પરિવાર...
જ્યારે બે વ્યક્તિ ની કહાની એકબીજા સાથે મળતી આવે ત્યારે એ બે વ્યક્તિ ના મંતવ્યો પણ સરખા જ જોવા મળતા હોય છે.. અને એવી જ રીતે તો દોસ્તી ની શરૂઆત થતી હોય છે...
2 BHK ના રેખા ના એપાર્ટમેન્ટ માં કુલ 9 સ્ત્રીઓ રહેતી હતી... જો કે દરેક ને સ્ત્રીઓ કહી ના શકાય... કેમ કે એમાંની 2 સ્ત્રીઓ જ ચાલીસ આસપાસ ની હતી ઉપરાંત રેખા પોતે જે 35 વર્ષ ની હતી અને બાકીની 6 લગભગ યુવાન છોકરીઓ જ હતી જેમણે હાજી માંડ પચ્ચીસ વટાવ્યા હશે..
અહીં રહેતી તમામ વ્યક્તિ પાસે પોત પોતાની કહાની હતી.. કહાની માં સામ્ય પણ હતું પરંતુ દરેક પોતાની જ કહાની માં વ્યસ્ત હતા .. કોઈ ને કોઈની પડી જ નહોતી ...
પોતાનું ઘર ના હોવા છતાં એટલે કે રેખાના ઘર માં રહેતા હોવા છતાં બધા આ ઘર માં પોતાનો અધિકાર રેખા કરતા વધારે સમજવા લાગ્યા હતા .. કદાચ રેખા દરેક ને પોતાના કરીને જ રાખતી હતી એટલે,..
અહીં રહેતી દરેક વ્યક્તિ ગમે ત્યારે મગજ ગુમાવી બેસતી, મન ફાવે તેમ એકબીજા ને ગમેતેમ સંભળાવી પણ દેતી, તોયે રેખા ને કોઈની પણ વાત નું માઠું લાગતું જ નહોતું,.. એ ઘડાયેલી સ્ત્રી જણાતી હતી.. અને એટલેજ બધાના વણકહ્યા દર્દ એ સમજતી હતી .. ક્યારેય એ કોઈ ને એમની તકલીફ વિષે પૂછી ને એમના દર્દ ને ખુરેદતી નહીં .. ખુશ રહી ને દરેક ને ખુશ રાખવાનો સતત પ્રયાસ કરવો એ જ એની ફેવરાઇટ એક્ટિવિટી કહી શકાય... રેખા ના વર્તન ઉપરથી લાગતું હતું કે એ આ બધા ની જિંદગી થી અજાણ નહોતી,..
આ ઘર માં દોસ્તી થોડી ઓછી જોવા મળતી હતી,.. ક્યારેક એમના ઝઘડા માં 2 ટીમ પડી જતી, તો ક્યારેક સૉલૉ ઝઘડા પણ થતા હતા,.. રેખા બધી જ સ્થિતિ થી ટેવાઈ ગઈ હતી,.. એક એવી તાકાત લઇ ને જીવતી હતી, જેમાં એણે ક્યારેય કોઈ પણ પરિસ્થિમાં હાર માની જ નહોતી .. એક એવી ઉમ્મીદ ના સહારે બધાને પાળી રહી હતી કે એક દિવસ આ બધા થી જ એનો પરિવાર બનશે. પાળી રહી હતી એવું એટલા માટે કહેવાય કેમ કે અહીં રહેતા બધા ઘણી વાર જાનવર જેવા વર્તન પણ કરતા હતા,..
~~~~~~~~~~
સવાર સવાર માં અડધા કલાક થી ફૉન ઉપર લાગેલી રેખા ને જોઈ ને બધાના ના મોં બગડતા જતા હતા
જ્યારે રેખા ફોન ઉપર ક્યારની કોઈ ને ધ્યાન થી સાંભળી રહી હતી,.. બધાથી કશુંક છુપાવતી હોય એમ એ ફોન ઉપર જવાબો પણ ટુંકાણ માં જ આપતી હતી,..
આ ફૉન પછી ઘર ના તમામ સભ્યો રેખાના ચહેરા ઉપર થોડા થોડા સમયે જુદા જુદા ભાવ ઉપસી આવતા જોઈ રહયા હતા,.. ક્યારેક રેખા ચિંતિત દેખાતી તો ક્યારેક દુઃખી, ક્યારેક ભગવાન ને પ્રાર્થના કરતી જણાતી તો ક્યારેક અતિશય ક્રોધિત, ક્યારેક એ મજબુર થઇ ગઈ હોય એવી જણાઈ આવતી અને ક્યારેક એનું વર્તન એવું થઇ જતું જાણે એ કશુંક કહેવા માંગતી હતી બધાને પણ કહી શકતી નહોતી,..
~~~~~~~~~~
સમીરા, વિશ્વા, આસ્થા, અનિતા, અવની, વિધિ અને આ 6 એક જ રૂમ ના સભ્યો ..
રેખા, ઉમાઆંટી અને શકુઆંટી બીજા રૂમ ના સભ્યો...
દરેક સભ્યો ની ખાસિયતો જોઈએ તો -
સમીરા ને અહીં લઇ આવનાર ઉમાઆંટી હતા.. એ બોલી શકતી નહોતી.. ચૂપ જ રહેતી,.. હાથ માંથી વાસણ પડી જાય તો પણ એ ડરી જતી.. બધાથી દૂર જ રહેતી પરંતુ રેખા સાથે થોડી કમ્ફર્ટેબલ ફીલ કરતી,..
જ્યારે વિશ્વા અતિશય અગ્રેસિવ હતી.. આમ ભલે બધા ને અંદરોઅંદર 36 નો આંકડો હોય, પરંતુ જો કોઈ ત્રાહિત વ્યક્તિ આ ઘર ના એક પણ સભ્ય ને કાંઈ પણ કહે તો વિશ્વા રણચંડી બની જતી,.. એ સામેવાળા ને બદલો લીધા વિના છોડતી નહિ,.. એટલું જ નહિ એ એટલું તો મૅક-શ્યૉર કરતી કે એ વ્યક્તિ ફરીથી આ ઘર સામે આંખ ઉઠાવી ને જોવાની હિંમત ના કરી શકતી - એક રીતે કહીએ તો વિશ્વા આ ઘર ની દાઉદ હતી.. બધા એની પીઠ પાછળ એને દાઉદ કહી ને જ સંબોધતા હતા,..
