Krodhne Niyantranma Rakhvani Rito in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | ક્રોધને નિયંત્રણમાં રાખવાની રીતો

Featured Books
Categories
Share

ક્રોધને નિયંત્રણમાં રાખવાની રીતો

ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી, જેમાં પહેલા પોતે બળે, પછી બીજાને બાળે બધા જ લોકો ક્રોધને નાબૂદ કરવાના પ્રયત્નો કરે છે. પણ ખરેખર તો ક્રોધ બંધ કરવાથી નિયંત્રિત નથી થતો. ક્રોધના કારણો બંધ થાય તો ક્રોધ ઉપર નિયંત્રણ આવે. 

ધારો કે, આપણે બહાર નીકળ્યા હોઈએ ત્યારે માથામાં એક પથ્થર વાગ્યો અને લોહી નીકળ્યું. આપણે જો જોઈએ કે કોઈ છોકરાએ પથ્થર માર્યો તો ક્રોધ આવે. પણ એમ ખ્યાલ આવે કે ડુંગર ઉપરથી પથ્થર ગબડતો આવ્યો ને વાગ્યો તો કોઈ ઉપર ક્રોધ નથી આવતો. એટલે ક્રોધનું મૂળ કારણ છે સામી વ્યક્તિને દોષિત જોવી. નીચેના કેટલાક ઉપાયો કરવાથી ક્રોધને ઝડપથી નિયંત્રિત કરી શકાય છે.

પોતાને સામાની જગ્યાએ મૂકવું 

કોઈ આપણા ઉપર ગુસ્સે થાય તો આપણાથી સહન નથી થતું, તો કોઈ વ્યક્તિ ઉપર ક્રોધ આવે ત્યારે આપણને એટલો વિચાર આવવો જોઈએ કે, “એની જગ્યાએ હું હોઉં તો મારી શી દશા થાય?” પોતાને બીજાની જગ્યાએ રાખીને જોવું, એનું નામ માનવધર્મ. આપણને જેવું ગમે એવું જ બીજા સાથે વર્તન કરવું એ માનવધર્મનો પાયો છે. ખરેખર તો ક્રોધ કરતા પહેલાં જ એવો વિચાર આવે, કે “મારા ઉપર કોઈ આમ ક્રોધ કરે તો મને ગમે કે ના ગમે?” તો ક્રોધ ત્યાં ને ત્યાં જ શમી જશે. 

બુદ્ધિથી તારણ કાઢવું

નોકરી-ધંધામાં કોઈ મોટું નુકસાન થઈ ગયું હોય કે ઘરમાં કોઈ કિંમતી વસ્તુ તૂટી ગઈ ત્યારે નુકસાન કરનાર વ્યક્તિ ઉપર ક્રોધ આવી જાય છે. વસ્તુ તો તૂટી જ અને ક્રોધથી વ્યક્તિનું મન પણ તૂટી ગયું. તે વખતે બુદ્ધિથી પણ એવું તારણ કાઢી શકીએ કે ક્રોધ કરવાથી નુકસાન ભરપાઈ થઈ જશે? શું તૂટેલી વસ્તુ સંધાઈ જશે?” જો ક્રોધ કરવાથી ખોટને નફામાં પરિવર્તન કરી શકાતી હોય તો સમજીએ કે ક્રોધ કરવો જોઈએ. પણ જો ફાયદો ના થતો હોય તો ક્રોધ કર્યા વગર એમ ને એમ ચલાવી લેવું જોઈએ. આમ સહેજ વિચારણાથી પણ ક્રોધ ઉપર નિયંત્રણ આવી શકે છે.

બધા પાસા અવળા ધારવા

દરેક વ્યક્તિને પોતાની ધારણા પ્રમાણે કામ કરવું હોય છે. અને સામો જ્યારે પોતાના ધાર્યા પ્રમાણે ન કરે ત્યારે ક્રોધ આવી જાય છે. આપણા ધાર્યા પ્રમાણે ન બને ત્યારે આપણને વિચાર આવવો જોઈએ કે જો બધા જ પોતપોતાના ધાર્યા પ્રમાણે કરવા જશે, તો સામસામે ટકરામણ થશે અને કોઈના ભાગમાં કશું નહીં આવે. જેમ કે, રમતમાં બધા પાસા સવળા પડે એવી ધારણા રાખી હોય ત્યાં બધા પાસા અવળા પડો એમ ધારવું. એટલે એકાદ પાસો સવળો થાય તો પણ દુઃખ ના થાય, ક્રોધ ના આવે.

સામાના લેવલ પર આવવું

જ્યારે આપણા વિચારોની ઝડપ સામાના વિચારોની ઝડપ કરતા વધારે હોય, ત્યારે સામાને આપણી વાત પહોંચતી નથી, પરિણામે આપણને ક્રોધ આવે છે. વિચારોની ઝડપને રિવોલ્યુશન કહેવાય છે. આપણા વિચારોના રિવોલ્યુશન ૫૦૦૦ હોય, અને સામાના રિવોલ્યુશન ૫૦૦ હોય ત્યારે આપણને સામાના લેવલ ઉપર જઈને એને સમજાવતા આવડતું નથી અને ધીરજ ખૂટી પડે છે. છેવટે આપણે અકળાઈ જઈએ કે ઈરિટેટ થઈ જઈએ છીએ. આવા સમયે આપણે આપણા રિવોલ્યુશન ધીમા કરી નાખવા જોઈએ અને સામાના લેવલ ઉપર જઈને વાત કરવી જોઈએ. એટલે કે, સામાને સમજાય એ ઝડપે, એ શબ્દોમાં આપણી વાત રજૂ કરવી જોઈએ. વચ્ચે વચ્ચે પૂછવું પણ જોઈએ કે “તમને સમજાયું?” અને જો સામાને ન સમજાય તો રીત બદલીને ફરીથી વાત કરવી જોઈએ. આવું એડજસ્ટમેન્ટ લઈને વાત કરવાથી આપણા ક્રોધ ઉપર આપણો કાબૂ રહેશે અને સામાનું મન પણ નહીં તૂટી જાય.

માફી માંગવી

બધી રીતે નક્કી કર્યા પછી પણ જો ક્રોધ થઈ જાય તો તે બદલ મનમાં તે વ્યક્તિને યાદ કરીને દિલથી માફી માંગવી, અને ફરી આવો ક્રોધ ના થાય તે માટે નિશ્ચય કરવો. તેમ છતાં, ફરી ક્રોધ થઈ જાય તો ફરીથી પસ્તાવો લેવો. ક્યારેક કોઈ વ્યક્તિને ઉઘાડું દુઃખ અપાઈ ગયું હોય તો જઈને વાળી આવવું કે “મારાથી તમને દુઃખ થયું, એ ખોટું થયું, માફી માંગું છું.” આમ કરતા કરતા ક્રોધ ધીમે ધીમે ઓછો થઈને ખલાસ થઈ જશે.