ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.
“ચાલો, ચાલો! જલ્દી ચાલો, પગમાં હજી મહેંદી મૂકી નથી વાર છે!” નાઝે લિલીપુટ લહેરાવતા સોનલ અને મોહિનીને ધીમા અવાજે ચેતવ્યા. ત્રણે પાછળના બારણાંએ પહોંચ્યા. સોનલ અને મોહિની એક મેકની સામે ઉભી હતી. બહાર નીકળતાં જ મોહિનીના પગે બારણાંના ઉંબરાને ઠેસ વાગી, અને એ સીધી નાઝ પર ધસી પડી. અચાનક હુમલાથી નાઝનું બેલેન્સ ખોરવાયું, એ સહેજ નમી ગઈ. ગઈ એની નજર સોનલ અને મોહિની પરથી સહેજ હટી ગઈ.
'અનાયાસે મળી આવેલ આ તક સોનલ શું કામ ચૂકે?'
એક જોરદાર ઘૂંસો નાઝ ના મોં પર વાગ્યો. એ જોરદાર ચીસ પડતા સહેજ પાછળ ખસી ગઈ; નાઝની ચીસે શોરૂમ ગુંજવી દીધું. ચીસ સાંભળતાં જ અઝહર અને શાહિદ ચોંકી ઉઠ્યા; શટર પાડવાનું કામ અધૂરું છોડી પાછળ તરફ દોડી આવ્યા.
એ દરમિયાનમાં મોહિનીએ એક પણ પળ ગુમાવ્યા વગર પડતી નાઝના જમણા ખભા પર કરાટેની ચોપ મારી. લીલીપુટ નાઝના હાથમાંથી સરકી ગઈ.
એ જ સમયે મુખ્ય દરવાજાનું અડધું પડેલું શટર ઊંચું થયું. અને દુબળો પાતળો પણ મક્કમ ઈરાદા વાળો ચતુર અને પ્રતિબિંબમાં આખાય શો રૂમ માં ન સમાઈ શકે એવો ભીમનો આધુનિક આવૃત્તિ ભીમસિંહ અંદર ઘૂસી આવ્યા.
xxx
'ટરરરરરરરર ' અવાજ સાથે શટર ઊંચું થયું, અને અઝહર અને શાહિદ ફરીથી ચોંક્યા. 'આ શું નવી મુસીબત છે' બબડતા એ લોકો 2-3 સેકન્ડ સ્તબ્ધ થઈ ગયા. ચતુર ઝડપથી દોડ્યો અને એક જોરદાર મુક્કો શાહિદને મારતો સોનલ અને મોહિનીની મદદ કરવા પાછળના દરવાજા પાસે પહોંચ્યો. હક્કા બક્કા થયેલ અઝહર અને શાહિદને કઈ સમજાય એ પહેલા 6 ફૂટ 8" ઉંચા ને 130 કિલો વજનના ભીમસિંહનો હથોડા જેવો હાથ જોરથી ફર્યો. અઝહર એ હાથના રસ્તામાં આવી ગયો. અને જાણે દિવાળીની હવાઈ વાટ પેટાવતા જ હવામાં ઉડે એમ જમીન પરથી ઉંચકાયો અને હવાઈ સફર કરીને ત્રણેક ફૂટ દૂર, સાડી દેખાડવાના કાઉન્ટર પર જોરથી અફળાયો અને પછી જમીન પર પડ્યો. શું થયું એ એને કંઈ સમજાતું ન હતું. 4-5 સેકન્ડ પછી એને ડાબા ખભા અને જબડામાં દર્દનો અહેસાસ થયો અને એક કાળી ચીસ એના મોં માંથી સરી.એની આંખો સામે અંધારાનું કાળાભઠ આકાશ અને એ આકાશની મધ્યમાં રંગબેરંગી તારલિયા નાચતા હતા.