આસ્થા સોફેસ્ટિકેટેડ અને રેખાને થોડી હેલ્પફુલ રહેતી.. એ રેખા ને હંમેશા દીદી કહી ને બોલાવતી.. આસ્થા ને જોઈ ને હવે એની બીજી પાંચેય રૂમ-પાર્ટનર પણ રેખા ને દીદી કહેવા લાગી હતી, હા, એ પાંચેય ના અવાજ માં આસ્થા જેવો ઉમળકો ક્યારેય ના હોતો જયારે એ રેખા ને દીદી કહે ત્યારે,.. એમને બસ આસ્થા થી ઉતરતું દેખાવું પસંદ નહોતું,..
અનિતા અને અવની વચ્ચે થોડી મિત્રતા હતી એટલે કોઈ પણ વાતે એ લગભગ એક થઇ જતા ... એકબીજા સાથે પોતાની જિંદગી ના સિક્રેટ શેર કરતા હોય એમ કોઈ ના અચાનક રૂમ માં આવવાથી એમની વાતો બદલાઈ જતી,.. કંઈક ખાનગી હિલચાલ ચાલ્યા કરતી એમની વચ્ચે હંમેશા,.. તેમ છતાં એમની વચ્ચે પણ અમૂક અમૂક વાત ને લઇ ને ચડભડ તો રહેતી જ,.. જયારે એ બન્ને અંદરો અંદર ઝઘડી પડતા ત્યારે વિશ્વા ખાસ એના કાન શાર્પ કરી ને એમના ઝઘડા માં એવી રીતે ધ્યાન આપતી, જાણે હમણાં કોઈ એક નું રહસ્ય બહાર નીકળ્યું જ સમજો,... પરંતુ અનિતા અને અવની ના આવા દરેક ઝઘડા ને અંતે વિશ્વાને નિરાશા જ મળતી,..
વિધિ ને બધા વિચિત્ર વિધિ થી ઓળખતા - એ એકદમ જુદી જ હતી... સાવ વિચિત્ર સ્વભાવ ની,.. કોઈ ને હસતા એ જોઈ જ શક્તિ નહોતી ચાહે એ અજાણી વ્યક્તિ હોય કે આ ઘર નું કોઈ સભ્ય હોય, કોઈ કપલ ને હાથ પકડી ને ચાલતા જુએ, નાના છોકરાઓ ને પાર્ક માં રમતા જુએ, કોઈ વૃદ્ધ એના રસ્તા માં આવી જાય, અથવા કોઈ અપાહિજ ને ભીખ માંગતા જુએ, અથવા તો બાઈક ઉપર કોઈ ને ચીપકી ને બેઠેલા જુએ, કે પછી કોઈ ને સારા માર્ક સાથે પાસ થતા જુએ તો - વાત કોઈ પણ હોય એ હંમેશા અકળાયેલી જ રહેતી,.. પોતે ખુશ રહેવું પણ નહિ અને કોઈને ખુશ રહેવા દેવા પણ નહિ એવો એનો સ્વભાવ બની ગયો હતો,.. એના આવા ચિઢચિઢા સ્વભાવ ને લીધે રેખા સિવાય બધા એને ટાળતા રહેતા અને એનાથી દૂર જ રહેવાની કોશિશ કરતા,..
બન્ને આંટીઓ ની વચ્ચે સંપ માત્ર રમી રમવા જેટલો જ હતો,.. બાકી 24 કલાક એલોકો ની વચ્ચે ઈન્ડિયા અને પાકિસ્તાન જેવા સબંધો હોતા,..
~~~~~~~~~~
આજે સવારે ફોન ઉપર વાત કર્યા પછી રેખા ને એક ઉમ્મીદ જાગી હતી કે કદાચ હવે એ બધા વચ્ચે સાચેજ અતૂટ દોસ્તી થવાની હતી ... કદાચ હવે એ દરેક પોતાની કહાની માંથી બહાર આવી ને એકબીજા ના દર્દ ને સમજવાના હતા... કદાચ એ લોકો માં થોડા લાગણી ના અંકુર ફૂટવાના હતા.. પરંતુ એક ડર એ પણ હતો કે જે વાત થી એક ઉમ્મીદ જાગી હતી એ જ વાત આ બધાની વચમાં મુકવી કેવી રીતે ? તોયે હિંમત કરી ને કહયા વિના છૂટકો જ નહોતો,..
એણે આજે નક્કી કર્યું હતું,.. કે ગમે તે થશે એ આ વાત કહી ને જ રહેશે ..
શુક્રવાર ની સવારે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર એણે બૉમ્બ ફોડતી હોય એમ કહ્યું, - સોમવારે એક ઔર સભ્ય આ ઘર માં રહેવા આવશે,"
રેખા હજુયે ચિંતિત હતી એણે બધાની સામે જોતા કહ્યું - "એને આપણે રસ્તા ઉપર તો નહિ જ મૂકી શકીએ "
સૌથી પહેલું રિએક્શન આપનાર વિશ્વા હતી,
"વ્હોટ ધ **** ? - ધર્મશાળા જ છે "
વિધિએ પણ એની નારાજગી બતાવતા કહ્યું,
"અગર આ મારુ ઘર હોત તો આટલા ઘેટાં-બકરા ભર્યા જ ના હોત મેં"
વિશ્વા એ ખુંધુ હસી ને વિધિ ની વાત માં સુર પુરાવ્યો...
અવની અને અનિતા એકબીજાની સામે જોઈ આંખો આંખો માં કાંઈક વાત કરી રહી હતી.. કદાચ પોતાની જગ્યા સલામત તો રહેશે ને ? એ ડર ની આપ-લે હતી બન્ને ની નજર માં, જે બન્ને આંટીઓની નજર થી અજાણ નહોતું,..
વિશ્વાએ કડવાશ થી રેખા ને પૂછ્યું, "દીદી, તમે કેટલાનું પૂરું કરશો? અને ક્યાં સુધી? તમે હવેલી ના મલિક નથી.. બે જ બેડરૂમ છે - રાખશો ક્યાં એને ?"
