ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 47
શિર્ષક:- ધ્રુવેશ્વર મઠમાં
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
થોડું મારા તરફથી......
આમ તો તમે સૌ જાણો જ છો કે આપણાં આ ભારત દેશમાં અસંખ્ય મંદિરો, અને પવિત્ર સ્થાનો આવેલાં છે. વિવિધ ગુફાઓ, રહસ્યમય જગ્યાઓ, ઐતિહાસિક સ્થળો, ઐતિહાસિક સ્મારકો એવું ઘણું બધું જોવાલાયક બાંધકામ છે. એક વ્યક્તિ કદાચ પોતાનાં જીવનકાળ દરમિયાન અડધું ભારત પણ ન જોઈ શકે એટલી બધી જગ્યાઓ અને એની પાછળનો ઈતિહાસ આપણાં દેશમાં છે. કેટલાંય સ્થળો તો ચમત્કારિક સ્થળોની યાદીમાં આવે છે. કેટલીક જગ્યાએ ચમત્કાર માત્ર દેખાડો સાબિત થતો હોય છે તો કેટલીક જગ્યાએ ચમત્કાર ખરેખર પોતાનો પરચો આપતો હોય છે.
માત્ર આવા ધાર્મિક સ્થળો જ નહીં, દેશનાં શહીદો અને મહાનુભાવોની સમાધિ જ્યાં આવી છે એ સમાધિસ્થળ પણ જોવા જેવા હોય છે. પણ આ બધામાં અલગ તરી આવતી જગ્યાઓ હોય તો એ છે મઠ.લોકોમાં મઠ અને આશ્રમ વચ્ચેનો ભેદ સમજી શકાય એવો નથી. ખરેખર તો આશ્રમ એટલે એ જગ્યા જ્યાંથી તમને કંઈક શીખવા મળે. ગુરૂજ્ન પાસેથી તમે જ્ઞાન લઈ શકો એ સ્થળ એટલે આશ્રમ. જ્યારે મઠ એ ઇમારતોનું એક સંકુલ છે. જેમાં મઠીઓ , સાધુઓ અથવા સાધ્વીઓના ઘરેલું નિવાસસ્થાનો અને કાર્યસ્થળોનો સમાવેશ થાય છે , પછી ભલે તે સમુદાયોમાં રહેતા હોય કે એકલા ( સંન્યાસી ). મઠમાં સામાન્ય રીતે પ્રાર્થના માટે અનામત સ્થાનનો સમાવેશ થાય છે. આવા જ એક મઠની સ્વામીજીએ અહીં ચર્ચા કરી છે.
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 47."ધ્રુવેશ્વર મઠમાં
ઉત્તમ પુરુષોથી સમાજ તેજસ્વી થતી હોય છે અને અધમ પુરુર્ષોથી સમાજ ઝાંખો પડતો હોય છે. પ્રત્યેક સમાજમાં સમય સમય પર ઉત્તમ પુરુષ થતા જ રહ્યા છે, અને અધમ પુરુષો પણ ક્યાં નથી થયા? ઉત્તમતા ઉપદેશોથી નથી આવતી, તે જન્મજાત હોય છે. ઉપદેશોનું કામ નવનિર્માણ નહીં, પણ જે કાંઈ છે તેને મઠારવાનું હોય છે.
કાશીમાં મારે દક્ષિણામૂર્તિ મઠની શાખા ધ્રુવેશ્વર મઠમાં રહેવાનું થયું. આ બંને મઠના અધ્યક્ષ ત્યારે સ્વામી નૃસિંહગિરિજી હતા. તેમણે પ્રાચીન મઠોમાં નવી નવી પાઠશાળા ખોલેલી અને ખૂબ સારી વ્યવસ્થા સાથે સંન્યાસી વિદ્યાર્થીઓને રહેવા-જમવા તથા શિષ્યવૃત્તિ સુધ્ધાંની સગવડ આપવા માંડી હતી. સ્વામી નૃસિંહગિરિજી ઉત્તમ પુરુષ હતા. ધીર-ગંભીર, દયાળુ, પ્રેમાળ, મિલનસાર, સહનશક્તિવાળા, સહિષ્ણુ અને સ્વજનોના ઉત્કર્ષ માટે ચિંતા કરનારા હતા.
તેમની પાસે વિશાળ શિષ્યવર્ગ હતો, પૈસો હતો પણ જરા પણ છેતરવાની વૃત્તિ કે ઢોંગ ન હતો. તેમની ભાષા સીધી-સાદી અને સરળ હતી. પરંપરા પ્રમાણે તેઓ વેદાન્તની કથા કરતા, બહુ ધીમી ગતિથી બોલતા, પણ જે કાંઈ બોલતા તેમાં આકર્ષણ રહેતું. તેઓ ગુણપ્રેમી અને ગુણગ્રાહી હતા. તેમણે અનેક ઉત્તમ વિદ્વાન સંન્યાસીઓનો સંગ્રહ કર્યો હતો, તથા નાના મોટા દરેક સાધુની ચિંતા કરતા. તેમના વ્યક્તિત્વમાં નિખાલસતા અને નિરભિમાનિતા ઝલકતી. તેઓ વર્ષમાં એકાદ-બે વાર કાશી આવતા પણ અમારા સૌ ઉપર તેમની ખૂબ સારી છાપ પડતી. જોકે તેમની કૃપાથી આગળ વધેલા કેટલાય વિદ્વાનોએ પાછળથી તેમના આત્માને દૂભવ્યો હતો. તો પણ એક માયાળુ માતાની માફક તેમણે પ્રેમથી સહન કર્યું અને અંત સુધી સૌનું ભલું ઈંચ્છ્યું.
ધ્રુવેશ્વર મઠ બહુ પ્રાચીન મઠ હતો. બાંધકામ પથ્થરોનું. કાશીમાં ગરમી સખત પડે. રાતના બાર વાગે પણ લૂ ચાલતી હોય. પથ્થરોનાં મકાન તપી જાય. પાછલી રાતના પાંચ-છ ક્લાક શાંતિ થાય. બાકી ગરમી જ ગરમી. ધ્રુવેશ્વર મઠમાં રહીને મેં મધ્યમા પ્રથમ વર્ષની વ્યાકરણની પરીક્ષા આપી. પ્રભુકૃપાથી પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો. મને રાષ્ટ્રીય, પ્રાન્તીય અને ગૂર્જર છાત્રવૃત્તિ એમ ત્રણ ત્રણ શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત થઈ. આ ત્રણે શિષ્યવૃત્તિઓ છેવટ સુધી સાચવી શકાઈ. પ્રત્યેક વર્ષે હું પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થતો રહ્યો. ભણવામાં મારી તીવ્ર તાલાવેલી હતી. અર્થાત્ વિષયની સરળતા થવા લાગી હતી. વ્યાકરણની સાથે ન્યાય તથા સાહિત્ય જેવા વિષયો પણ ભણવા મળતા હતા.
આભાર
સ્નેહલ જાની