ચતુરનો મુક્કો ખાઈને મૂઢ બનેલા, શાહિદમાં જાણે અચાનક પ્રાણનો સંચાર થયો. એના મનમાં ગણતરી ચાલુ થઈ કે, આ રાક્ષસી શક્તિ ધરાવતા ભીમ સામે કોમ્બેટ ફાઇટ શક્ય નથી એણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. એ સાથે જ ભીમ સિંહ ચોંક્યો અને પોતાના લાંબા પગે ઝડપી ડગલાં ભરતો શાહિદ સામે ઉભો રહ્યો. શાહિદે હજી ગન ઊંચકવાનું શરૂ કર્યું જ હતું કે, ભીમ સિંહના સિઘ્રરા જેવા હાથની કઠોર હથેળી અને મજબૂત આંગળી ઓએ તેનો હાથ અને ગન પણ સકંજામાં પકડી લીધા.
ભીમસિંહ ઊંધો ફર્યો, સહેજ ઝૂક્યો અને શાહિદનો હાથ ખીંચ્યો, ને એક જોરદાર ધોબી પછાડ સાથે શાહિદ જાણે તોફાનમાં સૂકા પાંદડા ઉડે એમ ઉડ્યો, અને એ સીધો આઠ ફૂટ દૂર કાચના શો કેસ પર અથડાયો. ‘ધડામ’ અવાજ સાથે કાચના કણકા ચારેકોર છટક્યા. શાહિદનું શરીર કાચમાં ખૂંપ્યું અને તે બોકાસા પાડતો જમીન પર પટકાયો.
એક જૂની કહેવત છે. “જયારે બધું જ ડૂબતું હોય, ત્યારે બચાવી શકાય એટલું બચાવી લો.” જાસૂસીની દુનિયામાં આ સિદ્ધાંત શિલાલેખ જેવો છે: મિશન મિસ ફાયર થાય… સાથીઓ એક પછી એક પકડાઈ જાય… તો જે જીવતો છે એને પલાયન કરવું જ પડે. બચશો તો ફરી લડી શકશો. અને કદાચ પોતાના સાથી ને બચાવી શકશો.અઝહર આ સિદ્ધાંત જાણતો હતો, પણ આજે એ એને જીવી રહ્યો હતો.
એના કાનમાં હજુ શાહિદની ચીસો ગુંજતી હતી, એના પોતાના મોં માં લોહી ની કડવાશ ઘૂમતી હતી. કમરના સાંધા ધ્રૂજી રહ્યા હતા, મરીન પ્લાય ના કાઉન્ટર પર પડવાનો ઘા હાડકામાં સુધી વાગ્યો હતો. ખભા પર હજી ભીમસિંહના મુક્કાની આગ સળગી રહી હતી. બે દાંત ખોવાઈ ગયા કે નહીં એની ખાતરી નહોતી. પણ એનો શ્વાસ દરેક વખતે દુખાવો કાપી રહ્યો હતો.
એણે માથું ઊંચું કર્યું. દ્રશ્ય ધૂંધળું… કાચના કણકા હજી હવામાં લટકતા જણાય… અને એના વચ્ચેથી એક પીઠ દેખાઈ. ભીમસિંહની. વિશાળ, પર્વત જેવી.
અઝહરના દિમાગે ગણતરી શરૂ કરી. “નાઝ ફસાઈ ગઈ છે. શાહિદ… શાહિદ તો કદાચ,” વાક્ય પૂરૂં થવાના પહેલાં જ એની આંખે શાહિદનો લોહીમાં તરબતર શરીર જોયો, કાચના કણિઓ વચ્ચે ઢળી પડેલો. ગન ક્યાંક પડી ગઈ હતી… ક્યાંક. હવે જાત બચાવવી …હા. હવે એક જ રસ્તો હતો.
અઝહર શ્વાસ રોકીને હળવે હળવે પોતાનું વજન ખસેડવા લાગ્યો. એ ધીમે ધીમે શોરૂમના મુખ્ય દરવાજા તરફ ઘસડાતો જઈ રહ્યો હતો. દરેક સેકન્ડ જાણે તૂટી પડવાની તૈયારીમાં હતો.