ઉમા આંટી તરત જ બોલી ઉઠ્યાં, "હું મારી જગ્યા નથી આપવાની - કહી દઉં છું ... આપવી જ હોત તો મેં સમીરા ને આપી હોત ... " બધા જાણતા હતા કે સમીરા ને ઉમા આંટી લઇ આવ્યા હતા ... અને રેખા દીદી નો સ્ટ્રીક આગ્રહ હતો કે કોઈએ સમીરા વિષે કોઈ જ સવાલ ના ઉમાઆંટી ને કરવાનો કે ના સમીરા ને ખુદ ને .. બધા એ પણ જાણતા હતા કે ડર ની મારી ઝબકી ને જાગી જતી સમીરા ક્યારેક ક્યારેક આખી રાત સુઈ ના શકતી.. જયારે જયારે સમીરા ડરેલી હોય ત્યારે ત્યારે ઉમાઆંટી સમીરા ને પોતાની સાથે સુવડાવતા ..
"મને કમર નો દુખાવો છે - આઈ હોપ યાદ હશે બધાને... " શકુ આંટી એ દાવ રમતા હોય એમ કહ્યું,..
એટલે ઉમાઆંટી થી રહેવાયું નહિ - "મારી મજબૂરી ના હોત તો હું આ ઘર માં ક્યારેય ના રહેત - કેટલા લોકો ને ભરશો"
વિશ્વા બોલી - "ભાઈ આપણું ઘર નથી - બહુ બોલવું સારું નહિ - નહીંતર ક્યાંક એવું ના થાય કે આપણ ને જ દીદી ઘર માંથી જાકારો આપી દે,"
અત્યાર સુધી તમાશો જોઈ રહેલી આસ્થા હવે મેદાન માં આવી, "લૂક ગલ્સ, હું કોઈ નો પક્ષ લઇ ને બોલતી નથી,- સમજુ છું કે દીદી એ કાંઈક વિચારી ને જ આ નિર્ણય લીધો હશે ... તમને બધાને પણ એક પછી એક દીદીએ આવકાર્યા હતા - કદાચ આવું જ કંઈક કારણ હશે કે એ નવા આવનાર ને ના નહિ પાડી શક્યા હોય, - આપણે એ બિલકુલ ભૂલવું ના જોઈએ કે આપણે પણ.... .... ... "
વિશ્વા ને હવે ચંડી માં સવાર થવા લાગ્યા. આસ્થા ની વાત કાપતા જ એ વચ્ચે બોલી -
" ઍ હેલ્લો, - મૅડમ આસ્થા, તમે વકીલાત ના કરો - ઑકે ? - લાગે છે તમે જ દીદી ને ચડાવો છો "
વિધિ બોલી, "કોને ખબર ઉમા આંટી સમીરા ને લાવ્યા એમ જ આ આસ્થા નું જ કોઈ ઓળખીતું લાગે છે,.. "
અવની એ કહ્યું - "આઈ સ્વેર ... એવું જ હશે... "
અનિતા એ ઈશારા માં અવની ને કઈ જ બોલવાની ના પાડી - અવની ચૂપ -
વિધિ ની વાત માં વિચાર કરતા બન્ને આંટી હવે બેચેન થઇ ગયા હતા - શકુઆંટી હવે પોતાનો ડર ખોલી રહયા હતા," રેખા સાથે જો આસ્થા જેટલી સારાસારી રાખી હોત તો મારે આજે આ દિવસ જોવો ના પડત - મને પણ એવું જ લાગે છે કે આસ્થાના અને ઉમાના સગાવ્હાલા એક પછી એક આવતા જશે અને આપણે એક પછી એક આ ઘર ની બહાર થતા જઈશું .. "
રેખા તમાશા ને તોડતા બોલી - "હું ક્યારેય ઇચ્છતી નથી કે કોઈ એ મારી સાથે આવી રીતે રહેવું પડે,.. " એની આંખ માંથી પાણી પડવા લાગ્યા. એ આગળ બોલી, "જે આવવાનું છે એ કોણ છે એની મને ખબર નથી પણ એટલી ખબર ચોક્કસ છે કે વર્ષો પહેલા મારી હાલત આવી જ હતી - એની પાસે રહેવા માટે ઘર નથી, ખાવા માટે અનાજ નથી, શરીર ઢંકાય એટલા કપડા પણ નથી,.. હું જોઈ ચુકી છું આ દિવસો એટલે હું સ્વાર્થી નહિ થઇ શકું,.. "
"તમે કહેવા શું માંગો છો ? અમે સ્વાર્થી છીએ ?" - વિશ્વા
"અરે તમારો વિચાર કરીએ છીએ કે કેટલાનું પેટ ભરશો ? તમારા માટે કહીએ છીએ - અમારે શું ?" - અનિતા
"ભલાઈ નો જમાનો જ નથી - જેના માટે વિચારો એ જ તમને ગલત સમજે ભાઈ " - અવની
"બસ કરશો હવે બધા, ? ચૂપ થઇ જાઓ પ્લીઝ .. !! ' - આસ્થા
અનિતા એ એક આંગળી એના બન્ને હોઠ ઉપર મૂકી ડોકું ધુણાવી આસ્થા ની મશ્કરી કરી..
અવની થી હસી જવાયું - બધાની નજર અનિતા અને અવની ઉપર ગઈ .. અને રેખા નું ડુસકું નીકળી ગયું
ઉમા અને શકું આંટી બોલતા ઓછું હતા પણ ચહેરા ઉપર અણગમો સાફ દેખાતો હતો ...
હવે આસ્થા થી રહેવાય એમ નહોતું એટલે એણે એક જ સવાલ કોમન માં કર્યો, " તમે આજે અહીં ના હોત તો ક્યાં હોત ?"
બસ, આટલા જ વાક્ય થી બધાની બોલતી બંધ થઇ ગઈ હતી,... દરેક વિચારવા માટે મજબુર થઇ ગયા.. વાત ખોટી નથી એવો અહેસાસ કરવા લાગ્યા,..
રેખાએ આશ્ચર્ય સાથે મોટી આંખે આસ્થા સામે જોયા કર્યું,.. એને નવાઈ લાગતી હતી કે આ બધા ની જુદી જુદી કહાની ઓ ને હું મહા-મહેનતે છુપાવું છું એ બધું જ આસ્થા કદાચ જાણે છે.. પણ કેવી રીતે ?
