એક દિવસ ગલગોટી, તેની બા અને ભાઈ સાથે તેના નાનાજીની હોટલે જાય છે. આ વાત ત્યારે છે જ્યારે ગલગોટીના મામાના લગ્નને હજી એક-બે વર્ષ જ થયા હશે. મામા અને મામી તેમની દરિયાકિનારાવાળી હોટલે રહેવા જાય છે, ત્યારનો આ પ્રસંગ છે.
મુંબઈ જેવા શહેરમાં એકદમ દરિયા સામે 'વિશ્રામ હોટલ' નામની એક જૂની અંગ્રેજ શૈલીની હોટલ આવેલી છે. હોટલને બે માળ છે. નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર અમુક કારણોસર વેચી નાખવામાં આવ્યો હતો, તેથી ઉપરની હોટલમાં જવા માટે પાછળથી એક દાદરો હતો.
પાછળના દાદરા પાસે એક નાળિયેરવાળાની નાની હાટડી હતી, જે લીલા નાળિયેર વેચતો હતો. બરાબર તેની સામે, રોડની બીજી તરફ, એક મુસ્લિમ ફેમસ કુલફીવાળાની દુકાન હતી.
હોટલમાં જવા માટે નાળિયેરવાળાની કેબિનની બાજુમાંથી એક લાકડાની સીડી ઉપર તરફ જતી હતી. ઉપર જતાં એક મોટો હોલ હતો, જેમાં ઘણાં ખુરશી-ટેબલ ગોઠવેલાં હતાં. ત્યાંથી ઉપરથી જોતાં ચોપાટીનો નજારો ખૂબ સુંદર લાગતો હતો. થોડુંક અંદર જતાં, એક રૂમમાં મોટું ફ્રીજ અને બીજો ઘણો સામાન હતો. એનાથી પણ અંદર જતાં, એક મોટું રસોડું હતું જ્યાં ઇડલી, ઢોસા, મેંદુવડા, દહીંવડા, તથા ગુજરાતી થાળી બનાવવામાં આવતી હતી. બાજુમાં એક મોટો પેસેજ હતો જ્યાં મદ્રાસી છોકરાઓ બધું કામ કરતા હતા.
ત્યાં એક ગેલેરી હતી. તેને અડીને બાજુની બિલ્ડિંગમાં જવા માટે એક મોટું લાકડાનું પાટિયું રાખેલું હતું. પાટિયા ઉપરથી જાઓ એટલે બાજુના બિલ્ડિંગમાં બે રૂમ અને રસોડા જેવું હતું. આમ તો નાનાજી દાદરમાં રહેતા હતા, પણ હોટલ ચોપાટીમાં હોવાથી તેઓ રોજ આવતા-જતા હતા. હવે મોટા મામા અને મામી ચોપાટીવાળી હોટલમાં રહેવા આવી જાય છે, એટલે બા મામાને મળવા ત્યાં જાય છે અને ગલગોટી અને તેનો ભાઈ પણ તેની સાથે જાય છે. ગલગોટીને તેના નાનાજી અને નાનીમા ખૂબ લાડ લડાવતા અને તેના તોફાનને સહન કરતા.
નાનાજી દેખાવે ખૂબ જ જાજરમાન લાગતા હતા. રેશમી ધોતિયું, ઉપર સિલ્કનો ઝભ્ભો અને ઝભ્ભામાં સોનાના બટન, એના ઉપર કાળો લાંબો ડગલો, માથે ટોપી, ગળામાં લાંબી સોનાની રુદ્રાક્ષની માળા, કપાળે ચંદનનું તિલક અને પગમાં કાળી મોજડી. તેઓ ઊંચા, રૂપાળા અને શાંત સ્વભાવના હતા.
