Emptiness in Gujarati Short Stories by khushi books and stories PDF | ખાલીપો

The Author
Featured Books
Categories
Share

ખાલીપો

રવિવારની સવાર હતી,ઘરમાં શાંતિ હતી. રસોડાના ખૂણામાં દાદીમા સ્ટીલના પાટલા પર બેસીને રોટલી વણી રહી હતી. ઘૂંટણમાં દુખાવાના કારણે ઊભા રહી શકાતું નહોતું, પણ જીવનની આદતો તો શરીરથી વધારે દૃઢ હોય છે. ક્યારેક રોટલી બળી જાય, તો ક્યારેક કાચી રહી જાય — પણ હાથ રોકાતા નહોતા, 

દાદીમાની આંખોની અંદર અસંખ્ય સ્મૃતિઓ ઘૂમતી. 

તેટલામાં દાદાજી બહારથી આવ્યા. બારણું ધીમે ખોલી ઘરમાં પ્રવેશ કર્યો.

“હું લાઉ થાળી?” તેમણે પૂછ્યું.

દાદીમાએ થાકેલા, પણ સહજ હાસ્ય સાથે માથું હલાવ્યું. દાદાજી  જમવાનું લઈને જમવા બેસ્યા— રોટલી, શાક, દાળ અને પાપડ. બંનેએ પલંગ પાસે બેઠા-બેઠા જમવાનું શરૂ કર્યું.

જમતાં જમતાં દાદીમાની આંખો ભીની થઈ ગઈ.

દાદાજીએ નરમ અવાજે પૂછ્યું: “રમીલા… શી વાતે રડી ગઈ?”

દાદીમાએ કંપતી અવાજે કહ્યું:

“બન્ને છોકરાઓ… બન્ને વહુઓ… બંગલા, કાર, ધંધા બધું છે, પણ આપણે આજે અહીં રોટલા રળીએ છીએ — એક ખૂણે, એકલાં… ન તો કોઈ પૂછે છે કે કેવી રીતે છીયે, ન કોઈ કહે છે કે ‘આજે હું રાંધી લઉં.’ અને તમે પણ… આ ઉંમરે પણ બહાર જઈને કામ કરો છો… દિલ દુખે છે.”

દાદાજી હળવી રીતે હસ્યા, જેમ કે પોતે આવી વાતો સાંભળવામાં પારંગત બની ગયા હોય:

“અરે રમીલા, કામ તો બહુ કર્યું જુવાનીમાં… હવે તો કેવળ ટેવ છે. કમાયેલું ભાણું ચાલે છે. એ આપણા ભાગ્યે છે કે હજી આપણને પોતે જ રાંધી ને ખાઈ શકાય છે. બીજાં તો આખા દિવસ બેડ પર હોય છે…”

એ વખતે ઘરમાં હલકી ચહલપહલ થઈ. મોટી વહુ આવી. રસોડાની બહાર ઊભી રહી. થોડીવાર જોયું કે શું ખાધું છે કે નહિ. પછી અંદર પ્રવેશ કર્યો.

“અરે મમ્મી, પપ્પા… તમે જમી લીધું ? હમણા જ મોકલાવવાનું હતું.” — અવાજમાં ઔપચારિકતા હતી, લાગણી નહિ.

દાદાજી થી બોલી પડ્યું: “એક વાગી ગયો પછી તો… જાણે છે ને કે અમે સમયસર જમીએ.”

વહુએ કહ્યું: “ઘર મોટું છે ને મમ્મી… બધું પહોંચી વળતાં વિલંબ થઈ જાય. હવે તો શાંતિથી રહી શકાય છે.તો પણ બંને દેરાણી-જેઠાણીને અલગ કરવામાં બહુ વાર કરી તમે હવે. હવે બધું સરળ છે — મારી પાસે તમારી ૫૦% સંપતિ જીંદગી હવે સંસ્થિત થઈ ગઈ છે.”

દાદીમા સંવાદ સાંભળી નીશબ્દ રહી ગઈ.

એના માટે ઘર કદી “વિભાજન” થતું નહોતું. ઘર એટલે એકતાની જમીન હતી, જ્યાં દીવાલો વચ્ચે લાગણી વહી જતી. આજે એ ઘર હિસ્સામાં વહેંચાઈ ગયું હતું… ને ભાવનાઓ ભાગી ગઈ હતી.

દાદાજી બૂમ વિના દંભ તોડી દેતા કહે છે:

“અરે, ઘર વહેંચાયું પણ સંબંધો ન વહેંચાય તો સારું… પણ હવે એ જ ક્યાં રહ્યા છે?”

વહુ થોડીવાર ઉભી રહી. પોતે કંઈ ગુનો કર્યો હોય એવું તો એને લાગતું ન હતું — એને “વ્યવહાર” સાચો લાગતો હતો.

જતાં જતાં કહ્યું:

“કોઈ કામ હોય તો કહેજો મમ્મી…”

વહુ ઊભી રહી, થોડી ક્ષણો ચુપ રહી… અને પછી ચાલતાં બોલી:

“હવે તો બધું વ્યવસ્થિત છે ને… તો તમે બંને પણ આરામ કરો.”

વહુ નીકળી ગઈ. ઘરમાં ફરીથી શાંતિ ફરી વળી.

દાદીમાએ પલંગ પર પડેલો દુપટ્ટો ઊંચકીને માથા પર ઢાંકી લીધો. પાંસળીમાંથી નમ ઊંડા શ્વાસ નીકળી ગયો. આંખો ઉઘાડી હતી, પણ નજર અંદર નહોતી રહી.

એ બોલી પણ નહિ… પણ દાદાજી સમજી ગયા.

દાદીમાની આંખોથી પડતાં કેકાંસા શબ્દો ભેદી રહ્યા:

“હાં… હવે બધું શાંતિમય છે…

પણ અહીં — અહીં ખાલીપો છે. એવવો ખાલીપો કે જ્યાં હવે સૂર્ય પણ અધૂરો ઊગે છે…”

દાદાજી મૌન રહ્યા. એમના હાથ દાદીમાના હાથ પર રાખી દીધા. ન કશું પૂછ્યું, ન કશું કહ્યું. બસ… એ હાથોની સપાટીમાં સહારો હતો. સાવ નરમ, પણ ઘણો ઊંડો.


માત્ર ખાલીપો… ને એ ખાલીપામાં જૂની યાદોની ધૂંધ સરી રહી હતી.