એના વિચારો પુરા થયા જ નહોતા ત્યાં આસ્થા એ આગળ કહ્યું,
"તમે જાણતા નહિ હોઉં કદાચ, - પણ હું જે તે ની સાથે રહેવા ટેવાયેલી નહોતી,.. મારા પિતા એક વકીલ હતા,.. જેઓએ મૉમ ની ડેથ પછી મને ક્યારેય માં ની કમી મહેસૂસ થવા નહોતી દીધી.. .. મારી મૉમ રૅપ કેસ નો શિકાર બની હતી અને એણે સ્યુસાઇડ કર્યું હતું. ત્યાર પછી ડેડ માત્ર રૅપ કેસ જ લડતા હતા - આજ સુધી એમણે 8 સ્ત્રીઓ ને ન્યાય અપાવ્યો હતો.. આ બધું ડૅડ ના એક્સિડન્ટ પછી એમના આખિરી શ્વાસ લેતા એમણે મને જણાવ્યું હતું, .... .... ..... .... "
વિધિ દૂધ ભરેલો એક ગ્લાસ લઇ ને ખૂણા માં બેસી ગઈ,... કોઈ નું ધ્યાન એની તરફ હતું જ નહિ બધા આસ્થા ને સાંભળતા હતા... વિધિ પોતાની બન્ને હથેળીઓ એ ગ્લાસ ઉપર ઘસતી આસ્થા ને સાંભળી રહી હતી..
વિશ્વા બોલી, " તારી અને તારા ડૅડ ની હીરોગીરી અમને શું કામ સંભળાવે છે ? - અમારે એની સાથે કોઈ લેવાદેવા નથી"
આસ્થા ઝટકો મારી વિશ્વા તરફ ફરતા બોલી, - "અચ્છા ? - તો કહે તો જરા મને, વગર વાંકે જ્યારે કોઈ કોલેજ નો પ્રૉફેસર આપણી ઈજ્જત ઉપર હાથ નાખે અને આપણે ખોટા ના હોવા છતાં આપણને રસ્ટીગેટ કરવામાં આવે ત્યારે કેવું લાગે ? એટલું જ નહિ જયારે એ જ કોલેજ ના પ્રોફેસર બ્લેક-મેલ કરે ત્યારે કેવું લાગે ? આપણું શોષણ નિયમિત કરી શકે એને માટે પોતાના જ છોકરા ની સગાઇ નું માગું લઇ ને આપણા ઘર ની ચોખટ સુધી પહોંચી જાય ત્યારે કેવું લાગે ? તમે તમારી માં ને સમજાવી પણ ના શકો કે તમે એનું શિર ઝુકે એવા કોઈ કામ કર્યા જ નથી અને એ તમને સાંભળવા તૈયાર જ ના હોય ત્યારે કેવું લાગે ? જ્યારે કોઈ સહારો ના હોય ત્યારે લાચારી નો ફાયદો ઉઠાવવા રસ્તા ના ભેડિયા ઓ નું ટોળું તમારી આસપાસ થી ખસતું ના હોય ત્યારે કેવું લાગે ? અને એવે સમયે સગી માં કરતાંયે સવાયી થઇ ને કોઈ રેખાજેવી તમને સહારો આપે તો એ અહેસાન ને ભૂલી ને એની ઉપર શંકા કરી એના જ ઘર માં એટલા અધિકારો જતાવવા, કે જેટલા પોતાના ઘર માં પણ નહોતા મળ્યા - એ કેટલે અંશે વ્યાજબી છે ? - પણ હા, મારા ડેડ ની હોય કે રેખા દીદી ની - કોઈની હોરોગીરી સાથે આપણે શું નિસબત ? ... આપણે તો બસ,... "
વિશ્વા ના આંખો માંથી આસ્થા ના દરેક વાક્યે બોર જેવડા આંસૂ ટપકતા રહયા,.. એ દોડી ને આસ્થા ને ભેટી પડી,.. એનો હાથ એણે આસ્થા ના મોં ઉપર દાબી દીધો,.. "આઈ એમ સૉરી આસ્થા, - હું મારા જ સ્વાર્થ નો વિચાર કરતી હતી,.. થેન્ક-યુ સો મચ મને સ્વાર્થી બનતા અટકાવવા માટે.. " એનથી એક ડૂસકું લેવાઈ ગયું,.. બાજુ માં જ ડાઇનિંગ ટેબલ ની એક ચૅર ખેંચી ને બેઠેલી રેખા એને ભેટી પડી.,, વિશ્વાએ રેખા ને કહ્યું, "દીદી આઈ એમ સૉરી,.. અગર કોઈ પોતાનો બેડ શેર નહિ કરે તો હું પથારી કરી ને સુઈશ એ જે હોય તે અગર તમને લાગે છે કે એ વ્યક્તિ તમારા ઘર માં રહેવી જોઈએ તો એ અહીં જ રહેશે.. "
આખાયે રૂમ માં નીરવ શાંતિ છવાઈ ગઈ,.. બસ આસ્થા ની આ હરકત થી આખા ઘર નો માહોલ બદલાવા લાગ્યો,.. અત્યાર સુધી દરેક સમજતા હતા કે પોતે એક રાઝ સાથે આ ઘર માં પ્રવેશી છે બધાનો ભ્રમ ભાંગી ગયો..
જેમ જેમ વિશ્વાની સચ્ચાઈ પત્તા ખુલે એમ ખુલીતી ગઈ તેમ તેમ ખૂણા માં બેઠેલી વિધિ ની હથેળીઓ મજબૂતાઈ થી ગ્લાસ ઉપર ઘસાતી ગઈ..
શકુઆંટી ને હિંમત આવી ગઈ એમણે ઉભા થઇ ને એક હાથે કમર પકડતા અને બીજો હાથ વિશ્વા ને માથે ફેરવતા બોલ્યા, "બેટા આટલું બધું સહેતી હતી તું,.?? જુઓ નસીબ ની બલિહારી,.. કોઈ માં દીકરી ને સમજતી નથી જ્યારે કોઈ માં દીકરી માટે બીજું કશું જ સમજતી નથી .. જે દીકરી માટે હું બધું જ છોડી ને આવી છું એ મારી દીકરી મને આજે મળી ગઈ,.. ચાલ હવેથી હું જ માં છું તારી,,, વર્ષો પહેલા ચરોતર ના જંગલ માંથી ઘાસ લઇ ને ઘેર જતી હતી ત્યારે ગૅન્ગરેપ થયો હતો મારી ઉપર .. એ સદમાં માંથી બહાર આવું એ પહેલા તો મારો ગર્ભ રહ્યો.. લગ્ન વિના સંતાન થયું હતું ... એકે પરી જેવી દીકરી,.. જેને મારે જન્મતા ની સાથે જ છોડી દેવી પડી હતી,.. આજે મારી દીકરી મળી ગઈ મને,.. "
આખા રૂમ માં ફરીથી ભયાનક મૌન વ્યાપી ગયું,..
