"મનુ મંજરી"
સાંઈ-ફાઈ લેખમાળા
કળશ, દિવ્ય ભાસ્કર
લેખક: સાંઈરામ દવે
આખું ગુજરાત અને ગુજરાતી ભાષા જેના નામ ઉપર મૂંછ મરડી શકે એવા કેટલાય નરપુંગવો ગોંડલની ધરતીએ આપ્યા છે. પરંતુ આજે જે વ્યક્તિત્વની વાત લખવા જઈ રહ્યો છું તેને કદાચ ગોંડલવાસીઓ પણ વિસરી ચૂક્યા છે.
ઈસવીસન ઓગણીસો સાંઈઠની સાલ હતી. અડધી રાતે આઝાદ થઈને દેશ હજી ભાખોડિયા ભરતો હતો. એવે ટાણે રજક(ધોબી) જ્ઞાતિના તેર વરહના એક તરુણની આખ્યું જામરની બીમારીથી છીનવાઈ જાય. કુદરત જ્યારે એકાદ દેખીતો દરવાજો બંધ કરે છે ત્યારે બીજા કેટલાય અદ્રશ્ય દ્વાર અંદરથી ઉઘાડતો હોય છે. 'મનુ; તારી આખ્યું ગઈ છે હવે આયખુ સુધારી લેજે'. તરુણના સેવાભાવી કાકાની આ માર્મિક ટકોરે મનુની અંદર એક મનોમંથન શરૂ કર્યું.
ચર્મચક્ષુ બંધ થયા અને અંતરચક્ષુ ઉઘડ્યા. પોતાના મોટાભાઈનો હાથ પકડીને ગોકુળિયા ગોંડલની ધરતીના અલગ અલગ મંદિરે મનુ માથું ટેકવતો થયો. ફરિયાદ એ તેની ફિતરત નહોતી. જવાની બેઠી, ચપોચપ ચોરણી, જાંબલી રંગનો બહાર ખિસ્સાવાળો લશ્કરી કોટ, ક્યારેક લાંબી તો ક્યારેક પહોળી બાંયનો ઝભ્ભો, માથે જાંબલી કોટી, માથે લહેરીયાનો સાફો, પૂળો પૂળો મૂંછું અને હાથમાં નેતરની પાતળી સોટી રમાડતો જુવાન મનુ કોઈને સામો મળે તો નક્કી ગરાસદાર લાગે.પણ હતો નહી.
'અરે રે; આવો ફૂંટડો જુવાન છે ને ઈશ્વરે આખ્યું નથી આપી!’. રસ્તામાં સામા મળનારના સહાનુભૂતિભર્યા શબ્દો ક્યારેક મનુને મલમ જેવા લાગે તો ક્યારે ડંખે પણ ખરા! ગોંડલની શેરીયુમાં ઊભેલી ગાવડીયું ક્યારેક મનુનો રસ્તો આંતરે. જુવાન માટી ગાયને લાકડીથી હડસેલવા કરતા એના પર પ્રેમથી હાથ ફેરવે. ગાવડીયું પણ જાણે મનુનાં ભાગ્ય બદલવા માટે જાણે એની હથેળીઓ ચાટતી હોય એમ ક્યારેક હસ્તરેખાઓ પર લબરકો લઈ લેતી.
એ સમયે પ્રજ્ઞાચક્ષુ મનુના હોઠ ઉપર જે સ્મિત ફરકતું એનો ઈશ્વર એક માત્ર સાક્ષી હતો. જુવાનજોધ મનુમાં શ્રદ્ધાનો દીવો પ્રજ્વલિત થયો. મા સરસ્વતીએ જાણે આંગળી પકડીને આ અંધ બાળક પર અનન્ય વહાલ વરસાવ્યું. છતી આંખે ચારેક ચોપડીમાં માંડ ભણેલા મનુભાઈ ચુડાસમા મેઘાવી પ્રજ્ઞાના માલિક બન્યા. કવિતા એક વાર સાંભળે તે શબ્દશહ: યાદ રાખી લે. વળી એના છંદ કે લયમાં પોતાની સ્વયમસ્ફૂરણાથી કશું નવીન કાવ્ય શીઘ્રતાથી રચી નાખે.
