાં જ મંદિરને તાળાં લગાવી દીધાં. સરકારી ઑફિસરોની મદદથી તાળાં તોડીનેપ્રવેશ્યા અને આરતી-પૂજા, ભજન-કીર્તન કર્યું. બસ. હા…હા.......કાર થઈ ગયો.


આઝાદીનાં આટલાં વર્ષ પછી પણ જુનવાણી વર્ગ ઉદાર થયો ન હતો. વિદ્વાનોએ તેમને ઉદાર કરવાની જગ્યાએ સંકુચિત બનાવાનું કામ કર્યું હતું.


અમારી પાઠશાળાના આચાર્ય ચુસ્ત વર્ણવાદી પંડિત હતા. સવારના નવ વાગ્યે જ્યારે તેમણે પાઠશાળાના દ્વારમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના ચહેરા ઉપ૨ ચિંતા, આક્રોશ અને ઉત્તેજના હતી. મને જોતાં જ તેઓ બોલ્યા, અરે ગજબ.... હો ગયા.... ....ને મંદિરકો ભ્રષ્ટ કર દીયા.... હે ભગવાન અબ ક્યા હોગા?....' તે ખૂબ વ્યથિત હતા. વૈચારિક સંકીર્ણતા વ્યક્તિને વાસ્તવિકતાનો સ્પર્શ નથી થવા દેતી. મેં જાણવા માગ્યું કે શું થયું? તેમણે ધ્રૂજતા શરીરે અને રૂંધાતા સ્વરે બતાવ્યું કે ‘હરિજનોં કા (ચમાર કા) પ્રવેશ હો ગયા.’ તેમની વાત સાંભળતાં જ મારા અંગેઅંગમાં વીજળીની માફક આનંદ પ્રસરી ગયો મેં ઉલ્લાસમાં કહ્યું,


‘અચ્છા હુઆ પંડિતજી, સદીયોં કા પાપ આજ ધુલ ગયા.' મારી વાણીએ અગ્નિમાં ઘી હોમવાનું કાર્ય કર્યું. તે ભડકી ઊઠ્યા.


અરે તુમ કૈસે સંન્યાસી હો ? ધર્મ કા નાશ હો રહા હૈ ઔર તુમ ખુશીયાંમના રહે હો ?” વાતાવરણમાં ગરમી આવી ગઈ હતી. મેં શાંતિથી કહ્યું પંડિતજી, મૈં ઓર મિટ્ટી કા બના હુઆ હૂં. ધર્મનાશ નહીં હો રહા ધર્મરક્ષાકી શરૂઆત હો રહી હૈ.'


અમારો વિવાદ કેટલાક લોકોએ બંધ કરાવ્યો. હું વિચારતો રહ્યો, પોતાના જ ધર્મભાઈઓને પોતાના જ મંદિરમાં પ્રવેશ કરતાં રોકવા, અટકાવવા, તેમને અધિકારહીન સમજવા, આનું નામ તે વળી ધર્મ કહેવાતો હશે ! આવો ધર્મ સ્થાપનારા, પાળનારા અને પળાવનારા ઉપર ભગવાન કેમ રાજી રહે ? ઊંચી ગણાતી પ્રજાએ શૂદ્રો પ્રત્યે જે વ્યવહાર કર્યો છે તે કોઈ પણ ધર્મને ઉજ્જ્વળ બનાવે તેવો નથી. શૂદ્રોમાં પણ અસ્પૃશ્ય ગણાતી પ્રજા માટે તો જીવન જ ક્યાં રહેવા દીધું છે ? આટલી પ્રતારણા પછી પણ આ ગરીબ પ્રજા હિન્દુ ધર્મ સાથે મમત્વ ધરાવે, ભળી જવા ઉત્સુકતા રાખે તે જ વિચિત્રતા કહેવાય.


આભાર

સ્નેહલ જાની