ચિંતા એટલે પ્રગટ અગ્નિ, જે નિરંતર પોતાને બાળ્યા જ કરે! કહેવાય છે ને કે,
चिंतायाश्च चितायाश्च बिंदुमात्रं विशिष्यते ।
चिता दहति निर्जीवं चिंता दहति जीवनम् ॥
એટલે કે, ચિંતા અને ચિતાની વચ્ચે એક ટપકાં જેટલો જ ફેર છે. ચિતા નિર્જીવને બાળે છે, જ્યારે ચિંતા જીવંતને. ચિંતા તો મનુષ્યને દિવસે ચેન ના પડવા દે અને રાત્રે પણ ઊંઘવા ન દે. ચિંતાથી ભૂખ-તરસ ઊડી જાય અને કેટલાય રોગોને આમંત્રણ મળી જાય. એટલું જ નહીં, ચિંતામાં ને ચિંતામાં આ ભવ-પરભવ બન્નેય બગડે. આવતો જન્મ જાનવર ગતિનો બંધાવે!
આપણા જોવામાં આવે છે કે મોટા માણસોને મોટી ચિંતા હોય. એરકંડીશનમાં સૂતા હોય તો પણ ચિંતાથી રેબઝેબ હોય! જ્યારે મજૂરોને ચિંતા ના હોય, એ તો આખો દિવસ મહેનત કરે અને રાત્રે નિરાંતે સૂઈ જાય. કોઈ જાનવરોને પણ ચિંતા નથી થતી કે કાલે ખાવાનું મળશે કે નહીં? જ્યારે મનુષ્યોને, એમાંય ધનવાન લોકોને રાત્રે ઊંઘની ગોળીઓ ખાવી પડે! પૈસા કમાવાની ચિંતા, બાળકોને પરણાવવાની ચિંતા, પોતાના સ્વાસ્થ્યની ચિંતા, ભવિષ્યની ચિંતા વગેરે ચિંતાઓ માણસને કોરી ખાય છે. બાપને પોતાની દીકરી દસ વરસની થાય ત્યારથી તેને પરણાવાની ચિંતા ચાલુ થઈ જાય! પણ ક્યારેય વિચાર કર્યો છે કે દીકરી માટે એનો ભવિષ્યનો પતિ જન્મી ચૂક્યો છે! બસ મળવાનું બાકી છે. તો પછી ચિંતા શું કામ કરવાની?
કોઈ પણ બાબતમાં સામાન્ય વિચાર કરવાનો વાંધો નથી. પણ વિચારો વમળે ચડે ત્યારે ચિંતા શરૂ થાય. વિચારો લિમિટ કરતા વધી જાય, તેનો આમળો થવા માંડે એટલે ત્યાં વિચારવાનું બંધ કરી દેવું જોઈએ. જેમ કે, રાત્રે બાર વાગ્યા હોય, ઘરનાં બધા લોકો સૂઈ ગયા હોય. આપણે પણ શિયાળાની ઠંડીમાં રજાઈ ઓઢીને સૂઈ ગયા હોઈએ. ત્યાં રાત્રે મનમાં વિચાર આવે કે “પેલાના પૈસા લેવાના બાકી રહી ગયા, એ નહીં આપે તો?” અથવા “ઓફિસનું પેલું કામ બાકી રહી ગયું!” અને જે ચિંતા શરૂ થાય કે આખી રાત ઊંઘ ના આવે. હવે અડધી રાત્રે કોઈને ફોન કરાય કે ઓફિસે જવાય? ના જવાય ને? તો પછી હમણા વિચારો બંધ કરીને નિરાંતે સૂઈ જવું.
ચિંતા કરનારાને બે દંડ છે અને ચિંતા ના કરનારાને એક દંડ છે. ધારો કે, પાંચ હજાર રૂપિયાનું ખિસ્સું કપાઈ ગયું, પછી ચિંતા કરીએ એટલે એક તો પૈસા ચોરાયા તેની ખોટ ગઈ ને ઉપરથી ચિંતા કરીને બીજી ખોટ ખાધી. એનો અર્થ એમ નથી કે “ભલે પૈસા ચોરાતા” એમ ગાફેલ રહેવું. આપણે સાચવવાના પૂરા પ્રયત્નો કરવા. છતાં પૈસા ચોરાઈ જાય તો ફરિયાદ પણ નોંધાવવી, પણ ચિંતા ન કરવી. બહાર પ્રયત્નો કરવા છતાં અંદરખાને, “બન્યું એ કરેક્ટ” એમ સમાધાન લઈને ચિંતા ટાળવી. ઘરે જઈને નિરાંતે જમી લેવું.
પરમ પૂજ્ય દાદાશ્રી ચિંતા પાછળનું કારણ સમજાવતા કહે છે કે, ચિંતા એ અહંકાર છે. શા આધારે બધું ચાલી રહ્યું છે એ વિજ્ઞાન નહીં સમજવાથી, મનુષ્ય પોતે માથે લઈને ફરે છે. દરેક કાર્યનો કર્તા થઈ બેસે છે ને પરિણામે ચિંતા ભોગવે છે. ખરેખર તો ચિંતા કરવાથી કાર્યમાં અવરોધ ઊભા થશે. કુદરતનો કાયદો એમ કહે છે કે કાર્ય ના થતું હોય તો પ્રયત્ન કરો, જબરજસ્ત પ્રયત્ન કરો. પણ ચિંતા ના કરો. કારણ કે ચિંતા કરવાથી કોઈ કામ કે પરિસ્થિતિ સુધરી નથી જવાના.
ચિંતામુક્ત થવાનો આખરી ઉપાય છે, આત્મજ્ઞાન પ્રાપ્તિ. જ્યારે આત્માનું જ્ઞાન થાય ત્યારે સમજાય છે કે “હું કોણ છું?” અને “કરે છે કોણ?” પછી ભાન થાય છે કે જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહીં, પણ નિમિત્ત માત્ર છે. પછી કાયમ માટે ચિંતા છૂટી જાય છે.