પ્રસ્તાવના: નમસ્કાર વાંચક મિત્રો આપનાં અવિરત પ્રેમનાં કારણે હું આગળ વધી રહી છું. મારી બધી જ નવલકથા ને આપ સૌનો ભરપૂર પ્રેમ મળ્યો છે. તો એક અલગ જ પ્રકારની નવલકથા લખી છે. તો આશા રાખું છું કે આપને જરૂરથી પસંદ પડશે. તો વાંચી લાઈક, કમેન્ટ અને સ્ટીકર થી આપ સૌ જરૂરથી પ્રોત્સાહિત કરજો... વૃંદા 💞🙏પારિવારિક મુસીબતોનો સામનો કરતી, પોતાનાં ભાઈ, બહેનનાં ભવિષ્યનો વિચાર કરતી રૂપાળી, નટખટ આરોહી પહોંચે છે, માયાનગરી મુંબઈ ત્યાં તેની મુલાકાત હેન્ડસમ, ચાલાક અરમાન સાથે થાય છે. અને બને છે એક પ્રેમકહાની.....તો વાંચો વૃંદા ની કલમે...." પ્રેમ એક અહેસાસ....💞💞💞ઓમ ગણેશાય નમઃ+++++++++++++❤️❤️❤️❤️❤️❤️❤️❤️ભાગ ૧ પ્રેમ એક અહેસાસ+++++++++++++++++++ સૂરજની સવારી આવી પહોંચી. હજુ તો ઝાકળ પર્ણ સાથે પ્રણયની આગોશમાં ચુંબન કરતું હતું, ત્યાંજ સૂરજનાં કિરણો ઝાકળ પર પડતાં સોનેરી ઉજાસ ફેલાયો. અમદાવાદનાં લોકો મસ્ત, મોજીલા, એવાં જ સુજોયભાઈ અને સુધાબેનનુ કુટુંબ પણ અમદાવાદની પોળમાં રહેતું હતું. ત્રણ સંતાનોમાં આરોહી સૌથી મોટી.નિખાલસ ચહેરો, દિલમાં હજારો સપનાંઓ સજાવી રૂપાળી આરોહી અમદાવાદની કોલેજમાં એમ.બી.એ. નાં બીજાં વર્ષમાં અભ્યાસ કરતી હતી. તો તેનાથી નાની અમી જે બારમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી, અને સૌથી નાનો અને બધાં જ નો લાડલો અંશ આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. ક્રિકેટ રમવાનો શોખીન અંશને ધોનીની જેમ ક્રિકેટર બનવું હતું. સપનાંઓ જોવાં એ સૌનો અધિકાર છે, પણ સપનાંઓ એમ જ પૂરાં નથી થતાં! સુજોયભાઈ એક નાની કંપનીમાં કામ કરે અને સુધાબેન ઘરે સિલાઈકામ કરી થોડીઘણી મદદ કરી રહ્યાં. તો આરોહી પણ કોલેજથી આવી સાંજે શેરી, પડોશના છોકરાઓને ટ્યુશન કરાવે હતી. આજ રીતે ઘરનું ગુજરાન ચાલતું હતું. વહેલી સવારમાં જ સૌ પોતપોતાના કામમાં બિઝી હોય. સુધાબેન ટિફિન કરતાં હતાં. અમી અને અંશ શાળાએ ગયાં હતાં. આજે આરોહી ખૂબ ખુશ હતી, તેની કોલેજમાંથી પિકનિકનુ આયોજન કરવાનાં હતાં. ખુલ્લાં રેશમી વાળ, કાનમાં લાંબા ઈયરીંગ અને જીન્સ, બ્લેક ટોપમાં આરોહી પોતાનો ચહેરો અરીસામાં જોઈ મનોમન શરમાતી હતી, ત્યાં જ સુધાબેનનો અવાજ આવ્યો.સુધાબેન : " આરુ, નાસ્તો તૈયાર છે, આવી જા."