xxx
"કમિશનર સાહેબ, આ આઈબી, રિજનલ ડાયરેક્ટર છે." વિક્રમ ઉદયપુરના પોલીસ કમિશનર ને કહી રહ્યો હતો. "મારો એક સાથી બીજા 2-3 જણાને લઈને કુંભલગઢના રિઝર્વ ફોરેસ્ટ માં ગયો છે. એનો જીવ જોખમમાં છે. મારી થનાર પત્ની કુંભલગઢ ના સેફ હાઉસમાંથી કિડનેપ થઈ છે. અને સવારે ઉદયપુરના ડીસ્ટ્રીકટ સબ મેજિસ્ટ્રેટ મિસ્ટર શંકર રાવ કે જે એક અપરાધી છે. અને એને તમારો એક સબ ઇન્સ્પેકટર અને 3 પોલીસ કંઈક તપાસના ભણે કોઈ ગુપ્ત જગ્યાએ સંતાડી રહ્યા છે. તમે એ સબ ઇન્સ્પેકટર અને એના સાથી પોલીસને તાત્કાલિક શોધો એમની બરતરફી અને ધરપકડ થવી જોઈએ. હજી આ મિશ્રાજી જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી મામલો હાથમાં છે. એમનો એક ફોન તમને કોઈ અંધારિયા ખૂણા માં ટ્રાન્સફર કરાવી શકે એમ છે. જોઈએ તો રાજસમન્દ કમિશ્નર સાહેબનો કોન્ટેક્ટ કરીને જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવો મારી પાસે પાક્કી માહિતી છે કે એ લોકો જંગલમાં જ ક્યાંક છુપાયા છે. જો અર્ધા કલાકમાં મારી પૂજાનો, મારી થનાર પત્ની નો પત્તો નહિ મળે તો હું. તમારી બધાની ખુરશી એવી ગરમ કરી દઈશ કે તમને જિંદગીભર એના પર બેસ્ટ ડર લાગશે. સમજાયું કઈ?" ઉશ્કેરાયેલા વિક્રમ શાંતિથી પણ મક્કમ અવાજે કહી રહ્યો હતો. કમિશનર પર બપોરથી જ ઉપરનું પ્રેશર ચાલુ જ હતું. એમને પોતાની આ શહેરની પોસ્ટ બહુ જ વ્હાલી હતી. અહીં જ એમનું પુસ્ટનિમકન માતા પિતા હતા. સંતાનો અહીં જ ભણી રહ્યા હતા. અને શહેરભર અને જિલ્લામાં દબદબો હતો રિટાયર થવાને માંડ 2 વર્ષ રહ્યા હતા. હવે આ ઉંમરે નવી ટ્રાન્સફર એમને પોસાય એમ ન હતી. એમને ફટાફટ રાજસમન્દ ના કમિશનર ને ફોન જોડ્યો અને માત્ર 10 મિનિટમાં કુંભલગઢ રિઝર્વ ફોરેસ્ટ ફરતી બંને જિલ્લાની પોલીસ સર્ચ ટીમ હાથોમાં પેટ્રોમેક્સ ફ્લડ લાઈટ લઈને ઉતરી પડી હતી એમાંથી એક ટીમ એ રસ્તે પણ ગઈ હતી જ્યાંથી પૂજા અને પૃથ્વી ધીરે ધીરે આવી રહ્યા હતા.
xxx
અરવલ્લીના કાંઠે, કોશીવારા ના મુખ્ય રસ્તાથી જંગલમાં ઘૂસીને લગભગ ત્રણ કિલોમીટર પસાર કર્યા પછી, એક નાની ડુંગરી જેવી પહાડી ઊભી હતી. પહાડ દેખાવમાં નાનો, પરંતુ એની ભેજાળ ચટ્ટાનો અને વચ્ચે વહેતા વોકળાઓ તેને ખતરનાક બનાવતા હતા. પહાડી ના મધ્યમાં ઝરણું વરસતું; દિવસ દરમિયાન સામાન્ય લાગતું આ ઝરણું સાંજ પડતાં જાણે હજારો અજ્ઞાત મંત્રોના પડઘા ફેંકતું. રાત્રીના સમયે એની વહેતી ધારા કોઈ અદૃશ્ય ભયને જગાડતી હતી. આ જંગલના સેકડો વર્ષોથી કસ્બા- કૂબામાં વસતા વનવાસીઓ તેને “સર્પપહાડી” કહેતાં, કારણ કે પાણીની ધારા સાપના વળાંકો જેવી દેખાતી. અને કૈક અજીબ માન્યતાને કારણે ક્યારેય સાંજ પડે પછી એ વિસ્તારની આજુબાજુ ફરકતા પણ નહિ.