આસ્થા એ હાથ ની અદબ વળતા શકુ આંટી સામે જોઈ ને આંખો ઉલાળતા પૂછ્યું,"બસ આંટી આટલું જ હતું ? બાકી ની વાત કોણ કહેશે ? "
શકુ આંટી એ ચહેરા ઉપર એક મર્મ ભર્યું સ્મિત ફેરવ્યું,...
આસ્થા બોલવા લાગી , - " શકુ આંટી જેને પરણવાના હતા એને શકુ આંટી થી છુટકારો જોઈતો હતો,.. દરબારો ના ગામ માં સબન્ધ તોડો તો લોહી ની નદીઓ વહે એટલે એણે એના મિત્રો પાસે શકુ આંટી નો ગૅન્ગરેપ કરાવ્યો. જેના લીધે એ આંટી ને બદચલન કહી સબન્ધ તોડી શકે... આંટી એ ધારિયું એના ખભે મારી દીધું ... જેને માટે એમને 2 વર્ષ જેલ માં રહેવું પડ્યું,.. અને ડિલિવરી પણ જેલ માં જ કરી ... એમની દીકરી આજે જેલર ની દીકરી તરીકે ઓળખાય છે... હજુ સુધી એને સાચી ખબર નથી એની માં કોણ છે .. ?"
વિધિ નું મગજ ફાટ ફાટ થવા લાગ્યું હતું.... એને આખા ઘર ની દિવારો ગોળ ગોળ ફરતી જણાતી હતી... એના શ્વાસ ફૂલવા લાગ્યા હતા અને ધડકન પણ તેજ થઇ રહી હતી...
ઉમાઆંટી ને શકુઆંટી ની સચ્ચાઈ સાંભળી ને એક ગ્લાનિ થઇ આવી કે કેવા કેવા વાક્યો વાપરતા હતા એ જયારે જયારે ઝઘડતા હતા ત્યારે
અવની અને અનિતા ના આંખ ના ખૂણા પણ ભીના થઇ ગયા .... બધા સ્તબ્ધ થઇ ગયા ...
આસ્થા ... તું .... કેવી રીતે ..... આટલી બધી જાણકારી ..... આઈ મીન ..... રેખા ને શબ્દો નહોતા મળતા .... રેખાએ આસ્થા સામે અનિમેષ જોયા કર્યું,..
આજે રેખા ને આસ્થા ની સુઝબુઝ અને એની ધીરજ નું કારણ સમજાઈ ગયું,..
રેખા ને એ પણ સમજાઈ ગયું હતું કે પોતે ભલે કોઈ ને કાંઈ જ કહ્યું નથી પરંતુ આસ્થા થી કશું જ છાનું નથી ... રેખા ને જે પણ માહિતી એ NGO થી મળતી, એ બધી જ ઈંફર્મેશન આસ્થા પોતાના રિસર્ચ દ્વારા પહેલેથી જ મેળવી લેતી અને NGO સુધી આ તમામ ફાર્મેશન પહોંચાડતી હતી - રેખા પાસે સૌથી પહેલી આવનાર આસ્થા કદાચ એટલે જ દરેક ના આગમન પછી એક લાઈન બોલતી હતી, કે - " દીદી - શી નીડ્સ યુ .... " અને એ જ કારણે આસ્થા બધાનો સહજ સ્વીકાર પણ કરી શકતી હતી,..
આસ્થા ની અને રેખાની નજર મળી, હલકી સ્માઈલ બન્ને ના ચહેરા ઉપર ફેલાઈ ગઈ ... જાણે કે બન્ને આંખો એ એકબીજા ને કશુંક કહ્યું ના હોય .. !!
અત્યાર સુધી ચુપચાપ સાંભળતી સમીરા એ આસ્થા ના સાથળ ઉપર હળવેથી ટપલી મારી, એટલે આસ્થા અને બધાની નજર સમીરા ઉપર ગઈ... ગૂંગી સમીરા આમ તો ક્યારેય કોઈ ને કઈ પૂછતી જ નહિ,.. પણ જ્યારે આસ્થાએ પોતાના સાથળ ઉપર સમીરા નો સ્પર્શ અનુભવ્યો ત્યારે એણે એની સામે જોયું, સમીરા એની તરફ એક આંગળી કરી પ્રશ્નાર્થ ભાવે હથેળી ને જરાક વાળી ... આસ્થા સમજી ગઈ કે સમીરા આસ્થા ની અધૂરી રહી ગયેલી વાત આગળ પૂછી રહી હતી..
એણે સમીરા નો ચહેરો પોતાના બન્ને હાથ માં લઇ ને કહ્યું, " મારા પપ્પા એ જેમની સામે કેસ લડ્યો હતો એણે મારા પપ્પા નો એક્સિડન્ટ કરાવ્યો, હું તો એ એક્સિડન્ટ માં બચી ગઈ પણ પપ્પા ઘવાઈ ગયા હતા.. એ રાક્ષસ મને ઉપાડી ને લઇ જતો હતો ત્યાં જ એક્સિડન્ટ નો અવાજ સાંભળી ઘણા બધા માછીમારો ભેગા થઇ ગયા.. અને એમણે મને એ રાક્ષસ ના હાથ માં થી છોડાવી અને પોલીસ ને સોંપી, જેમણે એક NGO દ્વારા મને રેખા દીદી નો સંપર્ક કરાવી આપ્યો .. મને રાહત મળી કે અહીં કોઈ મને ઓળખતું જ નહોતું એટલે હું સેફ હતી,.. અહીં મને કોઈ મારી જિંદગી વિષે ક્યારેય કશું જ પૂછતું નહોતું,... " આસ્થા ની આંખો ભરાઈ આવી
એણે કહ્યું, "હું આ ભયાનક હાદસા ને બહુ જ નજીક થી જોઈ ચુકી છું એટલે હું સમજુ છું - કે હું તો બચી ગઈ પણ દરેક ના નસીબ મારા જેવા નથી હોતા .. જે આ દર્દ માંથી પસાર થાય છે એ કેટલું ..... " - અચાનક વિધિ જ્યા બેઠી હતી એ દિશા માંથી કાચ તૂટવાના અવાજ થી આસ્થા નું વાક્ય અધૂરું જ રહી ગયું.. અવની અને અનિતા ની નજર વિધિ ના હાથ ઉપર પડતા જ એ બન્ને દોડી ને વિધિ પાસે પહોંચી ગઈ.. રેખા ઘભરાઈ ગઈ ... વિધિ ના હાથ ના દબાણ થી જ દૂધ નો ગ્લાસ બન્ને હથેળીઓ વચ્ચે ફૂટી ગયો હતો અને લોહી ની ધાર નીચે પડી રહી હતી.. એની હથેળી માંથી ટપકતા લોહી ના કલર કરતા વધારે લાલ વિધિ ની આંખો હતી..