આરોહી : " આવી મમ્મી,વાહ ! મમ્મી, બટાકાપૌઆ તો બહું મસ્ત બન્યાં છે. "સુધાબેન : " હા, હા, હવે તારે કયારે આ રસોઈ શીખવાની છે ? "આરોહી : " ઓહ ! મમ્મી, આપણે તો સારું- સારું ખાવાનો શોખ, તમે છોને, રોજ બનાવીને ખવડાવજો. "સુધાબેન : " હા, પણ સાસરે જાય પછી ત્યાં રસોઈ તો કરવી પડશેને ? "આરોહી :" જો, મમ્મી જ્યાં સુધી અમીની કોલેજ પૂરી ન થાય અને અંશ પણ બરાબર સેટ ન થાય ત્યાં સુધી હું લગ્ન કરવાની નથી. બસ, આ વર્ષ પુરું થયાં પછી એક સરસ મજાની જોબ અને પછી પપ્પાને બિલકુલ આરામ." સુધાબેન આરુની વાત સાંભળી આંખોમાં આંસું સાથે તેને ભેટી પડ્યાં. આરોહી : " ઓહ ! મમ્મી, ફરી રડવા લાગી. "સુધાબેન : " આરુ, તારો જન્મ થવાનો હતો ત્યારે મને થતું કે દિકરો આવે તો સારું, પણ હવે થાય છે કે તું કંઈ દિકરાથી કમ નથી. "આરોહી : " મમ્મી, તું ક્યાં જમાનામાં જીવે છે ? હવે દિકરો હોય કે દીકરી બધાં જ સરખાં છે. અરે ! મારે મોડું થાય છે. હું પણ તારી સાથે વાતો કરવા લાગી. " જય શ્રી કૃષ્ણ " મમ્મી.." સુજોયભાઈ ટિફિન લઈને સવારથી જતાં રહેતાં. અમી અને અંશ પણ સવારમાં જ શાળાએ જતાં. આરોહી પણ ગઇ. હવે સુધાબેન ઘરનાં કામ પૂરાં કરી, સિલાઈ કામ કરતાં હતાં. આરોહી તેની પાકી સહેલી માહીની એકટિવા પર કોલેજ જતી. કોલેજ પહોંચ્યા તો બધાં હોલમાં જ પિકનિક માટેની મિટિંગ માટે ભેગાં થયાં હતાં. આરોહી અને માહી પણ બેઠાં. અમન પણ બાજુમાં જ બેઠો હતો. અમન ખૂબ જ સાદો, સીધો છોકરો હતો. બહું બોલતો નહીં, કયારેક ત્રાંસી નજરે આરોહીને જોઈ લેતો. તો આરોહી પણ એક, બે વખત લાઇબ્રેરીમાં અમન સાથે વાત કરી હતી. પિકનિકની ચર્ચા થતી હતી, અને અમને કહ્યું..અમન : " આપ પિકનિક આવવાનાં છો ? "આરોહી : " જોઉં, હજુ નક્કી નથી. " પિકનિક માથેરાન, મહાબળેશ્વર, ખંડાલા અને લોનાવાલા જવાની હતી. જેમાં પાંચ હજાર રૂપિયા ભરવાનાં હતાં. જે સાંભળીને આરોહી ઉદાસ થઈ ગઈ.માહી : " આરોહી, આપણે જઇશુંને પિકનિક? બહું મજા પડશે, આ વરસાદી વાતાવરણમાં ઊંચી, ઊંચી ટેકરીઓ, સનસેટ આહા, આહા! મને તો વિચારીને જ મજા પડી ગઈ હો ! "આરોહી : " ના, માહી હું નહીં આવી શકું. પાંચ હજાર રૂપિયા? આટલામાં તો અમીની ફી ભરાઇ જાય. અને આમ પણ હમણાં અંશનો બર્થ ડે આવશે, તો તેનાં માટે ગીફટમા બેટ આપવાનો વાયદો કર્યો છે. "માહી : " ઓહ ! ડિયર તો હું એકલી ત્યાં શું કરીશ ? હું પણ નથી જતી. " બંનેની વાતો સાંભળીને અમને પણ પોતાનું લખાયેલું નામ કટ કરાવી દીધું. ઉદાસ થયેલી