દીકરીએ રાત્રે બે-ત્રણ વાગ્યે એકલા ઘરે પાછા આવવું હોય ત્યારે એણે કેટલાંક પ્રિકોશન્સ લેવા જ પડે!
ઘટના એક : એક છોકરી સ્મોકિંગ કરે છે. એનાં સાસરિયાઓએ એને સ્મોકિંગ વિશે સવાલ પૂછ્યો, તો એણે જવાબ આપ્યો કે-સ્મોકિંગ એ મારી ફ્રીડમ છે-તમે મને સ્મોકિંગ કરતા અટકાવી શકો નહીં-આઇ લાઇક ઇટ એન્ડ ધેટ્સ વ્હાય આઇ ડુ ઇટ! એ પછી છોકરી ધીરે ધીરે સ્વચ્છંદ લાઇફ સ્ટાઇલ જીવવા માંડી.
સ્મોકિંગ કરે, દારૂ પીવે, પાર્ટીઝ કરે, વેકેશન પર જાય.....એનાં પતિએ ડિવોર્સ ફાઇલ કર્યા અને છોકરીએ સામે માનસિક ત્રાસનો કેસ દાખલ કરી દીધો.
ઘટના બે : એક દીકરી એનાં પિતા સાથે દલીલ કરી રહી છે- ‘પપ્પા, હું રાત્રે બે વાગ્યે ઘરે પાછી ફરું તો એમાં ખોટું શું છે?’ પપ્પા એને સમજાવી રહ્યા છે-‘બેટા, તું પાર્ટીમાં જઇ રહી છો-આટલી મોડી પાછી ફરશે તો અમને તારી સેફ્ટીની ચિંતા નહીં થાય? દીકરી જવાબ આપે છે- ‘પપ્પા આઇ એમ ઇન્ડિપેન્ડન્ટ! ડોન્ટ વરી!!'
***સવાલ એ છે કે તમારા માટે સ્વતંત્રતા એટલે શું?
તમે જેવું વિચારો છો ડિટ્ટો એવું ને એવું જ અભિવ્યક્ત કરી નાખવાની આઝાદી? સ્વતંત્રતા એટલે તમે જેવું જીવવા ધારો છો બરાબર એવું જ-કોઇની પણ પરવા કર્યા વિના જીવી લેવાની મોકળાશ? કે સ્વતંત્રતા એટલે કોઇની પણ પરતંત્રતાનો અસ્વીકાર?
આપણે હમણાં જ પંદરમી ઓગસ્ટ ધામધૂમથી ઉજવી-પણ ‘દેશનું આઝાદ હોવું!' અને 'વ્યક્તિનું આઝાદ હોવું!' આ બંને ઘટનાઓ એકસરખી નથી એ વાત હવે આપણે આપણાં સંતાનોને સમજાવવાની તાતી જરૂર છે. આપણાં સંતાનો નેનોશીપ, માઇક્રોશીપ, સિચ્યુએશનશીપમાં માને છે-આપણી પાસે હતી એનાંથી વધારે સવલતો એમની પાસે છે. આપણી પાસે હતું-એનાંથી વધારે ખુલ્લું-મોકળું-વિશાળ વિશ્વ એમની પાસે છે-આપણો ઉછેર જે રીતે થયો હતો એનાંથી સાવ જુદો-સાવ નોખો ઉછેર આપણે આપણાં સંતાનોનો કર્યો છે.
આપણે જ્યાં-જ્યાં 'ના' સાંભળી છે-ત્યાં ત્યાં આપણાં સંતાનોને ‘ના’ ન સાંભળવી પડે એની આપણે કાળજી લીધી છે અને એટલા માટે જ-આપણાં સંતાનોને સ્વતંત્રતાનો સાચો અને જરૂરી અર્થ સમજાવવો જોઈએ.
રોકનાર ના હોય-તમે ધાર્યું બધું જ કરી શકતા હોવ એ સ્વતંત્રતા નથી! તમારી પાસે બધું જ કરવાની આઝાદી હોય-તમને રોકનાર કોઇ ના હોય-તમે બધું જ ધાર્યું કરી શકતા હોવા છતાં બધું એક્સપ્લોર કરી લેવાની તમન્ના બાજુએ મૂકી તમે એ જ અને એટલું જ કરો જેટલું તમને યોગ્ય લાગે-એને સ્વતંત્રતા કહેવાય!!
આપણી દીકરીઓએ પણ એક વાત ખાસ સમજવાની જરૂર છે કે-સિગરેટ પીવી, દારૂ પીવો, અમુક પ્રકારનાં કપડાં પહેરવા, રાત્રે મોડે સુધી પાર્ટી કરવી-આ બધું કરતા તમને રોકનાર કોઇ નથી, આ તમારી ફ્રીડમ છે-ફાઇન!!! પણ એ ફ્રીડમનો-એનો બુદ્ધિસર ઉપયોગ કરવો એ સાચી સ્વતંત્રતા છે!
