આ ફેસબુક પર, દીકરી અને દીકરા વિશે વાંચીને હવે થાક લાગે છે. ફેસબુક જાણે એક “ફજેતો” છે. ગાંડુ ઘેલું લખવાની આદત પડી ગઈ છે. જો જરા વિચાર કરીને લખીએ તો કેટલું નવું જાણવા મળે. આપણામાં રહેલી સુપ્ત ભાવનાને વાચા મળે છે.
મળ્યા વગર ઘરોબો રચાય એ ‘ફેસબુક’.
એકબીજાની લખેલી વાત દ્વારા નજીકનો અનુભવ થાય એ “ફેસબુક”.
જીવનમાં મળવાનો કોઈ સંભવ ન હોવા છતાં આતુરતાપૂર્વક રાહ જોવાય , એ “ફેસબુક”.
ન મળવા છતાં નિકટતાનો અહેસાસ થયો એ ,”ફેસબુક”.
હવે લખતાં વિચાર કરવો પડે એ ફેસબુક પર.
‘ પરણ્યા એટલે દીકરી આમ ને લગ્ન પછી દીકરો આમ’ ! આવી પાયા વગરની વાતો સાથે શું લેવા દેવા. શું લગ્નની પ્રથા “ગઈ કાલથી" શરૂ થઈ છે ? શું આપણે પરણ્યા ત્યારે આવા વિચાર ધરાવતા હતા. લગ્ન એ બે દિલોનું મિલન છે. લગ્ન સમજણ પૂર્વક કરવામાં આવે છે. લગ્નના પવિત્ર બંધનમાં બંધાવું એ લ્હાવો છે. લગ્ન કરીને છોકરો અને છોકરી બેમાંથી એક બને છે. લગ્ન ઢીંગલા અને ઢીંગલીના ખેલ નથી ! એ કોઈ તમાશો નથી. લગ્નએ પતિ અને પત્ની વચ્ચેના પવિત્ર સંબંધ સાંધતી કડી છે. લગ્નની વિધિ દરમિયાન બન્ને વચ્ચેના ઉગ્ર મત ભેદની વેદીમાં આહુતિ અપાય છે. સમજણની સુગંધ ચારે તરફ ધુમાડા રૂપે પ્રવર્તે છે.
શામાટે લગ્ન પછી બેમાંથી કોઈની પણ દયા ખાવી. જો એવી પરિસ્થિતિ લાગતી હોય તો લગ્ન ન કરવા ઉચિત છે ? બાકી લગ્ન કર્યા પછી, દીકરીને સાસરે આમ, ને દીકરીના સાસરિયા આમ . તો પછી કૂવામાં નાખી શીદને? આ બધા કેવા સડેલા મનના વિચાર છે. આજુબાજુની પરિસ્થિતિ મનનો ઉપદ્રવ દર્શાવે છે.
‘દીકરો પરણાવીને હું શું પામી?’ ‘આવે વહુને જાણે સહુ”. આવા વાક્યો શોભાસ્પદ નથી.
દીકરો પરણાવીને આવનારને જો સુખ ન દેવું હોય તો દીકરો પરણાવ્યો શાને? અરે, ઘરમાં કુમકુમના પગલા પાડતી વહુ લાવ્યા. તેને અરમાન હોય. હા, તેના માતા અને પિતાના ઘરથી અલગ માહોલ હોય. તે કાંઈ આજકાલનો છે ? તમારી પત્ની [પરણીને] આવી ત્યારે તેને પણ આ અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું. તેમાં ઉત્સાહ હતો, કારણ પરણ્યો પ્યાર કરતો હતો. નવા માહોલમાં ગોઠવવાની તમન્ના હતી.
“પિયર, આણામાં લઈને સાસરે ન જાય !”
સાસરું, એ કાંઇ જેલખાનું નથી. સાસુ અને સસરા કાંઈ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ નથી. માતા પિતા દીકરીના કાન ભરમાવી તેમના જીવનમાં અશાંતિનું સામ્રાજ્ય ફેલાવે છે.
જેમ દીકરીને પોતાના ભાઈ બહેન વહાલાં હોય તેમ પરણનાર દીકરાને પણ તેના ભાઈ અને બહેન વહાલાં હોય.