એનાથી એક જોર થી ચીસ પડાઈ ગઈ, "ઓલ મેન આર સૅઇમ.. ડીડ યુ ગેટ ધેટ ? ... ઓલ મેન આર સૅઇમ.."
એ જોર જોર થી શ્વાસ લઇ રહી હતી ... કપાઈ ગયેલા હાથ ની બળતરા એને જરાયે અસર કરતી નહોતી.. એના ફૂલેલા નાક એનો ગુસ્સો બતાવી રહયા હતા.. દાંત પીસાઈ ગયા હતા ...
ફર્સ્ટ એઈડ કીટ લઇ ને દોડી આવેલી વિશ્વા એ ડૅટોલ વાળું કૉટન કર્યું ત્યાંજ વિધિ એ એક ઝટકા સાથે આખી કીટ ઉલાળી મૂકી... થોડી દવાઓ જમીન ઉપર ઢોળાઈ ગઈ .. ડેટોલ ની બોટલ જમીન ઉપર પછડાઈ ને તૂટી ગઈ.. અંદર મુકેલી સીઝર અને નાના મોટા પાટા પણ જમીન ઉપર વેર-વિખેર થઇ ગયા,.. બેન્ડ-એઈડ નું બોક્સ પણ ખુલી ને નીચે પડી ગયું,..
વિધિ ની સૌથી નજીક ઉમાઆંટી ઉભા હતા.. વિધિ ને શાંત કરવા ઉમા આંટી એ વિધિ ની હા માં હા મિલાવવી શરુ કરી.. "હા બેટા, સાચી વાત છે.. ઓલ મેન આર સૅઇમ.. આઈ નો.. ઓલ મેન આર સૅઇમ.. આઈ એગ્રી ... શાંત થઇ જા ,.. "
ઉમાઆંટી ની આટલી વાત પછી વિધિએ જાતે જ વિશ્વા ના હાથ માંથી ઝૂંટવી ને ડેટોલ વાળું કોટન લઇ લીધુ .. દર્દ ની અસર જરાયે થતી ના હોય એમ પોતાના જ બીજા હાથે એ લોહી સાફ કરવા લાગી .. આમ પણ એના ઈમોશનલ પૅઈન ની સામે એને ફિઝિકલ પૅઈન નહિવત લાગતું... નીચે થી એક પાટો ઉઠાવી વિશ્વાને પોતાનો ઘાયલ હાથ અને પાટો ધર્યા,.. વિશ્વાએ હળવેથી એને પાટો કરી આપ્યો..
આટલા બધા તાયફા પછી દરેક ને એટલી વાત નો અંદાજ તો આવી જ ગયો હતો કે અહીં રહેતા બધા જ રૅપ નો શિકાર બનેલા હતા.. હવે કોઈનાથી કશું જ છુપાવીને જીવવાનો કોઈ મતલબ નહોતો...
વિધિ ના આક્રોષ થી એટલું તો સ્પષ્ટ હતું કે એને આવી કોઈ ની પણ તકલીફ વધારે અસર કરતી હતી .. અને એટલે જ એ કોઈ ની સ્ટોરી સાંભળી શક્તિ નહોતી.. એ ભોગ બનેલી દરેક સ્ટોરી માં પોતાને જોવા લાગી હતી,.. કદાચ એટલે જ એને ખુશ થઇ ને રહેતી વ્યક્તિઓ માટે નફરત ની લાગણી સહજ થઇ જતી.. કેમ કે એ પોતે બેહદ જખ્મી હતી..
આસ્થા એ રેખા સામે જોયું, અને ડોકું ધુણાવ્યું "ના દીદી, ... " રેખા વિધિ ની બીજી બાજુ જઈ ને ગોઠવાઈ ગઈ,.. ઉમા આંટી અને રેખાદીદી બન્ને વિધિ ની આજુબાજુ હતા.. એક એની પીઠ ઉપર અને બીજું એના વાળ માં હાથ ફેરવી રહ્યા હતા..
આસ્થા એ કહ્યું, "છોડ ને વિધિ, ... બહુ વાતો ને વાગોળવાથી આપણા જ ઝખ્મો તાજા થાય છે.. શું કામ દુઃખદ ઘટનાઓ યાદ કરવી હોય ? "
"આસ્થા, હું એ ઘટના ને રોજ જીવતી હોઉં છું - ભલે અહીં કોઈ મારી લાઈફ થી વાકેફ નથી પરંતુ સોસાયટી ના છોકરાઓ ની ગંદી નજર મને એ જ ફીલિંગ્સ અપાવે છે જે મારા સ્ટેપ-મામા આપતા હતા..."
અવની અનિતા વિશ્વા અને બન્ને આંટી સાથે સમીરા ની આંખો પણ પહોળી થઇ ગઈ ..
"વિધિ તને તારા જ ઘર માં .... ?? "
વિધિ ની આંખો ગુસ્સા માં લાલ હતી ... આગ વરસાવતી એ આંખો ડૂસકું પણ લેતી નહોતી... પરંતુ એનું દિલ કાળ-ઝાળ હતું.. એ બોલતી હતી, " ડેડી મોમ ની ખુબસુરતી સામે એ જોઈ જ નહોતા શકતા કે હું મારા જ ઘર માં કેવી રીતે જીવું છું - મારા વિડીયો બનાવી ને મારી સ્ટેપમધર નો ભાઈ મને રોજ બ્લેક-મેલ કરતો... મારા જ ઘર માં, મારી જ પથારી માં એ રોજ મારો જીવ લેતો.. કોઈ મારું હતું જ નહિ - હું પપ્પા થી પણ દૂર થઇ ગઈ હતી,.. ક્યારેક તો હું શંકાશીલ થઇ જતી કે એનો ભાઈ જે મારી સાથે કરે છે એમાં મારી સ્ટેપ મૉમ નો જ હાથ હશે .."
વર્ષોના રોકી રાખેલા આંસુ જાણે વિધિ એ વહેવા દીધા આજે ...