આરોહી અને માહી લેક્ચર ભરવાં ક્લાસમાં ગયાં. બપોર પછી આરોહી ઘરે આવી. સુધાબેન મશીન પર સિલાઈ કરતાં હતાં. અમી વાંચતી હતી અને અંશ ટી. વી. જોતો હતો. અંશ : " દીદી, આવી ગયાં, આ વખતે મને મારાં બર્થ ડે પર એક સરસ મજાનું મોટું બેટ જોઈએ હો ? "સુધાબેન : " અંશ, બેટા, હમણાં જરા પૈસાની ખેંચ છે, તો આવતાં મહિને જરૂરથી લાવી આપશું. " આ સાંભળી આરોહી વિચારવા લાગી....( કેવી રીતે આ બધાને હું પહોંચી વળીશ?મમ્મી બિચારી આખો દિવસ કામ કરે, પપ્પા પણ સવારથી કામ પર જાય, અમીનો અભ્યાસ, અંશુનુ સપનું.બસ આ વરસ જેમ તેમ કરીને નીકળી જાય પછી કોલેજમાંથી સારી કંપનીમાં પ્લેસમેન્ટ થાય તો હું પપ્પાનો ભાર થોડો હળવો કરી શકું. )અમી : " દીદી, , દીદી.."આરોહી વિચારોમાંથી બહાર આવી.આરોહી : " શું ? "અમી : " દીદી, મારી એક ફ્રેન્ડનાં પપ્પા કલાસિસ ચલાવે છે, તો હું આપ કહો તો સાંજે બે કલાક ત્યાં ટ્યુશન આપવા જાઉં, થોડી મદદ થશે. "આરોહી : " ના, હાલ તારે તારું ધ્યાન અભ્યાસ પર જ રાખવાનું છે. હું છું ને ? બધું સંભાળી લઈશ. અને હા, અંશ તારું નવું બેટ પણ આવી જશે. ખુશ.." અંશ દોડીને આરોહીને ભેટી પડયો.અંશ : " ઓહ, મારી પ્યારી દીદી..." અમીની સમજણ, આરોહીની પીઢતા જોઈ સુધાબેન પણ વિચારવા લાગ્યાં, ખરેખર! હું નસીબદાર છું, કે મને આવી દીકરીઓ મળી . ત્યાં જ સુજોયભાઈ પણ આવ્યાં. તેને જોઈ આરોહી કહેવા લાગી.આરોહી : " કેમ, પપ્પા થાકી ગયાં છો ? તબિયત તો સારી છે ને ? "સુજોયભાઈ : " હા, બેટા બસ ખબર નહીં, આજ બપોરે છાતીમાં થોડો દુઃખાવો થયો. થોડીવાર આરામ કરીશ એટલે સારું થઈ જશે. "સુધાબેન : " ઓહ ! શું થયું, તમે આરામ કરો, હું તમારા માટે ચા બનાવી લાવું છું. "અમી : " મમ્મી, તમે બેસો, હું ચા બનાવી લાવું. " આરોહી : " પપ્પા, ચાલો તૈયાર થઈ જાવ, આપણે ડોક્ટર પાસે જવું છે. "સુજોયભાઈ : " ના, બેટા ડોકટર પાસે જઈશું તો નકામા હજાર, બે હજાર થશે. સારું થઈ જશે. " આ સાંભળી આરોહી પણ ઉદાસ થઈ ગઈ.( હે ભગવાન ! હું કેમ કરીને બધું સંભાળીશ? કંઈક તો કરવું પડશે. મને કોઈ રસ્તો દેખાડો. એમ વિચારી આરોહી આંખો બંધ કરી રડી પડી. )( ક્રમશ)તો શું આરોહી પોતાનાં કુટુંબને કેવી રીતે મદદ કરશે ? એ જાણવા જોડાયેલાં રહો. વાંચતા રહો. અને આપનાં પ્રતિભાવ પણ જરૂરથી આપશો.વર્ષા ભટ્ટ ( વૃંદા)અંજાર તા: #સાહિત્ય #વૃંદાનીવાત#નવલકથા#પ્રેમ એક અહેસાસ