યાદ રાખવું આવશ્યક છે કોઈ પણ માતા ગર્ભમાં ,દીકરો હોય કે દીકરી નવ મહિના તેને પ્રેમથી પોષે છે. ખૂબ પ્યારથી તેનું જતન કરે છે. ત્યારે તેને ખબર પણ નથી હોતી કે પોષાઈ રહેલું પારેવડું , દીકરો છે યા દીકરી ? હા, એ તો હવે સોનોગ્રામમાં એ શક્ય બન્યું છે. આપણા દેશમાં તે ગેર કાનૂનિય પગલું છે .
માત્ર દીકરીની દયા ખાવી એ ક્યાંનો ન્યાય. જો દીકરી આટલી બધી વહાલી હોય તો તેને સાસરે ,’જેલમાં’ શું કામ મોકલે છે ? દીકરી વિદાય કરી. હવે તેને હોંશે હોંશે તેનો સંસાર સજાવા દ્યો. કારણ અકારણ તેના ઘરે જઈ ન ટપકો.
આ વાત દીકરાના માતા પિતાને પણ સમાન રીતે લાગુ પડે છે.
નાનપણમાં ભણી હતી, બ્રહ્મદેશમાં દીકરો પરણીને સાસરે જાય છે. જો કે આપણે ત્યાં તેને ઘરજમાઈ કહેવાય છે. ખેર, એવું થાય તો દીકરીને કોઈ વિઘ્ન નહીં નડે.
આ વિષય ખૂબ ગહેરો છે. તેને મજાક બનાવવામાં આવ્યો છે. પરિણામ સહુને વિદિત છે. જો દીકરો પરણીને શાંતિથી પોતાનું ઘર વસાવી અને તેની પત્ની સહુનું માન સનમાન જાળવે તો ક્યાંય કશું અજુગતું બનવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.
એ પ્રમાણે દીકરી પરણીને માતા તેમજ પોતાના ઘરના સંસ્કાર દીપાવે અને તેનો પતિ સહુને ઈજ્જત તથા પ્યાર આપે એમાં ખોટું શું છે? આમાં બન્નેની ભલાઈ છે. સુંદર ,સંસ્કારી બાળકનું ઉજ્જવળ ભવિષ્ય તેમાં છુપાયેલું છે.
આપણા સમાજમાં દીકરીને લાડ લડાવે અને સાથે કહેવામાં આવે , આમ થાય , એમ ન થાય. મોટા થઈને પરણીને સાસરે જવાનું છે’ .સાસરું જાણે દોઝખ ન હોય ?
દીકરો કે દીકરી એ તો ઈશ્વરની પ્રસાદી છે. એ પ્રસાદ હમેશા પુણ્યશાળીને પ્રાપ્ત થાય છે. તે ગરીબ ખાય કે તવંગર ખાય બન્નેને તેમના સરખો સ્વાદ આવે છે. તેમાં કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી. બન્ને એકબીજાના પૂરક છે. માનવની અંદર આદર ભાવ , સનમાન, લાગણી, પ્રેમ અને એકબીજા પ્રત્યે સદભાવના હોવું અત્યંત જરૂરી છે.
દીકરો હોય કે દીકરી તેમના દિલ અને દિમાગ ખૂબ સાફ અને પવિત્ર હોય છે. તેને ડહોળવા માટે પિતા ,તેમ જ માતાના પ્રયત્નો કાફી છે. તેને જીંદગી પોતાની રીતે જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. તેઓ સુખી રહે તેવી મનોકામના અને અંતરના આશિષ દરેક માતા અને પિતા આપતાં હોય છે.
મારી એક મિત્ર છે. અમેરિકામાં જન્મેલા બાળકોને ભારત જઈ પરણાવ્યા. થયું સારા સંસ્કારવાળા બાળકો આવશે અને સંસાર દીપી ઉઠે. દીકરાની વહુ અમેરિકા આવી ભણી ગણી , બંને એ જુદો સંસાર માંડ્યો. હનીમૂન પર પેરિસ ગયા. અડધું અમેરિકા ફર્યા. પહેલીવાર ભારત, માતા અને પિતાને મળવા ચાર વર્ષ પછી ગઈ. ગ્રીન કાર્ડ મળી ગયું હતું. બસ, પાછી જ ન આવી. તેને કોઈની સાથે પ્રેમ હતો. તેને અમેરિકા આવવું હતું. ગ્રીન કાર્ડ મળ્યા પછી પ્રેમી સાથે ભાગી ગઈ.