અરાવલીની વાદળી છાયા ધરતી પર રહસ્ય પાથરી રહી હતી. ભેજથી સુગંધી પાનાં જમીન પર મૌન સાક્ષી બની પડ્યાં હતાં. પવનમાં અજાણી કંપારી ભળી ગઈ હતી — જાણે કોઈ છુપાયેલા જોખમ હવામાં સંકેત આપતા હોય. અચાનક એક દૂરના ખડક પરથી ઊડેલી ચીલનો કર્કશ ચીસો શાંતિને કાપી ગયો. ઝાડોની લાંબી પડછાયાઓ જમીન પર રાક્ષસી આકારો દોરતી હતી. આ અજબ નિર્ભક્તિમાં શેરા, લખન અને તેના બે સાથીઓ ઝરણાં પાસે પહોંચ્યા. લખનના આંખોમાં પ્રશ્ન હતો. “હવે શું કરવું છે?”
શેરાએ એ નજરનો અર્થ સમજી લીધો. એ મનમાં પાઠ કરતો હતો, આંખો બંધ કરીને જાણે બીજા કોઈ જંગલમાં પ્રવેશી ગયો હોય. મંત્રોચ્ચાર બંધ કર્યો ત્યારે એની નજરમાં અડગ શાંતિ હતી. “આ રસ્તો વનવાસી ઓનો છે,” શેરાએ ધીમેથી કહ્યું, જાણે પ્રાર્થના કરતો હોય એમ. “અહીંથી પસાર થનારા નું મન શુદ્ધ હોવું જોઈએ, નહીં તો અહીંના જાગ્રત દેવ એમને શિકાર બનાવી લે છે.”
જંગલનો આ ભાગ કાળજું કંપાવી નાખે તેવી શાંતિમાં ડૂબેલો હતો. હવામાં અજાણી સુવાસો ફેલાઈ ગઈ હતી. ક્યાંક સુકાઈ ગયેલા પાનની વાસ, ક્યાંક જંગલી ફૂલોની મીઠાશ, તો ક્યાંક કોઈ અનોખી ભભૂકતી ધૂપની સુવાસ, જે સ્નાયુઓમાં અજાણી કંપારી પેદા કરતી હતી. ઝાડની ડાળીઓ જાણે હવામાં કોઈ પ્રાચીન કથાઓ લખતી હતી, અને વેલો નીચે લટકતી એવી લાગતી કે જાણે અજાણે આંગળીઓ માર્ગ અટકાવવા આગળ આવી રહી હોય."હવે હું ગુફાના દ્વાર ખોલું છું,” એના સ્વરમાં ધીરજ સાથે સંકલ્પનો ભાર હતો. “તમે ત્રણેય સાવચેત રહેજો... અને હા, એક વાર ગુફા ખુલી જાય પછી કોઈ પણ પરિસ્થિતિમાં મારા મંત્ર જાપમાં ખલેલ નહીં પાડતા. ભલે કોઈ મારી પર ગોળી ચલાવે કે ખંજર...” શેરાએ ભારેખમ અવાજમાં કહ્યું.