કવિતાનો ‘ક’ ઘૂંટાતો ગયો અને મનુભાઈની કલમેથી અસ્ખલિત કાવ્યધારાની ગંગા વહેતી ગઈ. દિલ ડોલાવતા દોહા, સંવેદનશીલ સોરઠા, કાળજુ હલબલાવે એવા કુંડળીયા, જુગ જુગ જીવે એવા ઝુલણા, છપ્પય, સારસી જેવા અનેક છન્દો – ભજનો - સપાંખરા અને ગઝલો મનુભાઈની કલમથી લખાતા ગયા.
ગોંડલ નગરના નાના એવા ધોબી સમાજમાં જન્મેલા અંધકવિ મનુભાઈ ચુડાસમાની કવિતાઓએ કેટલાય દેખતાઓને કાવ્યો દ્વારા રસ્તો બતાવ્યો. કેટલાક કવિઓ પોતાની પીડાને કાગળ પર ઉતારતા હોય છે. જ્યારે મનુભાઈની કવિતામાં સમાજ જીવનનું સમસંવેદન ઉતરી આવ્યુ છે. રામાયણ અને મહાભારત પરના અદભુત કલ્પનો ઉપરાંત પ્રચંડ રાષ્ટ્રભક્તિનો પડઘો પડયો. રાવણ મંદોદરીનો સંવાદ પણ મનુભાઈએ લખ્યો અને રામપીરનો છંદ પણ રચયો. બજરંગબલીથી માંડી બંગાળના દુષ્કાળ સુધી તેમની કવિતા સ્પર્શી છે. ગોળની પ્રશંસા ત્રણ પાનામાં લખું તો’ય ગોળ ખાધા જેવી અનુભૂતિ ન થાય. એ જ રીતે લ્યો મનુભાઈ ચુડાસમાએ પોતાની હૈયાતીમાં મુંબઈના ખારવા મિત્રોના અનુદાનથી પ્રકાશિત કરેલું એકમાત્ર અપ્રાપ્ય પુસ્તક એટલે ‘મનુ મંજરી’. અંધ કવિની જીવનનો રસ્તો ચીંધે એવી કવિતાની ગંગોત્રીમાંથી બે ચાર પવાલા લ્યો પ્રેમથી પીવો બાપલા.
‘રામો ન રોવણહાર એ તો રાતોને રાજી કરે,
પણ વાલપનો વહેવાર જોને રોઈ બતાવે રામજી!’
દોષ ટળે પ્રભુપદ મળે, તો ગ્રંથ કાં કર દોર,
મનુ કહે ફેરો ફળે, રીઝે નંદ કિશોર.
ગજુ નથી ગંગેશ, તીરથ કરી તરવા તણું,
મનુ કહે મંદાકિની, ભાવે હું મહિમા ભણું .
રજક શબ્દ સન રંજ ભા, રજક અંધ મો જાત,
પ્રનમો પદરજ શીશધર, અધહર હરે અધમાત.
સમજાવ્યો સમજ્યો નહી, મદ છક લંક પત છેક,
મનુ કહત મીટે નહી, લખ્યા વિધિ ના લેખ.
પાણી પાણી પોકારતો જેનો આતમો ઉડી જાય,
પછી પીપળે પાણી પાય, મર્યા પછી શું માનડા?
માંગી માવતરને કદી છાંટો ન દેતો છાશ,
નાખે નકામી વાસ, મુઆ પછીથી માનડા.
એક એક દુહા પર એક એક સ્વતંત્ર આર્ટીકલ લખી શકાય એવા વેધક અને સચોટ નીતિવિષયક અને માર્મિક દુહાઓ મનુભાઈ ચુડાસમાએ ‘માનડા’ના ઉપનામથી મનુ મંજરીમાં લખ્યા છે. આજે છેલ્લા પચાસેક વરસથી મનુભાઈના કેટલાક દુહાઓ ડાયરામાં બોલાય છે. કેટલાક વક્તાઓને કર્તાના નામની ખબર નથી અને કેટલાક..! મનુમંજરીમાં ૨૫૦ જેટલા અલમસ્ત દુહાઓ, ૫૦ જેટલા સોરઠા , ૪૫૦ જેટલી અન્ય કાવ્ય કૃતિઓ લખાયેલી છે.