બા નાનાજીને મળીને પૂછે છે, "બા ક્યાં છે?" નાનાજી કહે છે, "ઓલા ઘરમાં હશે." બા મામા-મામીને મળવા જતી રહે છે અને નાનાજી ગલગોટી અને પવનને ટેબલ પર બેસાડીને બે વેઇટરને ઓર્ડર લેવાનું કહે છે. પવન ઢોસો મંગાવે છે અને ગલગોટી દહીંવડા મંગાવે છે.
વેઇટર ઢોસો લઈને આવે છે. નાનાજી ઢોસો જોઈને ખીજાય છે, "આવો ઢોસો ગ્રાહકને બનાવીને આપો છો?" પછી પોતે અંદર રસોડામાં જાય છે અને પવન માટે ઢોસા બનાવવા લાગે છે. ગલગોટી પણ પાછળ પાછળ જાય છે અને નાનાજીને જોતી રહે છે. નાનાજી સરસ મજાનો ચોખ્ખા ઘીનો ઢોસો બનાવે છે. તેની સાથે ગરમા-ગરમ સાંભાર અને ચટણી લઈ પવનને આપે છે અને કહે છે, "હવે તું આ ચાખ કેવું લાગે છે? જો ના ભાવે તો બીજો સરસ બનાવી આપીશ." ગલગોટીને નવાઈ લાગે છે.
નાનાજી બે-ત્રણ માણસોને અમારી આજુબાજુ ઊભા રાખીને કહે છે કે આ બે છોકરાઓને જે કંઈ જોઈતું હોય તે આપવાનું છે. અને બીજા ગ્રાહકોને પૂછે છે, "ખાવામાં કંઈ વાંધો તો નથી ને? બધું બરાબર છે?" ગ્રાહકો ખુશ થતાં કહે છે, "બધું સ્વાદિષ્ટ છે, કંઈ વાંધો નથી."
આટલા મોટા નાનાજી રસોડામાં જઈને અમારા માટે કેવું કામ કરે છે, તે જોઈને ગલગોટી આશ્ચર્ય સાથે જોતી જ રહી જાય છે. પછી ગલગોટી નાનીમાને મળે છે.
ગલગોટીને નાનીમા બહુ જ ગમતા હોય છે. નાનીમા કોઈ દિવસ ગલગોટીને ખીજાઈ નહીં. જે જોઈતું હોય તે તરત જ લઈ આપતા. ગલગોટીને તો ત્યાં ગમી જ જાય છે. જે જોઈતું હોય તે સારું સારું ખાવાનું હોટલમાંથી ખાઈ લે છે. સામે દરિયો હોય છે તે ગેલેરીમાંથી સરસ મજાનો દેખાતો હોય છે, તે જોયા રાખે. પછી તેને દરિયે જવાનું મન થાય છે. મામા બપોરે સૂતા હતા એટલે નાનીમા મામીને કહે છે, "તું આને દરિયે ફરવા લઈ જા અને જે ખાવું હોય તે ખવડાવજો અને ઘોડા ઉપર બેસવું હોય તો બેસાડજો." પછી નાનીમા મામીના હાથમાં ₹૫૦ આપે છે. મામી ₹૫૦ નાનકડા પર્સમાં રાખી અને ગલગોટીને ફરવા લઈ જાય છે.
મામી સ્વભાવે ખૂબ સારા અને પ્રેમાળ હતા. તેઓ ખૂબ સુંદર લાગતા હતા. મામીના વાળ ખૂબ લાંબા હતા, તેમનો ચોટલો છેક ઘૂંટણ સુધી લાંબો હતો. ગલગોટીને મામીના વાળ ખૂબ ગમતા હતા. મામી ચોપાટી ઉપર ખૂબ મોજ કરાવે છે – પાણીપુરી, સેવપુરી ખવડાવે છે, ઘોડા ઉપર બેસાડે છે, પછી બધી રાઈડ્સમાં બેસાડે છે.