એ ઝરણાની મુખ્ય ધાર નીચે ઊભો રહ્યો. પાણીના ઠંડા છાંટા એની કસાયેલ છાતી પર પડતા, એની આંખોમાં વધુ તેજ આવી ગયું. એના સાથીએ થેલામાંથી સફેદ ધોતી અને નાનકડું પાઉચ બહાર કાઢ્યું. શેરાએ શરીરને સારી રીતે ભીંજવીને, ભીના કપડાં ઉતારી ધોતી પહેરી. પાઉચમાંથી કાકશી કાઢીને વાળ હોળ્યા, અને પછી નાનકડું કંકાવટી લઈને કપાળ પર ગાઢ તિલક કર્યું. પછી એના એક સાથીએ થેલા માંથી એને એક જૂની જડાઉ કટાર આપી. જુનવાણી મ્યાન વાળી આ કટાર પર ઝાંખો પડતો ચળકાટ પણ એની ભવ્યતા છુપાવી શકતો નહોતો. શેરાએ બંને હાથથી મ્યાન પકડી, કપાળ સાથે અડાડ્યો અને ઝટકા સાથે ખોલી. જંગલના અંધકારમાં વીજળી જેવી ચમકતી એ કટારને જોઈને લખનના શ્વાસ અટકી ગયા. જૂની પણ રત્નજડિત મુઠ વાળી કટાર ધરાવતો શેરા... જાણે કુરુક્ષેત્રના મેદાનમાં ચક્રવ્યૂહ તોડતો અભિમન્યુ હોય. એવો ભાસતો હતો. લખન અને શેરાના અન્ય બે સાથીથી શેરાની આંખોનું તેજ સહન થતું ન હતું. એ લોકો સહેજ સાઈડમાં ખસી ગયા.
શેરાએ મંત્ર જાપ શરૂ કરીને પછી ઝરણાની જમણી બાજુ રહેલા પહાડીનાં પથ્થર પાસે પહોંચ્યો અને પોતાના જમણા ભીના હાથ વડે એ પથ્થર ફંફોસ્યા અને એક ચોક્કસ ચટ્ટાન હતી. અને ભેજ નીચે છુપાયેલા જૂના ચિન્હો, અર્ધા ઉખડેલા નાગ, શંખ અને અક્ષરો. શેરાને પોતાની પિતાજી ના મોઢે સાંભળેલું એક વાક્ય યાદ આવતું હતું. “લોહી વિના આ દ્વાર નહીં ખૂલે.” એણે હાથની કટારી ડાબા હાથમાં લઈને જમણા હાથના અંગુઠા પર જોશભેર એક લસરકો કર્યો. લોહીની ધાર ટપકી અને એણે લોહીના ટીપાં એ ચટ્ટાન પર વરસાવ્યાં. બધા જ ચિન્હો લોહીથી ભીંજયા અને એક પળ માટે શાંતિ છવાઈ ગઈ. પછી અચાનક પાણીનો પ્રવાહ હચમચી ઊઠ્યો. ગર્જના વાળા અવાજ સાથે ઝરણું બે ભાગમાં વિભાજિત થવા લાગ્યું. પાણીની મધ્યમાં ભીનાશથી ભરેલી પથ્થરની દિવાલ ધીમે ધીમે ખસી, જાણે કુદરત પોતે જ ગુપ્ત દરવાજો ખોલી રહી હોય. એમ પહાડીમાંથી ઝરણાની વચ્ચોવચનો પથ્થર સરકી ગયો અને અંદર ગુફામાં પ્રવેશવાનો માર્ગ બની ગયો. અંદરથી એક ભીનાશ ભરેલી ઠંડકનો ઝોકો બહાર ફંટાયો. કાળા અંધકાર વચ્ચે પથ્થરની દીવાલોમાંથી ઝબુકતા ઝરણાં જેવા ઝબકારા અને અજાણી ખનીજોની, ઝાંઝવાની લય. એક પ્રાચીન સુગંધ, ધૂપ-ચંદન અને માટીની ભીનાશને સાથે લઈ, ગર્ભગૃહ જેવો માહોલ રચાતો. આ “દેવોનું દ્વાર” હતું. જે વિશે સ્થાનિક વનવાસીની માન્યતા હતી કે સાંજ પછી ત્યાં પગ મુકનાર કદી જીવતા પાછો ફરતો નથી. ગુફામાં જ્યાં સુધી આંખ પહોંચી શકે ત્યાં સુધી અંદર નો માર્ગ ભીનો, પથ્થરીલો અને અજાણી સુવાસ થી ભરેલો હતો. ગુફાના દ્વાર થી બહાર ફૂંકાતા પવનમાં એક અસ્પષ્ટ મંત્રોચ્ચારનો પ્રતિધ્વનિ હતો. જાણે પૃથ્વીના ગર્ભમાંથી કોઈ પ્રાચીન સત્ય તેમને આમંત્રણ આપી રહ્યું હોય. શેરા જ્યારે ઝરણાના પડછાયા વચ્ચેથી અંદર પ્રવેશ્યો, ત્યારે એની છાતી પર અચાનક વર્ષોથી અરે, પેઢીઓથી મુકાયેલ ભાર હળવો થઇ રહ્યો હતો. જે ખજાનાની રક્ષા કરવા, અને પાછો શ્રી નાથદ્વારા મંદિરમાં પહોંચાડવાની જહેમતમાં એના કેટલાય વડવાઓ મરી ખૂટ્યા હતા. એ ખજાનો આજે પાછો શ્રી નાથજીને અર્પણ થશે. એનો અનેરો આનંદ એના ચહેરા પર હતો.
