વાંચન: તમારા જીવનમાં સમયનું શ્રેષ્ઠ રોકાણ
· વાંચન: એક કળા અને કૌશલ્ય
વાંચન એ એક કળા છે, વાંચન એ માત્ર છાપેલા અક્ષરોને ઓળખવાની ક્રિયા નથી, પરંતુ તેનાથી ઘણું વધારે છે. તે એક એવી કળા છે જે વ્યક્તિના જીવનને સમૃદ્ધ બનાવે છે. શ્રવણ અને કથન જેવી સહજ ક્રિયાઓથી વિપરીત, વાંચન એક વિચારશીલ અને માનસિક પ્રક્રિયા છે, જેમાં શબ્દોના દ્રશ્ય સંકેતોને ઓળખીને તેનો ઊંડાણપૂર્વક અર્થ સમજવો જરૂરી છે.આ પ્રક્રિયામાં આપણી આંખોનું કાર્ય શારીરિક છે, જ્યારે અર્થઘટનનું કાર્ય માનસિક છે. આ જ કારણે, માત્ર અક્ષરો વાંચી શકતું પણ તેનો અર્થ ન સમજી શકતું બાળક ખરેખર તે વાંચી શકતું નથી.આગળ કહ્યું તેમ માત્ર અક્ષરો ઓળખવા એ જ વાંચન નથી. જેમ કે, ધો ૬-૭ સુધીના વિદ્યાર્થીઓ કે ત્યાં સુધીનો અભ્યાસ ધરાવતી વ્યક્તિઓ અંગ્રેજી પુસ્તકના અક્ષરો વાંચી શકે છે, પરંતુ તેનો ખરેખર અર્થ પૂરી રીતે સમજી શકતા નથી. આથી, વાંચન માટે છાપેલા સંકેતોને ઓળખવા અને તેનો અર્થ સમજવો બંને બાબતો મહત્વની છે.
· વાંચન: ગ્રહણ અને સર્જન
વાંચન માત્ર ગ્રહણાત્મક કૌશલ્ય નથી, પરંતુ તે સર્જનાત્મક પણ છે. જ્યારે આપણે વાંચીએ છીએ, ત્યારે આપણે લેખકે રજૂ કરેલા સંદર્ભને ફરીથી પોતાના મનના પડદા પર એક ફિલ્મ ની જેમ સર્જી શકીએ છીએ અને આગળ શું આવશે તેની આગાહી પણ કરી શકીએ છીએ.
· વાંચનનું મહત્વ
નિયમિત વાંચન વ્યક્તિત્વ ઘડતરમાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે. જો વાંચન કરતી અને ન કરતી વ્યક્તિઓ પર અભ્યાસ કરવામાં આવે તો તેમના વાણી ,વર્તન અને વ્યવહાર વચ્ચે સ્પષ્ટ તફાવત જોઈ શકાય છે. સંસ્કૃતિને જાણવા, સાચવવા અને વધારવા માટે પણ વાંચન અનિવાર્ય છે. વાંચન આપણા જીવનના અનેક પાસાંઓ પર ઊંડો પ્રભાવ પાડે છે. વર્તમાન યુગમાં જ્યાં જ્ઞાનનો વિસ્ફોટ થઈ રહ્યો છે, ત્યાં પુસ્તકો જ્ઞાનનો સૌથી મોટો ભંડાર છે. વાંચન વિના આ જ્ઞાનને પ્રાપ્ત કરવું અશક્ય છે. વાંચન આપણને સતત નવી માહિતી અને જ્ઞાનથી અપડેટ રાખે છે. તે આપણી વિચારશક્તિને મજબૂત બનાવે છે અને આપણને વિચારશીલ વ્યક્તિ બનાવે છે.વાંચન માત્ર માહિતી અને જ્ઞાન જ નથી આપતું, પરંતુ તે મનોરંજનનું પણ સાધન છે. મુસાફરી દરમિયાન કે ફુરસદ ( નવરાશ ) ના સમયમાં કંટાળો દૂર કરવા માટે વાંચન એક ઉત્તમ વિકલ્પ છે, જો સમયનો સદુપયોગ કરવો હોય સાથે સાથે જ્ઞાન માં પણ વધારો કરવો હોય અથવા કંઇક નવું શીખવું હોય તો વાંચન જ યોગ્ય માધ્યમ છે. ટીવી કે ઇન્ટરનેટ જેવા અન્ય સાધનો માટે ઘણી તૈયારીઓ અને સામગ્રીની જરૂર પડે છે, જ્યારે વાંચન હાથવગું, ઈચ્છિત અને સરળતાથી ઉપલબ્ધ સાધન છે. જે ગમે ત્યારે ને ગમે ત્યાં બેસીને થઇ શકે છે જેમાં એક પુસ્તક સિવાય બીજી કોઈ સુવિધાની જરૂર નથી આપણે ગમે ત્યાં, ગમે ત્યારે પુસ્તક લઈને મનોરંજન મેળવી શકીએ છીએ.તેમજ ઓછા ખર્ચે ઉપલબ્ધ પણ થઇ શકે છે. રોજિંદા વ્યવહારમાં અનુકૂળતા પ્રાપ્ત કરવા અને વ્યવસાયમાં વધુ સફળ થવા માટે પણ વાંચન અત્યંત જરૂરી છે. વ્યક્તિ વ્યક્તિ એ વાંચન કરવાની અલગ- અલગ પદ્ધતિ હોય છે જેમ કે કોઈ ઊંચા સાદે બોલીને વાંચન કરે તો કોઈ મનમાં શાંતિથી વાંચન કરે. ઉપરાંત, શાળા કક્ષાએ થતા ઈતરવાંચન વગેરે. આમ, વાંચન એ એક એવું શક્તિશાળી હથિયાર છે જે વ્યક્તિના જીવનમાં ક્રાંતિ લાવી શકે છે. તે આપણને જ્ઞાન અને મનોરંજન બંને પૂરું પાડે છે અને આપણા વ્યક્તિત્વને સુધારે છે. માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.વાંચન મનને શાંત કરવામાં મદદ કરે છે. એક સારા પુસ્તકમાં ખોવાઈ જવાથી રોજિંદા તણાવ અને ચિંતાઓથી ધ્યાન ભટકે છે. નિયમિત વાંચન કરવાથી એકાગ્રતા વધે છે અને મગજની કાર્યક્ષમતા સુધરે છે.