હવેનાં મા-બાપ બહુ ગર્વભેર એવું કહેતા હોય છે કે-અમે અમારા બંને સંતાનો-દીકરો અને દીકરીનો ઉછેર એકસરખી રીતે કર્યો છે-પણ સવાલ એ છે કે દીકરી અને દીકરાનો ઉછેર એકસરખી રીતે કરવો એ શક્ય નથી જ! તમારો દીકરો પુરૂષ છે-તમારી દીકરી સ્ત્રી છે-બંને જુદી વ્યક્તિઓ છે, બંનેનો સ્વભાવ જુદો છે, બંનેમાં રહેલી હિંમત-આત્મવિશ્વાસ જુદા છે, બંનેને જુદી જુદી વાતે ગુસ્સો આવે છે, બંનેને જુદી જુદી વાતે ખોટું લાગી જાય છે, બંનેનાં વિચારો જુદા છે-પરિસ્થિતિ સામે લડવાનું મનોબળ અને સૂઝ જુદા છે,
એક માં ધીરજ છે-એકને બધું ઇન્સ્ટન્ટ જોઇએ છે-બંને સાવ અલગ છે તો બંનેનો ઉછેર એકસરખી રીતે કેવી રીતે શક્ય છે?
દીકરાને તમે મોડી રાત્રે બે-ત્રણ વાગ્યે આવવાની સ્વતંત્રતા આપી શકો પણ જ્યારે દીકરીએ રાત્રે બે-ત્રણ વાગ્યે એકલા ઘરે પાછા આવવું હોય ત્યારે એણે કેટલાંક પ્રિકોશન્સ લેવા જ પડે! દીકરાને મળેલી છૂટછાટો અને દીકરીને મળેલી છૂટછાટો જુદી જુદી હોય શકે-અને આ છૂટછાટો જુદી જુદી હોવાથી દીકરો વધારે વહાલો કે દીકરી વધારે વહાલી એવું થઇ જતું નથી!
સ્વતંત્રતા છૂટછાટોમાં નથી, સ્વતંત્રતા એ કેટલી છૂટછાટો લેવી અને કેટલી છૂટછાટો ન લેવી એની સમજણમાં છે. દીકરીઓને મમ્મી-પપ્પા સ્પેગેટી પહેરતા કે ખૂબ સરળતાથી ક્લીવેજ જોઇ શકાય એવા કપડાં પહેરતા રોકતા નથી ત્યારે આ કપડાં ક્યાં પહેરવા જોઇએ અને ક્યાં નહીં એની સમજણ આપવી ખૂબ જરૂરી છે. કેટલીક દીકરીઓ એવું માનતી હોય છે કે આવા પ્રકારનાં કપડાં પહેરવાથી એમનો લુક મોર્ડન લાગે છે-પણ તમે કેટલા મોર્ડન છો એ તમારા કપડાં નક્કી નથી કરતા-તમે કેટલા મોર્ડન છો એ તમારા વિચારો નક્કી કરે છે, તમારી સમજણ નક્કી કરે છે! આપણે ત્યાં સિગરેટ પીતી દીકરીઓની સંખ્યા વધી રહી છે-એક્ચુલી સિગરેટ તો દીકરાઓએ પણ ના જ પીવી જોઇએ પણ દીકરીઓએ એકવાત ખાસ સમજવાની છે કે-તમે સિગરેટ પીવાની સ્વતંત્રતા ધરાવો છો એનો અર્થ એ નથી કે તમારે સિગરેટ પીવાની જ!!! સિગરેટ પીતા કોઇ રોકતું નથી એવા વાતાવરણ વચ્ચે સિગરેટ ન પીવી જોઇએ એવી સમજણ એ સાચી સ્વતંત્રતા છે!
તમે ક્યાં જાવ છો-તમે ક્યારે પાછા આવશો-એવું તમને કોઇ પૂછતું નથી એ તમારી સ્વતંત્રતા નથી, કોઇ તમારી કાળજી કરતું નથી અથવા તો કાળજી કરતા હોવા છતા તમારાથી ડરતા હોવાની સાબિતી છે! સ્વતંત્રતા વર્તનથી આવતી નથી! સ્વતંત્રતા સમજણથી આવે છે. તમને રાત્રે અઢી વાગ્યે પણ ઘરે પાછા આવવાની છૂટ હોય અને તમે તમારી સલામતીનો વિચાર કરી રાત્રે બાર વાગ્યે જ ઘરે પાછા ફરી જાવ એ તમને મળેલી સ્વતંત્રતાનો સાચો ઉપયોગ છે!
આપણે આપણાં સંતાનોને સ્વતંત્રતા તો આપીએ જ, પણ એ સ્વતંત્રતાનો સાચો ઉપયોગ કરતા પણ શીખવીએ! એમને એવું સમજાવી કે સ્વતંત્રતા એમનેમ મળતી નથી-એને મેળવવી પડે છે-એને જીતવી પડે છે! સ્વતંત્રતા બેમાપ અધિકારો આપે છે એ વાત સાચી છે પણ એ અધિકારોનો સાચો અને યોગ્ય ઉપયોગ તમને મળેલી સ્વતંત્રતાને સાકાર કરે છે.
બાકી-તમે એક જગ્યાએથી સ્વતંત્ર થાવ છો અને બીજી જગ્યાએથી પરતંત્ર બની જાવ છો!