ત્યારે ચોપાટી ઉપર એક પુલ હતો, જેના ઉપર એસ્કેલેટર (ઓટોમેટિક મશીનવાળા દાદરા) હતા. એક દાદરા ઉપર ઊભા રહો એટલે આપમેળે તમે ઉપર જાઓ. મામી તે જોવા લઈ જાય છે. તે ઓટોમેટિક દાદરાને જોવા ઘણાં લોકો આવતા હતા. મામી ગલગોટીને લઈ અને તે દાદરા ઉપર ચડે છે. તે બંને ઓટોમેટિક ઉપર જતા રહે છે. તેમની સાથે એકબીજા બહેન સાડીવાળા આગળ ઊભા હતા. તેમની સાડી તે મશીનમાં ફસાઈ જાય છે અને તે બહેન રાડારાડ કરી મૂકે છે અને ડરી જાય છે. ત્યાં નીચે ઊભેલો એક માણસ મશીન બંધ કરી દે છે. ઓટોમેટિક દાદરા બંધ થઈ જાય છે. તે જોઈને ગલગોટી પણ ડરી જાય છે. પછી અમે ત્યાંથી નીકળી જઈએ છીએ.
મામી કહે છે, "ચાલો હવે આપણે ઘરે જઈએ," પણ ગલગોટી ના પાડે છે. તેને હજી કંઈક જોઈતું હોય છે. મામી કહે છે, "હવે પૈસા પૂરા થઈ ગયા," અને પર્સ ખોલીને બતાવે છે, તેમાં પૈસા હોતા નથી. પણ ગલગોટી માનતી નથી અને મામીની સાડી ખેંચે છે. આજુબાજુ ઊભેલા બધા લોકો તેને જોતા હોય છે.
ગલગોટીને તેની ભૂલ સમજાય છે. તે ભોંઠી પડી જાય છે. મામી ગલગોટીની સામે પ્રેમથી જુએ છે અને કહે છે, "આપણે કાલે પાછા આવશું." અને ગલગોટી છાનીમાની મામી ભેગી વિશ્રામ હોટલે જતી રહે છે.
પાછળથી ગલગોટીની બાને ખબર પડે છે ત્યારે તે ગલગોટીને ખૂબ ખીજાય છે. પણ ગલગોટી કંઈ સમજતી નથી, એ તો બસ તેની મોજમાં જ રહે છે. જ્યારે તે મોટી થાય છે અને બધા કહે છે કે "તું આમ કરતી હતી," ત્યારે તેને સમજાય છે કે બાળપણમાં તે તેના મામીને કેટલી હેરાન કરતી હતી. પણ મામી એટલા સારા હતા કે કોઈ દિવસ ગલગોટીને ખીજાતા ન હતા.
મામીનું હસતું વ્યક્તિત્વ
મામી માત્ર પ્રેમાળ અને સુંદર જ નહોતા, પણ તેમનું વ્યક્તિત્વ પણ ખૂબ જ હસમુખું અને સકારાત્મક હતું. તેમની આંખોમાં હંમેશા એક પ્રકારની ચમક જોવા મળતી, જે તેમના હસતા સ્વભાવને વધુ ઉજાગર કરતી. તેઓ નાના-મોટા સૌ સાથે સરળતાથી ભળી જતા અને તેમની આસપાસ એક આનંદમય વાતાવરણ ઊભું કરતા. ચોપાટીની હોટલના રોજિંદા કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં, તેમના ચહેરા પર ક્યારેય થાક કે કંટાળો દેખાતો નહીં. ઊલટું, તેઓ દરેક કાર્યને ઉત્સાહથી કરતા અને ગલગોટીના બાળપણના તોફાનોને પણ ખુલ્લા દિલે સ્વીકારી લેતા. ગલગોટી માટે મામી માત્ર માસી નહોતા, પણ એક એવી મિત્ર હતા જે હંમેશા તેની સાથે રમવા અને તેને ખુશ કરવા તૈયાર રહેતા.
50 વર્ષ બાદ પણ ગલગોટીના મામી એવા ને એવા જ છે પ્રેમાળ.
(હજી આવા કેટલાય ગલગોટીના તોફાનો છે.)