અટલ ટનલ, સ્પીતિમારા ગુડગાંવ સ્થિત પુત્રે એપ્રિલ 2025 માં મનાલી અને સાથે અટલ ટનલ દ્વારા લાહુલ સ્પીતિ ની મુલાકાત લીધી. આ વર્ણન તેણે કર્યા મુજબ છે. ચાલો આપણે પણ તે સ્થળની મુલાકાત લઈએ.મનાલી મુક્યા પછી થોડી જ વારમાં રસ્તાની બેય બાજુ સ્નો એટલે બરફ ખરો પણ સફેદ ભૂકા જેવો, તેની ચાદર આવતી રહી.રસ્તા પર પણ ક્યાંક કાળો ડામર તો ક્યાંક સફેદ બરફનું લેયર આવતું રહ્યું. વાહનો સાચવીને, નિર્ધારિત ઝડપે અને એકબીજાથી યોગ્ય અંતર રાખી જતાં હતાં.એક જગ્યાએ થોડી જ મિનિટ કાર ઊભી. બહાર તો પૂરા કવર થયા વગર નીકળાય એમ જ ન હતું. હા, ઠંડી ખૂબ હતી પણ પવન નહીં. આગળ ગયાં. હવે શ્વાસ લેવામાં સહેજ તકલીફ, જોર કરી ઊંડો શ્વાસ લેવો પડતો હતો કેમ કે અમે અત્યારે 10,700 ફૂટની હાઇટ પર હતાં. ઓક્સિજનની કમી વર્તાવા લાગેલી.પહેલો મુકામ સોલંગ નામનું ગામ આવ્યું.સારું ટુરિસ્ટ પ્લેસ છે. અહીં ગેમ સ્વેટરો, કોટ, અન્ય યાકના વાળમાંથી બનેલી ચીજો વગેરેની બજાર હતી. માણસો મળતાવડા અને પ્રમાણિક લાગ્યા.દુકાનો પર મોટા અક્ષરે નંબરો લખેલા જેથી ક્યાંથી વસ્તુ લીધી એ આપણને યાદ રહે બદલાવવા કે ફરિયાદ માટે જવું હોય તો એ ફોન નંબર સાચવ્યો હોય કે ફોટો પણ હોય તો પહોંચી શકાય.અમુક જગ્યાએ સફેદ રુંવા વાળાં યાક લઈ લોકો ઉભેલા. ઘણાખરા લોકો યાક પાસે ઊભીને ફોટા પડાવતા હતા.બધી જ દુકાનોમાં ગવર્નમેન્ટ એપ્રુવડ રેટ થી ગરમ કપડાં મળતાં હતાં. એ સાથે 250 રૂ. જેવામાં ભાડે પણ મળતાં હતાં. આ ઠંડીમાં ફરવા આખું શરીર ઢંકાય એવા સૂટ મળતા હતા જે ચેઇન થી બંધ કરવાના હતા. ડ્રેસ ઉપર ગળાં પાસેથી છેક પગ સુધી ચેઈનથી બંધ કરવાનો. અહીં સ્નો ખૂબ જ લપસણો હોય છે. ગામડાના રસ્તે કે ખેતરમાં જોઈએ છીએ એ કાદવ કરતાં પણ ઘણો વધુ. એમાં ચાલવા ખાસ જાતના ગમ બુટ લેવા જ પડે એમ હતું.એક વાતે ધ્યાન ખેંચ્યું, આ સંપૂર્ણ ચેઇન વાળા ડ્રેસમાં વોશરૂમ જવાની ખૂબ તકલીફ પડતી હતી. સાથે પોણાચાર ફૂટનો સાત વર્ષનો પુત્ર હતો. એના માપનો આવો ડ્રેસ તો મળ્યો પણ એને વોશરૂમ જવા ડ્રેસ ખોલવો એટલે ખૂબ અઘરું. બધા6 બાળકો માટે મા બાપો ને આ તકલીફ પડતી હતી.અહીં જાતજાતની એડવેન્ચર સ્પોર્ટ્સ ઘણી હતી. એક ચેઇન પર લટકી ખીણ ઓળંગી સામે જવાનું અમે એ સાત વર્ષના છોકરા સાથે સફળતાથી કર્યું.હવે આગળ જવા મોટર વે સાથે એક તરફ સતત સ્નો ચાલ્યો આવે તો બીજી તરફ ઊંચા ખડકો ચાલ્યા આવે. રસ્તા ફિલ્મોમાં જોઈએ છીએ એવા જ ઘુમાવદાર. એ ખડકો અને સ્નો વચ્ચેથી પસાર થવાનો અનુભવ અલગ જ હતો.હજી આગળ ગયાં. સોલાંગ ની જેમ જ અહીં ઊભી શકાય એવી જગ્યાઓએ ઠેરઠેર સ્પેશ્યલ જાતની ગરમ મેગીના ઘણા સ્ટોલ અને કુલ્લડ ચા તથા ગરમ પીણાં પૂરતાં મળે છે. એ પીણા શાકાહારી હોય છે અને પીવો એ સાથે ગરમાવો આવી જાય છે. કુલ્લડ ચા અને વરાળ નીકળતી મેગીની મઝા અહીં લો તો યાદ રહી જાય.થોડી વારમાં અટલ ટનલ આવી પહોંચી. દાખલ થવા લાઇન સારી એવી હતી પણ ફટાફટ આગળ વધતી હતી.