કવિના જીવનની એ કેવી સંવેદનશીલ પળ હશે જ્યારે પોતાના મોટાભાઈ સાથે કોઈ મંદિરમાં દર્શન કરતી વખતે અંધ કવિ મનુભાઈએ પૂછ્યું હશે કે મોટા ભાઈ આપણે જે મંદિરમાં દર્શને આવ્યા છીએ એ ખોડીયારમાની મૂર્તિ કેવી લાગે છે?
મોટાભાઈ યથાશક્તિ માના સ્વરૂપનું શાબ્દિક વર્ણન કર્યું હશે. ત્યારે પુરા ભાવ સાથે આ કવિએ હૃદયની આંખોથી માના દર્શન કર્યા હશે. એ મંદિરથી ઘરે પાછા ફરતા સુધીમાં તો મા ખોડીયારના સાક્ષાત વર્ણન જેવો છંદ રચી કાઢ્યો હશે, ત્યારે કેવો અણમોલ શબ્દો એ ત્રિભંગી છંદમાં ગોઠવાયા હશે કે :
ખોડલ ખમકારી ગળધરાવાળી, માં તુ ભારી, ત્રિશુરાળી,
ઝાંઝર ઝમકારી, ઘુઘરીયાળી, પરાક્રમશાળી જોરાળી,
તું મગર સવારી, શોભે ભારી, ખપ્પરવાળી, રગતાળી,
ખોડલ ખમકારી ગળધરાવાળી, માં તુ ભારી, ત્રિશુરાળી,
આજે ગુજરાતભરમાં ડાયરો હોય કે ડાંડિયારાસ આ છંદ ગાયા વિના લગભગ કોઈ કાર્યક્રમ પૂર્ણ થતો નથી.
આટલો સુપ્રસિદ્ધ છંદ, મારા ગોંડલ ગામના એક અંધ કવિએ ગુજરાતના ચરણે ધર્યો છે એ વાતનો મને સવિશેષ આનંદ છે. તો વળી મનુભાઈ વિશે આજે સૌપ્રથ વાર વાંચ્યું હોય તો વાચકો પણ આનંદ પામજો.
૧૯૬૨ની સાલમાં ‘મનુ મંજરી‘ પુસ્તક પ્રકાશિત થયું જેની પ્રસ્તાવના સાંઈકવિ મકરંદ દવેએ લખી હતી. દેશળભાઈ પરમાર તેમજ અન્ય એ સમયના પુરોગામીઓએ પણ કવિને વહાલથી વધાવ્યા હતા. કલાકાર મિત્ર ગુણવંત ચુડાસમાએ આ મનું મંજરીની એક ઝેરોક્ષ મને ભેટ ધરી છે જે બદલ તેમનો આભારી છું. ગોંડલ વસતા મનુભાઈના પરિવારજનોએ પણ સુંદર માહિતીનો સધિયારો આપ્યો છે.
સાચી કવિતા કોઈદી નિર્વંશ જાતી નથી એ વાતની સાબિતી આ લેખ છે. આજે પાંચ દાયકા પછી કવિતા સિવાય બીજો કોઈ સ્નાનસુતકનો સબંધ ન હોવા છતાં એક કાળની રેતીમાં ગર્ત થયેલા કવિનો પરિચય લખવાની મને પ્રેરણા મનુભાઈની કવિતાની સચ્ચાઈનો જ પડઘો લાગે છે. લોકસાહિત્યનો અણમોલ નાટારંભ ધરાવતી મનુભાઈની કેટલીક કવિતાઓ વિશે આવતા અંકે વાત માંડીશું. રસના ઘોયા હોય મારા વ્હાલા..... ટીપણા પાણીના હોય શું ક્યો છો ?
વાઈફાઈ નહી સાંઈફાઈ આવે તો વિચારજો.