"હું એકવાર મારી રેશ્માને મળી શકું છું?"વિવેકરાયે હકારમાં ફક્ત માથું ધુણાવ્યું.નાજુક નમણી રેશ્મા આગળ ચાલી રહી હતી અને પડછંદ કાય લેફ્ટેનન્ટ અમન તેની પાછળ પાછળ ચાલી રહ્યો હતો...
રેશ્મા તેને ઉપરના માળે એક અલાયદો રૂમ હતો તેમાં લઈ ગઈ.અમને રૂની પૂણી જેવા નાજુક નમણાં રેશ્માના હાથ પકડી લીધાં, "ખૂબજ પ્રેમ કરું છું તને, મારી કમાણીમાંથી સાહીઠ હજાર ભેગા કર્યા છે અને આરામથી રહી શકીએ એટલું કમાવું છું. તને ખૂબજ ખુશ રાખીશ. મારા પ્રેમને શોધતો શોધતો જાનની પણ પરવા કર્યા વગર છેક અહીં સુધી પહોંચી ગયો છું. બોલ આવીશ ને મારી સાથે..?"પોતાના સાચા પ્રેમનો એકરાર કરતો તે રેશ્માની સામે ઘૂંટણિયે ઝૂકી ગયો. રેશ્માની પાસે કોઈ જ જવાબ નહોતો શું કરવું તેની કંઈજ સમજમાં આવતું નહોતું.એક બાજુ પોતાના પિતાજી અને છુટકી બંને હતા અને બીજી બાજુ પોતાને જીવથી પણ વ્હાલો પોતાનો પ્રેમ અમન હતો.તે ચૂપ હતી.બંને વચ્ચેનો પ્રેમાલાપ ચાલતો હતો ત્યાં બહારથી કોઈકે ડેલાની સાંકળ જોરથી ખખડાવી...ઘરમાં હાજર વિવેકરાય, છુટકી, રેશ્મા અને અમન બધાજ સાવધ થઈ ગયા. વિવેકરાયના તો છક્કા જ છૂટી ગયા.. મનમાં થયું કે, મરી ગયા..વિવેકરાયે ગભરાતાં ગભરાતાં અંદરથી સાંકળ ખોલી અને જોયું તો હાથમાં ચપ્પુ લઈને બાજુવાળા માજી તેમની સામે ઉભા હતા, "ક્યાં ગઈ રેશ્મા..? દેખાતી નથી આ તમારું ચાકુ લઈ ગઈ હતી તે દેવા આવી છું." (હિન્દીમાં વાતચીત ચાલી પરંતુ અહીં મેં ગુજરાતીમાં સંવાદ લખ્યો છે.)વિવેકરાયે એક પણ શબ્દ બોલ્યા વગર ચાકુ પોતાના હાથમાં લઈ લીધું અને માજીને વિદાય કર્યા અને ફરીથી પાછી બારણે સાંકળ લગાવી દીધી.
આ બાજુ અમન બોલે જતો હતો કે, "જીવન જીવવા માટે પૈસા ઓછા પડતા હોય તો વધારે કમાઈ લઈશ અને શહીદ થઈ જવું તો....આ શબ્દ સાંભળતા વેંત જ રેશ્માના મનમાં એકદમ ફાળ પડી તેના હાથ તેના કાબૂની બહાર અમનના હોઠ સુધી પહોંચી ગયા અને શરીર એકદમ ઝૂકી ગયું તે પોતાનું બેલેન્સ ગુમાવી બેઠી અમને તેને પોતાની બાહોમાં ઉંચકી લીધી બંનેની આંખો એકમેકમાં ભળેલી હતી અને બંનેના દિલ પણ એકમેકમાં ભળી ગયા હતા સમય જાણે બંનેના પ્રેમની સાક્ષી બનીને સ્થિર થઈ ગયો હતો અને બંનેના હ્રદયે જાણે ધબકવાનું બંધ કરી દીધું હતું બધું જ સ્થિર થઈ ગયું હતું.અમને પોતાની માશૂકાને ખૂબજ પ્રેમથી ચૂમી લીધી અને જાણે ફૂલને સાચવીને નીચે જમીન ઉપર મુકતો હોય તેમ રેશ્માને હળવેથી નીચે ઉતારી."મારી સામે જ જોયા કરશો કે મારા પ્રશ્નનો કંઈ જવાબ પણ આપશો..?"રેશ્મા જાણે બેહોશીમાંથી ભાનમાં આવી અને બે જ શબ્દો બોલી કે, "બાપુની પરવાનગી...""એ તો મળી ગઈ સમજો..."અમન રેશ્માનો હાથ પકડીને તેને લઈને નીચે ઉતર્યો. બંને જણાં પિતાજીના પગમાં પડ્યા અને તેમના આશિર્વાદ લીધાં.
