કાસાનોવા અને તેના પ્રેમસંબંધો : વેનિસની ગલીઓમાં ગૂંથાયેલા પ્રેમના સૂરમાં એક અનોખી વાર્તા
વેનિસ – એ શહેર જ્યાં પાણીના રસ્તાઓ, ગોંડોલાની ધૂન અને ચાંદની રાતો દરેક દિલમાં એક કવિતા જન્માવે છે. પરંતુ વેનિસનું નામ એક એવા માણસથી પણ ચિરંજીવી છે, જેને દુનિયા માત્ર એક પ્રેમી તરીકે જ નહિ, પરંતુ પ્રેમના તત્વજ્ઞાની તરીકે પણ ઓળખે છે – જિયાકોમો કાસાનોવા.
કાસાનોવાને ઘણી વાર માત્ર "સ્ત્રીલોલુપ" અથવા "પ્રેમી" તરીકે જ રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં તેની પ્રેમકથાઓમાં ફક્ત દેહસુખ નથી, પરંતુ આત્માની તરસ, લાગણીઓનું ઊંડાણ અને માનવજીવનની તલપ પણ ઝીલાયેલી છે. તેની વાર્તાઓ રોમેન્ટિક સાહિત્યની શ્રેષ્ઠ કથાઓ કરતાં ઓછી નથી લાગતી, કારણ કે દરેક સ્ત્રી સાથેનો તેનો સંબંધ ક્ષણિક હોવા છતાંય ગહન અને હૃદયસ્પર્શી હતો.
જિયાકોમો કાસાનોવાનો જન્મ 1725માં વેનિસના એક સામાન્ય પરિવારમાં થયો. બાળપણથી જ તે બુદ્ધિશાળી, સાહસિક અને જીવનની મીઠાશ શોધનાર હતો. પરંતુ તેની સૌથી મોટી ઓળખ એ હતી કે તે સ્ત્રીઓને ફક્ત સૌંદર્યથી નહિ, પરંતુ તેમની આત્માથી પણ પ્રેમ કરતો.
વેનિસની ચાંદની રાતોમાં, જ્યારે ગોંડોલા શાંતિથી તરતા, કાસાનોવાનું હૃદય પ્રેમના નવા રંગો શોધતું. દરેક મુલાકાત, દરેક વાતચીત, દરેક નજર તેની પાસે એક કવિતા જેવી બની જતી.
કાસાનોવાના જીવનમાં અનેક સ્ત્રીઓ આવી. કોઈ તેની સાથે થોડાં દિવસો રહી, કોઈ મહીનાઓ, કોઈ વર્ષો. પરંતુ તેની કહાનીની વિશેષતા એ હતી કે કોઈપણ સંબંધ ફક્ત શારીરિક નહોતો. તે સ્ત્રીઓને સાંભળતો, તેમની લાગણીઓ સમજતો, તેમને પોતાની દુનિયામાં એક ખાસ સ્થાન આપતો.
તેના સંબંધો અમીર દરબારી મહિલાઓ સાથે પણ રહ્યાં અને સામાન્ય જીવન જીવતી સ્ત્રીઓ સાથે પણ. દરેકને તે એવી રીતે મળતો જાણે દુનિયામાં તે એકમાત્ર સ્ત્રી હોય. કદાચ એ જ તેની આકર્ષણશક્તિ હતી – દરેકને વિશિષ્ટ અનુભવ કરાવવાની કળા.
કાસાનોવાને જીવનમાં જેટલી સ્ત્રીઓ મળી, તેટલી જ વાર તેણે પોતાના હૃદયને પૂછ્યું – શું આ જ એ સત્ય પ્રેમ છે? તેની આત્મા તરસતી રહી એક એવા પ્રેમ માટે, જે ક્ષણિક ન હોય, પણ શાશ્વત હોય.
પરંતુ વિપરિત એ હતું કે દરેક સંબંધ, ભલે તે કેટલો જ ગહન લાગતો હોય, સમય સાથે વિલીન થઈ જતો. છતાંય, વિદાય સમયે કાસાનોવા કદી કઠોર ન બન્યો. તે હંમેશા યાદો સાથે જીવતો, જેમ કે પ્રેમ કદી મરે નહિ, ફક્ત રૂપ બદલે.
