અંતિમ પડાવ
હું અને મારા પત્ની રોજ જ ગામમાં મંદિરે દર્શન કરવાં જઈએ. એ વખતે અમારા ગામના પાદરમાં એક ઓટલા પર કાયમ નજર જાય. લગભગ ત્રણેક ફૂટ ઊંચો અને છથી સાત ફૂટ લાંબો કાળો પથ્થરવાળો ઓટલો. એની પર કોઈક વખત ફુલો હોય કોઈ વખત હાર હોય. આ બધું હોય એટલે સમજી જઈએ કે આજે કોઈ વ્યક્તિનું દેહાંત થયું. અમે ઓટલાને પગે લાગીએ. મનોમન બોલીએ કે ભગવાન એની આત્માને શાંતિ આપે.
એ ઓટલા પર લખેલું છે, "અંતિમ પડાવ."
માણસ જન્મે છે ત્યારે ખબર નથી હોતી કે મારે છેલ્લે તો અહીંયા જ આવવાનું છે. કોઈ પણ માણસ આખી જિંદગી ક્યાં તો હડબડાટીમાં જીવતો હોય ક્યાં તો પછી એન્જોય કરીને જીવતો હોય. કોઈ કાયમ ચિંતાગ્રસ્ત ચહેરો લઈને ફરતો હોય જાણે આખી દુનિયાનો ભાર એની ઉપર હોય તો કોઈ જણ વખત વિચાર્યે કામ કરતો હોય સમજોને આપણી ભાષામાં પ્રેક્ટિકલ માણસ.
પ્રત્યેક માણસ આશાવાદી હોય છે. તમે જ જુઓને, આવતી કાલે શું કરવાનું છે એની યાદી પણ આપણે કેલેન્ડરમાં લખતાં હોઈએ છીએ. આપણે ભવિષ્યનું આયોજન પણ સુનિશ્ચિત કરતાં હોઈએ છીએ. લગ્ન પ્રસંગ આવે એટલે એક વર્ષ પહેલાથી વાડી, કેમેરા, કેટરર, બ્યુટીપાર્લર વગેરે વગેરે બુક કરી દેતા હોઈએ છીએ. માણસને એટલી ખબર તો છે જ કે કાલ કોણે દીઠી છે. તેમ છતાંય એ કાયમ આશાવાદી રહેતો હોય છે.
જો માણસ એમ સમજે કે મારું મૃત્યુ નિશ્ચિત જ છે. હવે સારા જ કામો કરવા છે તો તો જગતમાં યુદ્ધો જ ન થાય, લડાઈ ઝઘડા બધું ખતમ, પણ એવું થતું નથી.
એક ગામમાં સ્મશાનથી સહેજ પહેલા એટલે સમજોને કે પાદરમાં "અંતિમ પડાવ" લખેલો ઓટલો હતો. એ ગામમાં અલગ અલગ વિચારસરણીવાળા માણસોના બે જૂથ પડી ગયેલા. ખાંડા ખખડયા કરે પણ મોટા ઝઘડા ન થાય. એક દિવસ ખરેખર આ બે જૂથ સામસામે આવી ગયાં. મારામારી થવા માંડી. લાકડી, સપાટા વગેરેનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો.
એવામાં એક ગાંડા જેવો ડાહ્યો માણસ (ખરેખર એની ફિલોસોફી કોઈને સમજાતી ન હતી. એકલો એકલો બબડ્યા કરતો. એ એની ધૂનમાં જ રહેતો. એટલે મોટાઓ એને માન આપતા, પણ નાના છોકરાઓને માટે એ ગાંડો હતો.) "અંતિમ પડાવ" લખેલા ઓટલા પર ચડી ગયો. જોરશોરથી ચીસો પાડવા માંડ્યો, ' બંધ કરો આ લડાઈ ઝઘડા, અંતે તો બધાએ અહીંયા જ સૂવા માટે આવવાનું છે, બંધ કરો આ લડાઈ ઝઘડા, અંતે તો બધાએ અહીંયા જ સૂવા માટે આવવાનું છે.' આ વાક્ય એ વારંવાર બોલ્યો. બંને જૂથો સમજી ગયાં અને ગામમાં કાયમ માટે શાંતિ થઈ ગઈ.
ખરું જીવન જોવું હોય ને તો માણસે ઓર્થોપેડીક, કેન્સર, કિડની વિગેરે જેવી હોસ્પિટલોની મુલાકાત લેવી જોઈએ. એમાં તમે જુઓ દર્દીઓ કેટલા હેરાન થતાં હોય છે. એ પોતે તો શારીરિક અસહ્ય કષ્ટ ભોગવતાં જ હોય છે સાથે સાથે એમનું દુઃખ જોઈ સંબંધીઓ પણ દુઃખી થતાં હોય છે. અરે કોઈ કોઈ તો ડોક્ટરને કઠોર નિર્ણય લેવાનું પણ કહેતા હોય છે.
આટલા અસહ્ય કષ્ટ ભોગવીને માણસને અંતિમ પડાવે જ નિતાંત શાંતિ મળતી હોય છે.
અમે મંદિરેથી પાછા આવ્યાં. એ જ ઓટલા પર હાર, ફૂલ, અબીલ, ગુલાલ, કંકુના છાંટા જોયા. મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે, ' હે ઈશ્વર, બસ એક જ વસ્તુ માંગુ છું કે કોઈ પણ માણસ અંતિમ પડાવે આવે એ પહેલાં કોઈ દુઃખ સહન ન કરવો જોઈએ. પછી એ શારીરિક હોય કે માનસિક. બસ એને શાંતિથી બોલાવી લે ભગવાન...'
અસ્તુ.
જતીન ભટ્ટ ' નિજ '