ચોવીસ કલાક પડછાયાની જેમ સાથે રહેનારી છુટકી અચાનક આ બધું જોઈને જાણે હેબતાઈ જ ગઈ હતી અને બારણાંની પડખે ઉભી ઉભી ચોંધાર આંસુએ રડી રહી હતી રેશ્મા તેની પાસે ગઈ, વાંદરાની બચુડી નીચે પડી જવાના ડરથી જે રીતે વાંદરાને વળગી પડે તે રીતે છુટકી રેશ્માને વળગી પડી બંને બહેનો કદાચ છેલ્લી વખત મળી રહી હતી બંને એકબીજાને વળગીને ખૂબ રડી રહી હતી ખૂબ રડી રહી હતી... વિવેકરાયના આંસુ તો પોતાની પ્રાણથી પણ પ્યારી દીકરી રેશ્મા એક ભારતીય ફૌજી જવાન જોડે પરણવા જઈ રહી છે અને કદાચ હવે કદી પણ પોતાને નરી આંખે દેખવા પણ નથી મળવાની એ વિચારે જ તેમના સૂકાઈ ગયા હતા કાળજા ઉપર પથ્થર મૂકીને તેમણે બંનેને આશિર્વાદ આપ્યા.અમને પહેલા છુટકીને અને રેશ્માને છૂટાં પાડ્યા અને પછી એક બાપ બેટીને છૂટા પાડવાની તે કોશિશ કરવા લાગ્યો. (એક બાપ ગમે તેટલો મજબૂત હોય છતાં પણ પોતાની દીકરીની વિદાય સમયે તે ઢીલો પડી જતો હોય છે.)વિવેકરાયે પોતાના આંસુ લૂછ્યા અને બંનેને સત્વરે આ જગ્યા છોડીને જે રીતે અમન આવ્યો હતો તે રીતે છુપાઈને, સંભાળીને અહીંથી આબાદ રીતે બચીને નીકળી જવાની સૂચના પણ આપી અને સાથે સાથે ઢગલો આશિર્વાદ પણ આપ્યા.બંને એકબીજાના પ્રેમના ભરોસે આ એક નવી કપરામાં કપરી જંગ ખેલવા માટે એકબીજાના હાથમાં હાથ, દિલમાં દિલ અને પ્રેમમાં પ્રેમ પરોવીને ત્યાંથી ભાગી છૂટયા.