સમીરા હળવે થી વિધિ ની નજીક ગઈ ... પોતાના હાથ ની આંગળીઓ થી એણે રડતા રડતા વિધિ ના બન્ને ગાલ ઉપરથી એના આંસૂ લૂછયા .. સામે વિધિ એ પણ એ જ કર્યું,...
વિધિ એ અનિતા અને અવની ની સામે જોતા કહ્યું, "મારી સ્ટેપ-મૉમ એના ભાઈ સાથે મને ફરવા મોકલવાના પ્રોગ્રામો મારી મરજી વિરુદ્ધ બનાવ્યા કરતી, જેને મારા પપ્પા મૉમ ની મારા પ્રત્યે ની લાગણી સમજતા,.. મારા કપડાનું શોપિંગ પણ એવું થતું જેમાં મારુ અડધું શરીર ખુલ્લું રહે... એના ભાઈ ની ગંદી નજરો નો સામનો મારે મારા જ ઘર માં કરવો પડતો.. મને આ બધું બહુ જ વિચિત્ર લાગતું .. હું મારી સગી માં ને બહુ જ મિસ કરવા લાગી હતી,.. ઘર માંથી ભાગી જવાનો વિચાર પણ મને ધ્રુજાવી દેતો - ડર લાગતો કે આ કંસ જો મારો વિડીયો વાયરલ કરી દે તો દરેક ના મોબાઈલ માં મારો ચહેરો પહોંચી જશે .. "
"પણ તું અહીં સુધી કેમની પહોંચી ?" થોડી શાંત થઇ ગયેલી વિધિ ને ઉમા આંટી પૂછી રહયા હતા
"અમે ચારેય હરિદ્વાર જતા હતા... રસ્તામાં ટ્રેન માં જગ્યા માટે મોમ ના ભાઈ ને બીજા પેસેન્જર સાથે ઝઘડો થયો - મારામારી અને ઝપાઝપી કરતા એનો મોબાઈલ એ અજાણી વ્યક્તિ એ ટ્રેન માંથી બહાર નાખી દીધો.. મેં ડોકું બહાર નાખી જોયું તો નીચે નદી હતી ... મારી આઝાદી ના એ અજાણ્યા ફરિશ્તા ને મેં મારી જગ્યા આપી ને દરવાજે હું ઉભી રહી ગઈ અને એક એવા સ્ટેશન ની રાહ જોવા લાગી જયા કોઈ મને જાણતું જ ના હોય ... .. ચાલુ ટ્રેન ના ખુલ્લા દરવાજે ઉભા ઉભા, એના ભાઈ સામે મેં પહેલી વાર મારી નજર ઉઠાવી હતી .. એની નજર માં હાર જોવાની મને ખૂબ જ ગમી હતી એ દિવસે.. એને મારી નજર માં મારી આઝાદી દેખાઈ ગઈ હતી ... એના બધા જ હથિયાર ઝુંટવાઈ ગયા હતા - એ નીહથ્થો થઇ ને હવે મારી સાથે લડી શકે એમ નહોતો ... મારા દિલ ને એની આ હાર થી એક અજબ ઠંડક મળી રહી હતી... જે સ્ટેશને હું ઉતરી ત્યાર થી અત્યાર સુધી હું કેટલુંયે ભટકી હોઈશ પણ ઘેર પાછી ક્યારેય નથી ગઈ.. જેમને મારી જરૂર નથી એમની જરૂર મારે પણ નથી. .. "
હંમેશા ગુસ્સા માં રહેતી અને વાતે વાતે કકળી ઉઠતી વિધિ આજે શાંત થઇ ગઈ હતી,,.. એની અંદર ની સુનામી શમી ગઈ હતી.. એણે રેખાદીદી સહિત બધાની સામે પહેલી વાર દિલ થી સ્માઈલ કરી હતી,..
વિશ્વા ને વિધિ ના સ્ટેપ-મામા ઉપર બહુ જ ગુસ્સો આવતો હતો, એણે વિધિ ને પૂછ્યું, "જીવે છે એ કન્સ હજીયે?"
"કોણ જાણે ? એના ફૉલો-અપ લેવાની મને જરૂર લગતી નથી" - વિધિ બોલી
આસ્થા એ કહ્યું, "એ જેલ માં છે - વિધિ ના શરીર થી ટેવાઈ ગયેલા એણે જેને શિકાર બનાવી હતી એ મારા ઘર માં કામ કરતી બાઈ હતી જેનો કેસ મારા ડૅડ લડયા હતા. એને જેલ માં મોકલનાર મારા જ ડેડ હતા ... આ એ જ કંસ છે જેણે મારા ડેડ ની કાર નો એક્સિડન્ટ કરાવ્યો હતો.."
વિધિ ની આંખો ચાર થઇ ગઈ,.. "તો તું જાણતી હતી કે હું ... ?"
આસ્થા ની આંખ માંથી પાણી નીકળી ગયા.. વિધિ ગદ્દગદ્દ થઇ ને આસ્થા ને જોઈ રહી..
સવાર ના બ્રેકફાસ્ટ ટેબલ ઉપર શરુ થયેલી આ ચર્ચા છેક સાંજ સુધી ખાધા-પીધા વગર ચાલી રહી હતી,.. માત્ર એક નવી વ્યક્તિ ને ઘર માં આવતી રોકવા માટે,.. ઉમા આંટી હવે ઉભા થતા થતા બબડ્યા, "હું હવે ક્યારેય ફરિયાદ નહિ કરું કે મારા ગામ નો મુખિયો મારૂ ગીરવે મૂકેલું ઘર છોડાવવા માટે મને લૂંટી ગયો,.. ભગવાન આવા દિવસો કોઈને ના બતાવે,.. ચાલ સમીરા .. ચાલ બેટા ... એક ઔર કેસ સોમવારે આવવાનો છે,.. ચાલ રૂમ માં જઈએ હવે આનાથી વધારે નહિ સંભળાય મારાથી ..."
સમીરા ઉમાઆંટી નો હાથ પકડવા ગઈ ત્યાં જ દરવાજે બેલ વાગ્યો,..