કાસાનોવાનું પ્રેમજીવન કવિતાની જેમ હતું – ક્યારેક મીઠી ગઝલ, ક્યારેક દુઃખભરી વ્યથા, ક્યારેક ઉલ્લાસથી ભરેલું ગીત. તેણે પ્રેમને કદી બાંધવાનો પ્રયાસ કર્યો નહિ, કારણ કે તે માનતો હતો કે પ્રેમ પિંજરમાં કેદ થતો નથી. પ્રેમ એ પવન છે, જે સ્વતંત્ર વહેતો હોય, અને જેને અનુભવવો જોઈએ, પકડી રાખવો નહી.
સમાજે તેને અનેક નામો આપ્યાં – “સ્ત્રીલોલુપ”, “વ્યભિચારી”, “પ્રેમમાં ડૂબેલો સાહસિક”. પરંતુ કાસાનોવાને પોતાના જીવનને પાપ કે શરમનો રૂપ કદી આપ્યો નહિ. તે માનતો હતો કે માનવજીવનનો સૌથી મોટો આનંદ છે – પ્રેમ કરવો અને પ્રેમ મેળવવો.
તેણે એક વાર કહ્યું હતું :
"પ્રેમ એ એવો દીવો છે, જે બળી જાય તો અંધકાર નથી ફેલાવતો, પરંતુ નવા પ્રકાશની રાહ બતાવે છે."
વૃદ્ધાવસ્થામાં, જ્યારે વેનિસની ગલીઓમાં તેનું નામ સંભળાવવાનું ધીમી થઈ ગયું હતું ,ત્યારે કાસાનોવા ચેક પ્રદેશના એક કિલ્લામાં પુસ્તકાલયાધ્યક્ષ તરીકે રહ્યો. ત્યાં તેણે પોતાના જીવનની આત્મકથા લખી – Histoire de ma vie. આ ગ્રંથ માત્ર તેની પ્રેમકથાઓનો જ ભંડાર નથી, પણ માનવહૃદયની ઊંડાણભરી સમજણનું પ્રતિબિંબ છે.
જ્યારે તેણે કલમ પકડી, ત્યારે લાગણીઓના સમુદ્ર ફરીથી તેની અંદર ઉથલાયા. દરેક સ્ત્રીની યાદ, દરેક વિદાય, દરેક સ્મિત તેની પાનાઓમાં જીવંત થઈ ઊઠ્યાં.
આજે દુનિયા "કાસાનોવા" નામને ફક્ત એક “સ્ત્રીપ્રેમી” શબ્દરૂપે વાપરે છે. પરંતુ હકીકતમાં તેના વારસામાં એક ઊંડો સંદેશ છે –
પ્રેમને જીવો, તેની દરેક ક્ષણ માણો, કારણ કે પ્રેમ જીવનની એકમાત્ર એવી સત્તા છે, જે સમય, સમાજ અને મૃત્યુને પણ પાર કરી શકે છે.
કાસાનોવાના જીવનથી આપણે શીખીએ છીએ કે પ્રેમ કદી પાપ નથી, પ્રેમ એક અનુભવ છે, એક સફર છે. દરેક હૃદયને એ સફર જીવવાની તક મળવી જોઈએ.
વેનિસની ગલીઓ આજે પણ તેની કહાની કહે છે. ચાંદનીમાં તરતી ગોંડોલા, પુલ પર ઉભેલા યુગલો, પાણીમાં ઝળહળતું પ્રેમનું પ્રતિબિંબ – બધું જ જાણે કાસાનોવાને યાદ કરે છે.
કાસાનોવા અને તેના પ્રેમસંબંધો માત્ર એક ઐતિહાસિક પાનું નથી; તે માનવજીવનની સૌથી સુંદર લાગણી – પ્રેમ – નું અનંત સંગીત છે.
મનોજ સંતોકી માનસ
ક્રમશઃ