ચાલતાં ચાલતાં ઘણે દૂર આવી ચૂક્યા હતા બસ હવે થોડું જ અંતર કાપવાનું બાકી હતું પરંતુ રેશ્મા હવે ખૂબ થાકી ગઈ હતી તેનાથી એક ડગલું પણ આગળ મંડાય તેમ નહોતું.અમને આજુબાજુ કોઈ ઘર દેખાય તો મદદ માટે નજર દોડાવી. ઘર તો દેખાતું હતું પરંતુ ઘણે દૂર હતું ત્યાં સુધી તો પહોંચવું જ પડે તેમ હતું.રેશ્મા ચાલતાં ચાલતાં વચ્ચે વચ્ચે અટકી જતી હતી અને બંને જણાં પાકિસ્તાની કમાન્ડોની નજરમાં નજરાઈ ગયા. આડેધડ ગોળીબાર ચાલુ થઈ ગયો. અંધારું ખૂબ થઈ ગયું હતું એટલે સ્પષ્ટ કશું દેખાતું નહોતું આ અંધારાનો લાભ ઉઠાવીને જ અમને અહીંથી નીકળી જવું પડે તેમ હતું નહીં તો સૂર્યના પહેલા કિરણની સાથે જ બંનેને ઠાર કરી દેવામાં આવે તેવી પરિસ્થિતિ હતી.રેશ્માનું શરીર હવે તેને બિલકુલ સાથ આપતું નહોતું અમને તેને પોતાના ખભે ઉપાડી લીધી અને દૂર એક ઝૂંપડી દેખાતી હતી ત્યાં સુધી તેને લઈ ગયો. ઝૂંપડીમાંથી એક નવયુવાન યુવતી બહાર આવી તેણે થોડી પૂછપરછ કરી અમને પોતાનું સાચું નામ અને ઠામ બંને બતાવી દીધા...રેડિયો ઉપર અમનની વીરતાના વખાણ આ યુવતી પણ અવારનવાર સાંભળતી હતી તે પણ આવા વીર જવાનના દર્શન કરવા ઈચ્છતી હતી તેણે બંનેને પોતાની ઝૂંપડીમાં આશ્રય આપ્યો ફક્ત બે ત્રણ કલાક જ આરામ કરીને ફરીથી અમન અને રેશ્મા પોતાની મંઝીલની દિશામાં આગળ ડગ માંડવા લાગ્યા બે કલાકમાં તેઓ બંને હેમખેમ હિન્દુસ્તાનની બોર્ડર ઉપર પહોંચી ગયા.બોર્ડર આવતાં જ રેશ્મા ઢગલો થઈને નીચે ફસડાઈ પડી તેનું શરીર તાવથી સખત ધગધગતું હતું તેને સુરક્ષિત એવા એક કોટેજમાં લઈ જવામાં આવી અને ડૉક્ટરને બોલાવીને તેની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી.બરાબર એક દિવસ પછી પાકિસ્તાની ન્યૂઝમાં એક હિન્દુસ્તાની ફૌજી જવાન પાકિસ્તાનમાં ઘૂસીને એક નવયુવાન છોકરી રેશ્માને ઉઠાવી ગયાના સમાચાર ફેલાઈ ગયા.રેશ્માની બહેન છુટકી અને વિવેકરાયને પાકિસ્તાની સરકારે પોતાના બાનમાં લઈ લીધાના સમાચાર વહેતા થઈ ગયા હતા.પોતાના પિતા અને બહેનના સમાચાર સાંભળીને રેશ્મા ખૂબજ દુઃખી હતી પરંતુ તેના હાથમાં કશું જ નહોતું.
કદાચ આ રીતે કેટલાય હિન્દુસ્તાની પરિવાર ભારત પાકિસ્તાનના ભાગલાના ભોગ બન્યા હશે....અને પોતાના વતન પોતાના પ્રાણથી પણ પ્યારા પોતાના દેશ ભારતમાં પાછા ફરવા માટે તડપી રહ્યા હશે...
સેલ્યૂટ છે આપણાં વીર જવનોને જે સરહદ ઉપર ચોવીસ કલાક માઈનસ ડીગ્રી ટેમ્પરેચરમાં પણ અને ધોમધખતા તડકામાં પણ ખડેપગે ઉભા રહીને આપણી અને આપણાં દેશની રક્ષા કરે છે.🫡🙏 અને માટે જ આપણે અહીં આપણાં દેશમાં સુરક્ષિત અને સહીસલામત છીએ.
મારી આ વાર્તા આપને કેવી લાગી તે કોમેન્ટમાં અચૂક જણાવવા વિનંતી તેમજ તેને રેટિંગ આપીને સ્ટીકર આપીને બિરદાવવા વિનંતી 🙏.
~ જસ્મીનાશાહ 'સુમન' દહેગામ 5/9/25