સમીરા એ ઉમાઆંટી નો હાથ છોડાવી દરવાજો ખોલ્યો,
"આસ્થા ?" આવનારે પૂછ્યું
સમીરા આસ્થા સામે જોવા લાગી,.. આસ્થા દરવાજે આવી
"મેમ - હું સબ્રવાલ લૉ ફર્મ માંથી આવું છું.. તમારા Tuesday ના ઇન્ટરવ્યૂ પછી સબ્રવાલ સરે આવેલા 88 કેન્ડીડેટ્સ માંથી માત્ર તમારું સિલેક્શન કર્યું છે, અને એમણે તમારો ઑફર લેટર હાથોહાથ પહોંચાડવાનું કહ્યું છે - ઑફર લેટર નિરાંતે સાઈન કરી ને ઓફિસે પહોંચાડજો પણ મને ડિલિવરી કનફર્મેશન માટે સહી કરી આપો એટલે હું નીકળું .... " - આવનાર માણસે એક એનવલોપ આસ્થા ના હાથ માં મૂક્યું ..
રેખા પેન લઈને આસ્થા ની નજીક આવી - તરત જ આસ્થા એ એ માણસ ને કુરિયર રિસીવ્ડ માં સાઈન કરી આપી જેને જોતા રેખા ને એક ઔર ઝટકો વાગ્યો,.. એણે આસ્થા સામે જોયું રેખા ની આંખો અને મોં બન્ને પહોળું થઇ ગયું .. આસ્થા પકડાઈ ગઈ એટલે એણે રેખા સામે જસ્ટ સ્માઈલ કરી ... બધા ની નજર એમની સામે સ્થિર થઇ ગઈ..
એ માણસ હાથ જોડી નમસ્કાર કરી રવાના થઇ ગયો ...
સમીરા એને વળગી પડી,
અવની વિશ્વા વિધિ અને અનિતા એની આસપાસ ઘેરાઈ ગયા
ઉમા અને શકુ આંટી ખુશ થઇ ને હાથ જોડતા આકાશ તરફ જોવા લાગ્યા
રેખા ની નજર આસ્થા ને મળતા જ એને એના હોઠ ફ્ફડાવ્યા,"કોન્ગ્રેટ્સ....."
આસ્થા એ સ્માઈલ કરી ...
બધાજ એકબીજા સાથે સંપૂર્ણ ખુલી ગયા હતા...
કોઈ ને સંકોચાઈ ને વાત કરવા ની જરૂર નહોતી રહી,..
રેખા અનિતા અને અવની ની નજીક જઈ ને આસ્થા સામે જોતા બોલી, "તમને બન્ને ને એકસાથે તમારી પીઠ પાછળ ચિટ કરનાર તમારો બાર ઑનર હવે આસ્થા ના હાથ માંથી બચી નહિ શકે - વાસના નો શિકાર બનનાર તમારી વેદના નો બદલો આસ્થા ચોક્કસ લેશે.. તમારો કેસ હવે આસ્થા લડશે,.. આજે મને સમજાઈ ગયું છે કે એ બાર માંથી તમને બચાવવાની રિકવેસ્ટ કરતી ચિઠ્ઠી આસ્થા એ જ લખી હતી - એનું લૉયર બનવાનું સપનું હવે પૂરું થઇ રહ્યું હતું... "
આસ્થા ની સ્માઈલ માં અનિતા અને અવની ની કિતાબ ના બધા જ પાના ખુલ્લા હતા ...
આસ્થા એ ઉપર જોઈ ને મન માં જ કહ્યું, "થેન્ક-યુ ડૅડી,.. આઈ વીલ કન્ટીન્યૂ યૉર વર્ક..."
~~~~~~~~~~~
સોમવાર ની સવાર
આસ્થા સિવાય અને રેખા સહીત બધા નવા સભ્ય ની રાહ જોતા બેચેન થઇ રહયા હતા..
બધા મન માં ને મન માં પ્રાર્થના કરતા હતા કે,- "હે ભગવાન આ દુનિયા ક્યાં જઈ ને અટકશે ? કોણ હશે ? શું થયું હશે એની સાથે? દુનિયા માં આવા કેટલા લોકો છે જે બેરહેમી ના શિકાર થઇ આમ એકલા પડી જતા હશે?"
રેખાના ઘર નો ડૉરબેલ રણકી ઉઠ્યો,..
સમીરા હાથ માં એક કાર્ડ લઇ ને બહાર આવી - બધાએ એને દરવાજો ખોલવા દીધો .. એક 12 વર્ષ ની બાળકી જોઈ ને બધાના હોશ જ ઉડી ગયા - દરેક ના મન માં માનવ જાત પ્રત્યે ધિક્કાર થઇ આવ્યો,.. બધા એકબીજાની સામે ભીની આંખે જોવા લાગ્યા,..
વિધિ થી બોલાઈ ગયું, "આને પણ ના છોડી ? શું બગાડ્યું હોય આટલી નાની છોકરીએ કોઈનું ?"
સમીરા દરવાજેથી એ 12 વર્ષ ની બાળકી નો હાથ પકડી ને વિધિ ની સામે લઇ આવી - એ બાળકી વિધિ ને વળગી પડી - વિધિ ની આંખો પલળી ગઈ - સમીરાએ હાથ ની ટપલી મારી વિધિ ના હાથ માં કાર્ડ મૂક્યું અને ઈશારા થી એ છોકરી ને કાર્ડ આપવા કહ્યું - જે વિધિ એ પ્રેમ થી અનુસર્યું
એ છોકરી એ વિધિ નું આપેલું કાર્ડ ખોલ્યું જેમાં લખ્યું હતું
"WELCOME TO OUR PARIVAAR"
એ છોકરીએ મૂવ થયા વિના એ કાર્ડ ખુલ્લું કરી ને બધાને બતાવ્યું
આસ્થા એ ટેબલ ઉપર ના પેન સ્ટેન્ડ માંથી પેન ઉઠાવતા કાર્ડ પોતાના હાથ માં લઇ ને એક નામ એમાં ઉમેર્યું અને એ જ સ્ટાઇલ માં ખુલ્લું કાર્ડ બધાને આસ્થા એ બતાવ્યું જેમાં હવે લખાયેલું હતું
"WELCOME TO OUR PARIVAAR - સ્નેહા ..."
એક વાર ફરીથી બધાની આંખો આસ્થાએ પલાળી દીધી,..
રેખા એ ફરીથી આંખો આંખો માં સવાલ પૂછી લીધો -
" આને પણ તું જ લઇ આવી ?"
આસ્થા માત્ર એટલું જ બોલી, "આ જ તો પરિવાર છે આપણો ... "
હવે બધાની વચ્ચે એકબીજા નો સ્વીકાર હતો -
આ હતો રેખા નો પરિવાર