અટલ ટનલનું મેન્ટેનન્સ ખૂબ જ સારું હતું, વચ્ચે વચ્ચે અંધારું આવે ત્યાં વાસણ પહોંચે એટલે આપોઆપ લાઈટ થાય. પૂરતી રોશની સાથે અંદરનો સારો એવો પહોળો રસ્તો હતો. આખી કાળમીંઢ ખડકમાંથી ખોદી કાઢેલી. એન્જિનિયરિંગ માર્વેલ. ક્યારેક આ રીતે બરફ જામી જતાં ટનલ બંધ પણ થાય પણ તરત જ થોડી વાર, ક્યારેક મિનિટો ક્યારેક કલાક બે કલાકમાં ચાલુ થઈ જાય. ટનલ પૂરી થતાં જ એકદમ અજવાળું આવ્યું અને બીજી તરફ ખૂબ ઊંચાઈ પર આવેલું લેહ નું સ્પીતિ શહેર આવ્યું.સોલંગ પાસેથી નીકળી ખાસ આ અટલ ટનલ ક્રોસ કરી લેહ લદાખનું સ્પીતિ જોયું. એ જિલ્લા મથક છે. પથ્થરો એક પર એક મૂકી મકાનો બનાવ્યાં છે.એ સ્પીતિ શહેર પહેલાં સી સુ (sissu) વેલી આવે છે. એ જગ્યા એડવેન્ચર સ્પોર્ટ્સ અને ખાસ તો સ્કીઇંગ એમઅતિ લોકપ્રિય બની ગઈ છે.અહીંની અને. સોલાંગ નજીકની જગ્યાઓએ રસ્તા પર અને જમીન પર જામતો બરફ ઘઉંના દાણા જેવી ચપટી કણીઓ નો બનેલો હોય છે. ખૂબ જ સ્નિગ્ધ , સ્મૂધ. લોકો એનાથી સ્નો મેન, ઘર વગેરે બનાવવાની મઝા લેતાં હતાં. આપણે તિથલ કે ચોરવાડના દરિયે રેતીમાંથી બનાવીએ તેમ. મુઠેથી કે નાના રમકડાના પાવડેથી સ્નો લાવવાનો અને બે હાથે બનાવવાનું.બનાવતી વખતે હાથમોજાં નીકળી જાય કે ભીનાં થાય એટલે બાળકો પાછળ મા બાપ સતત વ્યસ્ત રહેતાં હતાં. હાથમોજાં વારંવાર નીકળી જવું આ બનાવવામાં સ્વાભાવિક હતું.અહીં સ્નો પર વોક કરવા ગયાં. ચાલતી વખતે એ ધ્યાન રાખવાનું કે પગ ખૂંપી ન જાય કે પડી ન જવાય. સ્નો શીરા જેવો લસલસતો પણ ઊંડો હોય. સહેજ જ ગફલતમાં ખૂંચી ગયા સમજો.સી સુ વેલી પર એડવેન્ચર સ્પોર્ટ્સમાં ચીનાબ નદીના એક થી બીજા છેડે ચેઇન પકડી કેબલ પર લટકીને જવાનું હતું . એક તરફ તમને ચેન અને બેલ્ટ બાંધીને નાનું ચડાણ ચડાવે, ત્યાંથી બીજી તરફ લટકીને, એ બેલ્ટ સાથે આપેલ સેડલ જેવી સીટ પર બેસી નદી ઉપરથી જવાનું.સ્કીઇંગ માટે સ્કી બોર્ડ અને બે લાંબાં પાટિયાં સાથે બે સ્ટીક આપે. સહેજ આગળ ઝૂકીને જવાનું. બે પગ ભેગા થવા લાગે તો બોર્ડ પગમાં અટવાઈને મોં ભર પડો. જો સહેજ વધુ લપસ્યા તો સ્નો માં પડો. જોર કરી ઊભા થવા જાઓ એમ તો વધુ ખૂંચો. સ્કી બોર્ડ સાથે બેય બાજુ લાકડી લઈ જતાં એ ધ્યાન રાખવાનું કે પગ X આકારમાં ઉપર લબડ્યા કરે. સ્કીઇંગ માં ક્યાંક સહેજ જ જોર થઈ જાય કે ચડતો ઢોળાવ ખ્યાલ ન આવે તો સરખા એવા ઉપર ઉછળો અને ગડથોલીયું ખાઈ નીચે મોં ભર પડો એટલે સ્કીઇંગ ફોટાઓમાં દેખાય એવું સરળ નથી.ઊંચાઈ પર ઘણાને ઓચિંતું હવાના લો પ્રેશર ને કારણે હાંફ ચડે, હૃદયના ધબકારા ભયજનક રીતે વધી જાય કે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે એવું થવા લાગે છે. એ વખતે બધી પ્રવૃત્તિ બંધ કરી થોડો વખત બેસી રહેવું અને તરત નીચે તરફ જવા માંડવું.અમને પણ હાર્ટ બીટ એક તબક્કે 140 ઉપર પહોંચી ગયેલા. થોડું બેસી ઊંડા શ્વાસ લીધા કરવા સિવાય બીજો ઉપાય ન હતો એ નોંધ્યું કે અટલ ટનલના બનવાથી બીજા છેડે આવેલ સ્પીતિ શહેર નો ટનલ ને કારણે ખૂબ વિકાસ થયો છે. એ સિવાય એ ખૂણે આવેલું અવિકસિત ગામ હતું. હવે રીતસર શહેર લાગે છે.આ મઝા માણી ફરીથી ટનલ ઓળંગી સોલાંગ જઈ ત્યાં થી મનાલી પરત આવ્યાં.***