હવે આવી દીકરીને શું કહેવું?
તેની દીકરી અમેરિકામાં જન્મી હતી. ભારતનો ડોક્ટર છોકરો પસંદ કરીને પરણાવ્યો. અમેરિકા આવ્યો. છોકરી એમ. બી.એ. હતી ખૂબ સરસ કમાતી હતી. પાંચેક વર્ષમાં રેસિડન્સી કરી અને સ્પેશ્યાલિસ્ટ થયો. હાથમાં ગ્રીન કાર્ડ આવ્યું સહુ પ્રથમ પત્નીને ડાઈવોર્સ આપ્યા. પાંચ વર્ષમાં તેને ઢગલે પૈસા ખર્ચ્યા હતા. પ્રેમ કર્યો હતો એની કોઈ વિસાત નથી. હવે આવા દીકરા કોના દી’ વાળે.
ન બહુ દીકરાના વખાણ કરો ન દીકરીને પંપાળો. ૨૧મી સદી છે. તેના પાયામાં સાચું અને સારું શિક્ષણ આપો. જીવનના મૂલ્ય બચપનથી સમજાવો. આદર અને સન્માનની ભાવના કેળવો. બાકી દીકરા શું કે દીકરી શું , કોઈ સાથે આવવાનું નથી ! કોઈ સ્વર્ગે લઈ જવાનું નથી.
કોઈ દિવસ, દીકરી કે દીકરાના દિલની ભાવના જાણવાનો પ્રયત્ન કર્યો છે ? તેમના મનમાં શું છે ? તેઓ શું ઈચ્છે છે. બસ, આ બધી કડાકૂટ તેમના માતા અને પિતાને છે. ભાઈ, મૂકોને પંચાત, ” મીયા બીબી રાજી તો ક્યા કરેગા કાજી”? બંનેને પોતાના માતા તેમજ પિતા વહાલા છે. તેને શિખામણ આપો વડીલોની આમન્યા જાળવે. તેમના લીધે તમે છો.
“અરે, મમ્મીને આવવા દો. જરા તુલસીમાં પાણી રેડવા ગયા છે. બધા ડાઈનિંગ ટેબલ પર બેઠા હતા. એક તો મમ્મીને ચાલતા જરા વાર પણ લાગે. ” આ શબ્દો ઘરની લક્ષ્મી (વહુરાણીના) હતા.
‘હવે મમ્મીનું કામ મારા માટે જરા અઘરું થઈ ગયું છે. તેને લીધે આપણને વેકેશનમાં જવાની અડચણ પડે છે.’ રેખા અને રોહિત વાત કરી રહ્યાં હતાં. રોહિતના મમ્મી અને પપ્પા બે વર્ષ પહેલા વિદાય થઈ ચૂક્યા હતા. રેખા એકની એક એટલે મમ્મી તેની જવાબદારી. પપ્પાની કરોડોની મિલકતની વારસદાર. રેખાએ નક્કી કર્યું, મમ્મીને સારામાં સારા નર્સિંગ હોમમાં મૂકવા. બધું નક્કી કર્યું. મમ્મી એ તો બોલવાની બાધા રાખી હતી. બોલ્યે ફાયદો પણ શું હતો ? થોડી પરવશતા આવી ગઈ હતી. મમ્મીને નર્સિંગ હોમમાં બધી સગવડતા કરી આપી. અઠવાડિયા પછી રોહિત સાથે રશિયાની ટૂરમાં નિકળી ગઈ.
“બાળકોને સુખે જીવવા દો. વડીલો તો આજે છે ને કાલે નથી. મૂકો પળોજણ અને ,જુઓ આ સામે માળા છે. ઈશ્વરનું નામ લેવાનું શરૂ કરો” !!!!!