· વાંચનને પ્રોત્સાહન આપવા માટેના ઉપાયો
આથી ,આજના આ આધુનિક યુગના દરેક માતા-પિતાએ બાળકોને માત્ર પાઠ્યપુસ્તકો જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. પોતાના બાળકો પાસે બેસી દિવસમાં માત્ર ૧૫-૨૦ મિનિટનો સમય નિયમિત રીતે વાંચવા માટે ફાળવી શકાય છે,જેથી બાળકો પણ તેમનું અનુકરણ કરશે. આ જ રીતે, દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં ઓછામાં ઓછા પચાસ પુસ્તકો રાખવા જોઈએ.દરેક ગામમાં ગ્રંથાલયો સ્થાપિત થવા જોઈએ તે માટે પુસ્તકોનું દાન કરવું.જન્મદિવસ અને લગ્ન જેવા પ્રસંગોએ આવેલા મહેમાનો ને ભેટ તરીકે પુસ્તકો આપવાનો વિચાર પણ અન્યો ને વાંચન તરફ લઇ જવા માટેનો ઉત્તમ વિકલ્પ છે. મિત્રો, કુટુંબના સભ્યો, કે સહકાર્યકરો સાથે એક બુક ક્લબ બનાવી શકાય છે.વાંચેલ પુસ્તક નો જાહેરમાં અભિપ્રાય આપવો અને તેના પર ચર્ચા કરવાથી અન્ય લોકોનો પણ વાંચન બાબતે ઉત્સાહ વધે છે.
· વાંચનની શરૂઆત કેવી રીતે કરવી?
હા એક વાત ચોક્કસ કહી શકાય કે કદાચ બધાજ વ્યક્તિઓ વાંચનમાં રસ ન પણ ધરાવતા હોય તો એ માટે એક સુચન છે કે કોઈ પણ વ્યક્તિએ , જે વિષયમાં તેને પહેલેથી જ રસ હોય, તે વિષય પરના પુસ્તકોથી વાંચનની શરૂઆત કરવી જોઈએ. ઉદાહરણ તરીકે,જો કોઈને રમત-ગમતમાં રસ હોય તો ક્રિકેટર કે ફૂટબોલરની આત્મકથા વાંચી શકે,અથવા જે-તે રમતને લગત લેખ વાંચી શકે છે.જો કોઈને ટેકનોલોજીમાં રસ હોય, તો નવી શોધો કે મહાન વૈજ્ઞાનિકો વિશેના પુસ્તકો પસંદ કરી શકે,રસોઈ, મુસાફરી, બિઝનેસ કે કલા જેવા વિષયો પણ સારા વિકલ્પ બની શકે છે.
શરૂઆતમાં જાડા કે ભારે ભરખમ પુસ્તકો પસંદ કરવાથી રસ ઓછો થઈ શકે છે. તેની જગ્યાએ સૌ પ્રથમ શરૂઆત નાના અને સરળ પુસ્તકોથી કરી શકાય ,નાની વાર્તાઓની ચોપડીઓ, ટૂંકી નવલકથાઓ, કોઈપણ વિષય પરના સરળ અને સીધી ભાષામાં લખાયેલા પુસ્તકો પસંદ કરવા. આમ, આ રીતે વાંચનને દિનચર્યાનો એક ભાગ બનાવો ,વાંચનને બોજ નહીં, પણ એક મનોરંજક પ્રવૃત્તિ તરીકે અપનાવો, રોજ દિવસના અંતે સૂતા પહેલા ૧૫-૨૦ મિનિટ વાંચવાનો નિયમ બનાવો, રોજ સવારે ચા-કોફી સાથે સમાચારપત્ર, મેગેઝિન, કે રસપ્રદ લેખ વાંચી શકાય.આ સરળ પદ્ધતિઓ અપનાવીને, કોઈપણ વ્યક્તિ ધીમે ધીમે વાંચનનો આનંદ લેતા શીખી શકે છે અને તેને જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવી શકે છે.
આમ, વાંચન એ એક શક્તિશાળી હથિયાર છે જે વ્યક્તિના જીવનમાં ક્રાંતિ લાવી શકે છે અને તેના વ્યક્તિત્વને સુધારે છે.
છેલ્લે :
"विद्या ददाति विनयं, विनयाद्याति पात्रताम्। पात्रत्वात् धनमाप्नोति, धनात् धर्मं ततः सुखम्।।"
અર્થ: "વિદ્યા વિનય આપે છે, વિનયથી યોગ્યતા આવે છે, યોગ્યતાથી ધન મળે છે, ધનથી ધર્મ અને પછી સુખ મળે છે." આ પંક્તિ વાંચનના અંતિમ ધ્યેયને દર્શાવે છે. વાંચનથી પ્રાપ્ત થયેલી વિદ્યા વ્યક્તિના જીવનમાં કેવી રીતે સુખ અને સમૃદ્ધિ લાવે છે તે સમજાવે છે