धर्मो रक्षति रक्षित :अर्थ :- धर्म की रक्षा करने पर, रक्षा करने वालों की धर्म रक्षा करता है ।
ગણેશજી આગમનમાં તમારું મંડળ કે શહેર : "લાજવાબ... કે લાપરવાહ...!!"
મિત્રો અત્યાર સુધી માત્ર ગણેશજી વિસર્જનમાં ડીજે આવતા અને વાજતે ગાજતે આપણે વિસર્જન કરતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આગમનમાં પણ ખૂબ મોટા પાયે તૈયારીઓ થવા લાગી છે અને શહેરમાં આયોજકો વચ્ચે જાણે હરીફાઈ લાગી છે કે કોણ સર્વશ્રેષ્ઠ ડીજે લાવે છે, કોણ કેટલા ફટાકડા અને આતિશબાજી કરે છે વગેરે વગેરે.. આમ તો એમાં કંઈ ખોટું પણ નથી, ગણેશજીનું આગમન ભવ્ય રીતે થવું જ જોઈએ પરંતુ એ હરીફાઈમાં કે દેખાવ કરવામાં આપણે મર્યાદા કે ભાન ભૂલીએ તે કેટલા અંશે વ્યાજબી કહેવાય..!
આ વર્ષે અમારા શહેરોમાં તો ગણેશજી આગમનના નામે ખુબ મજા કરી હો... શહેરના આ છેડાથી પેલા છેડા સુધી મોટ્ટા મોટ્ટા ડીજે લઈને ગણેશજીની પ્રતિમા સાથે આપણી યુવા પેઢી આગમન ના નામે જે પ્રદર્શન કર્યું છે.. ક્યાંક ' લડકી આંખ મારે...' તો ક્યાંક 'સુબહ હોને ના દે, શામ ખોને ના દે, એક દૂસરે કો હમ સોને ના દે..' સામે બીજા ડી જે વાળા ક્યાંક ' ચાર બોટલ વોડકા, કામ મેરા રોજ કા..' તો ક્યાંક ' તેરે લીએ હિ તો સિગ્નલ તોડ તાડ કે આયા દિલ્હી વાલી ગર્લફ્રેન્ડ છોડ છાડ કે..' અને અમુક ગીત તો મને લખતા પણ હાથ પાછા પડે તેવા ગીતો પર આપણા ભાઈઓ અને આપણી દીકરીઓ પણ ક્યાંક હાથમાં શ્રી રામનો ઝંડો હોય તો ક્યાંક ભાગવા કલરના ગણવેશ હોય અને આખા શહેર વચ્ચે મન મૂકીને નાચે, કુદે અને મજા કરે... લોકો ને પણ ખૂબ મજા.. બધા વિડિઓ ઉતારે અને પાછા સ્ટેટ્સ પર મુકીને વધેલી ઘટેલી કમી પૂરી કરે..
શું આપણી પાસે ધાર્મિક ગીતનો અભાવ છે ! શું આવા પ્રસંગે ગુજરાતી ગીત અથવા દેશભક્તિના ગીત ન વગાડી શકાય ! શું ધાર્મિક ગીતો પર ડાન્સ ન થઈ શકે ! શું દારૂ અને બેવફા ના ગીતો કે આઇટમ સોંગ પર ભરબજાર બૂમો પાડવી કે નાચવું એ આપણને લાજવાબ બનાવે છે કે લાપરવાહ !
અત્યારે તો માત્ર આગમન થયું છે, હવે થોડા દિવસમાં વિસર્જન પણ આવી રહ્યું છે... ફરી એક વાર આપણે મોજ અને મજા કરવાની છે, શહેર વચ્ચે બજારમાં બૉલીવુડ ના ગીત અને આઇટમ સોંગ સાથે દારૂ અને બેવફા ના ગીતો પર ડાન્સ કરવાનો છે અને છતાં કોઈ કમી રહી જાય તો આગળ નવ દિવસની નવરાત્રી તો છે જ ને... આખી આખી રાત " જીતા થા જિસકે લીએ... જિસકે લીએ મારતા થા... " અને " જીસે દેખ મેરા દિલ ધડકા .. મેરી જાન તડપતી હૈ .. કોઈ જન્નત કી વો હૂર નહીં, મેરે કોલેજ કી એક લડકી હૈ .." જેવા કેટલાય ધાર્મિક ગીત સાથે માતાજીની આરાધના કરવાની છે અને એમાંય આપણી વિશ્વ વિખ્યાત ગાયિકાઓના ઠુમકા અને અંગ પ્રદર્શન તો ખરા જ...
હવે પ્રશ્ન એ થાય કે એ મંડળના આગેવાનો કે આયોજકો શું મોઢું લઈને આવા ગીતો સાથે ગણેશજી આગમન કે વિસર્જન કરતા હશે અથવા નવરાત્રીમાં પ્રદર્શન કરતા હશે !! અને એ ગીત વગાડવા વાળા ડીજે ઓપરેટર/માલિક કે નવરાત્રીના કલાકારોને પણ ભાન નહીં હોય !! વેલેન્ટાઇન ડે ના દિવસે પ્રેમી પંખીડાઓનો વિરોધ કરનારા અને માર મારનારા ધર્મ અને સંસ્કૃતિના રક્ષકો અને કેટલાક દળના આગેવાનો શું આવા પ્રસંગોમાં નહીં જતા હોય ! શું વહીવટી તંત્ર આ બાબતે કોઈ પગલા ન લઈ શકે !! સવાલ અનેક છે પરંતુ જવાબના ભાગરૂપે સૌએ જાગવાની જરૂર પણ છે..
( આ લેખ કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ મંડળ અથવા ડીજે માટે નથી પરંતુ સૌને એક હકારાત્મક ઉદ્દેશ્યથી વિનંતી છે કે આપણે આપણી સંસ્કૃતિની ગરિમા જળવાઈ રહે અને ધર્મના નામે ધતિંગ ન થાય તેની કાળજી રાખીએ.)
✍🏻 ગૌરાંગ પ્રજાપતિ 'ચાહ'