ગુફાની અંદરની હવા અતિશય ઠંડી હતી, પણ એ ઠંડીમાં પણ ધૂપ-અગરબત્તીની સુગંધ સરકી રહી હતી. જાણે સદીઓ પહેલાં અહીં કોઇ યજ્ઞ થયો હોય અને એની સુવાસ આજે પણ દિવાલોમાં કેદ રહી ગઈ હોય. શેરાની પાછળ જ લખન અને શેરાના બે સાથી ગુફામાં પ્રવેશ્યા. થોડાં પગલાં આગળ વધતાં શેરાની નજર એક વિશાળ કક્ષ પર પડી. ગોળાકાર ગર્ભગૃહ જેવી એ જગ્યાની મધ્યમાં એક લગભગ બે માથોડાં ઊંચી ચટ્ટાન હતી. એના પર મોટા મોટા કોથળાં મૂકેલાં હતાં, પણ ગુફાની રચના એવી હતી કે ઝરણાનું કે પથ્થર માંથી ટપકતું પાણી એ કોથળાને સ્પર્શી શકતું ન હતું. બાકી ગુફાની આખી દીવાલોમાંથી ટપકતું પાણી એ એક ઝબુકતી ચમક ઊભી કરતું.કોથળાની આસપાસ તૂટેલા દીવડાં ના અડધા તૂટેલા કાંઠા પડેલા હતા, જાણે કોઈ કાળે અહીં પ્રગટેલા અગ્નિએ કાળઝાળ રાતો જોય હોય. શેરા છલાંગ મારીને એ ઉચ્ચ પથ્થર પર પહોંચ્યો. એના મુખ માંથી શુદ્ધ સંસ્કૃતમાં મંત્રોચ્ચાર સતત વહી રહ્યા હતા. ગુફાની અંદર પગ મૂકતા જ મંત્રોચ્ચાર ની ગૂંજ કાનને ચીરીને અંદર ઉતરી ગઈ. દરેક અક્ષર પથ્થરની દિવાલોને અથડાતું ફરીને કણકણમાં ધ્રુજારી પેદા કરતું હતું. હવામાં ઠંડો પવન વંટોળિયા તો ફરતો, દીવાલોની ભીંજાયેલી સુગંધ સાથે અજાણી તીવ્રતા લાવતો હતો. દીવાના કાચા પ્રકાશે ગુફાના ખૂણામાં પડતી પડછાયાઓ જીવંત બનીને અચાનક ચમકી ઊઠતી હોય તેમ લાગતું. પાત્રોના શ્વાસ ઝડપી બન્યા; હૃદયની ધડકન ને પણ જાણે એ પ્રાચીન મંત્રોએ પોતાનો તાલ આપી દીધો હતો. એણે કાંપતી આંગળીઓથી કોથળામાંથી એકને સ્પર્શ કર્યો. અને એ સાથે જ પથ્થરના ગર્ભગૃહમાં અજાણો પ્રતિધ્વનિ ફંટાયો — જાણે કક્ષ જાતે ચેતવણી આપી રહી હોય. કોથળા પર મોટા અક્ષરે એક વાક્ય લખેલું હતો: “જે લાલચુ સ્વાર્થી આ ઝવેરાત લેશે. એનું દર્દનાક મોત નિશ્ચિત છે. ”
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. એ વિશે મને વોટ્સએપ 9619992572 પર તમારો અમૂલ્ય અભિપ્રાય અવશ્ય જણાવશો.